Close

પાકિસ્તાનને હવે નકશા પરથી મીટાવી દો

રેડ રોઝ | Comments Off on પાકિસ્તાનને હવે નકશા પરથી મીટાવી દો

મોટા ભાગના દેશવાસીઓ રાત્રે ડ્રોંઈગરૂમમાં ટીવી સિરિયલ્સ જોઈને આરામથી ઊંઘી જાય છે. દિવસે વેપાર ધંધા ધમધમે છે. સિનેમા થિયેટરો, પ્રેક્ષકોથી ઉભરાય છે. નેતાઓ પોલિસ પ્રોટેકશન હેઠળ ઉદ્ઘાટનો કરવા જાય છે. પરંતુ ‘ઓલ ઈઝ નોટ વેલ.’

 ભારત-પાક સરહદો સળગી રહી છે. રોજ પાકિસ્તાન તરફથી કોઈને કોઈ ઘૂસણખોરી થાય છે. સરહદ પર દર થોડા થોડાં દિવસોએ કોઈને કોઈ જવાન શહીદ થાય છે. તેનો વળતો સજડ જવાબ ભારતીય લશ્કર પણ આપે છે. ભારતીય સૈનિકો પાકિસ્તાનની ચોકીઓ ઉડાવી દે છે. આ એક પ્રકારનું ભારત-પાકિસ્તાન વચ્ચેનું અઘોષિત યુદ્ધ છે. ભારત-પાક વચ્ચેના સંબંધો તનાવ પૂર્ણ છે. એ બધાનો સહુથી વધુ મુશ્કેલીઓ સરહદ પર વસતાં ભારતીય ગામોના લોકો અનુભવી રહ્યા છે. સીમા પર વસતા લોકોના મકાનોની દિવાલોમાં પાકિસ્તાનની રેન્જર્સએ છોડેલાં રોકેટેસના શેલ્સ ભારે નુકસાન પહોંચાડે છે. આખી રાત બંદૂકની ધણધણાટીથી બાળકો ઊંઘી પણ શક્તા નથી. લોકો ડરેલા છે. અહીં રોજેરોજ પાકિસ્તાન ખૂનની નદીઓ વહેવરાવવા તોપોમાંથી ગોળા છોડયા કરે છે. જાણે કે એક પ્રકારનો ખૂની સંઘર્ષ ચાલુ જ છે.

પાકિસ્તાનના શાસકો એ વાત ભૂલી જાય છે કે ૧૯૪૭ પહેલાં પાકિસ્તાનનું કોઈ અસ્તિત્ત્વ જ નહોતું. પાકિસ્તાન નામનો જે દેશ ઉભો થયો છે તે ભારતની જ ભૂમી પર છે. ભારતે બક્ષેલી જમીનની સરહદોને સળગતી રાખવાની પાકિસ્તાનની નાલાયકીથી દેશના શાસકોની સહિષ્ણુતાની જાણે કે કસોટી થઈ રહી છે. આમ જોવા જઈએ તે ભારત આગળ પાકિસ્તાનની કોઈ હૈસિયત જ નથી. પાકિસ્તાન એક દેવાદાર અને અમેરિકા તથા ચીનની મદદ પર નભતો નિષ્ફળ દેશ છે. હવે તો અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પાકિસ્તાનના અસલી સ્વરૂપને ઓળખી ગયા છે અને પાકિસ્તાનને અપાતી સહાય પર કાપ મૂકી રહ્યા છે.

પાકિસ્તાન ભારત સામે અનેકવાર હારનો માર ખાઈ ચૂક્યું છે. તે રાજકીય કૂટનીતિની ભાષા સમજતું નથી. તે યુદ્ધની ભાષા જ સમજે છે. પાકિસ્તાન એકવાર નહીં પરંતુ ત્રણવાર ભારત સામે પરાજય પામી ચૂક્યું છે. એક સમયે તો અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવા તેનો સાતમો નૌકા કાફલો હિન્દ મહાસાગરમાં મોકલી આપ્યો હતો અને ભારત સામે અણુ નાળચું તાકી દીધું હતું. તેમ છતાં પાકિસ્તાન પરાસ્ત થયું હતું. ભારતે જીતી લીધેલી પાકિસ્તાનની હજારો ચોરસ કિલોમીટર ભૂમી સિમલા કરારના અન્યયે ભારતે પાછા આપી દેવાની ઉદારતા દાખવી હતી. આ આમ છતાં પણ પાકિસ્તાન સબક શીખ્યું નથી.

પાકિસ્તાનની મોટામાં મોટી મુશ્કેલીએ છે કે તેના રાજકારણીઓ પાકિસ્તાનના લશ્કરની માત્ર કઠપુતળીઓ જ છે. કહેવાય છે કે વિશ્વભરના દેશો પાસે આર્મી છે પરંતુ પાકિસ્તાનમાં આર્મી પાસે દેશ છે. પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફિકાર અલીને ફાંસીએ લટકાવી દીધા હતા અને સરમુખત્યાર ઝિયાઉલ હકે ૧૯૮૮ સુધીમાં એક ન્યુક્લિયર સાયન્ટીસ્ટ-સ્મગલર દ્વારા પરમાણું બોમ્બ બનાવવાની સામગ્રી એકત્ર કરી લીધી હતી. એ જ રીતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ જ્યારે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા બસમાં બેસી લાહોર ગયા હતા ત્યારે એ વખતના પાકિસ્તાનના લશ્કર વડા પરવેઝ મુશરફે કારગિલ પર આક્રમણ કરી દીધું હતું. અને તે વખતના પાકિસ્તાનના શાસકોને પણ અંધારામાં રાખી તેમને મૂર્ખ બનાવ્યા હતા.

પાકિસ્તાન આજે પણ આંતરરાષ્ટ્રીય નિયંત્રણોને માન આપતું નથી. પાકિસ્તાનની જેલમાં બંધુ ભારતના કુલભૂષણ જાદવ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં એણે કાંઈ જ બાકી રહ્યું નથી. ભારત સામે સતત ઝેર ઓકતા આતંકવાદી નેતા હાફિઝ સઈદને તે ‘સાહેબ’ કહે છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે. અમેરિકા પર હૂમલો કરાવનાર મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નેતા ઓસામા બીન લાદેનને પણ પાકિસ્તાને જ પનાહ આપી હતી. પાકિસ્તાન માત્ર ભારત માટે જ નહીં પરંતુ અફઘાનિસ્તાન માટે પણ માથાનો દુઃખાવો છે. ભારત અને અફઘાનિસ્તાન એમ બંને દેશોની સરહદોને તે લોહિયાળ રાખવા માંગે છે.

વિશ્વભરમાં ભારતનું સ્થાન અવ્વલ બની રહ્યું છે તે તેનાથી સહન થતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાનને કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર ખાસ મહત્ત્વ મળતું જ નથી. તેથી ઉલટું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના જે કોઈ દેશમાં જાય છે. ત્યાં તેઓ છવાઈ જાય છે. આ કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય છે અને તેથી દુઃખે છે પેટ અને કૂટે છે માથુંની જેમ તે સરહદ પર ગોળીબારો ચાલુ રાખે છે અને એ રીતે તે ભારતના નિર્દોષ નાગરિકોને રોજ રાત્રે બંદૂકના અવાજોથી ભયભીત કરવા પ્રયાસ કરે છે.

સાચી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય ફલક પર પાકિસ્તાનનો ચહેરો બેનકાબ થઈ ગયો છે. વિશ્વમાં આતંકવાદની નિકાસ કરનાર એક ટેરરીસ્ટ કન્ટ્રી તરીકે પાકિસ્તાન હવે ઉઘાડું પડી ગયું છે.

નોંધપાત્ર વાત એ છે કે ભારત અને ચીન વચ્ચે પણ છેક ૧૯૬૨થી સરહદ અંગે વિવાદ છે પરંતુ ૧૯૬૨ના યુદ્ધ બાદ ભારત-ચીન પર એક પણ એવી ઘટના ઘટી નથી કે સરહદ પર કોઈ નિર્દોષ નાગરિકની જાન ગઈ હોય. ચીન સરહદ પર ઘૂસણખોરી કરી દે છે પરંતુ ગોળીબાર કરતું નથી. એથી ઉલટું પાકિસ્તાન ભારતીય સીમા પરનાં ગામડાંઓ પર રોકેટસ છોડે છે. સરહદ પર વસતાં ભારતીય લોકો ગરીબ અને મહેનતકશ કિસાનો છે. તે તેનું ઘર છોડીને જાય પણ કયાં? તેમની પાસે સરહદ નજીક તેમના જ વતનમાં રહેવા સિવાય બીજો કોઈ પણ વિકલ્પ પણ નથી. અહીં રહેતાં બાળકો રોજ રાત્રે ડરીને જાગી જાય છે. હવે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.

હવે પાકિસ્તાનને એટલી હદે ફટકારવું પડશે કે બીજી વાર બંદૂકની એક ગોળી પણ છોડતાં લાખ વાર વિચાર કરે. અને તેનો એક જ રસ્તો એ છે કે પાકિસ્તાનને નકશામાંથી મીટાવી દેવું પડે. ભારતે તેની અસલી તાકાતનો પરચો આપવાનો સમય હવે પાકી ગયો છે. તે માટે પહેલો પ્રયત્ન કૂટનીતિ દ્વારા થવો જોઈએ. પાકિસ્તાનને વિશ્વથી અલગ પાડી દેવું પડશે. એમાં સફળતા ના મળે તો બીજા રસ્તા જાણીતા છે. ભારતમાંથી વહેતી નદીઓનાં વહેણ રોકી પાકિસ્તાનને બુંદ બુંદ માટે તલસતું કરી દેવું પડશે. પાકિસ્તાનના એક પ્રાંત બલૂચિસ્તાન અને સિંધને પણ પાકિસ્તાનથી આઝાદી જોઈએ છે. પાકિસ્તાનના વધુ ટૂકડા જ પાકિસ્તાનને નબળું પાડી શકે છે. હવે આ કામ પાર પાડવા માત્ર નિવેદનો જ નહીં પરંતુ રાજદ્વારી એકશન લેવાં પડશે. વડાપ્રધાન નરેન્દ્રમોદી આ કામ પાર પાડવા સક્ષમ છે. એમ નહીં થાય તો સીમા પર રહેતા લોકોની દર્દભરી ચીસો જ સાંભળ્યા કરવી પડશે.

www.devendrapatel.in

Be Sociable, Share!