Close

માઓએ નહેરુને સિગારેટ સળગાવી આપી, પછી ભારત સાથે યુદ્ધ પણ કર્યું

રેડ રોઝ | Comments Off on માઓએ નહેરુને સિગારેટ સળગાવી આપી, પછી ભારત સાથે યુદ્ધ પણ કર્યું

ભારતવર્ષમાં જેવી રીતે ‘ગાંધીવાદ’નું આગવું માહાત્મ્ય છે તેમ એક જમાનામાં ચીનમાં ‘માઓવાદ’નું માહાત્મ્ય હતું. ફરક એ હતો કે ગાંધીજી અહિંસાના પૂજારી હતા જ્યારે ચીનના કમ્યુનિસ્ટ વડા માઓત્સે તુંગ હિંસાના પૂજારી હતા. ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ લાવવાના નામે તેમણે લાખો લોકોને કચડી નાંખ્યા હતા.

માઓ એક સનકી નેતા હતા. તેમનો સ્વભાવ અનેક પ્રકારની વિચિત્રતાઓ અને વિકૃતિઓથી ભરેલો હતો. તેઓ ચીન અને દુનિયાના દેશોમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી તેઓ ચીનના સામ્યવાદી પક્ષના નેતા અને ચીનના શાસક રહ્યા.

માઓના તબીબ રહી ચૂકેલા જી શી લીએ માઓના અંગત જીવન વિશે બહુર્ચિચત પુસ્તક- ‘ધી પ્રાઈવેટ લાઈફ ઓફ ચેરમેન માઓ’ લખ્યું છે. તેમાં એમણે લખ્યું છે કે માઓ કદી પોતાના દાંત પર બ્રશ કરતા નહોતા. માઓ દાંત સાફ કરવા માટે રોજ સવારે ચા પી લેતા હતા. એ કારણે એમના દાંત સાવ પીળા પડી ગયા હતા. એ જ રીતે માઓને રોજ સવારે સ્નાન કરવા સામે પણ નફરત હતી. હા, તેઓ ક્યારેક સ્વિમિંગ કરતા હતા. પોતાની જાતને તાજગીભરી રાખવા માટે તેઓ ટોવેલથી સ્પંજ બાથ લેતા હતા પરંતુ શરીર પર પાણી રેડીને નહાતા નહોતા.

આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે એક વાર માઓની અમેરિકાના તે વખતના પ્રેસિડેન્ટ નિકસન સાથેની મુલાકાત ગોઠવાઈ. એ વખતે માઓનું શરીર વધી ગયું હતું. એ મુલાકાત વખતે પહેરવા માટે તેમની પાસે એમની એ વખતની સાઈઝનો કોઈ સુટ નહોતો એટલે તાત્કાલિક નવો સુટ સીવડાવવો પડયો હતો. એ મુલાકાત પહેલાં તેમની એક નર્સે તેમની દાઢી શેવ કરી આપી. તેમના વાળ કાપીને ટૂંકા કરી આપ્યા હતા. ચેરમેન માઓ અને પ્રેસિડેન્ટ નિક્સન વચ્ચેની મુલાકાત ૬૫ મિનિટ ચાલી. એ મુલાકાત પૂરી થતાં જ માઓએ નવો કોટ ઉતારી નાંખ્યો અને પોતાનો જૂનો બાથરોબ પહેરી લીધો હતો. માઓને ચામડાનાં જૂતાંને બદલે કપડાનાં બનેલાં જૂતાં પસંદ હતાં અને નવાં જૂતાં પહેલાં તેમના સુરક્ષાગાર્ડને પહેરાવતા જેથી તે થોડાં નરમ થઈ જાય.

માઓની એક બીજી જીવનકથા જંગ ચેંગ નામની મહિલાએ લખી છે. તે લખે છે કે માઓના બેડરૂમમાં તેમના પલંગની આસપાસ ચીની સાહિત્યનાં પુસ્તકો પડયાં રહેતાં હતાં. તેમનાં ભાષણો અને લેખોનાં એ પુસ્તકોનાં કેટલાંક વિધાનો તેઓ ટાંકતા હતા. ઘણીવાર તેઓ લઘરવઘર વસ્ત્રો પહેરતા હતા. તેમના મોજામાં છીદ્રો પડી ગયાં હતાં. તેઓ પોતાનો મોટા ભાગનો સમય પલંગ પર જ વિતાવતા હતા. એમનો સૂવાનો પલંગ તેમને એટલો બધો પસંદ હતો કે માઓ ૧૯૫૭માં મોસ્કો ગયા ત્યારે તેમનો પલંગ પણ સાથે લઈને ગયા હતા. તેઓ ઘરમાં એકલા હોય ત્યારે માત્ર બાથરૂમમાં પહેરવા માટેનું ગાઉન જ પહેરી રાખતા અને ખુલ્લાપગે જ ફરતા હતા.

એવું કહેવામાં આવે છે કે માઓની દિનચર્યા રાત્રે જ શરૂ થતી હતી. તેઓ એક આગવી વિચારધારા ધરાવતા હતા. વિદેશ નેતાઓને પણ રાત્રે જ મળતા હતા. એનું એક ઉદાહરણ જાણવા જેવું છે. ૧૯૫૬માં ભારતની લોકસભાના એ વખતના સ્પીકર આયંગર ભારતના કેટલાક નેતાઓ સાથે ચીન ગયા હતા, પરંતુ માઓએ રાત્રે ૧૨ વાગ્યે જ તેમને મુલાકાત આપી હતી. એક વખત ભારતના એ વખતના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન પણ માઓને મળવા ચીન ગયા. સર્વપલ્લી રાધાકૃષ્ણને માઓને ભેટીને તેમના ગાલ થપથપાવ્યા પરંતુ માઓ નારાજ જણાતાં સર્વપલ્લી રાધાકૃષ્ણને માઓને કહી દીધું કે મેં આવી મજાક સ્ટાલિન સાથે પણ કરી છે.

એક નોંધ એવી છે કે ભારતીય નેતાઓ સાથેની રાતની બેઠક વખતે માઓ એક પછી એક સિગારેટ પીતા જ રહ્યા હતા. એ બેઠકમાં ભારતના ચીન ખાતેના રાજદૂત અને ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ મોજૂદ હતા. એ બેઠક વખતે નહેરુએ પણ એક સિગારેટ મોંમાં મૂકી તો માઓએ જાતે ઊઠીને દિવાસળીથી નહેરુની સિગારેટ સળગાવી આપી હતી. માઓના આ પ્રતિભાવથી ભારતીય પ્રતિનિધિમંડળ દંગ રહી ગયું હતું.

ભારતના એ વખતના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમણે ડિનર આપ્યું હતું. બાજુમાં જ માઓ બેઠેલા હતા. ભૂલથી માઓએ તેમની જ પ્લેટમાંથી ચોપસ્ટિક રાધાકૃષ્ણનની પ્લેટમાં મૂકી દીધી. માઓને ખબર નહોતી કે રાધાકૃષ્ણન શુદ્ધ શાકાહારી છે પરંતુ રાધાકૃષ્ણને પણ માઓને એવો આભાસ થવા ન દીધો કે તેઓ જે ખાતા જ નથી તેવું કાંઈક માઓએ તેમની પ્લેટમાં મૂકી દીધું છે અને રાધાકૃષ્ણન એ વ્યંજનને અડયા જ નહીં.

એ વખતે રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની આંગળી ઈજાગ્રસ્ત હતી. ચીન જતા પહેલાં તેઓ કંબોડિયા ગયા હતા. એ વખતે તેમના એડીસીની ભૂલથી કારમાં બેસતી વખતે રાધાકૃષ્ણનની આંગળી કારના દરવાજાની વચ્ચે આવતા તેમને ઈજા પહોંચી હતી. આંગળીનું હાડકું તૂટી ગયું હતું. માઓએ તેમની ઈજાગ્રસ્ત આંગળી જોઈને જ તાત્કાલિક ડોક્ટર બોલાવ્યા હતા અને સારવાર આપી હતી.

જોકે માઓ સનકી હતા. કોઈ પણ અન્ય દેશના રાષ્ટ્રપતિ ચીન જાય ત્યારે માઓ તેમને ક્યારે મુલાકાત આપશે તેવું પહેલેથી નક્કી કરી શકાતું નહોતું. માઓનું મન થાય ત્યારે અચાનક બહારથી આવેલા અતિથિને તેઓ બોલાવી લેતા પછી તે ગમે તેટલા મોટા નેતા હોય, માઓ વિદેશી નેતાઓને મુલાકાત આપી તેમની પર ઉપકાર કરતા હોય તેવો તેમનો અહંકાર હતો.

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હેન્રી કિંસીજર તેમની આત્મકથામાં લખે છેઃ ‘હું ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઈ સાથે વાત કરી રહ્યો હતો અને અચાનક મને કહેવામાં આવ્યું કે ચેરમેન માઓ તમારો ઈંતજાર કરે છે. માઓને એ વાતની ફિકર જ નહોતી કે અમે તેમને મળવા માંગીએ છીએ કે નહીં વળી માઓની મુલાકાત વખતે અમારી સાથે કોઈપણ અમેરિકી સુરક્ષાકર્મીને સાથે લઈ જવાની પરવાનગી નહોતી. માઓ સાથે અચાનક જ મુલાકાત થતી અને ત્યારબાદ જ મીડિયાને જાણ કરવામાં આવતી હતી.’

કિંસીજર લખે છેઃ ‘અમને સીધા માઓના સ્ટડીરૂમમાં લઈ જવાયા હતા જ્યાં પુસ્તકો અસ્તવ્યસ્ત પડેલાં હતાં. કેટલાંક પુસ્તકો તો નીચે જમીન પર પડેલાં હતાં. સામે એક વી-શેપનું મેજ હતું જેની પર જાસ્મીન ટીનો કપ પડેલો હતો. મારી પહેલી બે મુલાકાતો વખતે તો સામે લાકડાનો એક પલંગ પડેલો હતો. વિશ્વની સહુથી વધુ વસતીવાળા દેશના સહુથી શક્તિશાળી આ નેતાના સ્ટડીરૂમમાં કમસે કમ મને તો ક્યાંય પણ વૈભવ-બાદશાહતનું પ્રતીક ક્યાંયે દેખાયું નહોતું. હું તેમના સ્ટડીરૂમમાં પ્રવેશ્યો ત્યારે વચ્ચોવચ પડેલી એક ખુરશીમાં તેઓ બેઠેલા હતા. તેમાંથી ઊભા થઈને તેમણે મારું સ્વાગત કર્યું હતું. ઊભા થવામાં તેમને મદદ કરવા તેમની બાજુમાં જ બે ચાઈનીઝ મહિલા સહાયકો ઊભી હતી.

તે બંને મારી સામે જોઈને એ રીતે મુસ્કુરાતી હતી જાણે કે તે કહી રહી હતી કે ‘ખબરદાર છે જો તમે અમારા ચેરમેનને છળકપટથી મૂર્ખ બનાવવાની કોશિશ કરી છે તો.’

માઓ કેવા સનકી હતા તેનું બીજું ઉદાહરણ. ૧૯૭૧માં અમેરિકાના પ્રેસિડેન્ટ નિકસન ચીન જઈ માઓ સાથે વિશ્વની કેટલીક રાજકીય ઘટનાઓ વિશે વાત કરવા માંગતા હતા ત્યારે માઓએ તેમને કહ્યું હતું: ‘રાજકીય વાતચીત? આ માટે તો તમારે અમારા વડાપ્રધાન પાસે જવું પડશે. મારી સાથે તો માત્ર વિચારધારા અને દાર્શનિક મુદ્દાઓ પર જ વાતચીત કરી શકશો!’

કહેવાય છે કે ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું અને જે યુદ્ધ થયું તે વખતે ચીનના વડાપ્રધાન તો ચાઉ એન લાઈ હતા પરંતુ એ વખતે ચીનના શાસક-ચેરમેન તો માઓ જ હતા અને ભારત-ચીન યુદ્ધમાં પણ માઓની મોટી ભૂમિકા હતી. તેઓ ભારતને સબક શીખવવાનો ઈરાદો ધરાવતા હતા. ચીનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા લખન મેહરોત્રા કહે છે કે ‘કહેવામાં તો એમ આવે છે કે ભારત સાથેના યુદ્ધ માટે ચીનની ફોરવર્ડ નીતિ- વિસ્તારવાદ જવાબદાર હતાં પરંતુ માઓએ બે વર્ષ પહેલાં જ એટલે કે ૧૯૬૦માં જ ભારતવિરોધી રણનીતિ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે તો અમેરિકાને પણ પૂછી લીધું હતું કે અગર ચીનને કોઈ દેશ સામે યુદ્ધમાં ઊતરવું પડે તો શું અમેરિકા તાઈવાનમાં હિસાબ ચૂકવવા કાંઈ કરશે?’

અમેરિકાએ જવાબ આપ્યો હતો કે ‘તમે ચીનમાં કે બીજે ક્યાંય પણ કશું કરશો તો અમને તેની સાથે કોઈ મતલબ નથી. હા, અમે તાઈવાનની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ.’

મેહરોત્રા લખે છે કે તે પછી ચીને આ જ પ્રશ્ન રશિયાના વડા નિકિતા ખુશ્ચોવને પૂછયો હતો. એ જમાનામાં તિબેટનો તેલ માટેનો સપ્લાય રશિયાથી આવતો હતો. ચીનને ડર હતો કે ભારત સાથે લડાઈ થશે તો સોવિયેત સંઘ તેલનો આ સપ્લાય બંધ કરી ના દે. આ ડરથી ચીને રશિયાના વડા પાસેથી એવું વચન લઈ લીધું હતું કે ચીન ભારત સાથે યુદ્ધ કરશે તો રશિયા એવું કાંઈ નહીં કરે. માઓએ રશિયાને કહી દીધું હતું કે ભારત સાથે અમારે ઊંડા મતભેદ છે.

એ પછી રશિયાના વડા ખુશ્ચોવે ચીન સાથે એવો સોદો કર્યો હતો કે ‘તમે દુનિયામાં અમારો વિરોધ કરો છો પરંતુ ક્યુબામાં અમે મિસાઈલ મોકલીશું તો તમારે એટલે કે ચીને તેનો વિરોધ કરવાનો નહીં.’

એ જ વખતે ખુશ્ચોવને ખબર પડી ગઈ હતી કે ચીન ભારત સાથે યુદ્ધ કરી શકે છે. એ વખતે રશિયાએ ભારતને મિગ વિમાનો સપ્લાય કરવાની સમજૂતી પણ થઈ ગઈ હતી પરંતુ ચીને ભારત સાથે યુદ્ધ કર્યું ત્યારે રશિયાની ચીન સાથેની છૂપી ગોઠવણ પ્રમાણે રશિયાએ ભારતને મિગ વિમાનોના સપ્લાયમાં જાણીબૂઝીને વિલંબ કર્યો હતો અને ચીનને મોકલવામાં આવતા પેટ્રોલના સપ્લાયને અટકાવવું નહોતું. તે પછી ખુશ્ચોવને પૂછવામાં આવ્યું કે, ‘તમે ભારત સાથે આમ કેમ કર્યું?’ તો ખુશ્ચોવનો જવાબ હતોઃ ‘ભારત અમારું મિત્ર છે પણ ચીન અમારો ભાઈ છે.’

આવી હતી ચીનના વડા માઓ અને રશિયાના વડા ખુશ્ચોવની ભારતવિરોધી નીતિ.      DEVENDRA PATEL

Be Sociable, Share!