Close

ધી કસાન્ડ્રા ક્રોસિંગઃ ખતરનાક વાઇરસથી સંક્રમિત એક ટ્રેનને જર્જરિત રેલવે બ્રિજ પર ધકેલી દેવાઈ

રેડ રોઝ | Comments Off on ધી કસાન્ડ્રા ક્રોસિંગઃ ખતરનાક વાઇરસથી સંક્રમિત એક ટ્રેનને જર્જરિત રેલવે બ્રિજ પર ધકેલી દેવાઈ

૧૯૭૬માં બનેલી ડિઝાસ્ટર ફિલ્મનું આ નામ છે. આ ફિલ્મ એક થ્રિલર છે. શ્વાસ થંભી જાય તેવી ફિલ્મ છે અને તે એક ખતરનાક વાઇરસ સાથે સંકળાયેલી કથા પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ રજૂ થઈ ત્યારે એણે ગજબનાક તનાવ વધારી દીધો હતો, કારણ કે પ્લેગનો વાઇરસ ધરાવતો એક ટેરરિસ્ટ એક ટ્રેનમાં ચડી જાય છે અને પછી સર્જાય છે એક તનાવપૂર્ણ કથા.

આ ફિલ્મનું નિર્માણ ઈટાલિયન અભિનેત્રી સોફિયા લોરેન્સના પતિ કાર્લો પોન્ટીએ કર્યું હતું. તેનું નિર્દેશન જ્યોર્જ પાન કાસમોતોસે કર્યું હતું. આ ફિલ્મમાં સોફિયા લોરેન, રિચાર્ડ હેરિસ, બર્ટ લેંકેસ્ટર, આવા ગાર્ડનર, માર્ટીન શીન, ઓ.જે.સિમરન અને લી સ્ટ્રાન્સબર્ગે અભિનય કર્યો હતો. ૧૮ ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ આ ફિલ્મ ઈટાલીમાં અને જાપાનમાં રજૂ થઈ હતી. ૯ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ તે અમેરિકામાં અને તે પછી યુ.કે.માં રજૂ થઈ હતી.
આ ફિલ્મની કથા કાંઈક આવી છે. જીનિવામાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ઈન્ટરનેશનલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (અમેરિકન મિશન)ને ઉડાડી દેવા ત્રણ ત્રાસવાદીઓ પ્રયત્ન કરે છે. એમાંથી બે ત્રાસવાદીઓને ગોળી મારી દેવામાં આવે છે. એક ત્રાસવાદીને તો સિક્યોરિટી ઓફિસર ગોળીથી મારી નાંખે છે પરંતુ બીજો ઘવાયેલો આતંકવાદી ભાગી જાય છે. એક જે જીવતો રહે છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પૂછપરછ દરમિયાન ખબર પડે છે કે તે સ્વિડિશ છે અને શંકા પડતાં તેને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. આ ઘટનાની તપાસનો દોર અમેરિકાના મિલિટરી ઈન્ટેલિજન્સ કર્નલ સ્ટીફન મેકેન્ઝીના હાથમાં છે. એ સિવાય એલેના સ્ટ્રેડનરને લાગે છે કે આ ઘટના કોઈ જૈવિક શસ્ત્ર સાથે સંકળાયેલી છે, પરંતુ કર્નલ મેકેન્ઝીને એ દાવામાં તથ્ય લાગતું નથી. સંભવતઃ પ્લેગનો વાઇરસ જ અમેરિકાની એ પ્રયોગશાળામાં જૈવિક શસ્ત્રના રૂપે અસ્તિત્વ ધરાવતો હતો તેથી તેને ઉડાડી દેવા પ્રયત્ન થયો હતો.

હવે ત્રીજો આતંકવાદી કે જેનું નામ એકુન્દ છે તે ભાગીને જિનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)થી સ્ટોકહોમ જતી ટ્રેનમાં બેસી જાય છે. એલેના સ્ટ્રેડનર કે જે એક મહિલા છે તે સમજી જાય છે કે ભાગી ગયેલો આતંકવાદી ખુદ પ્લેગના જૈવિક શસ્ત્રનો ભોગ બનેલો છે. તેથી તે જે ટ્રેનમાં બેઠો છે તે ટ્રેનને તાત્કાલિક રોકી દેવી જોઈએ અને તેને ટ્રેનથી અલગ કરી દેવો જોઈએ. જેથી તેનો ચેપ ટ્રેનના બીજા ઉતારુઓને ન લાગે. કર્નલ મેકેન્ઝીને પણ ચિંતા થાય છે કે હવે ટ્રેનના બીજા ઉતારુઓને પણ પ્લેગનો ચેપ લાગી શકે છે. કર્નલ મેકેન્ઝી તેના કંટ્રોલરૂમમાંથી બધી ગતિવિધિઓનું સંચાલન પોતાના હાથમાં લે છે. કર્નલ મેકેન્ઝી ટ્રેનનો રૂટ બદલી એવી જગાએ ટ્રેનને લઈ જવા માંગે છે કે જે રેલવેલાઈન પોલેન્ડના જીનોવ ખાતે જાય છે. ત્યાં હિટલરનો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ છે અને અહીં બધા ઉતારુઓને ક્વોરન્ટાઈન કરી શકાય.

પરંતુ ખરી મુશ્કેલી આ રેલવેલાઈન પર આવતો એક જર્જરિત બ્રિજ છે જેનું નામ ‘કસાન્ડ્રા ક્રોસિંગ’ છે. પોલેન્ડ અને યુક્રેનની વચ્ચે આવેલો આ બ્રિજ જૂનો થઈ ગયેલો હોવાથી ૧૯૪૮ બાદ તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને આ ટ્રેને આ ખતરનાક બ્રિજ પરથી જ પસાર થવું પડે તેમ હતું. કર્નલ મેકેન્ઝીને પણ લાગે છે કે પ્લેગના દરદીને લઈ જતી ઉતારુ ટ્રેન જેવી કસાન્ડ્રા ક્રોસિંગ બ્રિજ પરથી પસાર થશે એટલે બ્રિજ આખો તૂટી પડશે અને ટ્રેનમાં બેઠેલા તમામ મુસાફરો પણ મોતને ભેટશે અને એ રીતે અમેરિકા ખાનગીમાં કોઈ જૈવિક શસ્ત્ર બનાવતું હોય તો તે રહસ્યો ગુપ્ત પણ રાખી શકાય. એક તરફ પ્લેગની બીમારી સાથે ઘૂસેલો દરદી ટ્રેનના ઉતારુઓને પણ તેનો ચેપ સંક્રમિત કરી શકે છે અને બીજી બાજુ ટ્રેનનો રૂટ બદલતાં ટ્રેન કસાન્ડ્રા ક્રોસિંગ બ્રિજ પરથી નીચે પણ પડી શકે છે. આમ કરવા પાછળ શાયદ અમેરિકાના જાસુસી મિશનનો કોઈ ગુપ્ત ઈરાદો હતો.

હવે ટ્રેનની અંદરની વાત.

ટ્રેનમાં જોનાથન ચેમ્બરલીન નામના એક જાણીતા ન્યૂરોલોજિસ્ટ તબીબ તેમનાં પૂર્વ પત્ની સાથે મુસાફરી કરી રહ્યા છે. ટ્રેનમાં એક જર્મન શસ્ત્ર સોદાગરની પત્ની નિકોલ ડ્રેસલર પણ છે જે એક હેરોઈનના ડીલર રોબી નવારો સાથે ચક્કરમાં છે. નવારોને પકડવા ટ્રેનમાં જ ઈન્ટરપોલના એક અધિકારી પાદરીના સ્વાંગમાં મુસાફરી કરી રહ્યા છે.

કર્નલ મેકેન્ઝી તેમના કંટ્રોલરૂમમાંથી ટ્રેનમાં બેઠેલા ડો.ચેમ્બરલીનને વાયરલેસથી સંપર્ક સાધી જાણ કરે છે કે ટ્રેનમાં એક ત્રાસવાદી પ્લેગની બીમારી સાથે મુસાફરી કરી રહ્યો છે તેને ટ્રેનમાંથી શોધી કાઢી અલગ કરો. ડો.ચેમ્બરલીન ટ્રેનમાં છુપાયેલા પ્લેગ સંક્રમિત વ્યક્તિને શોધી કાઢે છે જે ગંભીર રીતે બીમાર જણાય છે અને તેને ટ્રેનની ઉપર ઉડાવવામાં આવી રહેલા હેલિકોપ્ટર મારફતે અલગ કરવામાં નિષ્ફળ જાય છે, કારણ કે ટ્રેન અચાનક એક ટનલમાં પ્રવેશે છે તેથી હેલિકોપ્ટર તેને એર લીફટ કરી શકતું નથી.

છેવટે ડો.ચેમ્બરલીનને કહેવામાં આવે છે કે ટ્રેનમાં પ્લેગ ફેલાઈ જશે તો મૃત્યુદર ૬૦ ટકા છે. કર્નલ મેકેન્ઝી કંટ્રોલરૂમમાંથી મુસાફરોને જાણ કરે છે કે ટ્રેન જે રેલવેલાઈન પરથી પસાર થઈ રહી છે તે રેલવેલાઈન પર આતંકવાદીઓએ બોમ્બ ગોઠવી દીધા છે અને ટ્રેનને હવે ન્યૂરેનબર્ગ લઈ જવામાં આવશે જ્યાં ટ્રેનને ઓક્સિજન સપ્લાય આપવામાં આવશે પરંતુ ટ્રેનને સીલ કરી દેવામાં આવશે જેથી કોઈપણ ઉતારુ બહાર નીકળી શકશે નહીં અને ટ્રેનને સીલ કરી દેવામાં આવે છે. કહો કે આખી ટ્રેનને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવે છે પરંતુ તે પહેલાં ટ્રેનમાં અમેરિકાની એક મેડિકલ ટીમને પણ મોકલી દેવામાં આવે છે.

આ દરમિયાન ટ્રેનમાં ઘૂસેલો પ્લેગનો દરદી-આતંકવાદી ટ્રેનમાં જ મૃત્યુ પામે છે પરંતુ તે પહેલાં તે અનેક લોકોને અને બાળકોને પણ અડયો હતો. મૃત્યુ પામેલા આતંકવાદીના મૃતદેહને એક કોફિનમાં સીલ કરી દેવામાં આવે છે પરંતુ કેટલાક યાત્રીઓ તો પ્લેગના સંક્રમણનો ભોગ બની ચૂક્યા હોય છે. ટ્રેનની અંદરથી કર્નલ મેકેન્ઝીને રેડિયો મેસેજ દ્વારા એવી સલાહ આપવામાં આવે છે કે ટ્રેનનો જે ભાગ પ્લેગથી સંક્રમિત છે

તેને અલગ કરી દેવો પરંતુ કર્નલ મેકેન્ઝી ટ્રેનને કસાન્ડ્રા ક્રોસિંગ તરફ આગળ વધતી રોકવા માંગતા નથી. કર્નલ મેકેન્ઝી માને છે કે ટ્રેન જેવી જર્જરિત કસાન્ડ્રા ક્રોસિંગ રેલવે બ્રિજ પરથી પસાર થશે એટલે પૂલ તૂટી પડશે તો અમેરિકા એક તટસ્થ દેશમાં જૈવિક શસ્ત્રોના મામલામાં કોઈ રોલ ભજવે છે તે વાત છુપાવાઈ શકશે.

પરંતુ બીજી તરફ ટ્રેનમાં બેઠેલા ડો. ચેમ્બરલીન અને કેટલાક લોકો ટ્રેનના ગાર્ડસ પર કબજો કરી ટ્રેનનું નિયંત્રણ કરી લે છે અને ટ્રેન કસાન્ડ્રા ક્રોસિંગ પહોંચે તે પહેલાં ટ્રેનને રોકવા કોશિશ કરે છે. આ પ્રયાસમાં કેટલાકનાં મૃત્યુ નીપજે છે. ડો. ચેમ્બરલીન ટ્રેનના અડધા ભાગને અલગ કરવામાં સફળ થાય છે જેથી ટ્રેનનું વજન ઘટતાં ટ્રેન સુરક્ષિત રીતે બ્રિજ પસાર કરી દેશે.

પરંતુ કસાન્ડ્રા ક્રોસિંગ બ્રિજ તૂટી પડે છે. એમાં ટ્રેનની આગળના ભાગમાં બેઠેલા બધા ઉતારુ મોતને ભેટે છે. બાકીની અડધી ટ્રેનના હિસ્સાને મેન્યુઅલ બ્રેકથી રોકી લેવાય છે જે બચી જાય છે તેઓ ટ્રેનની બહાર નીકળી જાય છે.

જિનિવામાં કર્નલ મેકેન્ઝી એક ગિલ્ટી કોન્સિયસ અનુભવે છે.

યાદ રહે કે આ એક તનાવપૂર્ણ ફિલ્મ છે. વર્ષો પહેલાં આ ફિલ્મ અમદાવાદના એડવાન્સ થિયેટરમાં પ્રર્દિશત થઈ હતી. આ ફિલ્મનું ઈન્ડોર શૂટિંગ રોમમાં થયું હતું. આ ફિલ્મને વિવેચકો દ્વારા હકારાત્મક અને નકારાત્મક એમ બેઉ પ્રકારના રિવ્યૂ મળ્યા હતા. પ્લેગના વાઇરસ પર આધારિત આ ફિલ્મ સારા પૈસા કમાઈ હતી.

—- દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!