
તો ચાલો આ બધું પામવું એ ખરેખર સુખ છે કે કેમ તેનાં નક્કર ઉદાહરણો જોઈએ.
શરૂઆત અમરત્વની જિજીવિષાથી કરીએ. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અર્થાત્ સિકંદર ભારત આવ્યો ત્યારે તેને અમૃતના ઝરણાની શોધ હતી. તે અમૃતના ઝરણાનું પાણી પીને કાયમ માટે જિંદગી ચાહતો હતો. તેને શું જ્ઞાન પ્રાપ્ત થયું તે જુઓ.
`એલેક્ઝાન્ડર ધ ગ્રેટ’ને આપણે સિંકદરના નામે ઓળખીએ છીએ. એક પછી એક દેશો જીતતાં તેને થયું કે મને હવે એવા જળની તલાશ છે જે પીવાથી અમર બની જવાય. તે અમૃતની શોધમાં હતો.
કેટલાયે દિવસો સુધી દુનિયામાં ભટક્યા બાદ તેને એ જગ્યા પણ મળી ગઈ જ્યાં અમૃત મળી શકે. તે એક ગુફામાં પ્રવેશ્યો જ્યાં અમૃતનું ઝરણું હતું. તે અમૃતના ઝરણાને જોઈ આનંદિત થઈ ગયો. જીવનભરની આકાંક્ષા હવે પૂર્ણ થવાની હતી. તેની નજર સામે એક ઝરણામાં અમૃતજળ વહી રહ્યું હતું.
સિકંદર એ અમૃતના ઝરણા નજીક પહોંચ્યો અને હથેળીમાં અમૃત લઈ તેનું આચમન કરવાની તૈયારીમાં જ હતો ત્યાં જ એ ગુફામાં બેઠેલો એક કાગડો બોલ્યો, `ઊભા રહો, આ ઝરણાનું પાણી પીવાની ભૂલ કદી કરશો નહીં.’
સિકંદરે કાગડા તરફ જોયું. કાગડો બહુ જ ખરાબ હાલતમાં હતો. તેની પાંખો ખરી પડેલી હતી. પગ સુકાઈ ગયેલા હતા. કાગડો આંખેથી પણ આંધળો હતો. તે બસ એક હાડપિંજર જ હતો. સિકંદરે ક્રોધથી એની સામે જોતાં પૂછ્યું, `મને રોકવાવાળો તું કોણ?’
કાગડો બોલ્યો, `રાજન, હવે મારી કહાણી પણ સાંભળી લો. એક જમાનામાં મને પણ અમૃતની તલાશ હતી. અમૃતના ઝરણાની શોધ કરતાં કરતાં હું આ ગુફામાં આવી પહોંચ્યો. મેં આ જ ઝરણામાંથી અમૃતજળ પી લીધું. હવે હું મરવા માગું છું. હું અતિ વૃદ્ધ થઈ ગયો છું. મારી પાંખો ખરી પડી છે. મારા પગ સુકાઈ ગયા છે. હું આંધળો પણ થઈ ગયો છું. હું ઊડી શકતો નથી. એકવાર તમે મારી દશા જુઓ અને તે પછી આ અમૃતના ઝરણામાંથી પાણી પીજો. હવે હું જ ચીસો પાડી રહ્યો છું કે આવી દુર્ગતિ સાથે જીવવું તે કરતાં કોઈ મને મારી નાંખે તો સારું, પરંતુ કોઈ મને મારે તો પણ હું મરવાનો નથી. હવે મારે તો આ દયનીય હાલતમાં જ જીવવાનું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર, મને મારી નાંખો. મને મૃત્યુ બક્ષો. હવે મારી એક જ ઈચ્છા છે કે મને મોક્ષ આપે. મારી આ દશા જોયા બાદ તમારે આ અમૃતઝરાનું જળ પીવું હોય તો પી લો.’
સિકંદર વિચારમાં પડી ગયો અને એ ઝરણામાંથી અમૃત પીધા વગર ગુફામાંથી બહાર નીકળી ગયો. તે સમજી ગયો કે જીવન ત્યાં સુધી જ હોવું જોઈએ જ્યાં સુધી આનંદ ભોગવવાની સ્થિતિમાં આપણે હોઈએ.
મૃત્યુ પણ શ્રેષ્ઠ વરદાન છે.
હવે બીજાં કેટલાંક ઉદાહરણો જોઈએ. શરૂઆત ભારતના શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ `રામાયણ’થી કરીએ. ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકના દિવસે જ કૈકેયીએ રાજા દશરથ પાસે પાછલું વચન યાદ કરાવીને માંગ્યું કે, શ્રીરામને ૧૪ વર્ષ માટે વનવાસમાં મોકલો. એ વચન પાલન માટે રાજા દશરથે અનિચ્છાએ પણ જ્યેષ્ઠ પુત્ર શ્રીરામને વનમાં મોકલી આપ્યા. તેમની સાથે સીતાજી અને લક્ષ્મણ પણ વનમાં ગયાં. ૧૪ વર્ષ સુધી ભગવાન શ્રીરામ વનમાં પર્ણકુટીમાં રહ્યા. રાક્ષસો સાથે યુદ્ધ કરતા રહ્યા અને રાવણ સાથે પણ યુદ્ધ કરવું પડ્યું. અયોધ્યાના થનારા રાજાને પણ વનમાં જઈ દુ:ખ ભોગવવું પડ્યું. ભગવાન શ્રીરામ વનમાં ગયા એટલે પુત્રપ્રેમના વિરહમમાં રાજા દશરથે પ્રાણ ત્યજી દીધા. ટૂંકમાં, ભગવાન શ્રીરામ અને તેમના પિતા રાજા દશરથે પણ કહેવાતા ભૌતિક સુખના બદલે દુ:ખો ભોગવ્યાં છે.
હવે મહાભારતની વાત.
`મહાભારત’ની કથા પ્રમાણે જુગાર હારી જતાં પાંચેય પાંડવોએ રાણી દ્રૌપદી સહિત વનમાં જવું પડ્યું. તેમની હત્યા માટે દુર્યોધને અનેક પ્રયાસો કર્યા. ભરીસભામાં દુ:શાસને રાણી દ્રૌપદીનું વસ્ત્રહરણ કર્યું. અશ્વથામાએ પાંડવ પરિવારનાં પાંચ નાનાં બાળકોની હત્યા કરી નાખી.
શું આ સુખ હતું? પાંડવોએ, દ્રૌપદી અને માતા કુંતી વગેરે દુ:ખો જ ભોગવ્યાં છે.
હવે ભગવાન શ્રીકૃષ્ણના જીવનની વાત. કંસના કેદખાનામાં કંસે પોતાની બહેન દેવકીનાં પહેલાં સાત સંતાનોને મારી નાંખ્યાં.
શું આ સુખ હતું?
દેવકીની કૂખે ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા અને તે જ ક્ષણે નાનકડા બાળ કનૈયાને કંસથી સુરક્ષિત રાખવા પિતા વસુદેવ એક છાબમાં મૂકીને યમુનાની પેલે પાર ઊભેલા રાજા નંદને પુત્ર સોંપી દીધો. દેવકીને નાનકડા પુત્રથી વિમુખ થવું પડ્યું.
શું આ સુખ હતું?
નાનકડો બાળ કનૈયો ગોકુળમાં નંદરાજાના અને યશોદાજીના પુત્ર તરીકે મોટો થયો. યશોદાજીને નાનકડો કનૈયો અતિ પ્રય હતો અને તેથી શ્રીકૃષ્ણ યશોદાનંદન તરીકે પણ ઓળખાયા, પરંતુ કનૈયો પુખ્ત થાય તે પહેલા બાળ કનૈયાએ કંસ સાથે લડવા ગોકુળ છોડી મથુરા જવું પડ્યું. તે પહેલાં કંસની બહેન પૂતનાએ બાળ કનૈયાને સ્તન પર લગાડેલા ઝેરથી મારી નાંખવા પ્રયાસ કર્યો. યશોદાજીએ માત્ર ૧૨ વર્ષના કનૈયાથી વિમુખ થવું પડ્યું.
શું આ સુખ કહેવાય?
દ્વારિકાના રાજા થયા પછી ગાંધારીના શાપના કારણે ૫૬ કરોડ યાદવો માંહેમાંહે લડીને મોતને ભેટ્યા. પોતાના યાદવ કુળનો નાશ ભગવાન શ્રીકૃષ્ણે નજરોનજર નિહાળવો પડ્યો.
શું આને સુખ કહેવાય?
જો પુત્રો હોવા એ સુખ હોય તો ધૃતરાષ્ટ્રને ૧૦૦ પુત્રો હતા. પોતાનાં કુકર્મોના કારણે કુરુક્ષેત્રના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રના તમામ પુત્રો મરાયા અને ધૃતરાષ્ટ્ર તથા તેમનાં પત્ની ગાંધારી જીવિત રહ્યાં. પુત્રો જતા રહે અને માતા-પિતા હયાત હોય તેને સુખ કહેવાય!
ટૂંકમાં, માત્ર પુત્રો જ હોવા તે પણ સુખ નથી.
મહાભારતનું એક શ્રેષ્ઠ પાત્ર છે ભીષ્મ પિતામહ. તેમણે સોગંદ લીધા હતા કે, હું કદીયે લગ્ન કરીશ નહીં. તેમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું. છતાં મહાભારતના યુદ્ધમાં અર્જુને તેમને સેંકડો બાણોથી વીંધી નાખ્યા અને મહાભારતનું યુદ્ધ સમાપ્ત ન થયું ત્યાં સુધી લોહીલુહાણ હાલતમાં ભારે વેદના સાથે દિવસોના દિવસો સુધી બાણશૈય્યા પર જ રહેવું પડ્યું. તેઓ તમામ કૌરવોના નાશના સાક્ષી રહ્યા. બાણશૈય્યા પર રહેવું તેને શું સુખ કહેવાય? ભૌતિક સુખની શોધમાં રહેલા આજના યુગના લોકો શું આને સુખ કહેશે?
હવે મિસરની રાજકુમારી ક્લિયોપેટ્રાની વાત. ઈસુના જન્મના ૪૮ વર્ષ પૂર્વે રોમન સામ્રાજ્યનો મહાન શાસક જુલિયસ સિઝર એક પછી એક રાજ્યો જીતતો મિસર (આજનું ઈજિપ્ત) આવી પહોંચ્યો. પિતાના મૃત્યુ બાદ મિસરનો યુવાન ટોલોમી હતો. ક્લિયોપેટ્રા સ્ત્રી હોવાના કારણે તેને મિસરનું સુકાન સોંપવામાં આવ્યું. તે ભાઈ સાથેનો બદલો લેવા જુલિયસ સિઝરના પ્રેમમાં પડી ગઈ. એ વખતે સિઝરની વય ૫૦ વર્ષની હતી. જ્યારે ક્લિયોપેટ્રા માત્ર ૨૦ વર્ષની હતી. ક્લિયોપેટ્રાએ સિઝરના પુત્રની મા બનવા યોજના ઘડી. સિઝર સાથે સંબંધ બાંધ્યો તે પછી જુલિયસ સિઝર રોમ પાછો ગયો ,પરંતુ મિસરની રાજકુમારીનો પુત્ર રોમનો શાસક ન બને તે માટે રોમના સેનેરેટોએ સેનેટમાં જુલિયસ સિઝરની હત્યા કરી નાંખી. મિસરથી રોમ આવેલી ક્લિયોપેટ્રા મિસર ભાગી ગઈ. સિઝર ક્લિયોપેટ્રાને પકડવા મિસર આવી પહોંચ્યો. રોમન સૈનિકોના હાથે મરવા કરતાં ક્લિયોપેટ્રાએ તેના મહેલમાં જ ઝેરી સાપથી ભરેલા કરંડિયામાં હાથ નાંખીને જાતે જ સર્પ દંશ લીધા અને આત્મહત્યા કરી લીધી. રોમના શક્તિશાળી શાસક જુલિયસ સિઝર અને વિશ્વની અત્યંત સુંદર સ્ત્રી ક્લિયોપેટ્રાએ પણ આવું દુ:ખ ભોગવ્યું છે.
રોમના સમ્રાટ હોવું, રોમન સમ્રાટની પ્રેયસી અને પત્ની બનવું શું તેને સુખ કહેવાય?
હવે સત્તાની વાત.
સત્તા એ સુખ હોત તો અમેરિકાના પૂર્વ પ્રેસીડેન્ટ જ્હોન ઓફ કેનેડી હેન્ડસમ અને એ વખતના સહુથી વધુ લોકપ્રિય પ્રેસિડેન્ટ હતા, પરંતુ ઓસ્વાલ્ડ નામના એક અમેરિકને તેમની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. ભારતનાં પૂર્વ વડાંપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધી એમના સમયમાં દેશના સહુથી વધુ શક્તિશાળી નેતા હતાં. છતાં તેમના જ એક સલામતી ગાર્ડે તેમને ગોળીઓથી વીંધી નાંખ્યાં હતાં. ઈન્દિરાજીના પુત્ર અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પણ તમિલ ઉગ્રવાદી મહિલાએ માનવ બોમ્બ બનીને રાજીવ ગાંધીની હત્યા કરી નાંખી હતી. શું સત્તા એ સુખ છે?
ગુલામના તારણહાર અને અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનની પણ એક અમેરિકને હત્યા કરી નાંખી હતી.
સર્વોચ્ચ પદ પર હોવું તે શું સુખ છે?
મહાત્મા ગાંધીની પણ એક ભારતીયે ગોળીઓથી હત્યા કરી નાંખી હતી. શું મહાત્મા બનવું તેને સુખ કહેવાય?
ગાંધીવાદી અશ્વેત નેતા માર્ટીન લ્યુથર કિંગની હત્યા કરી દેવાઈ હતી.
પૈસો એ સુખ હોય તો શહેનશાહ અકબરના ખજાનામાં તેમના સૈનિકોએ લૂટેલું ધન ૧૦૦૦ પેઢી ચાલે તેટલું હતું. આજે અકબર બાદશાહના કોઈ વંશવારસનો પાનનો ગલ્લો પણ છે ખરો?
અપાર ધનસંપત્તિ એ શું સુખ છે?
રૂપ એ સુખ હોત તો અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરો જેવી સ્વરૂપવાન અભિનેત્રી આજ સુધીમાં હોલિવૂડમાં પેદા થઈ નથી. પ્રેસિડેન્ટ કેનેડી પણ તેના પ્રેમમાં પડી ગયા હતા, પરંતુ એ જ મેરેલિન મનરોએ પણ ભરયુવાનીમાં ઊંઘની ગોળીઓ લઈ આત્મહત્યા કરી લીધી હતી.
શું સ્વરૂપવાન હોવું એ સુખ છે?
સરમુખત્યાર થવું એ સુખ હોય તો જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે ૬૦ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, પરંતુ એ જ હિટલરે છેવટે પોતાની જ રિવોલ્વરને લમણામાં ધરી જાતે જ ગોળી ચલાવીને આત્મહત્યા કરી લીધી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીએ હજારો માણસોને મોતને ઘાટ ઉતાર્યા હતા, પરંતુ છેવટે લોકોએ જ મુસોલિનીની અને તેની પ્રેમિકાની હત્યા કરી મુસોલિની અને તેની પ્રેયસીના મૃતદેહને મોત બાદ પણ જાહેરમાં ફાંસીએ લટકાવ્યા હતા.
સરમુખત્યાર બનવું એ સુખ છે?
આતંકવાદી બનવું એ સુખ હોય તો ન્યૂયોર્કના મેનહટન ટાવર્સને વિમાનથી ઉડાડી ૫૦૦૦ લોકોને મોતને ઘાટ ઉતારનાર આતંકવાદી ઓસામા બિન લાદેન કે જે પાકિસ્તાનના એક ટાઉનમાં છુપાયેલો હતો. તેને શોધી કાઢીને અમેરિકાએ ઓસામા બિન લાદેનને પણ મોત બક્ષ્યું હતું.
શું આતંકવાદી બનવું તે સુખ છે?
આવાં તો બીજાં અનેક ઉદાહરણો છે. પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું છે કે, `પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’
શ્રીમદ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે સંસાર દુ:ખમય છે અને શરીર રોગનું ઘર છે. તેમાંથી મુક્તિ જોઈતી હોય તો મારા શરણે આવો.
લાખ વાતની એક વાત `સુખ એ ભ્રાંતિ છે અને દુ:ખ એ વાસ્તવિકતા છે.’
આજના ઈન્ટરનેશનલ હેપિનેસ ડેની સહુને શુભકામના.