Close

નુક્લીયર પાકીસ્તાન -કંગાળ પાકિસ્તાન

રેડ રોઝ | Comments Off on નુક્લીયર પાકીસ્તાન -કંગાળ પાકિસ્તાન

પાકિસ્તાન એક નોટોરિયસ અને ન્યૂસન્સ કન્ટ્રી છે. થોડા દિવસ પૂર્વે જ પાકિસ્તાન પ્રેરિત કેટલાક આતંકવાદીઓએ જમ્મુ એરબેઝ પર ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. આતંકવાદીઓની આ નવી ચાલ છે. આજે તેમની પાસે અમાનવ ડ્રોન છે પરંતુ આવતીકાલે એ લોકો પાસે પાકિસ્તાનનો કોઈ અણુબોમ્બ આવી જાય તો એ લોકો શું કરશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ઈમરાન ખાન ખુદ પાકિસ્તાનના લશ્કરી અમલદારોની કઠપૂતળી અને એક નિષ્ફળ દેશના નિષ્ફળ વડાપ્રધાન છે. તેઓ નથી તો પાકિસ્તાનમાંથી ભૂખમરાનો અંત લાવી શક્યા, નથી બેરોજગારીનો. તેઓ ન તો કટ્ટરપંથીઓને નિયંત્રિત કરી શક્યા છે ન આતંકવાદી શિબિરોને. ઘરઆંગણે જ તેઓ પ્રચંડ વિરોધનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં જ્યારે જ્યારે પણ વડાપ્રધાન સામે જનાક્રોશ ફાટી નીકળે છે. ત્યારે ત્યારે તેઓ ક્યાં તો કાશ્મીરરાગ આલાપે છે અથવા ભારતને અણુશાસ્ત્રના નામે ડરાવવાની કોશિશ કરે છે. હમણાં જ થોડા દિવસ પહેલાં તેમણે આ અડપલું કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. એ વાત તેમણે સ્વીકારી લેવી જોઈએ કે પાકિસ્તાન ભારત પર અણુબોમ્બ ફેંકે તો ભારતને ઘણું નુકસાન પહોંચી શકે છે પરંતુ તેના જવાબમાં ભારત જે કરશે તેનાથી પાકિસ્તાન નામના દેશનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે.

અલબત્ત, પાકિસ્તાન એક એવો દેશ છે જેની પર કદીયે ભરોસો કરી શકાય નહીં. ભૂતકાળમાં તે ભારત સાથે યુદ્ધો કરીને ખરાબ રીતે હારી ચૂક્યું છે. પાકિસ્તાનની કડવી વાસ્તવિક્તા એ છે કે પાકિસ્તાનમાં લોકો પાસે મોંઘાં શાકભાજી ખરીદવા પૈસા નથી પરંતુ તેની પાસે અણુશસ્ત્રો છે અને પાકિસ્તાનના અણુબોમ્બના પિતા છે અબ્દુલ કાદીર ખાન.

પાકિસ્તાનના અણુબોમ્બની સ્ટોરી ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનના પરાજય પછી શરૂ થઈ હતી. ભારત સામેની આ હાર પછી ૨૪ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ મુલતાનમાં લશ્કરી અધિકારીઓની અને વૈજ્ઞાનિકોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકને સંબોધતા પાકિસ્તાનના એ વખતના વડાપ્રધાન ભુટ્ટોએ જણાવ્યું હતું કે ભારત પાસે લાખોનું સૈન્ય છે. આપણે તેને સીધી લડાઈમાં હરાવી શકીશું નહીં, તેથી આપણી પાસે અણુબોમ્બ હોવો જોઈએ. તમારામાંથી એવો કોઈ વ્યક્તિ છે જે મને ત્રણ વર્ષમાં ન્યુક્લિયર બોમ્બ બનાવીને આપી શકે.

મોટા ભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ‘આ શક્ય નથી, કારણ કે એ માટે પુષ્કળ નાણાં અને પિૃમના દેશોની મદદ જોઈએ.’

બહુ પ્રયત્ન પછી લિબિયા અને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે નાણાકીય મદદ કરવાની હા પાડી.

એ પછી ભારતે પહેલો અણુધડાકાનો પ્રયોગ પોખરણના રણમાં કર્યો. પિૃમનાં રાષ્ટ્રો પણ અંધારામાં હતાં, તે બધાં ચોંકી ગયાં.

૧૯૭૪માં પાકિસ્તાની વૈજ્ઞાનિકોએ નેધરલેન્ડ-હોલેન્ડની ડાયનેમિક રિસર્ચ લેબોરેટરીની મુલાકાત લીધી. એ વખતે બ્રિટન, જર્મની અને નેધરલેન્ડે સાથે મળીને ‘યુરેન્કો’ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ અણુ ઊર્જાથી વીજળી પેદા કરવા માટે હતો. એ માટેનું સેન્ટ્ર્ીફ્યુજ આમસ્ટાર્ડામમાં તૈયાર કરવામાં આવ્યું. હવે બન્યું એવું કે પાકિસ્તાનનો અબ્દુલ કાદિર ખાન નામનો માણસ બે વર્ષથી આ લેબોરેટરીમાં કામ કરવા માટે અરજી કરી રહ્યો હતો.

એ દરમિયાન બન્યું એવું કે યુરેન્કો તેની સેન્ટ્રીફ્યુઝ સિલિન્ડરને જર્મન ટેકનોલોજી દ્વારા અપગ્રેડ કરવા માંગતુ હતું. યુરેન્કોને મળેલી થોડી અરજીઓ પૈકી એક માત્ર અબ્દુલ કાદીર ખાન જ જર્મન ભાષા ભણતો હતો. તેને નોકરીએ રાખી લેવામાં આવ્યો અને જર્મન ડોક્યુમેન્ટરીને ડચ ભાષામાં અનુવાદ કરવાનું કામ સોપવામાં આવ્યું. એ ફાઈલોમાં એડવાન્સ સેન્ટ્રીફ્યુજને કયા મેટલમાંથી તૈયાર કરવી તેની ઝીણવટભરી ટેકનીકલ માહિતી હતી. પાકિસ્તાનના વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાને આ ટેકનીકલ માહિતીની ચોરી છુપીથી કોપી કરી લીધી. એણે સેન્ટ્રીફ્યુઝના વિવિધ ભાગોમાં ચોરી છુપીથી ફોટા પણ પાડી લીધા. તે એક મહત્ત્વકાંક્ષી વૈજ્ઞાનિક હતો. એણે ૧૯૭૪માં પાકિસ્તાનના વડાપ્રધાન ભુટ્ટોને એક પત્ર લખી અણુબોમ્બના સંદર્ભમાં તેમની મુલાકાત માટે સમય માંગ્યો. ૧૯૭૪ના ડિસેમ્બર મહિનામાં ભુટો અને ખાનની ગુપ્ત મીટિંગ થઈ. અબ્દુલ કાદિર ખાને અણુ ટેકનોલોજી માટેની સેન્ટ્રીફ્યુઝના વિવિધ ભાગોના ફોટા અને પ્લાન્સ રજૂ કર્યા. ભુટ્ટો પ્રભાવીત થયા. અબ્દુલ કાદિર ખાનને નેધરલેન્ડ પાછા જવાના બદલે પાકિસ્તાનમાં જ રોકાઈ જવા કહી પાકિસ્તાન માટે અણુબોમ્બ બનાવવા કહ્યું. ભુટ્ટોએ પિૃમના દેશોમાં રહેલા પાકિસ્તાનના ડિપ્લોમેટિક સ્ટાફને અણુબોમ્બ બનાવવા માટેનું જરૂરી મટીરિયલ્સ યુરોપમાંથી ખરીદવા સૂચના આપી. અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના વડાપ્રધાને ફ્રી હેન્ડ આપ્યો. યુરોપમાં મુસ્લીમ રેસીડેન્સ દ્વારા એક કંપની ઊભી કરવામાં આવી. એ કંપનીના નામે જ અણુબોમ્બ બનાવવા માટેનું જરૂરી મટીરિયલ્સ ખરીદવામાં આવ્યું. ચાલાકી એ હતી કે અભ્યાસ કરવાના બહાને એ બધું મટીરિયલ્સ પાકિસ્તાનની યુનિવર્સિટીઓની લેબોરેટરીઓના નામે પાકિસ્તાન મંગાવવામાં આવ્યું.

એ પછી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની વિદાય થઈ.

હવે પાકિસ્તાનનું શાસન સરમુખત્યાર ઝિયા-ઉલ પાસે આવ્યું. તેમણે ભુટ્ટોને પ્રતિસ્પર્ધી સમજીને ફાંસીએ લટકાવી દીધા પરંતુ અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાન માટે અણુબોમ્બ બનાવવાના કામમાં આગળ વધવા જણાવ્યું.

તા.૨૮મી માર્ચ ૧૯૭૯ના રોજ જર્મન ટેલિવિઝને દુનિયાને પહેલી જ વાર જાણ કરી કે પાકિસ્તાનનો વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન એક ન્યુક્લિયર સ્મગલર છે અને અણુબોમ્બ બનાવવા માટેની સેન્ટીફ્યુઝ ટેકનોલોજી હાંસલ કરવામાં સફળ નીવડયો છે. જર્મન ટેલિવિઝને એ પણ જણાવ્યું કે અબ્દુલ કાદિર ખાને નેધરલેન્ડના પાટનગર આમસ્ટર્ડામની ‘યુરેન્કો’ લેબમાંથી આ ટેકનોલોજી ચોરીને પાકિસ્તાનને આપી છે.

અમેરિકા ચાંેકી ગયું. તેણે ઝિયા ઉલનો ઉધડો લીધો, એટલે ઝિયા-ઉલ-હકે કહ્યું કે આ બધું ખોટું છે. તેના જવાબમાં અમેરિકાએ પાકિસ્તાનના કહુટા-અણુ પ્રોજેકટની સેટેલાઈટ તસ્વીરો દર્શાવી પણ ઝિયા ઉલહક એ બધું નકારતા રહ્યા.

 

૧૯૮૦માં તો પાકિસ્તાને કહુ યા અણુ પ્રોજેકટને ખાન રિસર્ચ લેબોરેટરી એવું નામ આપી દીધુ પરંતુ અમેરિકાના દબાણથી ઝિયા ઉલ હકે નેધરલેન્ડમાંથી અણુ ટેકનોલોજીની ચોરી કરવા ખાન સામે કેસ ચલાવવાની તૈયારી કરી પરંતુ દેશના આંતરિક રાજકારણમાં હોબાળો મચવાની બીકે ઝિયા ઉલ હકે ખાન સામે કેસ કરવાનું માંડી વાળ્યું.

અલબત્ત નેધરલેન્ડે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈઓને જાણ કરી પરંતુ ગમે તે કારણસર સીઆઈએએ તેમાં કોઈ રસ દર્શાવ્યો નહીં. ખરી વાત એ હતી કે એશિયા ખંડમાં સંતુલન જાળવવાના હેતુથી અમેરિકાએ પાકિસ્તાન તરફ ક્રૂર વલણ અને બેવડા ધોરણો અપનાવ્યા. પાકિસ્તાનની આ નોટો રિયસ પ્રવૃત્તિ પ્રત્યે અમેરિકાએ આંખ આડા કાન કર્યા. એથી ઉલટું અમેરિકાના પ્રેસીડેન્ટ રશિયા ગયા અને ઈરાનને ન્યુક્લિયર મટીરિયલ્સ ન આપવા દબાણ કર્યું. બીજી તરફ અમેરિકાના અબ્દુલ કાદિર ખાનના ગોરખ ધંધાની જાણ હોવા છતાં તેણે એક હૂફ પણ ના ઉચ્ચાર્યો.

બીજી બાજુ પાકિસ્તાનનો ન્યુક્લિયર સ્મગલર ખાનગીમાં ઉત્તર કોરિયા, લિબિયા, ઈરાક અને ઈરાનને પુષ્કળ પૈસા લઈ ખાનગીમાં તેણે હાંસલ કરેલી ન્યુક્લિયર ટેકનોલોજી વેચતો ગયો. એમાંથી એને એટલા બધા નાણાં મળ્યા કે તેણે લંડન, દુબઈ અને ટિકબટુમાં કેટલીય મોંઘીદાટ પ્રોપર્ટી ખરીદી લીધી.

એ પછી પાકિસ્તાનમાં પરવેઝ મુશરફ સત્તા પર આવ્યા. તેમણે સંખ્યા બંધ ન્યુક્લિયર બોમ્બ બનાવી દીધા. અમેરિકાના ધ્યાન પર આ વાત આવતાં એણે પરવેઝ મુશરફ પર ન્યુક્લિયર સ્મગલર અબ્દુલ કાદિર ખાનની ન્યુક્લિયર ટેકનોલોજી બીજા દેશોની વેચી દેવાની પ્રવૃત્તિની તપાસ કરવા દબાણ કર્યું. પરવેઝ મુશરફે તપાસ શરૂ કરાવી. ખાનના ભ્રષ્ટાચારના પૂરાવા પણ એકત્ર થયા પરંતુ તપાસ સમિતિનો અહેવાલ પ્રજા સમક્ષ કદી મૂક્વામાં આવ્યો નહીં. કારણકે તેમાં પાકિસ્તાનના જ કેટલાક મિલિટરી અધિકારીઓ સંડોવાયેલા હતા

તા.૧૧મે ૧૯૯૮ના રોજ ભારતે ભૂગર્ભમાં ત્રણ અણુધડાકા કર્યા. બે દિવસ પછી બીજા બે અણુધડાકા ક્રયા. આ જોઈને પાકિસ્તાને પણ મે ૧૯૯૮ના છેલ્લા અઠિવાડિયામાં છ અણુધડાકા કરીને પોતાની ન્યુક્લિયર તાકાતનું પ્રદર્શન કર્યું. વિશ્વ ચોકી ગયું.

તે પછી તા. ૧૦ માર્ચ ૨૦૦૧ના રોજ અબ્દુલ કાદિર ખાનને ન્યુક્લિયર પ્રોજેકટમાંથી નિવૃત્ત કરી દેવાયો. પરંતુ આ બધઉ દેખાડા માટે જ હતુ કારણકે એ જ રાત્રે પાકિસ્તાનના સરખુખત્યાર પરવેઝ મુશરફ અબ્દુલ કાદિર ખાનના મકાનમાં પોતાના નિવાસસ્થાને ડીનર આપ્યું અને એ રીતે અબ્દુલ કાદિર ખાનની સેવાઓની કદર કરવામાં આવી.

પાકિસ્તાન પાસે આજે ૧૬૦ જેટલા ન્યુક્લિયર બોમ્બ હોવાનું મનાય છે. અને અબ્દુલ કાદિર ખાન તેના પેલેમાં નિરાંતે ઊંઘે છે. પાકિસ્તાને તેના અશાંત એવા ઉત્તર-કોરિયા પ્રાંત અને બલુચિસ્તાનમાં પરમાણુ શાસ્ત્રો છુપાવેલા છે. ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાનમાં આંતકવાદી સંગઠનો જેવાં કે તાલિબાન અને લશ્કરે- એ- તોઈબાના અડ્ડા છે. અને એ ત્રાસવાદી સંગઠનોની નજર પાકિસ્તાનનાં પરમાણુ શાસ્ત્રો પર છે. એકવાર જો પાકિસ્તાનના ન્યુક્લિયર શસ્ત્રો આ સંગઠનોના હાથમાં આવી જાય તો એ આતંકવાદીઓ આખા વિશ્વને બ્લેકમેઈલ કરી શકે છે.

પાકિસ્તાનના અણુ બોમ્બની કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ કેવી છે તે હવે પછી.

Be Sociable, Share!