પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઘરઆંગણે જ તેમની સામે ઊભા થયેલા વિરોધ વંટોળથી ઘેરાઈ ગયા છે. પાકિસ્તાન આર્થિક રીતે નાદાર થઈ ગયું છે. એક તબક્કે તો તેની પાસે વિમાનોમાં પેટ્રોલ ભરાવવાનાં નાણાં પણ નહોતાં. બેરોજગારી આસમાને પહોંચી છે. પાકિસ્તાનમાં એક તરફ કહેવાતી ચૂંટાયેલી સરકાર છે. બીજી તરફ લશ્કર છે અને તેની ત્રીજી પાંખ રૂઢિચુસ્ત આતંકવાદીઓની છે. ચૂંટાયેલી સરકાર દરઅસલ પાકિસ્તાની સૈન્યની કઠપૂતળી છે. પાકિસ્તાનની આતંકવાદી શિબિરો પાકિસ્તાની લશ્કરની મદદ અને છત્રછાયા હેઠળ જ ચાલે છે પરંતુ જ્યારે જ્યારે પાકિસ્તાનમાં ઘરઆંગણે સંકટ પેદા થાય છે ત્યારે ત્યારે પાકિસ્તાનમાં શાસકો કાશ્મીરનો રાગ આલાપે છે. કાશ્મીરમાં માનવ અધિકારના હનનનું ગાણું ગાય છે. ભારત સરકારે ભારતમાં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો ત્યારે પાકિસ્તાનના પેટમાં બળતરા થઈ. કલમ ૩૭૦ નાબૂદ થઈ એટલે પાકિસ્તાનના પેટમાં દુખાવો થયો. માનવ અધિકાર હનનની બાબતમાં પાકિસ્તાનની કાગારોળને આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ ગંભીરતાથી લેતું નથી. એથી ઊલટું પાકિસ્તાનના જ એક પ્રાંત બલુચિસ્તાનની ભીતર શું ચાલે છે તે જાણવા જેવું છે. બલુચિસ્તાનની ભીતર પાકિસ્તાનના શાસકો પ્રત્યે એટલો બધો રોષ છે કે એક દિવસ બલુચિસ્તાન પાકિસ્તાનથી આઝાદ થઈ બીજું બાંગ્લાદેશ બની શકે છે.
પાકિસ્તાનના બધા જ પ્રાંતમાં બલુચિસ્તાન જ એક એવો પ્રાંત છે જ્યાં વસતી ઘણી ઓછી છે પરંતુ બલુચિસ્તાન પ્રાકૃતિક સંપદાઓથી ભરેલો પ્રદેશ છે. બલુચિસ્તાનના લોકોને એ વાતની ખબર છે કે પાકિસ્તાન તેના પંજાબ અને સિંધ પ્રાંતના લાભ માટે બલુચિસ્તાનની પ્રાકૃતિક સંપદાનો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાન બલુચિસ્તાનના વિકાસ માટે કોઈ ખર્ચ કરતું નથી, કારણ અહીં વર્ષોથી લોકો પાકિસ્તાન સામે બગાવત કરી રહ્યા છે. બલુચિસ્તાનના મૂળ શાસક કસાત ખાનના ઉત્તરાધિકારી સુલેમાન ખાન વર્ષોથી ઈંગ્લેન્ડમાં રહી બલુચિસ્તાનની આઝાદી માટે રાહ જોતા રહ્યા.
ઇતિહાસ એવો છે કે ઓગસ્ટ ૨૦૦૬માં બલુચ રાષ્ટ્રવાદી નેતા અકબર ખાન બુગદીની પાકિસ્તાની સેનાએ હત્યા કરી દીધી હતી. આમ તો તેઓ પહાડોમાં છુપાયેલા હતા. પાકિસ્તાનના સરમુખત્યાર પરવેઝ મુશરર્ફે પહાડો પર બોમ્બ વરસાવી આ રાષ્ટ્રવાદી બલુચ નેતાને પતાવી દીધા હતા. તે પછી બલુચિસ્તાનનો પાકિસ્તાન સાથેનો રહ્યોસહ્યો સંબંધ પણ ખતમ થઈ ગયો હતો. આ ઘટના બાદ ‘આઝાદ બલુચિસ્તાન પરિષદ’ની સ્થાપના કરવામાં આવી હતી અને ‘આઝાદ બલુચિસ્તાન’ના ઠેર ઠેર ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.
આજે પણ તા.૧૧મી ઓગસ્ટને બલુચિસ્તાનના લોકો આઝાદી દિવસ તરીકે મનાવે છે, કારણ કે આ દિવસે બ્રિટિશરોએ કલાતનો સ્વાયત્ત અને સ્વતંત્ર સ્વરૂપે સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાનને આજે સહુથી મોટી ચિંતા એ છે કે ક્યારેક ભારતની મદદથી બલુચિસ્તાન પણ બાંગ્લાદેશની જેમ પાકિસ્તાનથી અલગ થઈ આઝાદ થઈ શકે છે.
કેટલાક સમય પહેલાં પાકિસ્તાનના એક મંત્રીએ તેની સેનેટને સંબોધતાં જણાવ્યું હતું કે, ‘બલુચિસ્તાન લિબરેશન આર્મી’ ને ભારત મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનના કેટલાક નેતાઓ માને છે કે પાકિસ્તાન માટે બલુચિસ્તાન એક સક્રિય જ્વાળામુખી છે અને કોઈપણ સમયે ભારત તેનો ઉપયોગ કરી પાકિસ્તાનને અસ્થિર કરી શકે છે. અને પાકિસ્તાનનું ભારત પ્રત્યેનું વલણ જોતાં કૂટનીતિ તો ઓ કહે છે કે પાકિસ્તાનને પદાર્થપાઠ શીખવવા ભારતે બલુચિસ્તાનની આઝાદીના સંઘર્ષને મદદ કરવી જોઈએ. જો એમ કરવામાં આવે તો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના મુદ્દે બોલવાનું બંધ કરી ચૂપ થઈ શકે છે.
પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનના લોકોનું શોષણ તે ત્યાંની મોટામાં મોટી સમસ્યા છે. પાકિસ્તાનના ગેસ રિઝર્વનો એક તૃતિયાંશ હિસ્સો બલુચિસ્તાનમાં છે. એ સિવાય બીજી કીમતી ખનીજો પણ છે તેના બદલામાં બલુચિસ્તાનને નહીં જેવી રોયલ્ટી મળે છે. પાકિસ્તાન તેના બીજા પ્રાંતોમાં જેટલી આર્થિક મદદ કરે છે તેટલી મદદ બલુચિસ્તાનને કરતું નથી. બલુચિસ્તાનમાં શાળાઓ અને હોસ્પિટલો પણ બહુ ઓછી છે.
બલુચિસ્તાનના ગેસથી કરાંચી, લાહોર, પેશાવર અને રાવલપીંડીના ચૂલા પ્રજ્વલિત થાય છે પરંતુ બલુચિસ્તાનના લોકો તો લાકડાના ઈંધણથી જ ચૂલા સળગાવે છે. આ કારણથી પણ સ્થાનિક પ્રજા નારાજ છે. પાકિસ્તાનના અખબાર ‘ડેલી ટાઈમ્સ’માં એમ લખવામાં આવ્યું હતું કે બલુચિસ્તાન એટમબોમ્બ પર બેઠેલું છે. વરસેદહાડે હજારો બલુચિસ્તાનીઓનાં અપહરણ થાય છે. પાકિસ્તાનની સેના વિરોધીઓની હત્યા કરી નાખે છે. આ રીતે હજારો બલુચિસ્તાની મુસલમાનોની કતલ પાકિસ્તાની સેનાએ કરી નાંખી છે. કેટલાયે સ્થાનિક લોકો ગુમ થઈ ગયા છે. એ બધા ક્યાં ગયા? શું આ માનવ અધિકાર હનનનો મુદ્દો નથી?
પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવી હોય તો ભારતે બાંગ્લાદેશની જેમ જ બલુચિસ્તાનની આઝાદી માટે સક્રિય મદદ કરવી રહી.
: દેવેન્દ્ર પટેલ