Close

બેટા, હું અભિશાપમાં માનતી નથી, ભગવાને વિશ્વંભરને તારા માટે જ મોકલ્યા

રેડ રોઝ | Comments Off on બેટા, હું અભિશાપમાં માનતી નથી, ભગવાને વિશ્વંભરને તારા માટે જ મોકલ્યા

પદ્મજા -પ્રકરણ -૪

૦૦૦૦૦૦૦૦૦૦

રાત પડી ગઈ હતી. ફરી એકવાર પીરમગઢ અંધારપછેડી ઓઢીને શાંત થઈ ગયું. પીરમગઢમાં ક્યાંક ક્યાંક તેલથી બળતી બત્તીઓના થાંભલા ઝાંખો પ્રકાશ વેરતા હતા. અને પીરમગઢના છેવાડે આવેલા સરકારી રેસ્ટહાઉસ તરફ મહાશ્વેતા હાથમાં ભોજનની થાળી લઈને રવાના થઈ. થાળી પર વસ્ત્ર ઢાંકેલું હતું. એ ધીમાં પગલે આગળ વધી. એણે દૂરથી જ જોઈ લીધું કે વર્ષો બાદ ફરી એકવાર આજે દીવાદાંડીની ફ્લેશ લાઈટ્સ દરિયા તરફ ફેંકાઈ રહી હતી. વર્ષો બાદ સમુદ્રએ લાઈટહાઉસની જ્યોત નિહાળી.

મહાશ્વેતા રેસ્ટહાઉસ પહોંચી. એણે બૂમ મારીઃ ‘રામસિંહ!’

રેસ્ટહાઉસની બહાર એક ફાનસ લટકતું હતું. થોડીવાર બાદ રામસિંહ આવ્યો. મહાશ્વેતાએ પૂછયું: ‘રામસિંહ, હું સાહેબ માટે જમવાનું લઈને આવી છું.’

રામસિંહ બોલ્યોઃ ‘પણ સાહેબ તો બોટમાં બેસી પેલા ટાપુ પર ગયા છે. ત્યાં તેમણે આજે જ દીવાદાંડીને ફરી ચાલુ કરી છે.’

‘ઠીક છે. આ થાળી અંદર ડાઈનિંગ ટેબલ પર મૂકી દે. સાહેબ થોડીવારમાં પાછાં આવશે. તેમને કહેજે કે જમી લે.’ : એટલું કહી મહાશ્વેતાએ ભોજનની થાળી રામસિંહને આપી.

રામસિંહ થાળી લઈને અંદર ગયો. થાળી મૂકીને રામસિંહ બહાર આવ્યો. મહાશ્વેતા ફરી બોલીઃ ‘આજે રસોઈ બનાવવામાં મોડું થઈ ગયું. સાહેબને જમાડયા વગર તું સૂઈ ના જતો. હું ઘેર જાઉં છું. માને પણ જમાડવાનું બાકી છે.’

અને મહાશ્વેતા રેસ્ટહાઉસના પ્રાંગણમાંથી એના ઘર તરફ રવાના થઈ ગઈ. બહાર હવે ઘનઘોર અંધારું હતું: ક્યાંક ક્યાંક કૂતરાં ભસવાનો અવાજ સંભળાતો હતો. જતાં જતાં એણે ફરી દૂરના ટાપુ પરની દીવાદાંડીમાંથી ફેંકાતી ફ્લેશલાઈટને નિહાળી અને તે ખુશ થઈ.

૦ ૦ ૦

રાત્રે મહાશ્વેતા ઘેર આવી. રસોડામાં જઈ ફરી એણે થાળી પીરસી. એ અંદરના ખંડમાં ગઈ જ્યાં તેની મા મંદાકિની સૂતેલાં હતાં. મહાશ્વેતા પલંગની બાજુની જ એક ટિપોય પર જમવાની થાળી મૂકતાં બોલીઃ ‘જમી લો મા, આજે મોડું થઈ ગયું!’

મંદાકિની બોલ્યાં: ‘કોઈ વાંધો નહીં બેટા, આમેય મારી હવે ઉંમર થઈ ગઈ છે. બહુ ભૂખ પણ લાગતી નથી અને આખી રાત ઊંઘ પણ આવતી નથી.’

‘જેટલુ ખવાય એટલું ખાઈ લો, મા.’

મંદાકિની જમવાનું શરૂ કરે એ પહેલાં બોલ્યાઃ ‘બેટા, વિશ્વંભર એક સારો યુવાન લાગે છે. તેના ચહેરાના તેજ પરથી લાગે છે કે તે ખાનદાન પરિવારનો દીકરો છે. તને એ પસંદ છે?’

એ પ્રશ્નનો જવાબ આપવાના બદલે મહાશ્વેતા બોલીઃ ‘મા, તમે જમી લો. હું તમારા માટે પાણીનો ગ્લાસ લઈ આવું.’

મંદાકિનીએ ધીમેધીમે જમવાનું શરૂ કર્યું. મહાશ્વેતા પાણીનો ગ્લાસ લઈને આવી. મંદાકિની ફરી બોલ્યાં: ‘બેટા, તેં મારા સવાલનો જવાબ ના આપ્યો. તને વિશ્વંભર ગમે છે?’

‘હું જાણતી નથી.’

મંદાકિનીએ ફરી પૂછયું: ‘તો સવાર-સાંજ તેના માટે ભોજનની થાળી લઈને કેમ જાય છે?’

‘હું જાણતી નથી.’

મંદાકિની ફરી બોલ્યાં: ‘તું જાણીજોઈને બોલતી નથી. હું તારી મા છું…તને ગમતો હોય તો તારા મનમાં જે હોય તે કહી દે તેને.’

મહાશ્વેતા સામેની ખુરશીમાં બેસતાં બોલીઃ ‘મા, મેં મારી લાગણી એમની સામે વ્યક્ત કરી જ દીધી છે.’

‘તો વિશ્વંભરે શું જવાબ આપ્યો?’

‘કોઈ જ નહીં.’

‘કેમ?’

‘મેં લાઈટહાઉસ સાથે સંકળાયેલી બધી જ ઘટનાઓની વાત એમને કરી દીધી છે.’

‘પછી?’

‘પપ્પાના મૃત્યુની વાત મેં કરી એટલે એમણે મારો હાથ પકડી લઈ મને સાંત્વના આપી. મારી પીઠ પર હાથ ફેરવ્યો.’

મંદાકિની બોલ્યાં: ‘તો એનો અર્થ એ થયો કે એ વ્યક્તિ ચોક્કસ તારા તરફ લાગણી ધરાવે છે. હું કોઈ શાપ કે અભિશાપનાં માનતી નથી. હું ઈશ્વરમાં શ્રદ્ધા રાખતી સ્ત્રી છું, શાપની અંધશ્રદ્ધામાં નહીં. કેટલીક ઘટનાઓ કેવળ જોગસંજોગ જ હોય છે. મને લાગે છે કે ભગવાને જ લાઈટ હાઉસને નિમિત્ત બનાવી વિશ્વંભરને તારા માટે જ અહીં મોક્લ્યા છે. એમની સાથે લગ્ન કરી લે.’

‘પછી તમને કોણ સાચવશે?’

‘તમે બંને જ્યાં રહેશો ત્યાં રહીશ. અને હવે મારી ઉંમર થઈ ગઈ છે. મારે ક્યાં લાંબું જીવવું છે?’

મહાશ્વેતા બોલીઃ ‘પણ મા, એમને વિચારવા તો દો અને વળી કાલે રાત્રે હું ભોજનની થાળી લઈને ગઈ ત્યારે જમ્યા વગર જ રાત્રે  લાઈટહાઉસની જ્યોત ચાલુ કરવા જતા રહ્યા હતા.’

‘એટલે જમ્યા વગર જ?’

‘હા, મા…’

અને મંદાકિનીના ચહેરા પર ગ્લાનિ છવાઈ. મહાશ્વેતા માના ચહેરા પરની કરુણા નિહાળી રહી.

૦ ૦ ૦

બપોરના બાર વાગ્યાનો સમય છે.

પીરમગઢમાં ફરી ચહલપહલ શરૂ થઈ ગઈ છે. ક્યાંક રેડિયો વાગી રહ્યો છે. ગામના ચબૂતરે કેટલાક વૃદ્ધો બેઠાબેઠા ચલમ ફૂંકી રહ્યા છે. ગામની પરબડી પર નાખેલા દાણા ચણવા પક્ષીઓ ઉડાઉડ કરી રહ્યાં છે. એ જ સમયે ફરી એકવાર મહાશ્વેતા હાથમાં થાળી લઈને બપોરનું ભોજન આપવા રેસ્ટહાઉસ તરફ જવા નીકળી. ગામના લોકો મહાશ્વેતાને જોઈ રહ્યા. કેટલાક લોકો ગુસપુસ કાંઈક વાતો કરી રહ્યા. મહાશ્વેતાને એ બધાની પરવા નહોતી. તે એક જાજવલ્યમાન વ્યક્તિત્વ ધરાવતી યુવતી હતી.

મહાશ્વેતા રેસ્ટહાઉસ પર પહોંચી. એ સીધી રેસ્ટહાઉસના ડાઈનિંગ હોલમાં ગઈ. એણે જોયું તો રાત્રે એ જે થાળી લઈને આવી હતી એ થાળી ટેબલ પર જેમની તેમ હતી. તેની પર ઢાંકેલું કપડું હટાવ્યું. ભોજન જેમનું તેમ હતું. હાથમાં લાવેલી બીજી થાળી તેની બાજુમાં જ મૂકતાં એણે રામસિંહને બૂમ મારીઃ ‘રામસિંહ’

થોડીવારમાં રામસિંહ આવી ગયો. મહાશ્વેતાએ પૂછયું: ‘રામસિંહ, સાહેબ રાત્રે જમ્યા નથી?’

‘સાહેબ નીચે આવ્યા નથી.’

‘એટલે રાતથી લાઈટહાઉસના ટાવર પર છે?’

‘હા.’

‘એમ કેમ?’

રામસિંહ બોલ્યોઃ ‘વર્ષો બાદ દીવાદાંડી ચાલુ થઈ છે. એમાં સાફસૂફીથી માંડીને ઘણું સમારકામ બાકી છે તેથી સાહેબ આવ્યા નથી. કદાચ હવે આવશે.’

મહાશ્વેતાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. એનાં અનેક કારણો હતાં. એક તો વિશ્વંભરે તેની દરખાસ્તનો જવાબ આપ્યો નહોતો અને બીજી દહેશત લાઈટહાઉસ અંગેની, પરંતુ એ માની વાત યાદ કરી રહી. કેટલીક વાર સુધી આંખો બંધ કરીને એ ફરી વિચારી રહી કે ગઈરાત્રે માએ કહ્યું હતું કે ‘હું કોઈ શાપ કે અભિશાપમાં માનતી નથી. હું ભગવાનમાં શ્રદ્ધા ધરાવું છું. શાપની અંધશ્રદ્ધામાં નહીં. કેટલીકવાર કેટલીક ઘટનાઓ કેવળ જોગસંજોગ જ હોય છે.’

આટલું વિચાર્યા બાદ મહાશ્વેતાએ ફરી સ્વસ્થતા ધારણ કરી. તે પોતાની માતાના વિચારોમાં પણ અખૂટ શ્રદ્ધા ધરાવતી પુત્રી હતી.

એણે રામસિંહને કહ્યું: ‘ઠીક છે રામસિંહ હું જાઉં છું. રાતની થાળીનું ભોજન સારું હોય તો લઈ લે. હું સાંજે ફરી પાછી સાહેબ માટે ભોજન લઈને આવીશ.’

એમ કહી મહાશ્વેતા રેસ્ટહાઉસની બહાર નીકળી ગઈ.

૦ ૦ ૦

પીરમગઢ પર ફરી રાતની ચાદર લપેટાઈ ગઈ. કોણ જાણે કેમ પણ સૂરજ આજે વહેલો દરિયાની પેલેપાર રવાના થઈ ગયો. રાત્રે લાઈટહાઉસની ફ્લેશ ફરી એકવાર ચાલુ કરીને વિશ્વંભર નીચે આવ્યો. વિશ્વંભરને જોઈ રામસિંહ બોલ્યોઃ ‘સાહેબ, તમે તો બે દિવસથી ટાવર પર જ હતા.’

‘હા…રામસિંહ, દીવાદાંડીમાં ઘણું સમારકામ બાકી હતું. એ બધું હવે પતી ગયું’: વિશ્વંભરે કહ્યું

રામસિંહ બોલ્યોઃ ‘મહાશ્વેતાબહેન ગઈ રાત્રે પણ તમારા માટે જમવાનું લઈને આવ્યાં હતાં. આજે બપોરે પણ થાળી મૂકીને જતાં રહ્યાં, ચિંતા કરતાં હતાં.’

‘હા…પણ શું કરું? કામ જ એટલું બધું હતુંને? ચાલ રામસિંહ, હું નાહી લઉં, બહુ થાક લાગ્યો છે.

‘ઠીક છે સાહેબ!’

અને બે દિવસનો થાક ઉતારવા વિશ્વંભરે શાંતિથી સ્નાન કર્યું. વસ્ત્રો બદલી તે વરંડામાં આવ્યો. બહાર અંધારું થઈ ગયું હતું. રેસ્ટહાઉસના પ્રાંગણમાં તેલનો દીવો બળતો હતો. વિશ્વંભરને ભૂખ પણ લાગી હતી. એને મહાશ્વેતાનો ઈન્તજાર હતો. મહાશ્વેતાની રાહ જોતાં એ બહાર અંધારામાં જ ઈઝી ચેર પર આડો પડયો. ઈઝી ચેરમાં સૂતાં સૂતાં જ એ બે દિવસ પહેલાંની દરિયાકિનારા પર બેસીને કરેલી તેની અને મહાશ્વેતાની વાતોને વાગોળી રહ્યો. લાઈટહાઉસના કીપર તરીકે જે જે લોકો આવ્યા અને તેમની સાથે શું થયું તે બધું જ તે યાદ કરતો રહ્યો.

રાત હવે આગળ વધી ચૂકી હતી. ગામ જંપી ગયું હતું. કોલાહલ હવે શાંત થઈ ચૂક્યો હતો. આકાશમાં તારા ઊગી ચૂક્યા હતા. સમય ઘણો થયો, પરંતુ આજ રાતનું ભોજન લઈને મહાશ્વેતા ના આવી તે ના જ આવી.

થોડીવાર બાદ રામસિંહ આવ્યો. એ ડરતાં ડરતાં બોલ્યોઃ ‘સાહેબ, બે દિવસથી તમે ખાધું નથી. આજે રાત્રે તમારા માટે જમવાનું લઈને બહેન આવ્યાં નથી. હવે શું કરશો?’

વિશ્વંભર બોલ્યોઃ ‘હા…રામસિંહ, ભૂખ બહુ લાગી છે. રોજ તું શું ખાય છે?’

‘સાહેબ, હું તો એકલો જ રહું છું, સવારે રોટલો ને શાક અને રાત્રે ખીચડી.’

વિશ્વંભર બોલ્યોઃ ‘ઠીક છે, મારા માટે ખીચડી બનાવી દે.’

‘સારું…’ કહી રામસિંહ તેની ઓરડી તરફ ગયો.

થોડીવાર બાદ રામસિંહ પાછો આવ્યો, તે બોલ્યોઃ ‘સાહેબ, મેં ચૂલા પર ખીચડી મૂકી દીધી છે. થોડીવાર લાગશે.’

થોડીવારમાં રામસિંહ એક થાળીમાં ખીચડી અને એક ગ્લાસમાં દૂધ લઈને આવ્યો. રેસ્ટહઉસના ડાઇનિંગ હોલમાં તેલનો દીવો ઝાંખો પ્રકાશ વેરી રહ્યો હતો. વિશ્વંભરે થાળીમાં પીરસેલું ભોજન ખાઈ લીધું. હાથ ધોઈ લીધા. બંને જણ રાતના અંધારામાં વરંડામાં બહાર આવ્યા. વિશ્વંભર ઈઝી ચેરમાં આડો પડયો. એ આકાશના તારા નિહાળી રહ્યો. કેટલીક વાર બાદ વિશ્વંભરે નીચે સામે બેઠેલા રામસિંહને પૂછયું, ‘રામસિંહ, તું આ લાઇટહાઉસ વિશે બીજી કોઈ વાતો જાણે છે?’

રામસિંહ મૌન રહ્યો. વિશ્વંભરે પૂછયું, ‘રામસિંહ, મેં તને પૂછેલા પ્રશ્નનો જવાબ તેં આપ્યો નહીં, તું જે કાંઈ જાણતો હોય તે મને કહે.’

રામસિંહ ડરતાંડરતાં બોલ્યોઃ ‘ખોટું ન સમજતા સાહેબ, એક વાત કહું છું તમને. આ દીવાદાંડી પર એક સાધુ મહાત્માનો શાપ છે, જે કોઈ અહીં આવે છે તેને…!’

રામસિંહે વાત અડધી છોડી દેતા વિશ્વંભર બોલ્યાઃ ‘હું જાણું છું એ વાતને, તું આગળ બોલ.’

રામસિંહ બોલ્યોઃ ‘સાહેબ, અંગ્રેજોના જમાનામાં આ દીવાદાંડી બની તે પહેલાં આ ટાપુ પર નાથજી બાવા નામના પવિત્ર સાધુ રહેતા હતા. એમના કારણે એ બેટ સાધુબેટ તરીકે પણ ઓળખાય છે. એ બેટની ડાબી બાજુએ એક પથ્થરની આડશમાં એક ગુફા છે. નાથજી બાવા એની અંદર રહી સાધના કરતા હતા. કદી ભોજન માગવા જતા ન હતા. કોઈ આપી જાય તો જમી લેતા. કોઈ ન આપી જાય તો દસ દિવસ સુધી તે ભૂખ્યા રહી શકતા. બહુ જ પવિત્ર સંત હતા. અંગ્રેજોએ તેમને કાઢી મૂકવાની પેરવી કરી. સાધુ મહાત્માએ સ્વેચ્છા એ જ એ ગુફામાં દેહ છોડી દીધો. તે પછી અહીં ખરાબ ઘટનાઓ બને છે.’

‘તું પણ એ વાતો સાચી છે એમ માને છે?’

રામસિંહ બોલ્યોઃ ‘સાહેબ, મને તો એટલી ખબર છે કે સાધુ મહાત્માની એ ગુફાની બહાર એક ગોખલો છે. પીરમગઢના લોકો ક્યારેક ક્યારેક કોઈ ને કોઈ માનતા લઈને અહીં આવે છે. એમ કહેવાય છે કે એ ગોખલામાં દીવો પ્રગટાવવાથી ઇચ્છાઓ પૂરી થાય છે. કોઈને સંતાન થતું ન હોય તો પણ બહેનો માનતા લઈને અહીં આવે છે. કોઈ બીમાર હોય તો તેને માટે પણ અહીં દીવો કરવામાં આવે છે.’

કેટલીક વાર બાદ વિશ્વંભર બોલ્યોઃ ‘કાલે સવારે તું મારી સાથે બેટ પર આવજે. મને પણ એ ગોખલો બતાવ, મારે પણ એક દીવો કરવો છે.’

રામસિંહે આૃર્ય સાથે પૂછયું: ‘તમારે…?’

‘હા, આપણે એ ગોખલામાં દીવો કરીશું. આપણે એ સાધુ મહાત્માના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરીશું.’

રામસિંહ વિચારમાં પડી ગયો. એણે કહ્યું: ‘હા સાહેબ.’

વિશ્વંભર બોલ્યોઃ ‘રામસિંહ, પેલી હવેલીવાળાં મહાશ્વેતા અને તેમનાં માને ક્યારથી ઓળખે છે?’

રામસિંહ બોલ્યોઃ ‘હા સાહેબ, હું તેમને વર્ષોથી ઓળખું છું. તેમની હવેલી તો આ ગામનું નાક છે. આખું પીરમગઢ એમાં રહેતાં મા-દીકરીનો આદર કરે છે. એ મા-દીકરી દૈવીલોક ગણાય છે. તેઓ કદીયે કોઈના ઘેર જતાં નથી અને કોઈ પુરુષ પણ એ હવેલીમાં ભાગ્યે જ જાય છે.’

‘કારણ?’

રામસિંહ બોલ્યોઃ ‘કારણ કે તે મા-દીકરી દૈવી કુટુંબનાં ગણાય છે.’

વિશ્વંભર બોલ્યો : ‘પણ હું તો જઈ આવ્યો, મહાશ્વેતા જ મને તેમનાં મા પાસે લઈ ગયાં હતાં.’

રામસિંહ બોલ્યોઃ ‘તો તમે નસીબદાર ગણાવ સાહેબ, જરૂર તમારી અને એમની પાછલા જનમની લેણદેણ બાકી હશે…ભગવાન તમારી ઇચ્છા પૂરી કરે.’ રામસિંહના શબ્દોમાં લાગણી અને શુભ ભાવના હતી. કેટલોક સમય પસાર થયો. વિશ્વંભર ફરી બોલ્યાઃ ‘પણ કાલે તારે મારી સાથે સાધુબેટ પર આવવાનું છે,મારે પેલા સાધુ મહાત્માની ગુફા અને ગોખલો જોવાં છે, અને ત્યાં દીવો પણ કરવો છે.’

‘ઠીક છે સાહેબ…’ રામસિંહ બોલ્યો.

એટલામાં વિશ્વંભરની નજર દૂરદૂર ફેલાયેલા રતુંબડા ઉજાસ તરફ ગઈ. વિશ્વંભરે પૂછયું: ‘રામસિંહ, ‘રાતના અંધારામાં આ શું સળગી રહ્યું છે? પેલી તરફ’

રામસિંહ બોલ્યોઃ ‘સાહેબ, એ તરફ તો સ્મશાન છે, ગામમાં કોઈનું મોત થયું હશે. કોઈની ચિતા સળગી રહી છે.’

‘ચિતા…?’

વિશ્વંભર ઊભો થઈ ગયો.

અને વિશ્વંભરના મનમાં કશીક ફડક પેસી ગઈ. એણે કહ્યું: ‘રામસિંહ, હું જ્યાં ચિતા સળગી રહી છે ત્યાં જાઉં છું.’

‘પણ સાહેબ, અત્યારે?’

વિશ્વંભરે કહ્યું : ‘મારો અંતરાત્મા કહે છે કે મારું જ કોઇ સ્વજન જતું રહ્યું છે. મારી ત્યાં જરૂર છે.’

…અને જ્યાંથી ભડભડ સળગતી ચિતાનો પ્રકાશ આવતો હતો તે સ્મશાન તરફ જવા વિશ્વંભર રવાના થયો. રામસિંહ વિશ્વંભરને રાતના અંધારામાં દૂર દૂર જતાં જોઇ રહ્યો. તેને લાગ્યું કે વિશ્વંભર પણ કોઇ દૈવી પુરુષ લાગે છે.

(ક્રમશઃ)

Be Sociable, Share!