Close

દારૂના વ્યસનના કારણે વિશ્વમાં દર વર્ષે ૪૦ લાખ લોકોનાં મોત નીપજે છે

રેડ રોઝ | Comments Off on દારૂના વ્યસનના કારણે વિશ્વમાં દર વર્ષે ૪૦ લાખ લોકોનાં મોત નીપજે છે
૩૧મી ડિસેમ્બરની રાત્રે લોકો દારૂ પીને છાકટા ન બને તે માટે ગુજરાતમાં હજારોનાં પોલીસદળને એ રાત્રે તહેનાત કરવાં પડે છે. દિલ્હીમાં તો દારૂબંધી નથી. એક વર્ષ પહેલાં ૩૧મી ડિસેમ્બરની રાત્રે પાંચ દારૂ પીધેલા નબીરાઓએ સ્કૂટી પર જતી એક યુવતીને અડફેટે લીધી અને એ યુવતી ૭થી ૮ કિલોમીટર સુધી ઘસડાતી રહી. એ કમનસીબ યુવતીનો છૂંદાઈ ગયેલો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો. આ ઘટના કમકમાટી ઉપજાવે તેવી છે. મૃત યુવતીની માતાનો આક્ષેપ છે કે `મારી દીકરીની હત્યા કરી દેવાઈ છે.’- આ બીના હત્યા છે કે અકસ્માત તે તો પૂરી તપાસ બાદ નિષ્ણાતો જ કહી શકે, પરંતુ સાચી વાત એ છે કે વર્ષો પહેલાં નિર્ભયાકાંડની ઘટના બાદ હજુ શરાબીઓ દ્વારા યુવતીઓને પીડા આપવાનો સિલસિલો ઘટ્યો નથી. તા.૩૧ ડિસેમ્બરની રાત્રે દરેક ચૌરાહા પર પોલીસ તહેનાત હોય છે.
તાજેતરમાં જ એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે કે એક સરવૅ દરમિયાન દિલ્હીમાં જ મહિલાઓ દ્વારા શરાબ સેવનમાં ભારે વૃદ્ધિ આવી છે. એક બિન સરકારી સંસ્થા- `કમ્યુનિટી અગેઇન્સ્ટ ડ્રંકન ડ્રાઈવિંગ’ દ્વારા દિલ્હીમાં ૫૦૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેક્ષણ દરમિયાન એવી ફળશ્રુતિ આવી છે કે કોરોનાકાળ બાદ એટલે કે ૨૦૨૨માં કોવિડ પ્રતિબંધ ઓછા થઈ ગયા બાદ શરાબની ઉપલબ્ધિ આસાન થઈ જતાં દિલ્હીમાં રહેતા લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. દિલ્હીમાં દારૂની હોમ ડિલિવરીની સુવિધાના કારણે હવે દિલ્હીમાં રહેતાં કેટલાક પરિવારમાં શરાબનું સેવન વધી ગયું છે.
આ મોજણી દરમિયાન ૧૮થી ૬૮ વર્ષની મહિલાઓએ પહેલાંના મુકાબલે વધુ અવસરોએ દારૂ પીવાનું શરૂ કરી દીધું છે. આમાં એક વર્ગ એવો હતો કે જેઓએ તણાવ અને ચિંતા દૂર કરવા માટે દારૂ પીવાનું ચાલુ કર્યું હતું. દિલ્હીની ૩૪ ટકા મહિલાઓનું માનવું હતું કે કોરોનાકાળની સમાપ્તિ બાદ ૨૦૨૨માં ખુશીના કેટલાક મોકાઓ પર મહિલાઓએ શરાબનું સેવન શરૂ કર્યું હતું. ૩૦ ટકા મહિલાઓનું કહેવું હતું કે કંટાળો અને એકલતા દૂર કરવા શરાબનો સહારો લીધો હતો. દિલ્હીની ૬૨ ટકા મહિલાઓનું કહેવું હતું કે શરાબનો ખર્ચ પહેલાં કરતાં હવે વધી ગયો છે. કેટલીક મહિલાઓ ખરાબ સમય ભૂલવા માટે શરાબ સેવન કરવા લાગી હતી.
આ સરવૅ અનુસાર દિલ્હીની ૨૭ ટકા મહિલાઓ અઠવાડિયામાં એક વખત, ૩૮ ટકા મહિલાઓ સપ્તાહમાં બે વાર તથા ૧૯ ટકા મહિલાઓ અઠવાડિયામાં બેથી વધુ વખત શરાબ સેવન કરવાની વ્યસની બની ગઈ હતી. દિલ્હીમાં થયેલા આ સરવૅ અનુસાર ૩૪ ટકા મહિલાઓ ઘરમાં થતી પાર્ટીઓ, ૩૨ ટકા મહિલાઓ બારમાં શરાબ પીએ છે.
`કમ્યુનિટી અગેઇન્સ્ટ ડ્રંકન ડ્રાઈવિંગ’ સંસ્થાનું કહેવું છે કે ફિલ્મોમાં અને ટીવી ચેનલોમાં મહિલાઓને અને તેમના સાથીઓને દારૂ પીતાં બતાવાય છે તેના કારણે પણ મહિલાઓમાં દારૂના સેવનનું પ્રમાણ વધ્યું છે. દિલ્હીમાં મહિલાઓમાં વધેલું શરાબનું સેવન એક ચિંતાનો વિષય છે. આ સ્થિતિ એકમાત્ર દિલ્હીની જ નહીં, પરંતુ દેશનાં અન્ય રાજ્યોમાં પણ છે જ્યાં દારૂબંધી નથી.
યાદ રહે કે દારૂબંધી દાખલ કરવી કે નહીં તે કેન્દ્ર સરકારનું નહીં, પણ રાજ્ય સરકારનું અધિકાર ક્ષેત્ર છે. દિલ્હીમાં તો આમ આદમીની સરકારે શરાબનાં લાઇસન્સોમાં દાખવેલી ઉદારતા દેશમાં ઉગ્ર ચર્ચા અને વિવાદનો વિષય બની ગયો છે.
એક અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં દારૂના વ્યસનના કારણે પ્રતિવર્ષ ૪૦ લાખ લોકોનાં મૃત્યુ થાય છે. આ એક ચોંકાવનારો આંકડો છે. હવે વિશ્વના કેટલાક દેશોમાં દારૂના દૂષણને ડામવા અવાજ ઊઠી રહ્યો છે. એક આંકડા પ્રમાણે એકમાત્ર ફ્રાન્સમાં જ દારૂના વ્યસનના કારણે ૨૦,૦૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. રશિયામાં `વોડકા’ નામના રશિયન શરાબે કાળો કેર વર્તાવ્યો છે. આ કારણે રશિયન સરકાર પણ ચોંકી ઊઠી છે. રશિયાના એક પૂર્વ પ્રેસિડેન્ટ તો જાહેર કાર્યક્રમોમાં પણ પીધેલી હાલતમાં આખા વિશ્વના ટીવી પરદે દેખાયા હતા.
બ્રિટનમાં છેલ્લાં ૧૦ વર્ષમાં દારૂ પીનારાઓની સંખ્યા અઢી ગણી વધી છે. એ કારણે ગુનાખોરી પણ વધવા પામી છે. નોર્વેમાં સરકારી સમારંભોમાં દારૂ પીરસવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. અમેરિકામાં શરાબ સેવનના કારણે ગુનાખોરીનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે.
ગુજરાત નશાબંધી મંડળના મંત્રી અને રાજ્યના પૂર્વ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ડૉ.કરસનદાસ સોનેરી `નશાબંધી મંડળ, ગુજરાત રાજ્ય-સ્મરણિકા’માં નોંધે છે કે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરનો પુત્ર એક દિવસ ફૂટપાથ પરથી પીધેલી હાલતમાં પકડાયો હતો. પોલીસે તેને પકડી લીધો. પછી પોલીસને ખબર પડી કે આ તો બ્રિટનના વડાપ્રધાન બ્લેરનો પુત્ર છે. પોલીસે વડાપ્રધાનને આ ઘટનાની જાણ કરી ત્યારે વડાપ્રધાન બ્લેરે તેમના પુત્રનો બચાવ ન કર્યો અને પોલીસને કાયદાની રીતે જે પગલાં લેવાનાં થતાં હોય તે પગલાં લેવા જણાવ્યું. દેશમાં ગુજરાત જ એવું રાજ્ય છે કે જેણે મહાત્મા ગાંધીના માર્ગે અનેક ટીકાઓ અને અંતરાયો વચ્ચે પણ `નશાબંધી’ને વળગી રહી છે અને દુનિયાને આકરો પણ નૈતિકતાનો માર્ગ ચીંધ્યો છે. આજે સામાન્ય લોકોમાં, યુવાનોમાં અને હવે સ્ત્રીઓમાં પણ ફેશનના નામે દારૂ, ગુટખા કે મસાલાનું વ્યસન વધતું જાય છે. આ ચાલુ રહેશે તો ભવિષ્યનો સમાજ આર્થિક રીતે ઘસાઈ જશે, રોગયુક્ત થઈ જશે, નૈતિક અધ:પતન થશે અને અરાજકતા ફેલાશે.
મુશ્કેલી એ છે કે એક જમાનામાં એટલે કે ૧૯૩૦ના ગાળામાં અમેરિકાએ પણ દારૂબંધી દાખલ કરી હતી, પરંતુ દારૂના ઉત્પાદકોના દબાણ હેઠળ અમેરિકન સરકારે દારૂબંધી ઉઠાવી લેવી પડી હતી. આવું જ ભારતનાં કેટલાંક રાજ્યોમાં છે. દિલ્હીનો વિવાદ તો બધાને ખબર છે.
ગુજરાતનો દારૂબંધી અંગેનો ઇતિહાસ જાણવા જેવો છે. અંગ્રેજોના સમયમાં ગુજરાતમાં દારૂ પીવાની છૂટ હતી. પાનકોર નાકા પરની કેટલીક દુકાનોનાં પાટિયાં પર એ જમાનાની બ્રાન્ડીની જાહેરાતો મૂકવામાં આવતી હતી. અમદાવાદની કેટલીક ક્લબોમાં પણ કાયદેસર દારૂ પીવાતો હતો, પરંતુ ગુજરાતનું અલગ રાજ્ય બન્યું પછી ગુજરાતમાં દારૂબંધી દાખલ કરવામાં આવી. પહેલાં ગુજરાત સરકારે દારૂબંધી અંગે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ મિયાંભાઈનું પંચ નીમ્યું હતું. તેમની સમક્ષ હજારો લોકોએ દારૂબંધીની તરફેણમાં પોતાનો મત અભિવ્યક્ત કર્યો હતો. એ વખતે પણ દારૂબંધી હળવી કરવાની વાતો કરવાવાળા પણ કેટલાક હતા, પરંતુ એવા લોકોમાંથી ભાગ્યે જ કોઈ પંચ સમક્ષ એમનો મત વ્યક્ત કરવા આવ્યું હતું. જસ્ટિસ મિયાંભાઈ પંચે ગુજરાતની વર્તમાન દારૂબંધીની નીતિનું સમર્થન કર્યું હતું.
અત્રે એ પણ નોંધવું જોઈએ કે ઘણાં વર્ષો પૂર્વે કેટલાક ધારાસભ્યોએ ગુજરાતમાં તાડી-બિયરની છૂટ આપવા માંગણી કરી હતી, પરંતુ બીજા અનેક ધારાસભ્યોએ તેનો જબરદસ્ત વિરોધ કર્યો અને પ્રજાનો પણ પ્રચંડ વિરોધ હતો તેથી એ વાત ત્યાં જ સમાપ્ત થઈ ગઈ હતી.
ગુજરાત નશાબંધી મંડળનાં પૂર્વ પ્રમુખ જયાબહેન શાહે `નશાબંધી મંડળ, ગુજરાત રાજ્ય-સ્મરણિકા’માં લખ્યું છે કે `દારૂબંધીની વિરુદ્ધમાં કેટલીક રાજ્ય સરકારો જે કામ કરી રહી છે તે અનૈતિક છે. આજે ગુજરાતને બાદ કરતાં બીજાં મોટાભાગનાં રાજ્યોમાંથી દારૂબંધી ઉઠાવી લેવામાં આવી છે તે લોકશાહીની વિડંબના નથી તો બીજું શું છે? કેટલાક લોકો કહે છે કે દારૂબંધી કરવાથી રાજ્યોએ કરોડો રૂપિયાની આબકારી જકાત ગુમાવવી પડે છે. આવા લોકોને કહેવું જોઈએ કે લોકોને પાયમાલ કરીને તેના લોહીના પૈસાથી આપણે કોનું ભલું કરવા માંગીએ છીએ? વર્ષો પહેલાં ગાંધીજીએ કહ્યું હતું કે `આબકારી આવકમાં પૂળો મૂકો. આપણા દેશનાં બાળકો અભણ રહી જાય તો મને તેની ચિંતા નથી. દારૂના અડ્ડા ચલાવીને આપણાં બાળકોને ભણાવવાનાં હોય તો મને એ વાત ખપતી નથી. દારૂબંધીની બાબતમાં ઢીલીપોચી નીતિ નહીં ચાલે સંપૂર્ણ દારૂબંધી જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી ઊતરતી વાત મને ખપતી નથી.’ 

Be Sociable, Share!