Close

બ્લિટ્ઝ’- જેણે નહેરુ સરકારના મંત્રીઓને પણ ધ્રુજાવી દીધા હતા.

રેડ રોઝ | Comments Off on બ્લિટ્ઝ’- જેણે નહેરુ સરકારના મંત્રીઓને પણ ધ્રુજાવી દીધા હતા.
 ટેબ્લોઈડ પત્રકારત્વનું પાયોનિયર
ગુજરાતી પત્રકારત્વને ૧૯૯ વર્ષ પૂરાં થયાં. ગુજરાતી પત્રકારત્વ હવે ૨૦૦મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે ગુજરાતી નહીં પરંતુ અંગ્રેજી પત્રકારત્વમાં ટેબ્લોઈડ સાઈઝના અખબારનો પાયો નાંખનાર એક અખબારની રોમાંચક કહાણી પ્રસ્તુત છે.
પત્રકારત્વ કોઈપણ દેશની લોકશાહી માટે એક મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. ગાંધીજી પણ અન્યાય સામે લડવા માટે પત્રકારત્વને એક મહત્ત્વપૂર્ણ સાધન માનતા હતા. ‘યંગ ઈન્ડિયા’ અને ‘નવજીવન’ તેનાં પ્રમાણ છે.
ભારતના પત્રકારત્વમાં પણ સમયાંતરે પરિવર્તન આવતાં રહ્યાં છે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યાં છો તે ‘સંદેશ’ અખબાર ફુલ સાઈઝનું અખબાર છે એના કરતાં અડધી સાઈઝનું કોઈ અખબાર આવે છે, તેને ટેબ્લોઈડ કહે છે. એક જમાનામાં ટેબ્લોઈડ પત્રકારત્વે ધૂમ મચાવી હતી. ચાલો, એક ભૂતકાળ તરફ નજર નાંખીએ.
મુંબઈની વસનજી સ્ટ્રીટમાંથી પસાર થતી વખતે દેખાતી વર્ધમાન ચેમ્બરના બીજા માળે ક્યારેક ‘બ્લિટ્ઝ’ નામના સાપ્તાહિકનું કાર્યાલય હતું ‘બ્લિટ્ઝ’ અડધી સાઈઝનું ટેબ્લોઈડ હતું. ટેબ્લોઈડ આકારનું તે દેશનું પહેલું અંગ્રેજી અખબાર હતું. તેની ઓળખ એક જાગ્રત, વૈચારિક, સનસનીખેજ પત્રકારત્વની હતી. એક વાર તેણે નહેરુ સરકારના એક મંત્રીના કૌભાંડની સ્ટોરીનું હેડિંગ આ રીતે લખ્યું હતુંઃ ‘સ્કેન્ડલ બિગર ધેન મુંદ્રા.’ આ અહેવાલે ભલભલાને હચમચાવી મૂક્યા હતા.
એ કહેવું મુશ્કેલ છે કે બહુઆયામી અને જીવંત એવા મુંબઈ શહેરે આ ટેબ્લોઈડને જન્મ આપ્યો કે ‘બ્લિટ્ઝ’ અખબારે મુંબઈના મિજાજને પરિભાષિત કર્યો!
‘બ્લિટ્ઝ’ અખબાર ૪૦ના દાયકામાં શરૂ થયું હતું અને બીજાં ૫૦ વર્ષ સુધી ૨૮ પાનાં સાથે દર અઠવાડિયે પ્રગટ થતું રહ્યું. આ અખબારે બીજા વિશ્વયુદ્ધ, ભારતના સ્વતંત્રતા સંગ્રામની હલચલ, આઝાદી પછી નહેરુ યુગના આદર્શો, નહેરુકાળનો આંતરવિરોધ, ઈન્દિરા ગાંધીનો સમય, કટોકટી, હિન્દુત્વ અને બીજા અનેક વિષયો પર વિસ્તૃત અહેવાલો પ્રગટ કર્યા.
‘બ્લિટ્ઝ’ના કરિશ્માઈ તંત્રી આર.કે. કરંજિયા હતા. ૨૦૦૮માં ૮૭ વર્ષની વયે તેમનું અવસાન થયું. જોકે તેમના નિધન પહેલાં એટલે કે ૧૯૯૬માં આ સાપ્તાહિક તેની યુગાંતરકારી ભૂમિકા ભજવીને બંધ થઈ ગયું હતું. કહેવાય છે કે પાછલી વયમાં વયોવૃદ્ધ બી.કે.કરંજિયા એક અકસ્માતના કારણે યાદદાસ્ત ગુમાવી બેઠા હતા. તેમને ‘બ્લિટ્ઝ’ વિશે કાંઈ જ યાદ નહોતું. તેમને એટલું જ યાદ હતું કે તેઓ એક પત્રકાર છે.
આર .કે. કરંજિયાએ મુંબઈથી પ્રગટ થતા ‘ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના અંગ્રેજી ભાષાના રિપોર્ટર તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો, પરંતુ સામ્રાજ્યવાદ અને કેટલીક ઔદ્યોગિક નીતિઓ સાથે તેમને કદી મેળ ન બેઠો. ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ ફ્રેંક મોરાસને તંત્રી બનાવ્યો અને આર .કે.કરંજિયાએ નોકરી છોડી દીધી. ૧૯૪૧માં તેમણે વરિષ્ઠ અંગ્રેજ પત્રકાર બેન્જામિન ગાઈ હોર્નિમન સાથે મળીને પોતાનું સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ શરૂ કર્યું.
આર .કે. કરંજિયા મુંબઈના એક શિક્ષિત પારસી પરિવારમાં જન્મ્યા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું. અત્રે એ નોંધવું જરૂરી છે કે તેમને ડાબરીઓની વિચારસરણી, મજદૂર ચળવળ અને ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિમાં ઊંડો રસ હતો. આમ તો એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમના આદર્શ હતા પરંતુ એમના સમયની ઘણી ગરબડોને તેમણે ખુલ્લી કરી નાંખી હતી. નહેરુના સમયના મોટામોટા રાજનેતાઓ મંત્રીઓ, નોકરશાહો, દલાલો, ગુંડાઓ અને અપરાધીઓને ખુલ્લા પાડી દીધા હતા. કરંજિયાના સાહસિક પત્રકારત્વને તેમના ભાષાકૌશલ્યના ચાહકો લાખો વાચકો હતા.
‘બ્લિટ્ઝ’ તે પછી અંગ્રેજી ઉપરાંત હિન્દી, ઉર્દૂ અને મરાઠી ભાષામાં પણ પ્રગટ થતું રહ્યું. આ એક પહેલું ટેબ્લોઈડ હતું જેમાં શબ્દોની સાથે ચિત્રો અને છબીઓનું પણ મહત્ત્વ હતું. ‘બ્લિટ્ઝ’ની હેડલાઈન્સ અને ચિત્રો વાચકોને ચોંકાવી દેતાં હતાં. ફોટાની નીચે લખાતી લાઈનો કે જેને પત્રકારત્વની ભાષામાં કૅપ્શન કહેવાય છે તે પણ જબરદસ્ત હતાં. નોંધપાત્ર વાત એ છે કે, ‘બ્લિટ્ઝ’ અખબારે જ પત્રકારત્વના જગતને આર.કે. લક્ષ્મણ, કે.એ. અબ્બાસ, અબુ અબ્રાહમ અને પી.સાંઈનાથ જેવી શ્રોષ્ઠ પ્રતિભાઓને જન્મ આપ્યો. ખ્વાજા અહેમદ અબ્બાસ દ્વારા લખાતી કૉલમ-‘લાસ્ટ પેજ’ તો ૫૦ વર્ષ ચાલી. એ જમાનામાં અબ્બાસ સાહેબને આ કૉલમ લખવાના મહિને રૂા.૫૦૦ મળતા હતા. લેખકની એટલી જ શરત હતી કે દર મહિને તેમને ૫૦૦ રૂપિયાની કડક નોટો જ આપવામાં આવે. પોતાનું લખેલું મેટર આપવા માટે તેઓ ખુદ અખબારની કચેરીએ આવતા હતા.
કહેવાય છે કે આર .કે. કરંજિયાના અનેક મોટા દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે આત્મીય સંબંધ હતા. બ્રિટનના એ વખતના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, ફ્રાંસના પ્રમુખ દેગોલ, ઈજિપ્તના કર્નલ નાસિર, ક્યૂબાના ફિડેલ કાસ્ટ્રો, ચીનના વડા ચાઉ એન લાઈ તથા પેલેસ્ટાઈનના યાસર અરાફતના તેમણે અંતરંગ ઈન્ટરવ્યૂઝ કર્યા હતા.
૧૯૬૦ના દશકમાં એક હત્યાકાંડ આખા દેશમાં ચર્ચાસ્પદ બન્યો. ભારતીય નૌકાદળના કમાન્ડર નાણાવટીએ તેમનાં અંગ્રેજ પત્નીના પ્રેમી પ્રેમ આહુજાની ગોળી મારીને હત્યા કરી નાંખી. આ હત્યાકાંડ અને કોર્ટમાં ચાલેલા મુકદ્દમાને બ્લિટઝ સાપ્તાહિકે હાઈ વૉલ્ટેજ ડ્રામાની જેમ રિપોર્િંટગ કરી લોકો સમક્ષ મૂક્યો. એના કારણે બ્લિટઝ સાપ્તાહિકનો ફેલાવો લાખોમાં થઈ ગયો. આ વિષય પર કેટલાંક વર્ષો બાદ ‘રૂસ્તમ’ નામની ફિલ્મ પણ બની.
ખબરની પાછળ ખબર, જાતજાતની અફવાઓ, ઘટનાઓનું પૂર્વાનુમાન, કૌભાંડોનું સનસનીખોજ રિપોર્િંટગ અને અપરાધોથી ભરેલું અંડરવર્લ્ડ, આક્રમક શૈલીમાં લખાયેલા તંત્રીલેખ, વિશિષ્ટ કૉલમો, ફિલ્મસ્ટાર્સ સાથે જોડાયેલી ગોસિપ્સ, ગ્લેમર વર્લ્ડ, ફેશન, પીન અપ ગર્લ્સની તસવીરો, ખેલકૂદ, સાપ્તાહિક રાશિફળ એ બધું જ બ્લિટ્ઝ સાપ્તાહિકે પહેલી જ વાર શરૂ કર્યું. જે આજના સંશોધનાત્મક પત્રકારત્વનો એક રીતે પ્રારંભ જ હતો. એ બધાનો આરંભ બ્લિટ્ઝની ટેબ્લોઈડ પત્રકારિતા દ્વારા જ શરૂ થયો.
અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર અને લેખક જ્ઞાનપ્રકાશ તેમના પુસ્તક-‘મુંબઈ ફેબલ્સ’માં લખે છે કે ‘બ્લિટ્ઝ’ જેવા સાપ્તાહિકનું મુંબઈમાંથી નીકળવું તે મુંબઈ જેવા ઔદ્યોગિક, નાણાકીય ગતિશીલતા અને આધુનિકતાના તમામ વિરોધાભાસોથી બહુજાતીય પરિવેષવાળા શહેરમાં જ સંભવ હતું. મહાનગરની અનેક વિવિધતાઓને આ સાપ્તાહિકે બહુવિધ રીતે પેશ કરી હતી અને તેથી જ તેને લાખો વાચકો મળ્યા.
આર .કે. કરંજિયા એક જિનિયસ પ્રતિભા હતા. તેમના અંગત જીવનમાં ગ્લેમર હતું પરંતુ તેઓ સડક પર ઊભેલા એક સામાન્ય વ્યક્તિની સાથે જ હતા. મુંબઈના અને દેશના એ વખતના શક્તિશાળી વ્યક્તિઓને ચીડવવામાં તેમને આનંદ આવતો હતો. માનહાનિ કે ધમકીઓથી ભરેલા કેસોથી તેઓ કદી ગભરાતા નહોતા. જ્યારે કોઈએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યારે તેમણે એ માણસને કહ્યું હતુંઃ ‘તમે મને સોમવારે કે મંગળવારે મારી નાંખી શકશો નહીં, કારણ કે મારા માટે તે ખૂબ કામની વ્યસ્તતાના દિવસો છે.’- આ રીતે દરેક બાબતને તેઓ પોતાના રમૂજી અંદાજમાં લેતા હતા.
તેઓ એક એવા તંત્રી હતા કે તેમની પાસે મુંબઈમાં ગટર સાફ કરવાવાળો કર્મચારી પણ તેની ફરિયાદ લઈ તેમની પાસે બેરોકટોક જઈ શકતો હતો. ‘બ્લિટ્ઝ’નો સ્ટાફ તેમના માટે કુટુંબીજનો જેવો જ હતો. ‘બ્લિટ્ઝ’ના પત્રકાર રહી ચૂકેલા રાકેશ શર્મા કહે છે કે એક વાર બ્લિટ્ઝમાં કામ કર્યા પછી તેમાંથી બહાર નીકળી જવાય તો પણ બીજા કોઈ અખબારમાં કામ કરવાનું મન થતું નહોતું.
આર .કે. કરંજિયાએ તેમની ઓફિસની એક દીવાલ પર લગાડેલી તકતી પર લખ્યું હતું. અહીં કામ કરવા માટે સનકી થવાની જરૂર નથી પરંતુ તેમ હોવું તે બહુ જ મદદરૂપ સાબિત થાય છે.
આજે તો ‘બ્લિટ્ઝ’ પણ નથી અને આર .કે. કરંજિયા પણ નથી. બસ, જે કાંઈ છે તે તેમની યાદો જ છે.

Be Sociable, Share!