
આ થિયરીની ખોજ બાદ આઈનસ્ટાઈન આખા વિશ્વમાં જાણીતા બની ગયા હતા. એ જમાનામાં ટેલિવિઝન નહોતાં. લોકો તેમને માત્ર નામથી જ જાણતા હતા. તેમને ચહેરાથી ઓળખતા નહોતા. વિશ્વમાં સુપ્રસિદ્ધ બની ગયા બાદ આઈનસ્ટાઈનને અનેક યુનિવર્સિટીઓમાં પ્રવચનો આપવા માટે બોલવવામાં આવતા હતા.
એક સમયે જર્મનીની એક યુનિવર્સિટીએ આઈનસ્ટાઈનને તેમની થિયરી અંગે પ્રવચન આપવા નિમંત્રણ આપ્યું. યુનિવર્સિટી બર્લિન દૂર હતી. તેઓ એક કારમાં બેસીને પ્રવચન આપવા નીકળ્યા. ડ્રાઈવરે જોયું તો આઈનસ્ટાઈન થાકેલા હતા. ડ્રાઈવરે કહ્યું: `સર, આપ થાકેલા જણાવ છો. આજે યુનિવર્સિટીના હોલમાં આપના બદલે હું આપની થિયરી વિશે પ્રવચન આપું?’
આઈનસ્ટાઈને પૂછ્યું: `તું તો ડ્રાઈવર છે. તને મારી થિયરી વિશે ખબર છે?’
ડ્રાઈવર બોલ્યો: `સર, મેં આપનાં બધાં જ પ્રવચનો સાંભળ્યાં છે. મને થિયરી ઑફ રિલેટિવિટી આખી યાદ છે. હું એ વિષય પર બોલી શકીશ.’
આઈનસ્ટાઈન પ્રયોગોમાં માનતા હતા. તેમણે આજે આ પ્રેક્ટિકલ પ્રયોગ કરવા વિચારીને ડ્રાઈવરને કહ્યું: `ઓ.કે. આજે મારા બદલે તું જ પ્રવચન આપજે!’
યુનિવર્સિટી નજીક આવી એટલે આઈનસ્ટાઈન ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયા અને ડ્રાઈવર પાછળ બેસી ગયો. યુનિવર્સિટીના ગેટ પર યુનિવર્સિટીના કુલપતિ અને વિદ્વાન અધ્યાપકોએ ડ્રાઈવરનો જ આઈનસ્ટાઈન તરીકે સત્કાર કર્યો. ડ્રાઈવરને આઈનસ્ટાઈન સમજી મંચ પર લઈ ગયા અને અસલી આઈનસ્ટાઈન હોલમાં છેલ્લી લાઈનની એક ખુરશીમાં બેસી ગયા.
ડ્રાઈવરે મંચ પરથી આઈનસ્ટાઈન તરીકે પ્રવચન શરૂ કર્યું. આખીયે થિયરી વિદ્વાન શ્રોતાઓને સરસ રીતે સમજાવી પરંતુ પ્રવચન પૂરું થયા બાદ અણધારી રીતે પ્રશ્નોતરી શરૂ થઈ. એક વિદ્વાન અધ્યાપકે થિયરી વિશે અઘરો પ્રશ્ન પૂછ્યો.
હવે પ્રશ્ન એ થયો કે ડ્રાઈવરને થિયરી કંઠસ્થ હતી પરંતુ તેના અનુસંધાનમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આવડતો નહોતો, પરંતુ એક ક્ષણ પણ મૂંઝાયા વિના ડ્રાઈવરે અત્યંત ચતુરાઈથી કહ્યું: `અરે, આ તો સાવ સહેલો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ તો હોલની છેલ્લી હરોળમાં બેઠેલો મારો ડ્રાઈવર પણ આપી શકે તેમ છે.’
એમ કહી ડ્રાઈવરે અસલી આઈનસ્ટાઈનને મંચ પર બોલાવ્યા અને તે મંચ પરથી ઊતરી હોલની છેલ્લી લાઈનમાં બેસી ગયો.
અસલી આઈનસ્ટાઈન ડ્રાઈવરની હાજરજવાબી ને કુશળતાથી ખુશ થતા સસ્મિત મંચ પર આવ્યા અને વિદ્વાન શ્રોતાના અઘરા પ્રશ્નનો સચોટ જવાબ આપી દીધો.
વિદ્વાન વ્યક્તિઓના સાંનિધ્યથી માત્ર જ્ઞાન જ નહીં પરંતુ સંકટના સમયે હાજરજવાબીપણાનું કૌશલ્ય પણ વિકસે છે.
આલ્બર્ટ આઈન સ્ટાઈન વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક હતા. થિયરી ઑફ રિલેટિવિટી અર્થાત્ સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનાર આ મહાન વિજ્ઞાનીની થિયરી પર જ અન્ય વિજ્ઞાનીઓએ અણુબોમ્બ બનાવ્યો. અલબત્ત, આઈનસ્ટાઈન ખુદ અત્યંત શાંતિપ્રિય માનવી હતા. તેમને ખુદને ખબર નહોતી કે તેમણે શોધેલી થિયરીનો ઉપયોગ માનવસંહાર કરવા અણુબોમ્બ બનાવવા માટે થશે.
આલ્બર્ટ આઈનસ્ટાઈન યહૂદી પરિવારમાં તા.૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ જર્મનીમાં જન્મ્યા હતા. વિશ્વમાં આઈનસ્ટાઈન જેવો કોઈ તીવ્ર બુદ્ધિશાળી વૈજ્ઞાનિક શોધવો મુશ્કેલ છે ત્યારે જાણવા જેવી વાત એ છે કે તેઓ ત્રણથી ચાર વર્ષના થયા ત્યાં સુધી બોલી શકતા નહોતા. તેમના જીવનની કેટલીક વાતો અજીબોગરીબ છે. તેઓ ચાર વર્ષની વય સુધી બોલતા જ નહોતા અને એ કારણે તેમનાં માતા-પિતાને ચિંતા થતી હતી, પરંતુ એક સાંજે બધા જમવા બેઠાં હતાં ત્યારે આલ્બર્ટે પહેલી જ વાર પોતાની જીભ ઉઘાડતાં કહ્યું: `સૂપ બહુ જ ગરમ છે.’
આ પહેલાં તેઓ એક શબ્દ બોલ્યા નહોતા. પુત્રને પહેલી જ વાર બોલતો જોઈ માતા-પિતાને રાહત થઈ હતી. અલબત્ત, એ વખતે તેમનાં માતા-પિતાએ પુત્રને પૂછ્યું: `બેટા, અત્યાર સુધી તું કેમ બોલતો નહોતો?’
નાનકડા આલ્બર્ટે જવાબ આપ્યો હતો: `કારણ કે અત્યાર સુધી બધું વ્યવસ્થિત હતું.’
તેઓ સાત વર્ષના થયા ત્યાં સુધી તેમને વાંચતા આવડતું નહોતું. તેઓ નીચું મોં રાખીને એક આળસુની જેમ સ્કૂલમાં જતા હતા. સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને તેમના ઘરનું સરનામું યાદ રહેતું નહોતું.
આ જ આઈનસ્ટાઈને એક દિવસ વિશ્વના સહુથી વિખ્યાત ભૌતિકશાસ્ત્રી તરીકે ૧૯૦૨માં સ્વિસ પેટન્ટ ઓફિસમાં કામ શરૂ કર્યું. ૧૯૦૫માં તેમની થિયરી ઑફ રિલેટિવિટી પ્રગટ થઈ. ૧૯૧૪માં જર્મનીની યુનિવર્સિટી ઑફ બર્લિનમાં પ્રોફેસર બન્યા.
૧૯૧૭માં આઈનસ્ટાઈન અચાનક મૂર્છિત થઈ પડી ગયા. તેઓ મૃત્યુની નજીક હતા એ વખતે તેમની કઝિન એન્સાએ તેમની દેખરેખ રાખી અને તેમને સ્વસ્થ કર્યા. ૧૯૧૯માં તેઓ એલ્સા સાથે પરણ્યા.
એ સમયે જર્મનીમાં નાઝીઓ દ્વારા યહૂદીઓની ભારે સતામણી થતી હતી. એ કારણે ૧૯૩૬માં તેઓ પત્ની એલ્સા સાથે અમેરિકા હિજરત કરી ગયા. અમેરિકામાં ન્યૂજર્સીના પ્રિન્સ્ટન વિસ્તારમાં તેઓ રહેવા લાગ્યા. ૧૯૩૬માં એલ્સાનું મૃત્યુ થયું.
૧૯૩૯માં તેમણે એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ ફ્રેંકલીન ડી.રૂઝવેલ્ટને પત્ર લખી ચેતવણી આપી કે જર્મની અણુબોમ્બ બનાવી રહ્યું છે. તેઓ અમેરિકામાં રહેતા હતા પરંતુ તેમનું સ્વિસ નાગરિકત્વ જાળવી રાખ્યું.
કહેવાય છે કે આ વિશ્વવિખ્યાત માનવી એબસન્ટ માઈન્ડેડ પણ હતા.
આલ્બર્ટે આઈનસ્ટાઈન વિશેની અનેક રસપ્રદ વાતો છે. ૧૯૩૫માં તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ગયા. કોઈએ તેમને પૂછ્યું: `તમને અભ્યાસ માટે કોઈ ચીજવસ્તુની જરૂર છે?’
આલ્બર્ટ આઈનસ્ટાઈને કહ્યું: `એક ટેબલ, થોડાંક પેડ, એક પેન્સિલ અને બહુ મોટી કચરાપેટી, જેથી હું મારી ઘણીબધી ભૂલો તેમાં નાંખી શકું.’
ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં એ વખતના વિદ્યમાન આઠ મોટા વિજ્ઞાનીઓની પ્રતિમાઓ મૂકવાનો નિર્ણય લેવાયો. તેમાં આઈનસ્ટાઈનની પણ પ્રતિમા મૂકવાની હતી. આ અંગે આઈનસ્ટાઈનને પૂછવામાં આવ્યું કે, `તમે હવે અમર થઈ જશો. આ અંગે તમારી શું પ્રતિક્રિયા છે?’
આઈનસ્ટાઈને કહ્યું: `હવે આજથી હું જીવું ત્યાં સુધી હું કોઈ કૌભાંડ ન કરું તેની મારે કાળજી રાખવી પડશે.’ એક વાર કોઈએ આઈનસ્ટાઈનનાં પત્નીને પૂછ્યું: `શું તમને તમારા પતિની થિયરી ઑફ રિલેટિવિટીમાં સમજ પડે છે?’
પત્નીએ કહ્યું: `ના, પરંતુ હું મારા પતિને બરાબર જાણું છું. તમે તેમની પર વિશ્વાસ મૂકી શકો છો.’
૧૮૩૧માં ચાર્લી ચેપ્લીન અને આલ્બર્ટ આઈનસ્ટાઈન હોલિવૂડમાં ચેપ્લીનની નવી ફિલ્મ `સિટી લાઈટ્સ’ના પ્રાઈવેટ સ્ક્રીનિંગમાં હાજરી આપવા સાથે ગયા. બંને સાથે ચાલતા હતા. તેમને જે જે લોકો જોતા હતા તેઓ ચિચિયારીઓ પાડીને તેમનું અભિવાદન કરતા હતા. આ દૃશ્ય જોયા પછી ચાર્લી ચેપ્લીને આલ્બર્ટ આઈનસ્ટાઈનને કહ્યું: `લોકો તમને જોઈને તાળીઓ એટલા માટે પાડે છે કે કોઈ તમને (તમારી થિયરીને) સમજી શકતું નથી. અને મને જોઈને તાળીઓ એટલા માટે પાડે છે કે એ બધાં મને સમજી શકે છે.’
આ બધી સુંદર કથાઓ આલ્બર્ટ આઈનસ્ટાઈનના જીવનની છે. સહુથી મોટી જાણવા જેવી વાત એ છે કે, આલ્બર્ટ આઈનસ્ટાઈન જ્યારે નાના હતા અને જર્મનીની મ્યુનિક ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લેવા ગયા ત્યારે ઈન્સ્ટિટ્યૂટે તેમને એડમિશન આપવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું: `એક વિદ્યાર્થી તરીકે તમે આશાસ્પદ કે તેજસ્વી નથી.’
એ જ આલ્બર્ટ આઈનસ્ટાઈન ૧૯૦૫માં વિશ્વને થિયરી ઑફ રિલેટિવિટી આપી અને નોબેલ પ્રાઈઝના હકદાર પણ બન્યા.
DEVENDRA PATEL