Close

નવી દિલ્હીમાં પણ અંડરવર્લ્ડ

રેડ રોઝ | Comments Off on નવી દિલ્હીમાં પણ અંડરવર્લ્ડ

મુંબઈ અને અંડરવર્લ્ડ એક બીજાના સંબંધ માટે જાણીતાં છે, પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે હવે દેશનું પાટનગર દિલ્હી પણ અંડરવર્લ્ડની ગેંગનું નગર બનતું જાય છે. અમેરિકામાં એક જમાનામાં શિકાગો માફિયાઓનું કેન્દ્ર હતું.

અનેક ગેંગ સક્રિય

દિલ્હી કે જ્યાં દેશ ભરના લોકો વસે છે ત્યાં છેલ્લા કેટલાક સમયથી અનેક ગેંગ સક્રિય બની છે. દિલ્હીમાં એક જી.બી. રોડ છે જે રેડ લાઈટ એરિયા તરીકે જાણીતો છે. અંડરવર્લ્ડનો લાગે છે ત્યાં સુધી દક્ષિણ અને પૂર્વ દિલ્હી અને તેની પેલે પાર આવી ગેંગ્સ સક્રિય છે અને વખતો વખત ગેંગવોર પણ ફાટી નીકળે છે. દિલ્હીમાં ગેંગ્સના ઉદય થવાનું એક કારણ દિલ્હીનો વધી રહેલો વિસ્તાર છે. દિલ્હી વિસ્તરી રહ્યું છે તેથી ભૂમાફિયાઓ પણ સક્રિય થયા છે. લોકોની જમીનો પર અડ્ડા જમાવવાથી માંડીને ખંડણી અને અપહરણ જેવાં ગુનાઓ કરતી ગેંગ્સ હવે મેદાનમાં છે. રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સના ધંધા વિકસાવવાની સાથે આવા ગુનેગારો પણ વિકસ્યા છે.

ગેંગ વોર!

દિલ્હીમાં આઉ રોબર્ટ, પ્રોટેકશન મની કારમાંથી અપહરણ અને કોન્ટ્રાક્ટ કિલિંગના કિસ્સાઓ વધ્યા છે. ખાસ કરીને યમુના નદીની આસપાસના વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારની પ્રવૃત્તિ વધી છે. દિલ્હીની ચેન્નુ પહેલવાન અને અબ્દુલ નાસીરની ગેંગ વચ્ચેની દુશ્મનાવટના કારણે દિલ્હીની એક કોર્ટના વિસ્તારમાં જ દિલ્હીના એક પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ હતી અને પહેલવાનને ઈજા પહોંચી હતી.

કેટલાક વખત પહેલાં જ પૂર્વ દિલ્હીમાં બે માણસો પર કોઈએ ૬૦ રાઉન્ડ ફાયર કર્યા હતા. ઉત્તરપૂર્વ દિલ્હીમાં ૩૫ વર્ષની વયના પ્રોપર્ટી ડિલર વાજીદ અલીની હત્યા થઈ ગઈ. તે પછી મૌજપુરી વિસ્તારમાં ૨૩ વર્ષના આરિફનું ખૂન થઈ ગયું.

પહેલવાન અને નાસીર ગેંગ વચ્ચેનાં દુશ્મનાવટના કારણે આ લોહિયાળ જંગ શરૂ થયો હોવાનું મનાય છે.

દિલ્હીમાં જે ગેંગ્સ સક્રિય બની છે તેની વિગતો પણ જાણવા જેવી છે.

નીરજ બવાનાની ગેંગ

દક્ષિણ દિલ્હીનો નીરજ બવાના પોલીસના રડાર પર છે. તે હત્યાઓ, હત્યાના પ્રયાસ, ખંડણી, લૂંટફાટ જેવા એક ડઝન કેસોનો વોન્ટેડ હતો. તેને જન્મટીપની સજા થયેલી છે. નીરજ બવાનાની ધરપકડ દિલ્હી પોલીસે ૨૦૧૫માં કરી હતી. વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવા માટે કુખ્યાત નીરજ બવાના જેલમાં જ રહીને ગેંગ ચલાવે છે બહાર તેના ૧૦૦ જેટલા માણસો નીરજ બવાનાના ઈશારે ગુનાઓ આચરે છે. આ અંડરવર્લ્ડના માણસ પાસે બેસ્ટ શાર્પશુટર્સ છે. તે જેલમાં હોવા છતાં સોપારી લે છે અને પૈસા લઈ હત્યાઓ કરાવી શકે છે.

એમ એમ ગેંગ

આ ગેંગના વડા મનોજ મોખેરી રોહતકનો વતની છે. મનોજે તેની ગુનાહીત કારકિર્દીની શરૂઆત સોનાની ચેન ખેંચવાથી કરી હતી. તે પછી તેણે પોતાની ગેંગ ઊભી કરી હતી. મનોજની ગેંગે ચોરી, લૂંટફાટ અને ખંડણીનાં ગુનાઓ આચરવામાં કૌશલ્ય મેળવી લીધું હતું. તેની ગેંગે દિલ્હી અને હરિયાણામાં આતંક ફેલાવી દીધો હતો. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે ૨૦૧૩માં તેની ધરપકડ કરી હતી. તે પછી પણ તે અંદર રહી બહારની તેની ગેંગને માર્ગદર્શન અને આદેશો આપતો રહ્યો છે. તે ‘એમ એમ’ના નામે ઓળખાય છે. તેણે હરિયાણાના એક પોલીસ ઈન્સ્પેકટરની પણ હત્યા કરાવી હોવાનું કહેવાય છે. નવી દિલ્હીનો એક એરિયા એનસીઆર તરીકે ઓળખાય છે. એમ.એમ. એનસીઆરના ટોપ ટેન ક્રિમિનલ્સ પૈકીનો એક ગણાય છે.

સંદીપ ચિંતાનીયા

સંદીપ ચિંતાનીયા મૂળ સોનીપતનો વતની હતો. દિલ્હી અને હરિયાણામાં કરેલી અનેક હત્યાઓ અને ખંડણીના કેસમાં મોસ્ટ વોન્ટેડ રહ્યો હતો. એક મૂડભેઠ દરમિયાન હરિયાણા પોલીસના હાથે તે મરાયો હતો. વાત એવી હતી કે ૨૦૧૩માં પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ તે પછી કસ્ટડીમાંથી કોર્ટમાં લઈ જતી વખતે ભાગી છૂટયો હતો. એ વખતે તે પોલીસના હાથે ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો આ વાતને કેટલાક વર્ષો થયા, પરંતુ એક ડઝન સભ્યો ધરાવતી તેની ગેંગ હજી સક્રિય છે. તેની ગેંગનું નામ પણ સંદીપ ચિંતાનીયા ગેંગ જ છે. મૃત્યુ બાદ પણ તેની ગેંગ લોકોને ભયભીત કરે છે. દિલ્હી અને હરિયાણામાં આ ગેંગ રિયલ એસ્ટેટ સંબંધી ખંડણી અને ચોરી-લૂંટફાટના ગુનાઓ આચરે છે. કહેવાય છે કે ચિંતાનીયાના નામ માત્રથી લોકો ધ્રૂજી ઊઠે છે.

વિકાસ લંગરપુરિયા ગેંગ

વિકાસ મૂળ હરિયાણાના એક ગામનો રહીશ છે. તે દિલ્હી યુનિવર્સિટીમાં ભણતો હતો, પરંતુ ભણવાનું અધૂરું છોડીને તે ક્રિમિનલ એક્ટિવિટીમમાં જોડાઈ ગયો હતો. તેના પરિવારને થયેલા કોઈ અન્યાયનો બદલો લેવા તે ગુનેગાર બન્યો. એક પૂર્વ ધારાસભ્ય ભરત સિંહની હત્યાના કેસમાં તેની કહેવાતી સંડોવણીના સંદર્ભમાં તે હાલ તિહાડ જેલમાં છે. તે જેલમાં હોવા છતાં તેના બે ડઝન જેટલા ગેંગ સ્ટર્સ બહાર સક્રિય છે તેઓ જમીન પચાવી પાડવાથી માંડીને ખંડણી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરે છે. દિલ્હી નજીકના નજક ગઢ વિસ્તારની દરેક વિવાદમાં ફસાયેલી જમીનની ખરીદી કરવી હોય કે વેચવી હોય તો વિકાસની ગેંગની મજૂરી આવશ્યક ગણાય છે. વિકાસની ગેંગે મનજીત મહલ ગેંગના બે પ્રતિસ્પર્ધી એની હત્યા કરી નાંખી હોવાનું કહેવાય છે. તે પછી તે દિલ્હી અંડરવર્લ્ડનો ટોપ ગેંગસ્ટર બની ગયો.

ચેન્નુ પહેલવાન ગેંગ

ચેન્નુ પહેલવાને તેની ગુનાહિત કારકિર્દીની શરૂઆત ૧૯૯૦થી શરૂ કરી હતી. શરૂઆત તેણે સોનાની ચેન ખેંચવાથી કરી હતી. તે પછી તેણે લૂંટ અને ચોરી કરવાનું શરૂ કર્યું. એ વખતે દિલ્હીમાં અબ્દુલ નાસીરની ગેંગ શરૂ થઈ અને ચેન્નુ પહેલવાન ગેંગ અને અબ્દુલ નાસીર ગેંગ વચ્ચે ગેંગવોર ફાટી નીકળ્યું. ૨૦૧૨માં ચેન્નુ પહેલવાનની ધરપકડ થઈ. આમ છતાં તેની ગેંગ બહાર સક્રિય રહી. પૂર્વ દિલ્હીમાં તેની ગેંગનો દબદબો યથાવત રહ્યો. ચેન્નુ પહેલવાનની ગેંગની પ્રવૃત્તિ જુગાર, ખંડણી, જમીનો પચાવી પાડવાથી માંડીને બીજા અનેક ગુનાઓ સુધી વિસ્તારયેલી છે તેની ગુનાઈ પ્રવૃત્તિનો વિસ્તાર હવે દિલ્હીથી માંડીને ઉત્તર પ્રદેશના લોની સુધી પહોંચ્યો છે. ચેન્નુ પહેલવાન અને અબ્દુલ નાસીર એ બંને જેલમાં છે, પરંતુ બહાર તેમનું ગેંગ વોર ચાલુ છે બંને બાજુના થઈને કુલ સાત માણસોની હત્યાઓ થઈ ચૂકી છે.

નવી દિલ્હીના અંડરવર્લ્ડનું આ એક કડવું સત્ય છે

Be Sociable, Share!