Close

ભારતમાં ૨૧ લાખ લોકો એઈડ્સથી પીડાય છે વિશ્વમાં એઈડ્સના રોગમાં ભારત ત્રીજા નંબરે

રેડ રોઝ | Comments Off on ભારતમાં ૨૧ લાખ લોકો એઈડ્સથી પીડાય છે વિશ્વમાં એઈડ્સના રોગમાં ભારત ત્રીજા નંબરે
એઈડ્સ’ એક ખતરનાક રોગ છે.
સ્ત્રી-પુરુષ વચ્ચેના કે સમલૈંગિક અસુરક્ષિત શારીરિક સંબંધના કારણે થતો આ ચેપી રોગ છે, જેને એચઆઈવી પણ કહે છે. એક વાર એઈડ્સ થાય તે પછી માનવીની રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થઈ જાય છે. એઈડ્સ થવાનું એક બીજું કારણ બહારથી લેવામાં આવતું અને દર્દીને અપાતું ચકાસ્યા વગરનું લોહી પણ જવાબદાર છે. કેટલીક ધંધાદારી લોહી વેચતી લેબોરેટરીઓ ગરીબ અને બીમાર લોકોનાં લોહી લઈ જરૂરિયાતવાળા દર્દીઓને તે લોહી વેચી દે છે. અને દર્દી એક રોગમાંથી મુક્ત થાય છે પરંતુ એઈડ્સ લઈને ઘેર આવે છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં એઈડ્સનું નામ કોઈએ સાંભળ્યું નહોતું. એક ધારણા એવી છે કે એઈડ્સ નાઈજિરિયા જેવા કોઈ આફ્રિકન દેશમાંથી વિશ્વભરમાં ફેલાયેલો છે. બીજી ધારણા એવી છે કે બાયોલૉજિક વેપનની શોધ કરતી પશ્ચિમના કોઈ દેશની ગુપ્ત મિલિટરી લેબ.માંથી છટકી ગયેલો વાઇરસ છે. વિશ્વના કેટલાક દેશો માનવીને બીમાર પાડી દે તેવા વાઇરસ વિકસાવી ચૂક્યા છે. વર્ષો પહેલાં આ જ વિષય પર `વાઇરસ’ નામની ફિલ્મ આવી હતી.
એઈડ્સની બીમારી ધરાવનાર વ્યક્તિ સામાજિક બહિષ્કારનો ભોગ બને છે. ઘરના સભ્યો પણ તેને સ્પર્શતાં ડર અનુભવે છે. એઈડ્સ એ લોહીથી સંક્રમિત થતો રોગ છે, સ્પર્શથી નહીં. આજથી એક દાયકા પૂર્વે એઈડ્સની વિરુદ્ધ શરૂ થયેલા જંગમાં પ્રતિરોધી હથિયાર તરીકે કોન્ડોમનો પ્રચાર ખૂબ થતો હતો. જોકે એ પ્રચારની વિરુદ્ધ નૈતિક મૂલ્યોના કસ્ટોડિયનોએ એ પ્રચારની વિરુદ્ધ જ ઝુંબેશ ચલાવી હતી. એમનો આરોપ હતો કે આ પ્રકારનો પ્રચાર કરવાથી દેશની સંસ્કૃતિ ખતરામાં છે, પરંતુ એવું થયું નહીં. એથી ઉલટું કોન્ડોમની જાહેરાત અને પ્રચારથી ૨૦૦૩માં દેશમાં એચઆઈવી સંક્રમિત રોગીઓની સંખ્યા ૫૧ લાખ હતી તે ૨૦૧૭માં ઘટીને ૨૧ લાખ થઈ ગઈ.
હવે છેલ્લાં પાંચ વર્ષમાં નવા સંક્રમણના કેસોની સંખ્યા વર્ષની ૮૦ હજાર થઈ છે. મતલબ કે હવે આપણે અગ્રતા બદલી નાંખી બીજી બીમારીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ લાગે છે. પરિણામ એ આવ્યું કે એઈડ્સ અને સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ નિયંત્રણ પ્રોગ્રામ હેઠળ અપાતી ધનરાશિ પણ નિયંત્રિત થઈ ગઈ છે. એચઆઈવી સંક્રમિત રોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે લગાવવામાં આવતાં હોર્ડિંગ્સની જગ્યાએ હવે રસી, ગર્ભનિરોધ અને ટીબીને રોકવાની જાહેરાત પાછળ વધુ રકમ ફાળવવામાં આવે છે.
એચઆઈવી નિયંત્રણ કાર્યક્રમો માટે આ રકમ પર્યાપ્ત નથી. તમને નવાઈ લાગશે કે ભારતમાં વિશ્વની ત્રીજી સહુથી વધુ એઈડ્સથી સંક્રમિત વસતી છે. ભારતમાં કુલ ૨૧ લાખ લોકો એઈડ્સથી પીડાય છે. વિશ્વમાં પહેલા નંબરે દક્ષિણ આફ્રિકા છે. જ્યાં ૭૧ લાખ લોકો એઈડ્સથી પીડાય છે. તે પછી બીજા નંબરે નાઈજિરીયા છે જ્યાં ૩૨ લાખ લોકો એઈડ્સની બીમારીથી પીડાય છે. ભારતનો આ બાબતમાં વિશ્વમાં ત્રીજો નંબર છે. જોકે સંક્રમણનો દર ભારતમાં ઓછો છે પરંતુ આપણે એચઆઈવી અને એઈડ્સના બજેટનો મોટો હિસ્સો પીડિતોને પરામર્શ, તપાસ અને એન્ટિ રેટ્રોવાઈરલ થેરાપી (એઆરટી) પર ખર્ચીએ છીએ. એઆરટી તો એચઆઈવી પોઝિટિવ પીડિતોને મફત આપવામાં આવે છે પરંતુ બજેટનો બહુ ઓછો હિસ્સો આ રોગ અંગે જાગૃતિ લાવવા પાછળ ખર્ચવામાં આવે છે.
ઉત્તર પ્રદેશના ઉન્નવ વિસ્તારમાંથી કેટલાક મહિના પહેલાં એચઆઈવી પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. તે જોતાં એ સ્પષ્ટ છે કે દેશના કેટલાક જિલ્લાઓમાં એઈડ્સના ગુમનામ કેસો બેહદ ખતરનાક છે. આંકડા દર્શાવે છે કે, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલંગાણા જેવા ઉચ્ચ પ્રસારવાળા પ્રદેશોમાં એચઆઈવી સંક્રમણનો દર ઘટ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, દિલ્હી, છત્તીસગઢ, રાજસ્થાન, ઓરિસા અને ઝારખંડ જેવાં નવાં રાજ્યોમાં એઈડ્સના દર્દીઓ વધ્યા છે.
યુરોપ અને ઉત્તર અમેરિકામાં થયેલાં ૧૮ જેટલાં અધ્યયનોનો નિષ્કર્ષ એ છે કે, એચઆઈવીમાં એઆરટી લેવામાં આવે છે તો દર્દીનું આયુષ્ય ૧૦ વર્ષ સુધી વધારી શકાય છે. ૨૦ વર્ષથી ઓછી ઉંમરમાં જો દર્દીને ઉપચાર કરવામાં આવે તો તે સામાન્ય જિંદગી (લગભગ ૬૭ વર્ષ) જીવી શકે છે.
એચઆઈવીગ્રસ્ત ૫૮ કેસોમાં ૫૦ એવાં ગામો સામે આવ્યાં છે જેમને `એઈડ્સ ગામ’ કહેવામાં આવે છે. આ ગામોના લોકોનો તેમનાં સગાંસંબંધીઓએ બહિષ્કાર કરી દીધો છે. જો આ દર્દીઓનો યોગ્ય ઉપચાર કરવામાં આવે તો એ લોકો સ્વસ્થ જીવન જીવી શકે તેમ છે અને એઈડ્સનાં લક્ષણોથી બચી શકે છે. આવાં ગામોમાં એઈડ્સના ફેલાવા માટે એક બોગસ ડૉક્ટર પણ જવાબદાર જણાયો છે, જે એક જ સોયથી અનેક દર્દીઓને ઈંજેક્શન આપતો હતો. ભારતમાં અસુરક્ષિત યૌનસંબંધ તથા ડ્રગની સોય એચઆઈવી સંક્રમણનાં મુખ્ય કારણો છે. તે સ્પર્શ, લાળ, પરસેવો કે આંસુથી ફેલાતો નથી.
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાંથી મળેલા એઈડ્સના ગુમનામ કેસોથી હવે ચેતી જવાની જરૂર છે. ૨૦૨૨માં ૩ કરોડ ૯૦ લાખ લોકો વિશ્વમાં એઈડ્સ સાથે જિંદગી જીવી રહ્યા હતા. ૨૦૨૨માં ૧ કરોડ ૩૦ લાખ લોકો એઈડ્સના નવા દર્દીઓ હતા. ૨૦૨૨માં ૬ લાખ ૩૦ હજાર લોકો એઈડ્સની બીમારીથી મૃત્યુ પામ્યા હતા. ૨૦૦૪ પછી એઈડ્સથી થતાં મૃત્યુમાં ૬૯ ટકા અને ૨૦૧૪ પછી એઈડસથી થતાં મૃત્યુમાં ૫૧ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૨૨માં સ્ત્રીઓમાં ૪૬ ટકા એઈડ્સના નવા દર્દીઓ નોંધાયા હતા. આફ્રિકાના દેશોમાં એઈડ્સના દર્દીઓ વધવા પામ્યા છે.
૧ ડિસેમ્બર એટલે કે વિશ્વ એઈડ્સ દિવસ. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે લોકોને એઈડ્સ વિશે જાગ્રત કરી શકાય.
એચઆઈવી એક એવો વાઇરસ છે, જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે પછીથી એઈડ્સ રોગ બની જાય છે. હજુ સુધી તેનો કોઈ નક્કર ઈલાજ નથી, પરંતુ કેટલીક દવાઓની મદદથી વાઇરલ લોડને ઘટાડી શકાય છે જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.
એચઆઈવી ૧૯૮૧માં જ મળી આવ્યો હતો પરંતુ ભારતમાં તેનો પહેલો કેસ ૧૯૮૬માં નોંધાયો હતો. ત્યારબાદ ચેન્નઈમાં રહેતી કેટલીક સેક્સવર્કસમાં આ ચેપની પુષ્ટિ થઈ હતી. ત્યાં સુધીમાં HIV વિશ્વના ઘણા દેશોમાં પહોંચી ગયો હતો અને ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો હતો. એચઆઈવી સંક્રમણના મામલામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
મધ્ય પ્રદેશસ્થિત કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે એક RTI દાખલ કરી જેના જવાબમાં નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) એ જણાવ્યું હતું કે ભારતમાં ૧૦ વર્ષમાં ૧૭ લાખથી વધુ લોકો અસુરક્ષિત સેક્સને કારણે HIVનો શિકાર બન્યા છે. NACO મુજબ ૨૦૧૧ અને ૨૦૨૧ની વચ્ચે, ૧૫,૭૮૨ લોકો એવા છે જેઓ સંક્રમિત રક્ત દ્વારા HIV પોઝિટિવ બન્યા છે. જ્યારે ૪,૪૨૩ બાળકોને માતા દ્વારા ચેપ લાગ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) અનુસાર, અત્યારે પણ આ વાઇરસ દર વર્ષે લાખો લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ૨૦૨૧ના અંત સુધીમાં વિશ્વમાં ૩.૯૦ કરોડ લોકો આ વાઇરસથી સંક્રમિત હતા. ૨૦૨૧માં HIV વિશ્વભરમાં ૬.૫ લાખ લોકોનાં મૃત્યુનું કારણ હતું. NACO અનુસાર ૨૦૨૧માં ભારતમાં AIDSના ૬૨,૯૬૭ નવા કેસ નોંધાયા હતા અને ૪૧,૯૬૮ લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે કે દરરોજ સરેરાશ ૧૧૫ મૃત્યુ થાય છે. યુએન એઈડ્સના આંકડા દર્શાવે છે કે ૨૦૨૧ સુધીમાં ભારતમાં ૨૪ લાખ લોકો એચઆઈવી સંક્રમિત હતા.
જો HIVની જાણ થતાં જ દવા શરૂ કરવામાં આવે તો આ સ્ટેજ સુધી પહોંચવાની શક્યતા ઘણી ઓછી રહે છે. આ એચઆઈવીનો સૌથી ગંભીર તબક્કો છે, જેમાં વ્યક્તિ એઈડ્સથી પીડિત થઈ જાય છે. એઈડ્સના કારણે વ્યક્તિમાં વાઇરલ લોડ ખૂબ જ વધી જાય છે અને તે ખૂબ જ ચેપી બની જાય છે. આ તબક્કામાં વ્યક્તિ માટે સારવાર વિના ૩ વર્ષ જીવવું મુશ્કેલ છે. એચ.આઈ.વી. સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ અસુરક્ષિત સેક્સ છે. ભારતમાં પણ સેક્સવર્કર્સમાં HIVનો પહેલો કેસ સામે આવ્યો હતો.
જો એચ.આઈ.વી. (HIV) ની જાણ થઈ જાય તો ગભરાવાની જગ્યાએ તરત જ એન્ટિ રેટ્રોવાઇરલ થેરાપી શરૂ કરો, કારણ કે એચઆઈવી શરીરને ખૂબ જ નબળું બનાવે છે અને ધીમે ધીમે અન્ય રોગો પણ તેને ઘેરવા લાગે છે. જોકે હજુ સુધી તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ દવાઓ દ્વારા તેનાથી બચી શકાય છે. 

Be Sociable, Share!