Close

બે કમ્યુનિસ્ટ તાનાશાહો લોકપ્રિય કેમ?

રેડ રોઝ | Comments Off on બે કમ્યુનિસ્ટ તાનાશાહો લોકપ્રિય કેમ?

બદલાતા વૈશ્વિક ફલક પર તાજેતરમાં બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘટી. એક તો રશિયામાં ચોથી વખત વ્લાડિમીર પુતિન ભારે બહુમતી સાથે તે દેશના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. એ જ રીતે ભારતના પાડોશી દેશ ચીનમાં ચીનની સંસદે સર્વાનુમતે શી જિનપિંગને ચીનના આજીવન પ્રેસિડેન્ટ તરીકે બની રહેવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો.

વિશ્વમાં આજે વિવિધ પ્રકારના શાસનો છે. ભારત, બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની જેવા દેશોમાં લોકતંત્ર છે. ચીન, રશિયા જેવા દેશોમાં એક જ પાર્ટીનું એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે. ઉત્તર કોરિયા જેવા દેશમાં સરમુખત્યારશાહી છે. અખાતના દેશોમાં રાજાશાહી છે. આ પરિપ્રેક્ષ્યમાં એક બાજુ બ્રિટન, અમેરિકા, ભારત જેવા લોકતાંત્રિક દેશોથી વિપરીત ચીન-રશિયામાં કમ્યુનિસ્ટ શાસન અને કમ્યુનિસ્ટ નેતાઓ માત્ર શક્તિશાળી જ નહીં, પરંતુ તેમના દેશોનાં લોકપ્રિયતાનાં નવા સીમા ચિહ્નો સર કરી રહ્યા છે.

આમ કેમ?

લોકતાંત્રિક દેશોએ આ વિષય પર ચિંતન કરવાની જરૂર છે. પ્રજાએ પણ એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે લોકતંત્રના આંચળા હેઠળ ચૂંટાતા જન પ્રતિનિધિઓએ તેમના દેશની પ્રજાને જે સુખ આપ્યું છે તે કરતા શું કમ્યુનિસ્ટ શાસનના સરમુખત્યાર નેતાઓએ તેમના દેશની પ્રજાને વધુ સુખ આપ્યું છે?

આ એક અભ્યાસનો વિષય છે.

રશિયાને લાગેવળગે છે ત્યાં સુધી વ્લાડિમીર પુતિન સોવિયેત સંઘના નેતા જોસેફ સ્ટાલિન પછી લાંબા સમય સુધી શાસન કરનારા નેતા બની ગયા છે. પુતિન ૨૦૦૦ની સાલથી સતત ચૂંટાતા આવ્યા છે. હવે ૭૬ ટકા મત સાથે ફરી છ વર્ષ માટે રશિયાના રાષ્ટ્રપતિ બની ગયા છે. નોંધપાત્ર વાત એ છે કે રશિયાના બંધારણ અનુસાર કોઈપણ વ્યક્તિ બે વખતથી વધુ પ્રમુખ થઈ શકે નહીં, પરંતુ પુતિને તેમાં ફેરફાર કરી અને બે વખત જ પ્રમુખ બની શકાય તેવી મર્યાદા ખતમ કરી નાંખી છે. એ જ રીતે રશિયામાં પ્રમુખને કાર્યકાળ અગાઉ જે ચાર જ વર્ષનો હતો તે તેમણે છ વર્ષનો કરી દીધો છે.

૧૯૫૨માં જન્મેલા વ્લાડિમીર પુતિન લેનિનગ્રાડના એક શ્રમજીવી પરિવારનું ફરજંદ છે. ૧૯૭૫માં તેઓ રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીમાં જોડાયા હતા. તેઓ એક ગુપ્તચર હતા. તેમનું પૂર્વજર્મનીમાં પોસ્ટિંગ થયું હતું. ૧૯૯૧માં તેમણે રશિયામાં ઉથલપાથલ દરમિયાન કેજીબીમાંથી રાજીનામું આપી દીધું. તે પછી રાજનીતિમાં આવ્યા. દરમિયાન ઘણા ચડાવઉતાર આવ્યા. સિરિયાના ગૃહયુદ્ધમાં તેમણે પ્રેસિડેન્ટ બશર અલ-અસાદની વિનંતી બાદ દરમિયાનગીરી કરી. ૨૦૧૬ના અમેરિકાનાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પણ તેમનો સંદિગ્ધ રોલ રહ્યો.

પુતિન કહે છેઃ ‘જો લડાઈ કે યુદ્ધ અનિવાર્ય હોય તો સહુથી પહેલાં ત્રાટકો. જેઓ કંઈક ગુમાવે છે તે હંમેશાં બીજાને જવાબદાર ઠેરવે છે. દરેક વખતે બધું જ બરાબર હોતું નથી, પરંતુ તમારે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. હું જેમ જેમ માણસોને વધુ સમજતો જાઉં છું તેમ તેમ મને કૂતરાંઓ વધુ ગમતા જાય છે.’

આવા વ્લાડિમીર પુતિન ફરી એકવાર વિશ્વના શક્તિશાળી નેતા તરીકે ઉભર્યા છે. આમ જોવા જઈએ તો તેઓ તાનાશાહ જ છે, પરંતુ લોકપ્રિય તાનાશાહ. એટલા માટે કે તેમના કટ્ટર વિરોધી એલેકસીને કાનૂની કારણો આગળ ધરી તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધિત કરી દીધા. બીજા કેટલાક વિરોધીઓને જેલ ભેગા કરી દીધા. ચૂંટણીમાં પુતિનની વિરુદ્ધમાં જે સાત ઉમેદવારો ઊભા હતા તે હકીકતમાં પુતિનના જ ડમી ઉમેદવારો હતા. કેટલાકે ચૂંટણી પ્રક્રિયામાં ગરબડનો આરોપ મૂક્યો છે.

આ બધું હોવા છતાં ઘર આંગણે પુતિનની લોકપ્રિયતા શિખર પર છે. રશિયાની આંતરરાષ્ટ્રીય રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સમજ-સંસ્કૃતિ પર તેમની ઊંડી છાપ છે.

વ્લાડિમીર પુતિન ફિઝિકલી ફીટ છે. તેઓ માઈનસ ૨૦ ડિગ્રીમાં સ્વીમિંગ પુલમાં સ્વીમિંગ કરી શકે છે. શાર્ક ભરેલા સમંદરમાં શાર્કની સાથે તરતા જોઈ શકાય છે. યૂ-ટયુબ પર આ બધા વીડિયો ઉપલબ્ધ છે. યુવાનોમાં કાફી લોકપ્રિય છે તેનું એક કારણ એ છે કે તેઓ રોજ માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરે છે. તેઓ બ્લેક બેલ્ટ ધરાવે છે.

એમાં કોઈ સંદેહ નથી કે તેમણે એક માફિયા બોસની જેમ શાસન કર્યું છે. દેશની જનતાની નજરમાં તેઓ એક જેમ્સ બોન્ડ છે. ચેચન્યાનો આતંકવાદ હોય કે કોઈ બીજી જગાનો હોય તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે તેમની છબી માચો મેનની છે. રશિયાની પ્રજાની નજરમાં તેઓ પ્રબળ રાષ્ટ્રવાદી નેતા છે. ક્યારેક તેઓ અમેરિકાને પડકારે છે, ક્યારેક તેઓ યુરોપિયન યુનિયન કે નાટોને ગાંઠતા નથી ત્યારે રશિયનોને લાગે છે કે તેમના નેતા તાકાતવર છે. ૨૦૧૪માં તેમણે યુક્રેન પાસેથી ક્રીમિયા લઈ લીધું ત્યારબાદ તેઓ દેશના હીરો બની ગયા છે. રશિયાનોને લાગે છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં પુતિન વધુ સક્ષમ અને બુદ્ધિશાળી છે.

હવે ચીનના શી જિનપિંગની વાત. ચીનમાં કમ્યુનિસ્ટ શાસન હોવા છતાં ચીનની પ્રજાને પણ હવે શક્તિશાળી નેતા જોઈએ છે અને તે ખોટ શી જિનપિંગે પૂરી કરી દીધી છે. આ કારણસર જ માઓ બાદ પહેલી જ વાર એક નેતાને આજીવન પ્રેસિડેન્ટ બનાવી દેવાયા છે. ચીનની કોંગેસના પહેલા જ દિવસે તેમણે ચીનને વિશ્વનું સહુથી વધુ શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન રજૂ કર્યું: તેમણે કહ્યું: ‘આપણે આપણા લશ્કરની ક્ષમતા વધારીશું. ૨૦૨૦ સુધીમાં આપણા લશ્કરનું મિકેનાઈઝેશન પૂરું થઈ જશે. આપણે બધી જ રીતે આપણા લશ્કરને આધુનિક બનાવીશું. આપણે ૨૦૩૫ સુધીમાં આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને લશ્કરનું સંપૂર્ણ પણે આધુનિકરણ કરી ૨૧મી સદીના મધ્ય સુધીમાં આપણી સેનાને વિશ્વસ્તરની સેના-વર્લ્ડ કલાસ આર્મી બનાવી દઈશું. એક ઈંચ જમીન પણ છોડીશું નહીં. જરૂર પડે તો લોહિયાળ યુદ્ધ પણ ખેલીશું’

ચીનના પ્રેસિડેન્ટનું આ વલણ ચીનમાં તેમને લોકપ્રિય બનાવી રહ્યું છે. તેઓ વન પાર્ટી સરકારના સરમુખત્યાર જ છે. ચીન તેની વિસ્તારવાદી નીતિને આગળ વધારી રહ્યું છે. વિયેતનામના દરિયામાં ભારત તેલ માટે ડ્રીલિંગ કરે તો તેની સામે પણ તેને વાંધો છે. ચીન ભારતનું કહેવાતું ‘મિત્ર’ છે, પરંતુ પાકિસ્તાન તેનો ભાઈ છે.

ચીનમાં આજીવન પ્રેસિડેન્ટ બનેલા શી જિનપિંગથી માત્ર ભારતે જ નહીં. પરંતુ આખા એશિયાએ જાપાને અને અમેરિકાએ પણ સાવધ રહેવા જેવું છે. ચીન અને રશિયામાં લોકતંત્ર ન હોવા છતાં તેમના દેશમાં બે તાનાશાહ નેતાઓ લોકપ્રિય કેમ બન્યા તેનો અભ્યાસ થવો જોઈએ.

Be Sociable, Share!