Close

ભારતની આઝાદીનો ધોરીમાર્ગ હતોઃ ૧૮૫૭નો બળવો

રેડ રોઝ | Comments Off on ભારતની આઝાદીનો ધોરીમાર્ગ હતોઃ ૧૮૫૭નો બળવો

ભારતનો સ્વતંત્રતા દિન આવી રહ્યો છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં લોકશાહી અપંગ છે. ચીનમાં એક પક્ષ-કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે. નેપાળમાં લોકતંત્ર છે પરંતુ ત્યાં પણ સામ્યવાદીઓ હાવી થઈ રહ્યા છે. બંગલા અને શ્રીલંકાને પણ પોતાની મર્યાદાઓ છે ત્યારે દેશની આઝાદી પછી લોકતંત્ર ભારતમાં કેમ ટક્યું અને કેમ મજબૂત થયું તેની પાછળ ભારતની સ્વતંત્રતાના ઇતિહાસની મજબૂત નીંવ છે.

ગાંધીજીની આગેવાની હેઠળ આ દેશની સ્વતંત્રતાની ચળવળ પરાકાષ્ટાએ પહોંચી તે પહેલાં અંગ્રેજો સામે સ્વતંત્રતા માટે જે નાના નાના પ્રયોગો થયા તે પૈકીના કેટલાકની ઝલક અહીં પ્રસ્તુત છે.

ભારતમાં અંગ્રેજો સામેનો પહેલો બળવો ૧૮૫૭માં થયો. તા.૧૦ મે, ૧૮૫૭ના રોજ આ ક્રાંતિની શરૂઆત મેરઠથી થઈ. જે ધીમેધીમે કાનપુર, ઝાંસી, દિલ્હી વગેરે સ્થળે પ્રસરી ગઈ. ૧૮૫૭ના વિપ્લવને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહેવામાં આવે છે. ૧૯મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતના મોટા ભાગના હિસ્સા પર કબજો કરી લીધો હતો. એ કારણે દેશમાં અંગ્રેજો સામે અસંતોષ શરૂ થયો હતો. પ્લાસીના યુદ્ધનાં સો વર્ષ બાદ બ્રિટિશરોના દમનકારી અને અન્યાયપૂર્ણ શાસનની વિરુદ્ધ જે વિદ્રોહ પેદા થયો તેણે ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો હચમચાવી નાંખ્યો હતો. આ વિપ્લવનાં મુખ્ય કારણો પૈકીનું એક કારણ બ્રિટિશ સામ્રાજ્યની ભારતમાં વિસ્તારવાદી નીતિ હતી. તે ભારતમાંના બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીના ભેજાની નીપજ હતી. તેમણે એક એવો કાનૂન બનાવ્યો કે કોઈ રાજાને સંતાન ન હોય તો તેનું રાજ્ય બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો બની જાય. બ્રિટિશરોની આ હડપનીતિના કારણે ભારતના રાજાઓમાં ભારે અસંતોષ પેદા થયો હતો. બીજું કારણ એ હતું કે ૧૮૫૦માં બ્રિટિશ સરકારે હિન્દુઓના ઉત્તરાધિકાર કાનૂનમાં પરિવર્તન આણ્યું. તેઓ એવો કાનૂન લાવ્યા કે ખ્રિસ્તી ધર્મ અપનાવનાર હિન્દુ જ પોતાના પૂર્વજોની સંપત્તિમાં હકદાર બની શકે. આ બંને કાનૂન અન્યાયપૂર્ણ હતા. ત્રીજું કારણ આર્થિક હતું. ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ બ્રિટન તેનાં ઉત્પાદનોને ભારતમાં ઠાલવી રહ્યું હતું. ખાસ કરીને ઈંગ્લેન્ડની મિલોમાં તૈયાર થતું કપડું ભારતમાં ઠલવાવા લાગ્યું અને ભારતનો હસ્તકલા ઉદ્યોગ, વસ્ત્રો બનાવવાનો દેશી ઉદ્યોગ તબાહ થઈ ગયો. આ ઉપરાંત ભારતમાં અંગ્રેજ સરકારે ખેડૂતો પર આકરા કર નાંખ્યા હતા. ભારતમાં બેરોજગારી વધી હતી. ચોથું કારણ એ હતું કે ભારતમાંની બ્રિટિશ સેનામાં ૮૭ ટકાથી વધુ સૈનિકો ભારતીય સૈનિકો હતા. એક જ રેન્કના યુરોપિયન સૈનિકના મુકાબલે ભારતના સૈનિકને વેતન ઓછું અપાતું અને બઢતી પણ ભેદભાવપૂર્ણ હતી.

૧૮૫૭ના અંગ્રેજો સામેના બળવાનું તત્કાલીન કારણ એક અફવા હતી. એ વખતે એક વાત એવી ચાલી કે ૧૮૫૩ની રાઇફલના કારતૂસની ટોચ પર સૂવર અને ગાયની ચરબી લગાડવામાં આવેલી છે. આ અફવાના કારણે હિન્દુ અને મુસલમાનો બંનેની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.

આ કારણસર ૨૯ માર્ચ, ૧૮૫૭ના રોજ મંગલ પાંડે નામના એક સૈનિકે બેરેકપુર છાવણીમાં પોતાના અધિકારીઓ વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો. જોકે બ્રિટિશ લશ્કરી અધિકારીઓએ આ વિદ્રોહને ઝડપથી કાબૂમાં પણ લઈ લીધો અને બટાલિયન ‘૩૪ એન.આઈ.’ નો ભંગ કરી દીધો. તા.૨૯ એપ્રિલના રોજ મેરઠમાં ૯૦ ઘોડેસવારો અને ૮૫ સૈનિકોએ નવા કારતૂસ લેવા ઈનકાર કરી દીધો. હુકમનું પાલન ન કરવા બદલ ૮૫ ઘોડેસવાર સૈનિકોને કોર્ટ માર્શલ દ્વારા જેલમાં મોકલી આપવામાં આવ્યા. એ પછી તા.૧૦ મેની સાંજે પાંચથી છ વાગ્યાની વચ્ચે ખુલ્લો વિદ્રોહ શરૂ થયો. ભારતીય વિદ્રોહીઓ તેમના બ્રિટિશ અધિકારીઓ પર ગોળીઓ ચલાવી. મંગળ પાંડેએ હિલેરસને ગોળી મારી. તા.૮ એપ્રિલના રોજ મંગલ પાંડેને બ્રિટિશ અધિકારીઓએ ફાંસી આપી. બીજા જે ૮૫ ભારતીય સૈનિકોએ નવી રાઇફલનો ઉપયોગ કરવા ઈનકાર કર્યો હતો તેમને નવ વર્ષની સજા સંભળાવવામાં આવી.

આ ઘટના બાદ મેરઠની છાવણીમાં આગ ભડકી ઊઠી. મેરઠમાં ભારતીય સૈનિકોએ બ્રિટિશ અધિકારીઓની હત્યા કરી નાંખી અને જેલ પણ તોડી નાંખી. તા.૧૦ મેના રોજ તે ટુકડી દિલ્હી તરફ આગળ વધી. તા.૧૧ મેના રોજ ક્રાંતિકારી સૈનિકો દિલ્હી પહોંચ્યા. તા.૧૨ મેના રોજ દિલ્હી પર કબજો કરી લીધો. આ સૈનિકોએ મોગલ સમ્રાટ બહાદુરશાહ દ્વિતીયને દિલ્હીના સમ્રાટ જાહેર કરી દીધા. આ વિદ્રોહ તરત જ લખનૌ, અલાહાબાદ, કાનપુર, બરેલી, બનારસ, બિહાર અને ઝાંસીમા ફેલાઈ ગયો, પરંતુ અંગ્રેજોએ પંજાબથી લશ્કર બોલાવીને સહુથી પહેલાં દિલ્હી પર અધિકાર જમાવી દીધો. તા.૨૧ સપ્ટેમ્બર, ૧૮૫૭ના રોજ દિલ્હી પર અંગ્રેજોએ ફરી અધિકાર હાંસલ કરી દીધો પરંતુ આ સંઘર્ષમાં જોન નિકોલસન માર્યો ગયો અને લેફ્ટનન્ટ હડસને દગાથી બહાદુરશાહ દ્વિતીયના બે પુત્રો અને એક ભત્રીજાને ગોળીઓ મરાવી દીધી. લખનૌમાં ક્રાંતિકારી ભારતીય સૈનિકોએ બ્રિટિશ રેસિડેન્સીને ઘેરી લીધી. તે પછી બ્રિટિશ રેસિડેન્ટ હેન્રી લોરેન્સનું મૃત્યુ નીપજ્યું. પછી અંગ્રેજો છેવટે ગુરખા રેજિમેન્ટના સહયોગથી માર્ચ ૧૮૫૮માં લખનૌ પર ફરી અધિકાર જમાવી દીધો.

૧૮૫૭નો આ બળવો એક વર્ષથી વધુ ચાલ્યો. ૧૮૫૮માં અંગ્રેજો આ વિપ્લવને દબાવી દેવામાં સફળ નીવડયા છે એવી જાહેરાત અંગ્રેજોએ કરી. આમ આ બળવો ૧૪ મહિના ચાલ્યો.

૧૮૫૭ના વિદ્રોહની અસફળતાનાં કારણો પૈકી એક કારણ એ હતું કે બહુ ઓછા સમયમાં આ આંદોલન દેશના કેટલાક હિસ્સાઓમાં પહોંચી ગયું પરંતુ દેશના એક મોટા હિસ્સા પર તેની કોઈ અસર નહોતી. ખાસ કરીને દોઆબ ક્ષેત્રમાં તેની અસર રહી પરંતુ દક્ષિણના પ્રાંતોએ તેમાં ભાગ ન લીધો. બીજું કારણ એ હતું કે ક્રાંતિકારી સૈનિકોને વ્યૂહાત્મક દોરવણી આપી શકે તેવું એક નેતૃત્વ અને આયોજનનો અભાવ રહ્યો. દેશના ક્રાંતિકારીઓ સામે અંગ્રેજ લશ્કર પાસે લોરેન્સ બ્રધર્સ, નિકોલસન, હેવલોક, આઉટ્રમ અને એડવર્ડ જેવા કુશળ સેનાનાયકો હતા. અલબત્ત, આ દરમિયાન નાના સાહેબ, તાત્યા ટોપે અને ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈએ દર્શાવેલી બહાદુરીથી અંગ્રેજો ફફડી ઊઠયા હતા.

૧૮૫૭નો બળવો નિષ્ફળ જવાનું એક કારણ એ પણ હતું કે વિદ્રોહીઓ પાસે પૂરતા સંખ્યાબળ અને પૈસાનો અભાવ હતો. હથિયારો પણ સીમિત હતાં.

આ વિપ્લવ નિષ્ફળ જવાનું એક કારણ એ વખતનો ભદ્ર અને શિક્ષિત વર્ગ આ વિપ્લવ પ્રત્યે ઉદાસીન રહ્યો. શરમની વાત એ છે કે કોલકાત્તા અને મુંબઈમાં કેટલાક વેપારીઓ અને શિક્ષિત વર્ગે સભાઓ ભરી અંગ્રેજોની સફળતા માટે પ્રાર્થનાઓ કરી હતી. આવા રાષ્ટ્રવિરોધી લોકો એ જમાનામાં પણ હતા.

અલબત્ત, અંગ્રેજોના શાસન સામેના ૧૮૫૭ના બળવાનાં કેટલાંક પરિણામો પણ આવ્યાં. આ વિદ્રોહની સમાપ્તિ બાદ ૧૮૫૮માં બ્રિટિશ પાર્લામેન્ટે એક કાનૂન પસાર કરીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અસ્તિત્વને સમાપ્ત કરી દીધું અને ભારત પર શાસનના અધિકાર બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાના હાથમાં આવી ગયા. ઈંગ્લેન્ડમાં ૧૮૫૮ના અધિનિયમ મુજબ એક ભારતીય રાજ્ય સચિવની વ્યવસ્થા કરવામાં આવી. તેમની સહાયતા માટે ૧૩ સભ્યોની એક મંત્રણા પરિષદ બનાવવામાં આવી.  આ બળવાનું એક પરિણામ એ પણ આવ્યું કે ભારતમાં બ્રિટિશ સરકારની વિસ્તારવાદી નીતિને સમાપ્ત કરી દીધી અને કાનૂની તૌર પર કોઈ નિઃસંતાન હોય અને તે કોઈને દત્તક લે તો તે અધિકારને સ્વીકૃતિ આપવામાં આવી.

આવી છે ૧૮૫૭ના વિદ્રોહની કથા. અંગ્રેજો સામેનો ૧૮૫૭નો બળવો જ એક એવી ઘટના છે કે જેણે ભારતની આઝાદીનો ધોરીમાર્ગ તૈયાર કરી આપ્યો.

૧૮૫૭ના અંગ્રેજો સામેના બળવાના એ તમામ ક્રાંતિકારી ભારતીય સૈનિકો તાત્યા ટોપે, નાના સાહેબ અને ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈને સલામ.

–  www.devendrapatel.in

Be Sociable, Share!