Close

ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

રેડ રોઝ | Comments Off on ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

પાકિસ્તાન ઊભું કરીને ભારતે મોટી કિંમત ચૂકવી છે. હવે એ ભૂલ સુધારી શકાય તેમ નથી, પરંતુ પાકિસ્તાનને પદાર્થપાઠ શીખવવા માટે કેટલીક વ્યૂહાત્મક રાજકીય ર્સિજકલ સ્ટ્રાઈક કરવી પડશે. એ માટે ભારતે ડિફેન્સિવ રહેવાના બદલે પ્રો-એક્ટિવ પગલાં લેવાં પડશે.

જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે સંપૂર્ણપણે હવે જોડી દેવાયાં છે ત્યારે હવે પાકિસ્તાન હસ્તકના અકસાઈ ચીનની બાબતમાં ચર્ચા કરવી જરૂરી છે. ભારતે જો સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ-બાલ્ટિસ્તાન કોઈપણ ભોગે મેળવી લેવા પડશે. ચીન અને પાકિસ્તાન બંનેની સાન ઠેકાણે લાવવાનો આ જ એકમાત્ર ઉપાય છે.

ઇતિહાસમાં ભારત પર જેટલાં પણ આક્રમણ થયાં તે બધાં જ ગિલગિટના રસ્તે થયાં છે. દા.ત. યુનાનિઓ, શક, હૂણ, કુશાણ અને મોગલો પણ ગિલગિટના રસ્તે જ ભારતમાં પ્રવેશ્યા. આ દેશના પૂર્વજો જમ્મુ-કાશ્મીરનું મહત્ત્વ સમજતા હતા. એમને ખબર હતી કે ભારતને સુરક્ષિત રાખવું છે તો દુશ્મનને હિન્દુકુશ અર્થાત્ ગિલગિટ-બાલ્ટિસ્તાનની પેલે પાર જ રાખવા પડશે. કોઈ એક સમયે અમેરિકા પણ ગિલગિટમાં અડ્ડો જમાવવા ઇચ્છતું હતું. બ્રિટન પણ એમ જ કરવા માગતું હતું. રશિયા પણ ગિલગિટને પોતાનો બેઝ બનાવવા માંગતું હતું. એક વખતે તો વાત એટલી હદે પહોંચી હતી કે ૧૯૬૫માં પાકિસ્તાને રશિયાને ગિલગિટ આપી દેવાનો વાયદો કર્યો હતો. આજે ચીને ગિલગિટમાં પગપેસારો કરી દીધો છે. પાકિસ્તાન તો ગિલગિટમાં પહેલેથી જ બેસી જવા માંગતું હતું.

આખા વિશ્વને ગિલગિટમાં રસ છે. દુર્ભાગ્ય એ વાતનું છે કે ગિલગિટ કે જે વાસ્તવમાં ભારતનો જ એક હિસ્સો છે તે દેશમાં ગિલગિટના વ્યૂહાત્મક મહત્ત્વની ચર્ચા બહુ ઓછી થાય છે. ફરી એકવાર સમજી લો કે ભારતે સુરક્ષિત રહેવું હોય તો આપણે કોઈપણ ભોગે ગિલગિટ-બાલ્ટિસ્તાન હાંસલ કરવું જ રહ્યું.

આજે ભારત એક આર્થિક મહાસત્તા બનવા માંગે છે ત્યારે એ વાત પણ જાણી લેવી જોઈએ કે ગિલગિટથી ભૂ-માર્ગે તમે વિશ્વના અધિકાંશ વિસ્તારોમાં જઈ શકો છો. ગિલગિટથી ૫૦૦૦ કિલોમીટર દૂર દુબઈ છે, ૧૪૦૦ કિલોમીટર દૂર દિલ્હી છે, ૨૮૦૦ કિલોમીટર દૂર મુંબઈ છે. ૩૮૦૦ કિલોમીટર દૂર ચેન્નાઈ છે અને ૮૦૦૦ કિલોમીટર દૂર લંડન છે.

એક સમયે ભારતનો બીજા અનેક દેશો સાથે વેપાર-ધંધો ચાલતો હતો. તેની ૮૫ ટકા જનસંખ્યા આ માર્ગો સાથે જોડાયેલી છે. મધ્ય એશિયા, યુરેશિયા, યુરોપ, આફ્રિકા એ બધી જ જગાએ આપણે સડકના રસ્તે જઈ શકીએ છીએ. એ ગિલગિટ આપણી પાસે હોય તો આજે આપણે પાકિસ્તાનને ગેસલાઈન બીછાવવા માટે વિનંતિ કરવી પડે છે તે કરવી પડતી ન હોત. પ્રસ્તાવિત ગેસલાઈન છે ઈરાન-પાકિસ્તાન-ભારત (IPI) ગેસલાઈન. આ પરિયોજના કદીયે પૂરી થાય તેમ લાગતું નથી. પાકિસ્તાન કદીયે તેની ભૂમિ પર ભારત માટે ઈરાનથી ભારત સુધીની ગેસ લાઈન માટે મંજૂરી નહીં આપે. આજે આપણી પાસે ગિલગિટ હોત તો ભારતે કોઈની પાસે જઈ વિનંતિ કરવી પડી ન હોત.

નોંધપાત્ર વાત એ છે કે હિમાલય પર ૧૦ મોટાં શિખરો છે જે વિશ્વનાં સહુથી ઊંચાં શિખરો છે. તે બધાં આપણાં છે પરંતુ આ ૧૦માંથી આઠ ઊંચાં શિખરો ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છે. તિબેટ પર ચીનનો કબજો આવી ગયા બાદ જેટલા પણ પાણીના સ્ત્રોત છે તે તમામ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ગિલગિટમાં સોનાની અને યુરેનિયમની ખાણો પણ છે. આ વાત પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના ખાણ અને ખનીજ વિભાગના અહેવાલમાં પણ નોંધાયેલી છે.

દુઃખની વાત એ છે કે ભારતને હજુ ગિલગિટનું મહત્ત્વ સમજાયું નથી. બીજી નોંધપાત્ર વાત એ છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનના સખ્ત વિરોધી છે. ભારત આ ભાવનાનો લાભ ઉઠાવી શકે છે.

આપણે જ્યારે પણ ‘કાશ્મીર’ શબ્દ બોલીએ છીએ ત્યારે જમ્મુ-કાશ્મીર અને લડાખ તેમાં આવે છે, પરંતુ ગિલગિટ-બાલ્ટિસ્તાન દિમાગમાંથી નીકળી જાય છે. એ વિસ્તાર કે જે પાકિસ્તાનના કબજા હેઠળ છે તેનું ક્ષેત્રફળ ૭૯૦૦૦ ચોરસ કિલોમીટર છે. તેમાંથી કાશ્મીરનો હિસ્સો તો માત્ર ૬૦૦૦ ચોરસ કિલોમીટર જ છે. જ્યારે ૯૦૦૦ ચોરસ કિલોમીટર હિસ્સો જમ્મુનો છે અને ૬૪,૦૦૦ ચોરસ કિલોમીટર હિસ્સો લડાખનો છે કે જે ગિલગિટ-બાલ્ટિસ્તાન છે. ગિલગિટ કદીયે કાશ્મીરનો નહીં પરંતુ લડાખનો જ એક ભાગ હતો.

કેટલાક વખત પહેલાં ભારતમાં એક સેમિનારમાં બાલ્ટિસ્તાનના એક મોટા નેતાને બોલાવવામાં આવ્યા હતા. એમણે કહ્યું હતું કે, ‘અમે ભારતની જ ભૂમિના ભુલાઈ ગયેલા લોકો છીએ.’

તેમને પૂછવામાં આવ્યું: ‘શું તમે ભારતમાં રહેવા ઈચ્છશો?’

એમનો જવાબ હતોઃ ‘૬૦ વર્ષ પછી આપે મને બોલાવ્યો છે અને તે પણ અમેરિકન ટૂરિસ્ટ વિઝા પર. હું તો ઈચ્છું છું કે આપ અમારા ગિલગિટ-બાલ્ટિસ્તાનનાં બાળકોને આઈઆઈટીમાં પ્રવેશ આપો. અમે ભારતની એઈમ્સમાં ઈલાજ કરાવવા માંગીએ છીએ. એમ થશે તો અમને જરૂર લાગશે કે ભારત અમારી ચિંતા કરે છે. અમારી વાત કરે છે. અમારા પ્રદેશ પર પાકિસ્તાનનું લશ્કર ભારે અત્યાચાર કરે છે, પરંતુ ભારતના મીડિયામાં પાકિસ્તાનના અમારી પર થતા અત્યાચારો કદીયે દર્શાવાતા નથી. આજ સુધી એક પણ વ્યક્તિએ ગિલગિટ-બાલ્ટિસ્તાનને પુનઃ ભારતમાં લાવવા કોઈ બયાન આપ્યું નથી, પ્રયાસ તો દૂરની વાત છે.’

હા, એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિલગિટ-બાલ્ટિસ્તાનના સંદર્ભમાં ગિલગિટ વિસ્તારની પ્રજાના પ્રશ્નો અંગે ચિંતા જરૂર વ્યક્ત કરી છે.

જમ્મુ-કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં અધિકાંશ જનસંખ્યા તે બધા પાકિસ્તાનવિરોધી છે. તેઓ પોતાની લડાઈ ખુદ લડી રહ્યા છે પરંતુ ભારત પણ ગિલગિટની પ્રજાની સાથે છે તેવું તેમને મહેસૂસ કરાવવું પડશે. આ વિષય પર ભારતમાં ચર્ચા થવી જરૂરી છે. ગિલગિટ કદી ભારતનો જ હિસ્સો હતો અને તેને ફરી ભારતમાં ભેળવવા નક્કર પગલાં લેવાં પડશે.

રેડ રોઝ :- દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!