Close

તેલભંડારોથી સમૃદ્ધ એવા ઈરાનમાં એક રોટીની કિંમત ૨૫,૦૦૦

રેડ રોઝ | Comments Off on તેલભંડારોથી સમૃદ્ધ એવા ઈરાનમાં એક રોટીની કિંમત ૨૫,૦૦૦

અમેરિકા એક એવો દેશ છે જેનાં આર્થિક, રાજનૈતિક અને મિલિટરીની દૃષ્ટિએ વ્યૂહાત્મક સ્થાપિત હિતો ન હોય તેવો દેશ ભાગ્યે જ જોવા મળશે. વર્ષો પહેલાં અમેરિકાએ કોંગો પર આક્રમણ કર્યું, તે પછી વિયેતનામને લોહીલુહાણ કરી નાંખ્યું. તે પછી ઈરાકને ખતમ કરી નાંખ્યું. તે પછી હવે ઈરાનનો વારો છે. અફઘાનિસ્તાનથી માંડીને બીજા એવા અનેક દેશો છે જ્યાં અમેરિકન સૈનિકોએ કાર્યવાહી ન કરી હોય તેવું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા તેના ૪૦ વર્ષના ઇતિહાસમાં સહુથી ખરાબ સમયમાં પસાર થઈ રહી છે. તેની સીધી અસર સામાન્ય લોકોની રોજબરોજની જિંદગી પર પડી રહી છે. કથળેલી અર્થવ્યવસ્થાના કારણે ઈરાનમાં આ દિવસોમાં મોંઘવારી ચરમસીમાએ છે. ઈરાનમાં એક રોટી જે એક વર્ષ પહેલાં ૧૦૦૦ રિયાલ (રૂ.૧.૪૬)ના ભાવે મળતી હતી આજે તેની કિંમત રૂ.૨૫,૦૦૦ રિયાલ (રૂ.૪૦.૯૧) થઈ ગઈ છે. ઈરાનમાં ખાવાપીવાની અન્ય ચીજવસ્તુઓના ભાવમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે.
અખૂટ તેલ ભંડારવાળા દેશની આ પરિસ્થિતિ છે. ઈરાનની કુલ રાષ્ટ્રીય આવકનો અડધો હિસ્સો કાચા તેલની નિકાસમાંથી આવે છે, પરંતુ અમેરિકાએ વિશ્વભરના દેશોને ચેતવણી આપીને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા જણાવ્યું છે. અમેરિકાએ મૂકેલા આ પ્રતિબંધોના કારણે ઈરાનની તેલની નિકાસથી થતી આવક લગભગ બંધ થઈ ગઈ છે.

હા, એ વાત સાચી છે કે ઘણા દેશોને એમ લાગે છે કે ઈરાન ઘરઆંગણે કેટલાંક પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે અને તે પરમાણુ શક્તિવાળો દેશ બનવા માંગે છે. બીજી બાજુ અમેરિકા નથી ઈચ્છતું કે ઈરાન પરમાણુ શક્તિવાળો દેશ બને. આ કારણે છેલ્લાં ૪૦ વર્ષથી ઈરાન અમેરિકાના વિભિન્ન પ્રતિબંધોનો સામનો કરતું આવ્યું છે.

તા.૧૨ જૂન, ૨૦૧૯ના રોજ અમેરિકાના સર્વેલન્સ ડ્રોનને તોડી પાડયા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાના આદેશ આપી દીધા હતા, પરંતુ છેલ્લી ઘડીએ અમેરિકાએ તેમ કરવાનું માંડી વાળ્યું. આ સંબંધમાં ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કરીને કહ્યું હતું: ‘મને કોઈ ઉતાવળ નથી. મેં ઈરાન પરના હુમલાને દસ મિનિટ પહેલાં જ રોકી દીધો હતો.’

વાત એમ હતી કે અમેરિકાનું એક ડ્રોન ઊડી રહ્યું હતું. એ ડ્રોનને તોડી પાડયા બાદ ઈરાને દાવો કર્યો હતો કે અમેરિકાનું ડ્રોન અમારી પર જાસૂસી કરી રહ્યું હતું.

તેની સામે અમેરિકાએ કહ્યું હતું કે, અમારું ડ્રોન આંતરરાષ્ટ્રીય વાયુક્ષેત્રમાં હતું. આ ડ્રોનની કિંમત ૧૩ કરોડ ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે રૂ. ૯૦૦ કરોડ જેટલી હતી. આ કારણે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનાં રડાર તથા મિસાઈલ મથકો પર હુમલા કરવા હુકમ કર્યો હતો પરંતુ તે હુમલા શરૂ થાય તેની થોડી મિનિટો પહેલાં જ એ હુકમ રદ કરી દેવામાં આવ્યો હતો.

અમેરિકાનું કહેવું છે કે ઈરાન જો પરમાણુ શક્તિવાળો દેશ બની જશે તો તેથી આખા વિશ્વને ખતરો છે.

બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રોહાનીનું કહેવું છે કે પરમાણુ સમજૂતી પર હસ્તાક્ષર કરવાવાળા દેશ અગર પોતાની જવાબદારીઓ પૂરી નહીં કરે તો અમે ઈરાકસ્થિત પરમાણુ રિએક્ટરને ફરી શરૂ કરીશું અને એમ થશે તો અમારા માટે પ્લુટોનિયમ પેદા કરવાનું શક્ય બનશે. પરમાણુ સમજૂતી પર સહી કરવાવાળા દેશ તેમની જવાબદારીઓ અદા નહીં કરે તો ઈરાને આ કદમ ઉઠાવવું જ પડશે.

બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન વોલ્ટને કહ્યું છે કે અમેરિકા ઈરાન પર ત્યાં સુધી દબાવ બનાવી રાખશે જ્યાં સુધી તે પોતાના પરમાણુ કાર્યક્રમ અને પશ્ચિમ એશિયામાં હિંસક ગતિવિધિઓ ખતમ નહીં કરે. વિશ્વમાં જે આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે તેનું સંચાલન અને સમર્થન ઈરાન કરતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એ વાત સાચી પણ છે કે વિશ્વભરના આતંકવાદીઓને ગલ્ફના જે દેશો આર્થિક તેમજ બીજી મદદ કરે છે તેમાં ઈરાન પણ એક હોવાની શંકા છે.

એક નોંધપાત્ર વાત એ છે કે ઈરાને ૨૦૧૫માં પરમાણુ સમજૂતીમાં સંવર્ધન એટલે કે એનરિચ્ડ યુરેનિયમના ઉત્પાદનની જે સીમા નક્કી કરી હતી તેનું તેણે થોડા દિવસો પહેલાં જ ઉલ્લંઘન કર્યું છે.

ઈરાન પરના પ્રતિબંધો અને તે પછી અમેરિકા તથા ઈરાન વચ્ચે લોહિયાળ સંઘર્ષની સંભાવનાઓને જોતાં ફ્રાન્સે આ તનાવ દૂર કરવા પ્રયાસ શરૂ કર્યા છે અને એ સંદર્ભમાં ફ્રાન્સે તેના એક દૂતને ઈરાન મોકલ્યા છે. બીજી રીતે જોઈએ તો ફ્રાન્સનું વલણ અમેરિકાથી અલગ છે.

એ જ રીતે ઈરાનનું કહેવું છે કે પરમાણુ સમજૂતીના ભાગીદાર એવા બીજા કેટલાક દેશોની નિષ્ક્રિયતાના કારણે હવે અમારી ધીરજનો અંત આવી રહ્યો છે.

હવે ચીનનું શું વલણ છે તે જોઈએ. ચીનના અખબાર ‘ચાઈના ડેલી’ એ તેના તંત્રીલેખમાં લખ્યું છે કે ‘એક તરફ વોશિંગ્ટન તહેરાન (ઈરાન) પર દબાણ વધારી રહ્યું છે ત્યાં બીજી બાજુ ઈરાન એ દબાણ પૂરી ચિંતા સાથે ટાળવાની કોશિશ કરી રહ્યું છે. તહેરાન અને વોશિંગ્ટનની વચ્ચે પરસ્પરની ધમકીઓ વધી રહી છે. બંને દેશ અનપેક્ષિત સંઘર્ષની આશંકાઓ વધારી રહ્યા છે. આ માટે વોશિંગ્ટનને જ જવાબદાર ગણવું જોઈએ, કારણ કે ભારે મુશ્કેલીઓ બાદ જે પરમાણુ સમજૂતી થઈ છે તેને અવાસ્તવિક દાવા કરીને ખારેજ કરી દીધી છે. એ જ રીતે ઈરાન પણ તેના યુરેનિયમ ભંડારને ૩૦૦ કિલોગ્રામની સીમા પાર કરી દીધું છે અને તેના એનરિચ્ડ યુરેનિયમનું સ્તર હવે ૩.૬૭ ટકાથી ઉપર છે તો તેનો અર્થ એ છે કે ઈરાન પણ અન્ય પ્રતિબદ્ધતાઓ પર પાછું જાય છે અને તે ઝડપથી ૨૦૧૫થી પહેલાંની સ્થિતિમાં પાછું આવી જશે. આમ કરવાથી ઈરાનને જ નુકસાન જશે. આ કારણે ઈરાનની વિરુદ્ધ જે પ્રતિબંધો છે તેને ઓછા કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને તે જ નુકસાન પહોંચાડશે અને વોશિંગ્ટનને તેની પર દબાણ વધારવા માટે બહાનું મળી જશે. આ સંજોગોમાં અમારી સલાહ છે કે બધાં પક્ષો (દેશો) સાવધાન રહે જેથી આ મામલો પહેલાંની સ્થિતિમાં આવી ન જાય. અલબત્ત, ઈરાનને પૂરો અધિકાર છે કે તે તેનો બચાવ કરે. યુરોપીય ભાગીદારો પણ આ સંઘર્ષ ટાળવા વાતચીત દ્વારા જરૂરી પગલાં ભરે.’

ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ઈરાને કહ્યું છે કે, ‘કાચા તેલની આયાતની બાબતમાં ભારત તેના રાષ્ટ્રીય હિતનું ધ્યાન રાખશે તેવી અમને આશા છે. ભારત અમેરિકાના દબાણ હેઠળ છે છતાં તે અમારું મિત્ર છે.’

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષનો અંત આવે તે પૂરા વિશ્વના હિતમાં છે.

દેવેન્દ્ર પટેલ

 

 

Be Sociable, Share!