પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું છે કે પૈસો સુખ લાવે છે, પરંતુ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.
સામ્યવાદી વિચારધારાના પ્રેરક અને `દાસ કેપિટલ’ નામના પુસ્તકના લેખક કાર્લ માર્કસે કહ્યું છે કે માનવીની બધી જ પ્રવૃત્તિઓનું મૂળ `આર્થિક’ બાબત છે.
એક જમાનામાં હૈદરાબાદના નિઝામ ભારતના સહુથી વધુ ધનવાન વ્યક્તિ હતા. દેશનાં તમામ પ્રમુખ શહેરોમાં તેમની સંપત્તિઓ હતી. આજે નિઝામના વારસદારો ક્યાં છે ને કેટલી સંપત્તિના માલિક છે તેની કોઈને ખબર નથી.
`ધી ગોડ ફાધર’ નામની ક્લાસિક નવલકથાના લેખક મારિઓ પુઝોની આ નવલકથાના આરંભે બાલ્ઝાકનું એક જ વાક્ય મૂકવામાં આવ્યું છે: Behind every great fortune there is a Crime.
વિશ્વની `રિચ અને ફેમસ’ વ્યક્તિઓ વિશે અનેક સંશોધનો થયાં છે. પાછલા સૈકાઓની સહુથી વધુ ધનવાન વ્યક્તિઓ વિશે થયેલાં સંશોધનોમાં એક વાત કોમન હતી કે તે બધા જ કંજૂસ હતા. બીજી એક વાત પણ કોમન હતી કે એ ધનવાનોને પૈસો વાપરવા કરતાં પૈસો કમાવાનો સહુથી વધુ આનંદ હતો.
અહીં એક દૃષ્ટાંત પ્રસ્તુત છે. વિશ્વમાં સહુથી વધુ જમીનો ધરાવતા ધનવાન લુડવીંગ અમેરિકામાં રહેતા હતા અને ૫૦ માળની ઈમારતમાં તેમની ઓફિસ છે. બ્રાઝિલથી માંડીને ઓસ્ટ્રેલિયામાં લાખો હેકટર જમીનના તેઓ માલિક રહ્યા. ૯૦ વર્ષની વયના લુડવીંગે છેલ્લાં ૩૦ વર્ષથી નવો કોટ સીવડાવ્યો નહોતો. તેમના ઘરથી ઓફિસનું અંતર બે કિલોમીટરનું છે છતાં ઘેરથી ઓફિસ સુધી તેઓ ચાલીને જ જતા હતા. ૪૦ વર્ષની પહેલાં તેમનાં પત્ની ગુજરી ગયાં તે પછી તેમણે બીજું લગ્ન ન કર્યું, કારણ કે તેઓ માનતા હતા કે બીજી પત્ની લાવીશ તો નાહક લિપસ્ટિક, પાઉડર અને વસ્ત્રોનો ખર્ચ થશે.
અબજોની સંપત્તિ ધરાવતા જે.આર.ડી.તાતા એક ફ્લેટમાં જ રહેતા હતા. આજના ધનપતિઓ પૈકી થોડાકને બાદ કરીએ તો બાકીનાઓનું જીવન પણ કરકસરિયું છે. આજના ધનપતિઓ પૈકી બિલ ગેટ્સ જે.પી મોર્ગનથી માંડીને સુલતાન ઓફ બ્રુનેઈ વિશે ઘણાઓ વાંચ્યું હશે,
૧૯૨૫ની સાલમાં ૬૫૦ જેટલા વિશ્વના મિલિયોનર્સ પર એક અભ્યાસ થયો હતો. તેમાં એક વાત કોમન જણાઈ હતી કે એ બધામાં છૂટાછેડાનું પ્રમાણ વધુ હતું. ૧૯૦૩માં ફેંક વુલવર્થે તેમની પૌત્રી બાર્બરાને વારસામાં ૪૨ મિલિયન ડૉલર આપ્યા હતા. આ બાર્બરાને તેની ૨૧મી વર્ષગાંઠની બર્થ ડે ગિફ્ટ હતી. એ પછી તેનાં લગ્ન થયાં, પરંતુ એક પછી એક એમ એણે કુલ સાત વાર લગ્ન કર્યાં પરંતુ સુખ ક્યાંય ન મળ્યું. મીડિયાએ તેને `પુઅર લિટલ રિચ ગર્લ’નું બિરુદ આપ્યું હતું.
ઘણાં વર્ષો પહેલાં અમેરિકામાં ખેતી કરતા એક અમેરિકન ખેડૂતને ખેતરમાં સિંચાઈ માટે પાણીની તંગી હતી. એ તંગી દૂર કરવા એણે એના ખેતરમાં કૂવો ખોદાવી રાખ્યો. કૂવામાંથી પાણીના બદલે તેલ જેવું ચીકણું પ્રવાહી બહાર આવ્યું. ખેડૂત હોશિયાર હતો. એણે કોઈ નિષ્ણાતને બોલાવી ચીકણા પ્રવાહીની તપાસ કરાવડાવી. એ પ્રવાહી જ્વલનશીલ હતું. એને કહેવામાં આવ્યું કે આ પાણી નથી પરંતુ ક્રૂડ ઓઈલ છે, તેમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ શકે છે. ખેડૂત હોશિયાર હતા. એણે કાળા ચીકણા પ્રવાહીને શુદ્ધ કરવાની વ્યવસ્થા કરવા રિફાઈનરી નંખાવી અને આસપાસની બીજી જમીનો સંપાદન કરવા માંડી. જે ખેડૂત તેને જમીન ન આપે તેને તે મારી નાંખતો. આ ખેડૂતની ક્રૂડની આવક જોઈ બીજા ખેડૂતો પણ તેને અનુસર્યા. છેવટે અનેક લોકોની હત્યા બાદ તેલ ઉત્પાદન કરનારી એક કંપની ઊભી થઈ તે રૉકફેલરની હતી. એને જોઈ બીજી કંપનીઓ પણ ઊભી થઈ અને એ કંપનીઓએ બળતણના તેલ ઉત્પાદનમાં ઝંપલાવ્યું. એ બધી થઈને કુલ સાત કંપનીઓ બની જે `સેવન સિસ્ટર્સ’ના નામે જાણીતી બની. આ બધી કંપનીઓએ ગળાકાપ હરીફાઈમાં અનેક ખેડૂતોની હત્યા કરી નાંખી. આ પૈકી આવી જ એક કંપની સાથે સંકળાયેલા એક મેનેજરે આ કંપનીઓની સમૃદ્ધિ પાછળ રહેલી હત્યા અને ગુનાખોરીની બાબતમાં એક નવલકથા લખી: `સેવન સિસ્ટર્સ.’ આ કંપનીઓની ગુનાખોરી ઉઘાડી કરવાના પરિણામે એ નવલકથાના લેખકની પણ હત્યા કરી નાંખવામાં આવી. ધ ગોડફાધર નવલકથામાં પણ ડોન કોર્લિઓનના જ જીવનની કથા છે.
વિશ્વના કેટલાક ધનવાનો અંગત જીવનમાં ક્રેઝી પણ રહ્યા છે. વર્ષે ૩૦૦ મિલિયન ડૉલરનો નફો કરતી ટોબેકો કંપનીના માલિક ડોરાલ્સ ડ્યૂકે એક વખત તેમના બે પાળેલાં ઊંટ માટે ભવ્ય પાર્ટી આપી હતી. કોર્પોરેટ જગતના મેગ્નેટ ગણાતા જ્હોન મેન વિલે ૨૩વખત લગ્ન કર્યાં હતાં. અમેરિકાનાં મેગેઝિનોએ તેને `ધી પ્રેટન સેઈન્ટ ઑફ કોરસ ગર્લ’ એવું નામ આપ્યું હતું.
કેટલાક લોકો પૈસો પચાવી જાણે છે તો કેટલાક લોકો પૈસો પચાવી શકતા નથી. કેટલાક લોકો લગ્નસરા વખતે કરોડો ખર્ચીને પોતાનું ધનવાન હોવાનું પ્રદર્શન કરે છે. કેટલાક લોકો ભારતમાં રહેતા હોવા છતાં ટર્કીમાં પોતાના સંતાનનું લગ્ન ડેસ્ટિનેશન મેરેજ ગોઠવે છે. બધાં જ મહેમાનોને તે પોતાના ખર્ચે છેક ઈસ્તંબુલ સુધી લઈ જાય છે. હવે ઉમદા અબજોપતિઓની વાત.
અલબત્ત, સમાજને શ્રેષ્ઠ દાનવીર ધનવાનો પણ પ્રાપ્ત થયા છે. વૈશ્વિક ફલક પર બીલ ગેટ્સ અને અઝીમ પ્રેમજી જેવાઓએ અબજોનાં દાન કર્યાં છે. દેશમાં તાતા પરિવારે પણ દાન આપી હોસ્પિટલ અને શ્રેષ્ઠ સંસ્થાઓ ઊભી કરી છે. જે દાનવીરોમાં ગુજરાતમાં અને વાડીલાલ સારાભાઈ, તથા શેઠ શ્રી અમૃતલાલ હરગોવનદાસનો પણ સમાવેશ થાય છે. ગર્ભશ્રીમંત ગણાતા ઘણા ગુજરાતી અબજોપતિઓએ શ્રેષ્ઠ સાદગી અને દાનવીર તરીકે પ્રમાણો પણ આપેલાં છે. દા.ત.ગુજરાતના મહાજનોના મહાજન ગણાતા શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ. અમદાવાદની આઠ મિલોના માલિક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ મોટા દાનેશ્વરી હતા. જૈન મંદિરો અને ધર્મશાળાઓના જિર્ણોદ્ધાર દ્વારા તેઓ સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા પામ્યા હતા. અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવતા હતા.
એક વાર કોઈ સમારંભમાં સભાનું અધ્યક્ષસ્થાન શોભાવવા તેમને નિમંત્રણ મળ્યું. તેઓ ધોતી અને ઝભ્ભો પહેરીને તૈયાર થઈ ગયા. તેઓ બંગલેથી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે ઘેર આવેલા એક મુલાકાતીએ જોયું તો શેઠ શ્રી કસ્તુરભાઈની ધોતી સાંધેલી હતી.
મુલાકાતીએ શેઠ શ્રી કસ્તુરભાઈને કહ્યું, : `શેઠશ્રી, આપ એક જાહેર સમારંભમાં અધ્યક્ષસ્થાન શોભાવવા જઈ રહ્યા છો પણ આપની ધોતી સાંધેલી છે. લોકો જોશે તો શું વિચારશે? તમે તો આઠ મિલોના માલિક છો.’
શેઠ શ્રી કસ્તુરભાઈ બોલ્યા: `જુઓ ભાઈ, લોકોએ મારી ધોતી જોઈને મને બોલાવ્યો છે કે મને જોઈને? અને બીજી વાત. હું મારી જ અરવિંદ મિલમાં બનેલી ધોતી પહેરું છું. અખબારોમાં અપાતી જાહેરખબરોમાં અમે લખીએ છીએ કે અરવિંદ મિલની ધોતી એક વર્ષ ચાલે છે. મેં પહેરેલી ધોતી અરવિંદ મિલની જ છે અને તેના વપરાશને પૂરા થવામાં હજુ બે દિવસ બાકી છે.’
સલાહ આપનાર મહેમાન મૌન થઈ ગયા. મંદિરો, ધર્મશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ગરીબ વિદ્યાર્થીઓ અને પાંજરાપોળો માટે કરોડોનું દાન આપનાર દાનવીર શેઠ શ્રી કસ્તુરભાઈની સાદગી આવી હતી. તેઓ સાચા અર્થમાં મહાજનોના મહાજન અને ગર્ભશ્રીમંત હતા.
આ જ શેઠ શ્રી કસ્તુરભાઈ પાસે એક દિવસ એક જિલ્લામાંથી કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ માટે દાન લેવા આવ્યા. તેમની ઇચ્છા હતી કે શેઠ શ્રી પાંચ લાખ રૂપિયાનું દાન આપે તો સારું. એ બધાએ તેમની માંગણી રજૂ કરી. શેઠ શ્રીએ એમને તેમની મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના પ્રોજેક્ટ વિશે વિસ્તૃત પૂછપરછ કરી. બધી માહિતી મેળવી લીધા પછી શેઠશ્રી કસ્તુરભાઈએ પૂછ્યું: `તમે મારી પાસે કેટલા દાનની અપેક્ષા રાખો છો? સંસ્થાના ટ્રસ્ટીઓએ બીતાં બીતાં કહ્યું: `શેઠ, આપ અમને પાંચ લાખ રૂપિયા દાન આપશો તો અમે આપનો ખૂબ આભાર માનીશું.’
શેઠ શ્રી કસ્તુરભાઈ બોલ્યા: `તમે બધા આવડી મોટી સંસ્થા ઊભી કરવા માંગો છો અને માત્ર પાંચ લાખ રૂપિયા? એટલામાં કાંઈ ન થાય. તમે બધા સજ્જન માણસો છો. મને તમારી પ્રામાણિક્તા પર શ્રદ્ધા છે. હું તમને ૫૦ લાખ રૂપિયાનું દાન આપું છું.’
ટ્રસ્ટીઓ સ્તબ્ધ થઈ ગયા. સાંધેલી ધોતી પહેરીને સમારંભમાં અધ્યક્ષસ્થાન શોભાવવા જનાર શેઠ શ્રી કસ્તુરભાઈ આવા ઉદાર હતા અને તેથી જ તેઓ શ્રેષ્ઠ ગણાયા.
અરવિંદ મિલમાં તેઓ એરકંડિશન ઓફિસમાં કદી બેસતા નહીં. એમની ઓફિસની બહાર એક છતવાળા ઓટલા પર પંખાની નીચે એક ટેબલ સામે ખુલ્લામાં એક સાદી ખુરશીમાં બેસતા હતા. ન કોઈ સેક્રેટરી કે ન કોઈ મોટો અંગત સ્ટાફ. એમને ચિઠ્ઠી વગર જ મળી શકાતું.
પૈસો જરૂરી છે પરંતુ ધનવાન બનવા માટેની આંધળી દોટ કેટલી જરૂરી છે તે સમજવા આ દૃષ્ટાંત પૂરતું છે. એક પૌરાણિક કથાને યાદ કરવા જેવી છે. રાજા મિડાસે એક દેવને પ્રસન્ન કરી વરદાન માંગ્યું કે, હું જે ચીજને સ્પર્શું તો સોનું બની જાય તેવું વરદાન આપો. દેવે તેને એ વરદાન આપ્યું. એક દિવસ તેની દીકરી તેની પાસે આવી. રાજા મિડાસ વહાલથી તેની દીકરીને સ્પર્શ્યો અને દીકરી પણ સોનાની પૂતળી બની ગઈ.
શું આ સુખ હતું?