Close

દગાબાજ ‘ચાઈનીઝ ડ્રેગન’ ભીતરથી ભયભીત છે?

રેડ રોઝ | Comments Off on દગાબાજ ‘ચાઈનીઝ ડ્રેગન’ ભીતરથી ભયભીત છે?

આખા વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં કોરોના જેવો ખતરનાક વાઇરસ ફેલાવી સામૂહિક માનવસંહારના ‘ખલનાયક’ તરીકે ઉભરેલા ચીને અચાનક જ ભારતની લડાખ સરહદે ગલવાન ખીણમાં મોરચો ખોલ્યો છે. પૂર્વ લડાખમાં સરહદી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે એકાએક અથડામણમાં ઊતરીને ચીનની આ દગાબાજીના કારણે ભારતીય સેનાના એક કર્નલ સહિત ૨૦ જવાનો શહીદ થયા છે. ભારતીય સૈન્યે પણ તેનો જડબાતોડ જવાબ આપી ચીનના ૪૦ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાના અહેવાલો છે. જોકે બંને દેશોએ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી પરંતુ આ આંકડો વધી પણ શકે છે. ચીને ભારત પર પહેલો હુમલો ૧૯૬૨માં કર્યો હતો. તે પછી ૧૯૭૫માં ફરી અથડામણ થઈ તે પછીની આ મોટામાં મોટી ઘટના છે. નોંધપાત્ર વાત એ છે કે બંને પક્ષો તરફથી કોઈ ગોળીબાર થયો નથી છતાં માત્ર પથ્થરબાજી કે બીજી પ્રકારની અથડામણથી આ ઘટના સર્જાઈ છે. ચીની સૈનિકોએ પથ્થરો ઉપરાંત લોખંડના સળિયા અને ખિલ્લા ધરાવતી લાઠીઓનો ઉપયોગ હુમલા માટે કર્યો હોવાનું કહેવાય છે.

૧૯૬૨ના યુદ્ધ પછી પહેલી જ વાર આવી તનાવભરી પરિસ્થિતિ પેદા થઈ છે. અત્રે એ જાણવું જરૂરી છે કે ગઈ તા.૧૫મી જૂનની રાત્રે પીછેહઠનું બહાનું કરી ચીનના સૈનિકો અચાનક ભારતીય સૈન્ય પર લોખંડના સળિયા અને પથ્થરો સાથે ત્રાટક્યા હતા. તે પછી ભારતીય સૈન્યના જડબતોડ જવાબ બાદ ચીની સૈનિકોને પીછેહઠ કરવી પડી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આશરે ૧૫ હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત ગલવાન ઘાટી ખાતે આ હિંસક અથડામણ આઠ કલાક સુધી ચાલી હતી. આ ચીની સૈનિકોનું એક પ્રકારનું કાવતરું જ હતું. રાતના સમયે ૮૦૦ જેટલા ચીની સૈનિકોએ આ હુમલો કરતાં સામસામે અથડામણ થઈ હતી અને કેટલાયે સૈનિકો ખીણમાં પડી ગયા હતા. ભારતના પણ કેટલાક જવાનો લાપતા હોવાનું મનાય છે. રાત્રે બાર વાગ્યે આ મામલો શાંત પડયો હતો.
ચીન અને ભારત વચ્ચે કદીયે સારા સંબંધો રહ્યા નથી. ૧૯૬૨નું યુદ્ધ પણ આ ગલવાન ઘાટીથી જ શરૂ થયું હતું. તેની નજીક અકસાઈ ચીનના વિસ્તાર પર ચીનનો કબજો છે અહીં ગલવાન નામની એક નદી પણ છે જ્યાં ભારતીય સૈન્ય બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરે છે. અહીં વિવાદનું મુખ્ય કારણ ૨૨૫ કિલોમીટરનો રસ્તો છે. આજથી ૧૫ વર્ષ પહેલાં ભારતે સરહદ પર એક રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું હતું, જે કામ હવે પૂરું થવાની અણી પર છે. ભારતીય સૈન્ય માટે આ રસ્તો વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે અને ચીન નથી ઈચ્છતું કે ભારત આ રસ્તો પૂર્ણ કરે.

આ વિસ્તારની ગલવાન નદી ૮૦ કિલોમીટર લાંબી છે જે ચીનના કબજાવાળા કાશ્મીર (અકસાઈ ચીન) થી નીકળીને શ્યોક નદીને મળે છે. આ નદીમાં જ ભારતીય સૈન્ય બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરે છે, પરંતુ આ તો ઘણાં વર્ષોથી ચાલે છે ત્યારે અત્યારે જ ચીની સૈનિકોએ આ હિંસક અથડામણ કેમ કરી? આ સમયગાળો પસંદ કેમ કરવામાં આવ્યો? ચીનને ભારતના જે રસ્તા સામે વાંધો છે તે તો પંદર વર્ષથી બંધાઈ રહ્યો છે પરંતુ અત્યારે આ કાવતરું કેમ?

દેખીતી રીતે ચીની સૈન્યે જે અપકૃત્ય કર્યું છે તે સૈન્યનો નિર્ણય નહીં પરંતુ ચીનના નેતાઓનો નિર્ણય છે. ચીનના નેતાઓના ઈશારે ચીનના સૈનિકોએ આ હુમલો કર્યો છે. હવે એનાં કારણો જોઈએ. આ સમય પસંદ કરવાનો પણ ચીનનો હેતુ જોઈએ.

ચીનના વુહાન શહેરની વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાંથી વિશ્વભરમાં ફેલાયેલા કે ફેલાવવામાં આવેલા કોરાના વાઇરસના કારણે ચીન આખી દુનિયામાં બદનામ થઈ ચૂક્યું છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્પેન, નેધરલેન્ડ અને બ્રાઝિલથી માંડીને અમેરિકામાં લાખો લોકો કોરોનાથી બીમાર છે અને લાખો મૃત્યુ પામ્યા છે. આ કારણે યુરોપના દેશો, અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડાથી માંડીને જાપાન સુધીના દેશો ચીન પર ક્રોધે ભરાયેલા છે. વિશ્વની ત્રીજા ભાગની વસતી અને દેશો ચીનને પદાર્થપાઠ ભણાવવાના મૂડમાં છે. વિશ્વમાં બિનસત્તાવાર રીતે ચીન સામે એક અલિખિત સંગઠન આકાર લઈ રહ્યું છે. ચીનના માલનો બહિષ્કાર કરવા અમેરિકાથી માંડીને ભારત સુધીના દેશોમાં હવે એક અભિયાન ચાલી રહ્યું છે. ચીન સાથે જે દેશો છે તેમાં પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા બેજવાબદાર અને તેના ખંડિયા રાજ્યો જેવા દેશો છે. ચીન સામે વિશ્વભરમાં પેદા થયેલા ડિપ્લોમેટિક વર્તુળમાં ભારત ન જોડાય તેમ ચીન ઈચ્છે છે અને એ કારણે જ ચીને ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવવા ગલવાન ખીણમાં આ હિંસક અથડામણ કરી હોવાનું સ્પષ્ટ છે. ચીન આડકતરી રીતે ભારતને ધમકી આપવાના પ્રયાસ કરી રહ્યું છે. એ એમ કહેવા માંગે છે કે ચીન સામેના વૈશ્વિક મોરચામાં જોડાશો તો અમે ૧૯૬૨નું પુનરાવર્તન કરીશું. અને ગલવાન ઘાટીની ઘટના એ આવનારા મહાયુદ્ધનું જ એક રિહર્સલ છે.

પરંતુ ચીન એ વાત ભૂલી જાય છે કે હાલનું ભારત એ ૧૯૬૨નું ભારત નથી. છેક બીજિંગ સુધી પ્રહાર કરી શકે તેવી શક્તિશાળી મિસાઈલો ભારત પાસે છે. ભારત પાસે ૧૦ લાખનું સૈન્ય અને પરમાણુ શસ્ત્રો પણ છે. ભારતીય સૈન્યનું મનોબળ પણ ઊંચું છે. ભારત પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચાલતાં આતંકવાદી થાણાં ઉડાવી દેવા એર સ્ટ્રાઈક અને ર્સિજકલ સ્ટ્રાઈક પણ કરી શકે છે. કાશ્મીરમાં ઘૂસેલા પાકિસ્તાનના સૈન્યને માર મારી તેમને કારગીલમાંથી રવાના પણ કરાવી શકે છે. એ જ રીતે ભારતનું હાલનું નેતૃત્વ ચીન સાથે જરૂર પડે યુદ્ધ કરી લેવાનું મનોબળ ધરાવે છે.

ચીનને જે ખટકે છે તેનાં બીજાં કારણો પણ છે. તાઈવાનને હડપ કરવા માંગતું ચીન ભારત અને તાઈવાનના સારા સંબંધોને પચાવી શકતું નથી. તાઈવાનના નવા શાસકોના શપથગ્રહણ કાર્યક્રમમાં ભારતના ભાજપા સરકારના બે પ્રતિનિધિઓએ આપેલી હાજરીથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીન હોંગકોંગમાં ચાલી રહેલા ચીનવિરોધી આંદોલનથી ચિંતામાં છે. ચીન આ આંદોલનને દબાવવા કોશિશ કરી રહ્યું છે. ભારત હોંગકોંગની પ્રજાની પડખે ઊભું રહી શકે છે અને રહેવું જોઈએ.

અમેરિકાએ જી-૭ના ગ્રૂપની મિટિંગમાં ભારતને પણ આમંત્રણ આપ્યું તેથી ચીન જલી ગયું છે. અમેરિકા વિશ્વનો સહુથી જૂનો લોકતાંત્રિક દેશ છે જ્યારે ભારત વિશ્વનો સહુથી મોટો લોકતાંત્રિક દેશ છે. આ બે દેશો વચ્ચે વિકસી રહેલા સંબંધો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા ચીન માટે ચિંતાનો વિષય બની છે. ભારત હવે દક્ષિણ એશિયામાં જ નહીં પરંતુ વૈશ્વિક નેતાગીરી લેવા સક્ષમ છે તે વાત પણ ચીનને ખૂંચે છે.

ગલવાનની ખીણમાં ચીનના હિંસક હુમલાની પાછળનાં આ છે અસલી કારણો. ચીન માટે એમ કહી શકાય કે દુઃખે છે પેટ અને કૂટે છે માથું. લડાખની સરહદે ચીનના સૈનિકોની હિંસક કાર્યવાહીને વિશ્વના દેશોએ પણ ચિંતાની નજરે નિહાળી છે. કેટલાકે તો તેને ત્રીજા વિશ્વયુદ્ધની ચિનગારી પણ કહી છે. ભારતે હવે ચીનથી સાવધ રહેવું પડશે. ચીન ભારતનું કદી મિત્ર હતું નહીં અને થવાનું નથી. ચીન સાથે શાંતિપૂર્ણ રીતે સમાધાન અને વાટાઘાટ નિરર્થક જ રહી છે અને રહેશે. વાટાઘાટથી કોઈ પ્રશ્ન હલ કરી શકાય તેવું ચીનનું ચારિત્ર્ય નથી. ચીન આખા વિશ્વ માટે ન્યૂસન્સ છે.

ચીનની ‘બદમાશ ગેંગ’માં પાકિસ્તાન, નોર્થ કોરિયા પછી હવે નેપાળના વર્તમાન શાસકો પણ ભળ્યા છે. નેપાળની સરકાર નકશા બદલી ભારતની ભૂમિને પોતાની ભૂમિ બતાવી રહ્યું છે. નેપાળનો એ નકશો સરાસર જૂઠ છે. આવું જૂઠાણુ ફેલાવવામાં પણ પણ ચીનનો જ ઈશારો હોવાનું જણાય છે.

ચીનને પાઠ ભણાવવો હોય તો આત્મનિર્ભર બનો. ચીનના તમામ માલનો બહિષ્કાર કરો. ચીનથી દર વર્ષે રૂ.પાંચ લાખ કરોડના માલની આયાત થાય છે તે અટકાવી દો અથવા તેના પર હજાર ગણી ડયૂટી નાંખો. એમ થશે તો ચીનના અર્થતંત્ર પર મોટી અસર પડશે અને ચીનની કમર ભાંગી જશે. આટલું જ નહીં પરંતુ સરહદ પર ચીની સૈનિકો ધ્રૂજી જાય તેવાં શસ્ત્રોથી પ્રહાર કરો. બહારથી વિલન જેવા લાગતા લોકો ભીતરથી ડરપોક હોય છે. ચીન પણ ભીતરથી ડરપોક છે. ચીનથી ડરો નહીં- એને ડરાવો. ચીનને પદાર્થપાઠ શીખવવા ભારતીય સૈન્ય સક્ષમ છે અને હાલની નેતાગીરી પણ.

— દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!