Close

ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

રેડ રોઝ | Comments Off on ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

ભારતના સખત વિરોધ છતાં પાકિસ્તાને ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં ચૂંટણીઓ કરાવી. ૧૯૪૭માં પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરનો ભાગ ગણાતા ગિલગિટ અને બાલ્ટીસ્તાનને પાકિસ્તાને પચાવી પાડયું હતું. ગિલગિટ અને બાલ્ટીસ્તાનના લોકોને પાકિસ્તાન સામે જ સખત વિરોધ છે. ચૂંટણીઓનો વિરોધ થવાની આશંકાએ પાકિસ્તાને ૧૬,૦૦૦ સુરક્ષાકર્મીઓને તહેનાત કરાવી આ ચૂંટણીઓ યોજી હતી.

કેટલાક સમય પહેલાં ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે ગિલગિટ અને બાલ્ટીસ્તાન ભારતનાં અભિન્ન અંગ છે. પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પણ ભારતનો જ એક ભાગ છે. પાકિસ્તાન સીધી રીતે ભારતની વાત નહીં સ્વીકારે તો ભારત તેની સાથે આકરાં પગલાં લઈ શકે છે. ગઈ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ગિલગિટ-બાલ્ટીસ્તાનને પ્રાંતનો દરજ્જો આપ્યો હતો. ભારતે જમ્મુ અને કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધા બાદ પાકિસ્તાનની સેનાએ ગિલગિટ અને બાલ્ટીસ્તાનને પ્રાંતનો દરજ્જો આપ્યો હતો. એ વખતે પણ ભારતે એનો સખત વિરોધ કર્યો હતો. હવે પાકિસ્તાનમાં ઈમરાન ખાન વિરુદ્ધ ભારે લોકજુવાળ ઊભો થયો છે ત્યારે તેમણે ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં અચાનક ચૂંટણીઓ કેમ યોજી તે જાણવા જેવું છે. કહેવાય છે કે ચીનના વડા શી જિનપિંગના ઈશારે તેમણે આ ચૂંટણીનો તમાશો કર્યો છે. ગિલગિટ બાલ્ટીસ્તાન પર પાકિસ્તાનની સેનાનો કબજો છે તેથી ચીનને કેટલીક બાબતો અનુકૂળ નથી. વળી અહીં ચીન એક આર્થિક કોરિડોર બનાવી રહ્યું હોઈ ચીન ગિલગિટ બાલ્ટીસ્તાનને પોતાના હસ્તક કરી લેવા માંગે છે. આ વાતની ખબર પાકિસ્તાનની પ્રજાને પડી ગઈ હોઈ અહીં ચીનના ઈશારે ચૂંટણીઓ યોજવાની વાત ઈમરાન ખાનની વિરુદ્ધ જઈ શકે છે.
આ સંજોગોમાં ભારતે હવે શું કરવું જોઈએ?

ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું જ રહ્યું. પાકિસ્તાન ઊભું કરીને ભારતે મોટી કિંમત ચૂકવી છે એ ભૂલ હવે સુધારી શકાય તેમ નથી. જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રીતે ભારત સાથે જોડી દેવામાં આવ્યાં છે અને તે રાજ્યનો વિશેષ દરજ્જો ખત્મ કરી દેવાયો છે ત્યારે પાકિસ્તાન હસ્તકના અકસાઈ ચીનની પણ ચર્ચા કરવી જરૂરી છે. ભારતે જો સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ અને બાલ્ટીસ્તાન કોઈપણ ભોગે પાકિસ્તાન પાસેથી પાછાં મેળવવાં જ રહ્યાં. ચીન અને પાકિસ્તાન એ બંનેની સાન ઠેકાણે લાવવાનો આ એકમાત્ર ઉપાય છે. ભૂતકાળમાં ભારત પર જેટલાં પણ આક્રમણ થયાં તે બધાં જ ગિલગિટના રસ્તે થયાં. દા.ત. યુનાનીઓ, શક, હૂણ અને મોગલો પણ ગિલગિટના રસ્તે જ ભારતમાં પ્રવેશ્યા. ભારતના પૂર્વજો જમ્મુ અને કાશ્મીરનું મહત્ત્વ સમજતા હતા. એમને ખબર હતી કે ભારતે જો સુરક્ષિત રહેવું હોય તો દુશ્મનને હિન્દુકુશ અર્થાત્ ગિલગિટ-બાલ્ટીસ્તાનની પેલે પાર જ રાખવા પડે.

કોઈ એક સમયે અમેરિકા પણ ગિલગિટમાં અડ્ડો જમાવવા માગતું હતું. બ્રિટન પણ એમ જ કરવા માગતું હતું. રશિયા પણ ગિલગિટને પોતાનો બેઝ બનાવવા માંગતું હતું. એક વખતે તો વાત એટલી હદે પહોંચી કે ૧૯૬૫માં પાકિસ્તાને ગિલગિટ રશિયાને સોંપી દેવા વાયદો કર્યો હતો. આજે પાકિસ્તાનની મહેરબાનીથી ચીને ગિલગિટમાં પગપેસારો કરી દીધો છે.

પાકિસ્તાન તો પહેલેથી જ ગિલગિટ વેચી દેવા માંગતું હતું. આખા વિશ્વને ગિલગિટમાં રસ છે, પરંતુ હકીકત એ છે કે ગિલગિટ ભારતનો જ એક હિસ્સો છે પરંતુ ગિલગિટના વ્યૂહાત્મક મહત્ત્વ વિશે ભારતમાં નિષ્ણાતો બહુ ઓછી ચર્ચા કરે છે.

આજે ભારત એક આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે એ વાત પણ જાણી લેવી જોઈએ કે ગિલગિટથી જમીનમાર્ગે વિશ્વના અધિકાંશ વિસ્તારોમાં જઈ શકો છો. ગિલગિટથી દુબઈ ૫,૦૦૦ કિલોમીટર દૂર છે, દિલ્હી ૧૪૦૦ કિલોમીટર દૂર છે, મુંબઈ ૨૮૦૦ કિલોમીટર દૂર છે, ચેન્નાઈ ૩૮૦૦ કિલોમીટર દૂર છે અને લંડન ૮,૦૦૦ કિલોમીટર દૂર છે.

એક સમયે ભારતનો બીજા અનેક દેશો સાથે વેપાર-ધંધો ચાલતો હતો. તેની ૮૫ ટકા જનસંખ્યા આ માર્ગે જોડાયેલી છે. મધ્ય એશિયા, યુરેશિયા, યુરોપ, આફ્રિકા એ બધા વિસ્તારોમાં આપણે ગિલગિટના સડકમાર્ગે જઈ શકીએ છીએ. આવું વ્યૂહાત્મક ગિલગિટ આપણી પાસે હોય તો આજે આપણે ગેસલાઈન બિછાવવા માટે પાકિસ્તાનને વિનંતિ કરવાની જરૂર ન પડે. ઈરાનથી ભારત આવનારા ગેસની પાઈપલાઈન પર ભારતે પાકિસ્તાન પર આધાર રાખવો પડે છે તે એક મજબૂરી છે. પાકિસ્તાન આ બાબતે ભારત સાથે હંમેશાં આડોડાઈ કરતું રહેશે. આજે ગિલગિટ ભારત પાસે હોત તો ભારત આ પ્રસ્તાવિત ગેસ પાઈપલાઈન માટે પાકિસ્તાનની જરૂર ન પડત.

નોંધપાત્ર વાત એ છે કે હિમાલય પર ૧૦ મોટાં શિખરો છે. જે વિશ્વનાં સહુથી ઊંચાં શિખરો છે. તે બધાં જ ભારતનાં છે પરંતુ તે ૧૦માંથી ૮ શિખરો ગિલગીટ-બાલ્ટીસ્તાનમાં છે. તિબેટ પર ચીનનો કબજો આવી ગયા બાદ જેટલા પણ આપણા પાણીના સ્ત્રોત છે તે તમામ ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં છે.

એ જાણીને આશ્ચર્ય થશે કે ગિલગિટમાં સોનાની અને યુરેનિયમની પણ ખાણો છે. આ વાત પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના ખાણ અને ખનીજ વિભાગના અહેવાલમાં નોંધાયેલી છે.

એ સારી વાત છે કે ભારત સરકારને ગિલગિટનું વ્યૂહાત્મક મહત્ત્વ સમજાયું છે. વડાપ્રધાન મોદીએ ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં સ્થાનિક લોકોની ઈચ્છા વિરુદ્ધ બનાવટી અને ગોલમાલ ભરેલી ચૂંટણીઓ યોજવા બદલ પાકિસ્તાનને કડક ભાષામાં પડકાર ફેંક્યો છે. વડાપ્રધાને પાકિસ્તાન અને ચીનને ‘પ્રચંડ જવાબ મળશે’ એ શબ્દો દ્વારા સખત પ્રત્યાઘાત આપ્યા છે.

ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં રહેતા લોકો પાકિસ્તાનના વિરોધી છે. ભારત આ ભાવનાનો લાભ ઉઠાવી શકે છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે જ્યારે આપણે કાશ્મીર બોલીએ છીએ ત્યારે આપણા દિમાગમાં માત્ર જમ્મુ અને કાશ્મીર જ આવે છે પરંતુ ગિલગિટ અને બાલ્ટીસ્તાન આપણા દિમાગમાંથી નીકળી જાય છે. ગિલગિટ અને બાલ્ટીસ્તાનનો એ વિસ્તાર કે જે પાકિસ્તાનના કબજા હેઠળ છે તેનું ક્ષેત્રફળ ૭૯,૦૦૦ ચોરસ કિલોમીટર છે. તેમાંથી જેને આપણે કાશ્મીર કહીએ છીએ તે તો માત્ર ૬૦૦૦ ચોરસ કિલોમીટર જ છે, જ્યારે જમ્મુ ૯૦૦૦ ચોરસ કિલોમીટર છે અને ૬૪,૦૦૦ ચોરસ કિલોમીટર હિસ્સો લડાખનો છે કે જે ગિલગિટ-બાલ્ટીસ્તાન છે. ગિલગિટ લડાખનો જ એક ભાગ છે.

Be Sociable, Share!