Close

નાતાલની પૂર્વસંધ્યાએ નેબ્રાસ્કાના બરફાચ્છાદિત નિર્જન માર્ગ પર પડેલું મૃત બાળક કોનું હતું?

રેડ રોઝ | Comments Off on નાતાલની પૂર્વસંધ્યાએ નેબ્રાસ્કાના બરફાચ્છાદિત નિર્જન માર્ગ પર પડેલું મૃત બાળક કોનું હતું?
૧૯૮૫ની નાતાલની આ વાત છે.
અમેરિકાના નેબ્રાસ્કા વિસ્તારમાં ચેસ્ટર પાસે એક ગામ ઠંડીમાં ધ્રૂજી રહ્યું હતું. તા.૨૪મી ડિસેમ્બરની એ રાત હતી. ચેસ્ટરમાં રહેતો ચાર્લ્સ ક્લેવલેન્ડ રાત્રે દસેક વાગ્યે એની ટ્રક લઈને ઘર તરફ આવી રહ્યો હતો. જલદી પહોંચી જવાય એટલે તેણે ટૂંકો પણ નિર્જન રસ્તો લીધો. ટ્રકના તેજલિસોટા ગાઢ ધુમ્મસને ચીરીને આગળ વધી રહ્યા હતા અને એક વળાંક પાસે ટ્રક થંભી ગઈ. ચાર્લ્સ ક્લેવલેન્ડે જોયું તો ખરેલાં પાંદડાંઓની ઢગલીમાં બરફ પર એક નાનકડા બાળકનો મૃતદેહ દેખાયો. ચાર્લ્સ વિચારમાં પડી ગયો કે આ મૃત બાળક કોનું હશે? અહીં આટલી કાતિલ ઠંડીમાં એને કોણ છોડી ગયું હશે?
ચાર્લ્સ પાસે ટ્રકમાં વાયરલેસ રેડિયો સિસ્ટમ હતી. એણે તરત જ ગામના શેરીફને આ વાતની જાણ કરી. બરાબર વીસ મિનિટ બાદ શેરીફ અને એક વકીલ એ થીજી ગયેલા નિર્જન માર્ગ પર પહોંચ્યા. શૂન્યથી નીચે ૪૦ ડીગ્રી ઠંડા હવામાનથી જામી ગયેલા બરફ પર નાનકડા બાળકનો મૃતદેહ જોઈ એ પણ વિચારમાં પડી ગયો. એણે જોયું તો બાળકની આંખો બંધ હતી. એના મૃતદેહ પર આખા શરીરને ઢાંકી દીધેલો ફલેનલ પાયજામો પહેરાવેલો હતો. બાળકનો ડાબો હાથ જાણે કે તે ઊંઘી ગયો હોય તેમ એની છાતી પર હતો. આશરે નવેક વર્ષનું એ બાળક મૃત્યુ પામેલું હતું. મૃત બાળકના ગળાની આસપાસ કાળા ડાઘ હતા.
શેરીફ વિચારમાં પડી ગયો કે આ બાળક કોનું હશે? શું એ તેના ગામનું હશે? કોણે એને મારી નાંખીને અહીં ફેંકી દીધું હશે?
બીજી તરફ ચેસ્ટરનાં બાળકો નાતાલને પૂર્વારંભ નિમિત્તે ચર્ચમાં ઈસુના જન્મની કથા સાંભળી રહ્યા હતાં.
હવે શેરીફ એ મૃત બાળકને ગામમાં લઈ આવ્યો. એને એક મડદાઘરમાં રાખવામાં આવ્યો. આ વાત ચેસ્ટર સહિત આસપાસનાં ગામોમાં પ્રસરી ગઈ. વીજળીવેગે આ વાત ફેલાઈ જતાં રાત્રે જ દરેક પરિવારોએ પોતપોતાનાં બાળકોને સોડમાં લઈ લીધાં.
શેરીફે ગામમાં પૂછપરછ કરાવી. એ મૃત બાળક ચેસ્ટરનું તો નહોતું જ. તો શું બીજા કોઈ ગામનો માણસ બાળકની ક્રૂર હત્યા કરી તેના મૃતદેહને અહીં ફેંકી ગયો હશે.
બીજા દિવસે ૨૫મી ડિસેમ્બર હતી. ચર્ચનો બેલ રણકી ઊઠ્યો. ગામલોકો દેવળ તરફ જવા લાગ્યા. લોકો પોતપોતાનાં બાળકોને પણ ચર્ચમાં સાથે લઈ ગયા. ચર્ચમાં પવિત્ર બાઈબલનું વાંચન થઈ રહ્યું પરંતુ ગઈ રાતની ઘટનાથી એક પ્રકારની ગમગીની છવાયેલી હતી. એક તરફ ઈસુનો જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો હતો તો બીજી તરફ ગામના નિર્જન રસ્તા પરથી કોઈ મૃત બાળક મળી આવ્યું હતું.
સત્તાવાળા શોધી રહ્યા હતા કે આ મૃત બાળક કોનું હશે? તબીબ એક નિષ્કર્ષ પર આવ્યા કે બાળક પૂર્ણ રીતે વિકસિત હતું. તેની વય નવ કે દસ વર્ષની હોવી જોઈએ. દાંત પણ બરાબર હતા. માથા પર આછા ભૂરા વાળ હતા. ખૂબ જ પ્રેમ અને લાડકોડથી આ બાળક ઉછરેલું હોવું જોઈએ. નિષ્ણાતો એવા મત પર આવ્યા કે બાળકનું મૃત્યુ તા.૨૨મી ડિસેમ્બરે થયું હોવું જોઈએ. અલબત્ત, આ જ સુધી કોઈએ પોલીસને પોતાનું બાળક ગુમ થયું છે તેવી જાણ કે ફરિયાદ કરી નહોતી.
આ વાતને ત્રણ મહિના વીતી ગયા. બાળકના મૃતદેહને હજુ મોર્ગમાં જ સાચવી રાખવામાં આવ્યો હતો. આ ઘટનાની વાત ટેલિવિઝન દ્વારા આખા અમેરિકાના ઘરઘરમાં પહોંચી ગઈ હતી. હવે બાળકની દફનવિધિ કરવાની તારીખ નક્કી કરવામાં આવી. આ સમાચાર પણ ટેલિવિઝન પર પ્રસારિત થતાં ઘણા લોકોએ બાળકની સન્માનપૂર્વક યોગ્ય દફનવિધિ થાય તે માટે ફાળો પણ મોકલી આપ્યો.
ત્રણ મહિના બાદ હવે ઈસ્ટરના દિવસો આવ્યા. તા.૨૨મી માર્ચ, ૧૯૮૬ના રોજ ચર્ચમાં ચારસોથી વધુ લોકો એકત્ર થયેલા હતા. ચર્ચમાં પાદરીએ મેથ્યુનું ૨૫મું પ્રકરણ ખોલ્યું અને પ્રભુ ભૂખ્યા હતા ત્યારે એમને ખવરાવનાર, તેઓ તરસ્યા હતા ત્યારે એમને પાણી પીવરાવનાર અને તેમની પાસે વસ્ત્રો નહોતાં ત્યારે વસ્ત્રો આપનારની ઉપકૃતતાની કથા સંભળાવી. પાદરીએ ઉપદેશ આપતાં કહ્યું: `જિસસે એમ પણ કહ્યું છે કે જગતમાં કોઈની સાથે તમે પણ આવું જ કરશો તો તમે મારી સાથે પણ એમ કર્યું છે એમ હું માનીશ.’
આજે એ ઉપદેશ ત્યાં આપવામાં આવી રહ્યો હતો જ્યાં કેટલાક સમય પહેલા એક નાનકડું મૃત બાળક પણ સાવ એકલું હતું. ભૂખ્યું પણ હતું. કાતિલ ઠંડીનો સામનો કરી શકે તેટલાં વસ્ત્રો તેની પાસે નહોતાં અને મૃત્યુ પામ્યુ હતું.
પાદરીએ લોકોને સંબોધતાં કહ્યું: `જે કોઈ આ બાળકને અહીં આપણા ગામના નિર્જન રસ્તા પર છોડી ગયું છે તે પણ કોઈ જમાનામાં તરછોડાયેલું જ હોવું જોઈએ. આ બાળકે તો જિસસે જગતને આપેલો ઉપદેશ સાંભળ્યો જ નથી. તે જિસસના સંદેશને સાંભળે અને સમજે તે પહેલાં એ મૃત્યુ પામ્યું છે. આવું કૃત્ય કરનારને કદાચ કાનૂનનો ડર હશે કે બીજી કોઈ મૂંઝવણમાં હશે પરંતુ આજના નાતાલના દિવસે પ્રભુ ઈસુ આપણને આત્માની ભીતર ઝાંખવાનું કહી રહ્યા છે કે આપણે કેવા છીએ? ‘
પાદરીએ ઉમેર્યું: `મને યાદ છે કે આ બાળક નિર્જન રસ્તા પર પડ્યું હતું ત્યારે તેનો એક હાથ તેની છાતી પર હતો. રે બાળક! આજે હું તને આનાથી વિશેષ કોઈ સગવડ આપી શકું તેમ નથી. તું અહીં જ આશ્રય લઈને હવે પ્રભુની પાસે જા.’
થોડીક ક્ષણો પછી પાદરીએ ગામલોકોને કહ્યું: `આ મૃત બાળકને દફનાવતાં પહેલાં તમે અંદરથી કેવા છો તે તપાસી લેજો. કોઈ ભૂખ્યું હોય તો તેને ભોજન આપજો. કોઈ વસ્ત્રહીન હોય તો તેને વસ્ત્રો આપજો. બસ, આજના દિવસે આ જ આ બાળકનો સંદેશો છે.’
બાળકની દફનવિધિ પહેલાં ચર્ચમાં એકઠા થયેલા લોકો લાગણીભીના થઈ આ સંદેશો સાંભળી રહ્યા.
બાળકની દફનવિધિ માટે કેન્સાસની એક કંપનીએ કૉફિન મોકલ્યું હતું. મૃત બાળકના કૉફિનને હવે કબ્રસ્તાન તરફ લઈ જવાયું. સેંકડો લોકો એની અંતિમયાત્રામાં જોડાયા. કબર ખોદનારાએ તેનું વળતર લેવા ઈન્કાર કર્યો. ગામની એક ખ્રિસ્તી વિધવાએ બાળકની કબર માટે કબ્રસ્તાનમાં એક જગા ફાળવી આપી અને ચેસ્ટરના સેંકડો લોકોની હાજરીમાં નેબ્રાસ્કાની ધરતીમાં બાળકના મૃતદેહને અશ્રુભીની આંખે દફનાવ્યો.
સાઉથ ડાકોટાની એક કંપનીએ બાળકની કબર પર લગાડવા માટે રેડ ગ્રેનાઈટનો એક પથ્થર મોકલી આપ્યો હતો. બાળકની કબર પર એ પથ્થર મૂકવામાં આવ્યો. તેની પર લખવામાં આવ્યું: `અહીં સૂતું છે એક નાનકડું બાળક જે ચેસ્ટર-નેબ્રાસ્કાના નિર્જન માર્ગ પરથી તા.૨૪ ડિસેમ્બરે તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. જેને અમે મેથ્યુ કહીએ છીએ.’ …જેનો અર્થ થાય છે `ઈશ્વરની દેન’.
નાતાલની પૂર્વસંધ્યાએ મળી આવેલા એ બાળકના મૃતદેહની દફનવિધિ પ્રસંગે પાદરીએ આપેલા ઉપદેશથી અનેક લોકોના હૃદયપલટા થયા. જાણે કે બાળક મૃત અવસ્થામાં પણ અહીં આવીને ગામલોકોને કહી ગયું હતું: `આવું ક્યારેય બને તો કોઈને તરછોડશો નહીં અને પોતાના જીવનની અંદર જ ડોકિયું કરજો.’
આ ઘટનાનાં બરાબર બે વર્ષ બાદ બાળકના મૃત્યુનો ભેદ ખૂલ્યો.
મેક્સિકોથી કેનેડા જતા `હાઈવે-૮૧’ તરીકે જાણીતા એ ધોરી માર્ગ પાસે દોઢસો કિલોમીટર દૂર ચેસ્ટર ગામ આવેલું છે. એ હાઈવે પર થઈને સ્ટુટ્ઝમેન નામની ટેક્સાસની વ્યક્તિ તેના નવ વર્ષના બાળક ડેનીને લઈને વોમિંગથી ઓહાયો જઈ રહી હતી અને રસ્તામાં અચાનક જ કાતિલ ઠંડી અથવા બીજા કોઈ અજાણ્યા કારણસર તેનો પુત્ર રસ્તામાં જ મૃત્યુ પામ્યો. ગમે તે કારણસર પિતાએ તેના મૃત બાળકને ચેસ્ટરના બરફાચ્છાદિત નિર્જન માર્ગ પર મૂકી દીધું હતું.
આ આખીયે ઘટના ત્યારે જ પ્રકાશમાં આવી જ્યારે અમેરિકાના સુપ્રસિદ્ધ મેગેઝિન `રિડર્સ ડાયજેસ્ટ’માં જ્યારે આ સ્ટોરી પ્રગટ થઈ. આ ઘટના વાંચ્યા બાદ મૃત બાળકને નિર્જન રસ્તા પર તરછોડી જનાર ચેસ્ટરથી થોડેક જ દૂર એક ટાઉનમાં રહેતા સ્ટુટ્ઝમેન નામના માણસ સામે વાંધો ધરાવતા એક માણસે સ્ટુટ્ઝમેનના ગુમ થયેલા બાળકની તપાસ કરવા પોલીસને જાણ કરી. પોલીસે તરત જ કામગીરી હાથ ધરી. સ્ટુટ્ઝમેનના ઘેર જઈ તેને પકડ્યો. સ્ટુટ્ઝમેન ભાંગી પડ્યો. તેણે કબૂલી લીધું કે, `હા, મેં જ મારા મૃત બાળકને નેબ્રાસ્કા ચેસ્ટર પાસેના બરફાચ્છાદિત નિર્જન માર્ગ પર તરછોડી દીધું હતું.’
બાળકના મૃત્યુને છુપાવવાના અને મૃત બાળકને નિર્જન રસ્તા પર છોડી દેવાના ગુનાસર અદાલતે એ બાળકના પિતાને ૧૮ માસની કેદની સજા ફટકારી.
આજથી પ્રભુ ઈસુના જન્મદિનથી નાતાલનો આરંભ થાય છે ત્યારે એ જ સંદેશ છે કે, રસ્તા પર કોઈ તરછોડાયેલું હોય તો તેની કાળજી લેજો, કોઈ ભૂખ્યું હોય તો તેને ખવરાવજો, કોઈ બીમાર હોય તો તેની સારવાર કરાવજો અને કોઈ નિર્વસ્ત્ર હોય તો તેને વસ્ત્ર આપજો.
સહુને નાતાલની શુભકામના
મેરી ક્રિસમસ.

Be Sociable, Share!