Close

મારા માટે આ વ્હીલચેર નહીં પરંતુ શાનદાર- સુંદર રથ છે

રેડ રોઝ | Comments Off on મારા માટે આ વ્હીલચેર નહીં પરંતુ શાનદાર- સુંદર રથ છે

મલાથી કૃષ્ણમૂર્તિ હોલ્લા.

તે એક પેરા ઓલિમ્પિક ખેલાડી છે.

મલાથી ૧૪ મહિનાની હતી ત્યારે  એને અચાનક તાવ આવ્યો અને તેના ગરદનની નીચેનો આખો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. દીકરીની હાલત જોઇ તેના માતા-પિતા ચિંતામાં પડી ગયા પુત્રીને ડોક્ટરો પાસે લઇ ગયાં પરંતુ કોઇ જ ફાયદો થયો નહીં.

મલાથીના પિતા બેંગ્લુરૂમાં એક નાનકડી હોટેલ ચલાવતા હતા. મા ઘર સંભાળતી હતી. ચાર ભાઈ-બહેનોમાં મલાથી સૌથી નાની હતી. ડોક્ટરોએ ઇલેક્ટ્રિક શોક દ્વારા સારવાર કરાવવાની સલાહ આપી. લગભગ બે વર્ષ સુધી આ સારવાર ચાલી. આ ઇલાજના કારણે શરીરની ઉપરનો હિસ્સો તો કામ કરવા લાગ્યો પરંતુ  કમરની નીચેનો ભાગ હજુ નિષ્ક્રિય હતો. બીજી મુશ્કેલી એ હતી કે મલાથીનો ઇલાજ કરવા માટે પૂરતી આવક નહોતી. થેરપી સેન્ટર પણ ઘરથી  ઘણું દૂર હતું. મમ્મી તેને ગોદમાં ઊંચકીને કેટલીયે બસો બદલીને થેરપી સેન્ટર લઇ જતી હતી. આ એક પ્રકારની તપસ્યા જ હતી.

શારીરિક તકલીફોના કારણે મલાથીનું બચપણ વેડફાઇ ગયું. તે બચપણનો કોઈ જ આનંદ લઇ શકી નહીં. પડોશના બાળકને રમતાં જોઇને નિરાશ થઇ જતી હતી.  બેઠાં બેઠાં તે તેમને જોયા કરતી. પડોશના બાળકો કૂદાકૂદ કરી નજીકના આંબા પરની કેરીઓ તોડી લાવતા હતા. આ ગ્શ્યો જોઇ નાનકડી મલાથી દુઃખી થઇ જતી.

પિતાને પણ હવે ચિંતા થવા લાગી.  કેટલાક લોકો તેમની દીકરીને ‘બિચારી’ કહેતા ત્યારે  તેમને બહુ જ દુઃખ થતું હતું. એમણે હવે નક્કી કરી નાખ્યું કે તેઓ તેમની પુત્રીને કોઇની દયાને પાત્ર બનવા કદી નહીં દે. તેમણે પુત્રીને આત્મનિર્ભર બનાવવા નિર્ણય કર્યો. કોઇએ તેમને કહ્યું કે,  ચેન્નાઇમાં એક ઓર્થોપેડિક સેન્ટર છે જ્યાં દિવ્યાંગ બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે અને  તેમનો ઇલાજ પણ કરવામાં આવે છે.

પિતાએ મલાથીને ચેન્નાઇના ઓર્થોપેડિક સેન્ટરમાં  દાખલ કરાવી દીધી. પુત્રીને પરિવારથી અલગ કરતાં બધાને ખૂબ દુઃખ થયું, પરંતુ તેમની પાસે બીજો  કોઇ વિકલ્પ પણ નહોતો. પુત્રીને હોસ્ટેલમાં મૂકતી વખતે પિતાએ તેને સમજાવ્યું કે ‘બેટા અહીં રહેવાથી તારી જિંદગી બદલાઇ જઇ શકે છે.’

અને મલાથી હવે ચેન્નાઈની હોસ્ટેલમાં રહી ભણવા લાગી. પૂરા પંદર  વર્ષ સુધી તે રહી. અહીં એક અલગ પ્રકારની દુનિયા હતી. સર્જરી અને દર્દ તેના જીવનનો એક હિસ્સો બની ગયા. બસ, અહીં જ આ સમયગાળો હતો. જ્યારે તેને સ્પોર્ટ્સની દુનિયામાં જવાનો વિચાર આવ્યો. આમેય તેને રોજ વ્યાયામ તો કરવો જ પડતો હતો. ખેલની સાથે ભણવાનું અને ટ્રીટમેન્ટ પણ લેવાની. ચેન્નાઇના આ ઓર્થોપેડિક સેન્ટરમાં તેના પગના હાડકાંની કેટલીયે વાર સર્જરી કરવામાં આવી, પરંતુ સફળતા મળી નહીં. હવે એ નક્કી થઇ ગયું કે મલાથી કદીયે પોતાના પગ પર ઊભી રહી શકશે નહીં. પરંતુ પિતાએ પુત્રીને હતાશ થવા દીધી નહીં.

૧૨મું ધોરણ પાસ કર્યા બાદ પિતા તેને કોલેજના અભ્યાસ માટે બેંગલુરૂ લઇ આવ્યા. અહીંની એક જાણીતી કોલેજમાં તેને પ્રવેશ અપાવ્યો. પરંતુ કોલેજમાં તેના માટે એક નવી મુશ્કેલી ઊભી થઇ. તેના બધા જ કલાસરૂમ  ઉપરના માળે  હતા. તેના માટે પગથિયાં ચડવા એ મુશ્કેલ કામ હતું. એણે કોલેજના પ્રિન્સિપાલને વાત કરી અને મલાથીના ક્લાસરૂમ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લઇ આવવામાં આવ્યો.

અહીં એને પેરા ઓલિમ્પિક વિશે જાણકારી મળી. મલાથીએ શોટપુટ અને વ્હિલચેરની રેસની તાલીમ લેવા માંડી. ધીમે ધીમે તેને ફાવટ આવી ગઇ.  સમય જતાં તેની મહેનત સફળ થતી જણાઇ. એણે પહેલા સ્થાનિક કક્ષાએ અને તે પછી રાષ્ટ્રીય સ્તર પર પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું. ખૂબ પરિશ્રમ અને  આગળ આવવાની હોંશના લીધે તે ધીમે ધીમે કામયાબીના શિખરો સર કરતી ગઇ. મલાથીને સિયોલ ખાતે ભારત તરફથી પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવાની  તક મળી. એ પછી મલાથીએ કદી પાછું વળીને જોયું નહીં. ખેલ સ્પર્ધામાં ભાગ લેવા  તેને રેસિંગ વ્હિલચેરની જરૂરત હતી. શરૂઆતમાં તો વ્હિલચેર ખરીદવા  પૈસા નહોતા. જો કે બીજાઓની પાસેથી પૈસા ઉધાર લઇ વ્યવસ્થા કરવી પડી.

અને એક પછી એક સફળતાઓ  હાંસલ કરતી રહી.

મલાથી અત્યાર સુધીમાં ખેલ સ્પર્ધાઓમાં ૩૮૯  ગોલ્ડ મેડલ, ૨૭ સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ્સ જીતી ચૂકી છે. મલાથી કહે છે : ‘મારા માટે આ વ્હિલચેર નહીં પરંતુ તે એક શાનદાર સુંદર રથ છે.’

મલાથીની આ સફળતા જોઇને ૧૯૮૧માં તેને  સિન્ડિકેટ બેન્કમાં મેનેજર તરીકેની નોકરી મળી. તે પછી તેના પરિવારની આર્થિક હાલત સુધરવા લાગી. આજે હવે તે પ્રેરક વક્તા અને સામાજિક કાર્યકર્તા પણ છે. હવે તે તેના પ્રવચનો દ્વારા લોકોને તેમની જિંદગીમાં આવેલી મુશ્કેલીઓ સામે લડવાની પ્રેરણા આપે છે. મલાથી કહે છે : ‘શારીરિક દિવ્યાંગતા એ દિવ્યાંગતા નથી પરંતુ સૌથી મોટી દિવ્યાંગતા આપણી અંદર પડેલી હીન ભાવના છે. જ્યારે તમે પોતાની જાતને બીજાઓ કરતાં ઓછી આંકો છો ત્યારે તમે મનથી દિવ્યાંગ બની જાવ છે. મારા મનમાં કદી એવો ભાવ નથી આવ્યો કે હું બીજાઓ કરતાં ઊતરતી છું.’

૧૯૯૫માં મલાથીને અર્જુન એવોર્ડ મળ્યો. આ વર્ષે જ એને ‘વુમન ઓફ ધી યર’નો ખિતાબ મળ્યો. ૨૦૦૧માં મલાથીને ‘પદ્મશ્રી’નો એવોર્ડ મળ્યો.

એ પછી મલાથીએ દિવ્યાંગોની જિંદગી  બહેતર બનાવવા માટે બેંગ્લુરૂમાં ‘માથરૂ ફાઉન્ડેશન શરૂ કર્યું. આ ફાઉન્ડેશનનો હેતુ ગરીબ દિવ્યાંગ બાળકોને ભણાવવાનો અને તેઓ કરી શકે તેવો હુન્નર શીખવવાનો છે. જેથી દિવ્યાંગો પણ સમાજમાં પૂરા સન્માન સાથે જીવી શકે.

મલાથી કહે છે : ‘આપણે બધા સમાજ સામે ઘણી ફરિયાદો કરીએ છીએ પરંતુ આપણે કદી એવું વિચાર્યું છે કે આપણે બધાં સમાજને શું આપી શકીએ છીએ ? આપણે કદી એ લોકો માટે વિચાર્યું છે કે જેમને તમારી જરૂર છે. તમે એમ કરશો ત્યારે જ આ દુનિયા સુંદર બની જશે.’

આવી છે મલાથી કૃષ્ણમૂર્તિની કથા..

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!