Close

માઓએ ૪,૦૦,૦૦૦ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા

રેડ રોઝ | Comments Off on માઓએ ૪,૦૦,૦૦૦ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા

ચીનમાં સામ્યવાદી પક્ષનો આરંભ થયો અને સામ્યવાદીઓએ જે દિવસથી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી ચીનનો મહાન પૌરાણિક સાંસ્કૃતિક વારસો પણ ખતમ થઈ ગયો. એક જમાનામાં ચીન ભારતની જેમ વિશ્વ સાંસ્કૃતિક અને પ્રણાલિકાઓનો દેશ હતો પરંતુ નવી સાંસ્કૃતિક ક્રાંતિના નામે કમ્યુનિસ્ટોએ ચીનની અસલી સંસ્કૃતિને ખતમ કરી દીધી અને આ અપકૃત્યનો આરંભ કરનાર હતા માઓત્સે તુંગ. તેઓ ૧૯૪૯થી ૧૯૭૩ સુધી ચીનમાં સત્તા પર રહ્યા. તેમણે નક્કી કરેલા સિદ્ધાંતોને ‘માઓવાદ’ કહેવામાં આવે છે. માઓ એક વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા.

‘ટાઈમ મેગેઝિને’ લખ્યું હતું કે ૨૦મી સદીની ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓમાં એક નામ માઓનું પણ છે.

માઓનો જન્મ તા.૨૬ ડિસેમ્બર, ૧૮૯૩ના રોજ ચીનના હુનાન પ્રાંતના શાશન ગામમાં થયો હતો. તેમના પિતા માઓ ચિયાંગ એક ગરીબ કિસાન હતા. માઓનું બચપણ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું હતું. તેમના પિતા તેમને રોજ ફટકારતા હતા. માઓની બહેન વેન ક્યુઈમી એક ધર્મનિષ્ઠ બૌદ્ધ હતી. આઠ વર્ષની વયે માઓને ગામની શાળામાં ભણવા મોકલવામાં આવ્યા. ૧૩ વર્ષની વયે ખેતરમાં કામ કરવા માટે તેમને સ્કૂલમાંથી ઉઠાડી લેવામાં આવ્યા. કેટલાક સમય બાદ ખેતી છોડીને હુનાન પ્રાંતની રાજધાની ચાંગશાની માધ્યમિક શાળામાં ફરી ભણવા ગયા. તેઓ બચપણથી જ મહત્ત્વાકાંક્ષી હતા. જિન્હાઈ ક્રાંતિના સમયમાં માઓએ હુનાનની સ્થાનિક રેજિમેન્ટમાં દાખલ થઈ ક્રાંતિકારીઓ દ્વારા શરૂ કરાયેલી લડાઈમાં ભાગ લીધો. ચિંગ રાજવંશના સત્તાભ્રષ્ટ થયા બાદ તેઓ ફરી કોલેજમાં ભણવા ગયા. ૧૯૧૮માં તેઓ ગ્રેજ્યુએટ થયા. તે પછી તેઓ બિજિંગ ગયા. તેઓ એક પુસ્તકાલયના અધ્યક્ષ બન્યા અને સામ્યવાદી સિદ્ધાંતોનું અધ્યયન કરવા લાગ્યા. તેઓ રશિયન ક્રાંતિથી પ્રભાવિત હતા, જેણે સોવિયેત સંઘની સ્થાપના કરી હતી. તે પછી ૧૯૨૧માં તેઓ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક સદસ્યો પૈકીના એક બન્યા. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના ચેન ડકિસયૂ અને લી ડઝાઓએ કરી હતી. માઓ તેમાં સક્રિય થઈ ગયા.

તે પછીનાં થોડાં જ વર્ષોમાં માઓએ લેનીનવાદના વિચારોને અપનાવ્યા. તેમણે માન્યું કે ખેડૂતો જ સામ્યવાદ સ્થાપિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. ૧૯૨૭માં હિંસક શુદ્ધીકરણનો આરંભ કર્યો. હજારો વિરોધીઓની હત્યા કરી દેવાઈ. કેટલાકને કેદ કરવામાં આવ્યા. આ એક પ્રકારનું ચાઈનીઝ ગૃહયુદ્ધ હતું. વાત એમ હતી કે ૧૯૨૫માં એ વખતના ચીની રાષ્ટ્રપતિ સુનપાત સેનનું મૃત્યુ થતાં તેમની જગ્યાએ ચિયાંગ કાઈ-શેક સત્તા પર આવ્યા. તેઓ રૂઢિવાદી હતા. તેમણે જ લોકોને કેદ કરી કેટલાયની હત્યા કરી નાંખી હતી. ચિયાંગ કાઈ-શેકની આ સફળતા જોઈ આ ગૃહયુદ્ધ શરૂ થયું હતું અને વિદ્રોહ કરનાર હજારો સામ્યવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ સત્તાધીશના સામના માટે જ ચીનના મજદૂરો અને ખેડૂતોએ રેડ આર્મીની શરૂઆત કરી જે સોવિયેત સામ્યવાદીઓની વિચારધારા આધારિત હતી.

૧૯૩૪માં ૧,૦૦,૦૦૦થી વધુ કમ્યુનિસ્ટોએ માર્ચ કરી જે લોંગ માર્ચના નામે ઓળખાય છે. એ બધા ચીનના ઉત્તર ભાગમાં પહાડો અને ખીણો ખૂંદતા આગળ વધ્યા. એવું અનુમાન છે કે લોંગ માર્ચ કરનારા એક લાખમાંથી માંડ ૩૦ હજાર લોકો જ બચ્યા હતા. આ લોંગ માર્ચ ૮૦૦૦ માઈલની હતી.

જુલાઈ ૧૯૩૭માં જાપાનની ઈઝરાયેલ આર્મીએ ચીન પર આક્રમણ કર્યું. એ વખતના ચીનના શાસક ચિયાંગ કાઈ-શેકને રાજધાની છોડી ભાગી જવું પડયું. બીજી તરફ ચિયાંગ કાઈ-શેક ઘરઆંગણે જ સામ્યવાદીઓ સામે લડી રહ્યા હતા. બંને મોરચા પર લડવામાં અસમર્થ ચિયાંગ ખુદ કમ્યુનિસ્ટો માટે વિદ્રોહ અને સમર્થનમાં પહોંચી ગયા. આ સમયગાળા દરમિયાન માઓએ પોતાની જાતને રેડ આર્મીના નેતાના રૂપમાં સ્થાપિત કરી દીધી હતી અને મિત્રદેશોની સેનાઓને જાપાનીઓ સામે લડવામાં મદદ કરી. ૧૯૪૫માં જાપાનની હાર થઈ. તા.૧ ઓક્ટોબર, ૧૯૪૯ના રોજ બિજિંગના તિયાનમેન સ્કવેરમાં માઓએ પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપનાની જાહેરાત કરી. ચીનનો શાસક ચિયાંગ કાઈ-શેક તાઈવાન ભાગી ગયો. જેણે ચીન ગણરાજ્યનું ગઠન કર્યું હતું.

૧૯૫૦માં માઓએ કોરિયાના યુદ્ધમાં ચીનના પિપલ્સ લિબરેશનના આર્મીને મોકલી ઉત્તર કોરિયાને મદદ કરી. માઓએ મહિલાઓને કહ્યું: ‘જાવ જમીનદારોની જમીન પર કબજો કરી લો?’ આ સંઘર્ષમાં હજારોનાં મોત નીપજ્યાં.

એ પછી ચીનના સામ્યવાદીઓએ ચીનમાં બીજા બધા રાજનીતિક વિરોધીઓને કચડી નાંખ્યા અને ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂક્યો. ૧૯૫૩માં તેમણે સહકારિતા એટલે કે સહકારી ખેતી સહકારી મંડળી વગેરેનું ગઠન કર્યું. જેથી ચીનમાં ફાયદો થયો તેવો તેમનો દાવો છે પરંતુ આગામી સમય સારો નહોતો.

માઓના ભૂમિસુધારના કાર્યક્રમ દરમિયાન કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો દ્વારા સુખી ખેડૂતોની હત્યા કરી દેવાઈ. ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવી અને એ જમીનો ગરીબ ખેડૂતોને આપી દેવાઈ. જેના કારણે ચીનમાં આર્થિક અસમાનતા ઓછી થઈ તેવો તેમનો દાવો હતો. માઓએ પોતે જ કહ્યું: ‘૧૯૫૦થી ૧૯૫૨ દરમિયાન ‘કાઉન્ટર ક્રાંતિકારીઓ’ પર થયેલા હુમલાઓમાં કુલ ૭,૦૦,૦૦૦ લોકો માર્યા ગયા છે અને ૪૦થી ૬૦ લાખ લોકોને લેબર કેમ્પમાં એટલે કે મજદૂરી કરવા મોકલી તેમને સુધારવા, શિક્ષા કરવા મોકલી દેવાયા છે.’ એમાં પણ ઘણા લોકો માર્યા ગયા.

માઓએ સામૂહિક દમનના આયોજનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમણે કહ્યું કે, સત્તાની સુરક્ષા માટે આ બધી હત્યાઓ જરૂરી હતી.

તે પછી માઓએ ૧૯૫૩થી ૧૯૫૮ દરમિયાન પહેલી પંચવર્ષીય યોજના શરૂ કરી અને વિશ્વસત્તા બનવા માટે પ્રયાસ શરૂ કર્યા. જાન્યુઆરી ૧૯૫૮માં તેમણે ચીનમાં ઔદ્યોગિક વિકાસ માટે ‘ગ્રેટ લીપ ફોરવર્ડ’ કાર્યક્રમ શરૂ કર્યો. ચીન માત્ર ખેતી પર જ કમાય તેવું ખતમ કરવા તેમણે ઉદ્યોગોના પણ વિકાસનું બીડું ઝડપ્યું. ચીનમાં જમીનો ધરાવતા લોકોની જમીનો સંપાદન કરી નિજી સંપત્તિને સમાપ્ત કરી દીધી અને ચીનની બધી જમીનને સરકારના નિયંત્રણ હેઠળ લાવી દીધી. આ કારણે ફરી હજારોનાં મોત નીપજ્યાં. તે પછી ચીનના ઇતિહાસનો સહુથી મોટો દુકાળ પડયો જેના કારણે ચીનમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. ચીનની સરકારે કહ્યું કે આ મોત દુકાળના કારણે થયાં છે પરંતુ કેટલાય લોકોનું માનવું હતું કે આ બધાં મોત માઓની ગલત નીતિઓના કારણે થયાં છે.

માઓની આંતરરાષ્ટ્રીય નીતિઓ પણ ગલત સાબિત થઈ. તાઈવાન બોમ્બ વિસ્ફોટના કારણે રશિયાએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા. તિબેટમાં પણ વિરોધીઓને ચીનની સેનાએ ક્રૂરતાથી કચડી નાંખ્યા. સરકારી ઉદ્યોગો જે સ્ટીલ પેદા કરતા હતા તે ખરાબ ગુણવત્તાવાળું નીકળ્યું. સરકારે ખેડૂતો પાસેથી બળજબરીપૂર્વક અનાજ લેવા માંડયું.

૧૯૫૯ અને ૧૯૬૧ની વચ્ચે માનવસર્જિત દુકાળના કારણે ૪૦ મિલિયન લોકો માત્ર ભૂખમરાથી મૃત્યુ પામ્યા. આ બધાનું કારણ માઓની ખોટી અને નિષ્ફળ નીતિઓ હતી. દુકાળનું કારણ ગમે તે હોય પરંતુ સામ્યવાદી પક્ષના ટોચના નેતાઓમાં માઓએ સન્માન ગુમાવી દીધું. ૧૯૬૨માં તેમની નીતિઓ ત્યજી દેવા મજબૂર કરી દેવાયા.

જોકે કેટલાય સમય બાદ તેઓ ફરી સત્તામાં આવ્યા. હવે તેમણે ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિનો આરંભ કર્યો. જેણે ચીનની અસલી સંસ્કૃતિની ધરોહરને નષ્ટ કરી દીધી. મોટી સંખ્યામાં ચીનના નાગરિકોને જેલમાં મોકલી દેવાયા. ચીનમાં આર્થિક અસમાનતા અને અરાજક્તા વધ્યા. માઓ એક પ્રકારના તાનાશાહ સરમુખત્યાર જ હતા. સાંસ્કૃતિક ક્રાંતિના નામે ચીનના નાગરિકો પર માઓએ જે જુલ્મ ગુજાર્યો તેના કારણે ૪,૦૦,૦૦૦ લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે.

૧૯૬૯માં માઓએ સાંસ્કૃતિક ક્રાંતિ સમાપ્ત કરવાની ઘોષણા કરી પણ એ પહેલાં લાખો લોકો મોતને ભેટી ચૂક્યા હતા.

તા.૯ સપ્ટેમ્બર, ૧૯૭૬ના રોજ બૈજિંગમાં ૮૪ વર્ષની વયે માઓનું મૃત્યુ નીપજ્યું. દુનિયા તેમને એક નરસંહાર રાક્ષસ અને ચીનની રાજકીય પ્રતિભાના રૂપે ઓળખે છે. ખાસ કરીને પશ્ચિમના દેશો અને ખુદ ચીનમાં પણ એક એવો મોટો સમૂહ છે જે માઓત્સે તુંગને માનવભક્ષી મોન્સ્ટર એટલે કે નરસંહારના રાક્ષસ તરીકે જ ઓળખે છે.

(ક્રમશઃ )

Be Sociable, Share!