ભારતમાં એક જમાનામાં તક્ષશિલા અને નાલંદા જેવી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ હતી. આજે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની વાત કરવી છે. નોંધપાત્ર વાત એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૦૯૬માં થઈ હતી. આજે આ યુનિવર્સિટી એક વટવૃક્ષ છે. તેની સાથે સંકળાયેલી કૉલેજોના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૪૫૫ છે જ્યારે એકેડેમિક સ્ટાફની સંખ્યા ૬૯૪૫ છે.
જાણવા જેવી વાત એ છે કે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ યુ.કે. સહિત વિશ્વના દેશોને ૩૦ વડાપ્રધાનો આપ્યા છે જ્યારે આ યુનિવર્સિટીમાં ભણેલી ૭૩ જેટલી પ્રતિભાઓને નોબેલ પ્રાઈઝ મળ્યાં છે.
આ યુનિવર્સિટીમાં ભણેલા જે વિદ્યાર્થીઓ યુ.કે.ના વડાપ્રધાન બન્યા તેમાં વિલિયમ ગ્લેડસ્ટોન, એચ.એચ.એસક્વીથ, ક્લેમેન્ટ એલી હેરોલ્ડ મેકમિલન, એડવર્ડ હીથ, હેરલ્ડ વિલ્સન, માર્ગારેટ થેચર, ટોની બ્લેર, ડેવિડ કેમરોન, થેરેસા મે, બોરિસ જ્હોનસન, લીઝ ટ્રસ અને ઋષિ સુનક જેવાઓનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા ૧૦૦ એલ્યુમ્ની ૨૦૧૦માં બ્રિટનની પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા. તે સિવાય ૩૦ જેટલા આંતરરાષ્ટ્રીય નેતાઓ પણ આ જ યુનિવર્સિટીમાં ભણ્યા હતા. આ યુનિવર્સિટીમાં ભણેલા કેટલાક વિદ્યાર્થીઓ બીજા દેશોમાં ટોચના નેતા બન્યા જેમાં નોર્વેના હેરાલ્ડ પાંચમા, જોર્ડનના અબ્દુલા-૨, નેધરલેન્ડના વિલિયમ-૨, ઓસ્ટ્રેલિયાના પાંચ વડાપ્રધાનો જોહન ગોર્ટન, માલ્કોમ ફેસર, બોબ હાવકે, ટોની એબર અને માલ્કોમ ટર્નબુલનો સમાવેશ થાય છે. એ સિવાય પાકિસ્તાનના છ વડાપ્રધાનો પણ આ જ યુનિવર્સિટીમાં ભણ્યા હતા જેમાં લિયાકત અલી ખાન, હુસેયન શાહીદા સર, ફિરોઝ ખાન નુન, ઝુલ્ફિકાર અલી કિટ્ટો, બેનઝીર ભુટ્ટો અને ઈમરાન ખાનનો સમાવેશ થાય છે. કેનેડામાં વડાપ્રધાન બનેલી બે વ્યક્તિઓ પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જ ભણી હતી જેમાં લેસ્ટર બી.પિયરસન અને જોહન ટર્નરનો સમાવેશ થાય છે. ભારતનાં બે પૂર્વ વડાપ્રધાનો ઈંદિરા ગાંધી અને મનમોહનસિંઘ પણ આ જ યુનિવર્સિટીમાં ભણ્યાં હતાં. જોકે, ઈંદિરા ગાંધીએ તેમનો ડિગ્રી કોર્સ પૂરો કર્યો નહોતો.
સિલોનના પૂર્વ વડાપ્રધાન એસ.ડબલ્યુ, આર.વી. બંદારનાઈકે અને જમૈકાના પૂર્વ વડાપ્રધાન નોર્મન વોશિંગ્ટન મેનલી પણ અહીં જ ભણ્યા હતા. ઓમાનના સુલતાન પેડ્રો હૈથામ બીન તારિક અલી સૈયદ, ટ્રિનિદાદના પૂર્વ વડાપ્રધાન એરિક વિલિયમ્સ, પેરુના પૂર્વ પ્રેસિડેન્ટ પાલ્લો કુઝીન્સ્કી, થાઈલેન્ડના પૂર્વ વડાપ્રધાન અભિસિત વેન્જાજાવા પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. આ યાદી લાંબી છે.
જે વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા તેમાં સ્ટીફન હોકીંગ, ટીમ બર્નસ લી અને ડોરોથીનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટીમાં ભણેલા જે ચાર ગણિતજ્ઞોને નોબેલ પ્રાઈઝ મળ્યાં તેમાં માઈકલ અતિયાહ, ડેનિયલ ક્વીલેન, સિયામ ડોનાલ્ડ્સન અને જેમ્સ મેનાર્ડનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ૨૨ જેટલા લોકોને કેમિસ્ટ્રીમાં, ૬ જણને ફિઝિક્સમાં અને ૧૬ને મેડિસિનમાં નોબેલ પ્રાઈઝ મળ્યાં હતાં. આ યુનિવર્સિટીમાં રહી એક્સ-રે પર સંશોધન કરનાર ડોરોથી હોડગલને હાર્વર્ડ ફ્લોરોન પેનિસિલિન પર અને જોહન બી.ગુડનઘને લિથિયમ બેટરી પર સંશોધન માટેનાં નોબેલ પ્રાઈઝ એનાયત થયાં હતાં.
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડે ૩૯ જેટલી સેમી ઓટોનોમસ કોન્સ્ટિટ્યુએન્ટ કૉલેજો, પાંચ પ્રાઈવેટ હોલ્સ અને બીજા અનેક ડિપાર્ટમેન્ટ્સ ધરાવે છે.
આ યુનિવર્સિટી પાસે વિશ્વનું સહુથી જૂનું મ્યુઝિયમ છે અને વિશ્વનું સહુથી મોટું પ્રેસ પણ છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં ભણેલાં ૧૬૦ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ઓલિમ્પિક્સમાં મેડલ્સ જીતી ચૂક્યાં છે.
આ યુનિવર્સિટી યુ.કે.ની સહુથી મોટી લાઇબ્રેરી સિસ્ટમ ધરાવે છે. તેના સંકુલમાં આવેલી અનેક લાઇબ્રેરીઓમાં ૧ કરોડ ૧૦ લાખ પુસ્તકો છે. આ લાઇબ્રેરી સિસ્ટમમાં વિવિધ વિષયોમાં સંશોધનો કરવા માટેની સગવડ પણ ઉપલબ્ધ છે.
ઓક્સફર્ડના મ્યુઝિયમમાં એક મ્યુઝિયમ છે, જેનું નામ `ધી એશ્મોલીન મ્યુઝિયમ’ છે. તેની સ્થાપના ઈ.સ. ૧૬૮૩માં થઈ હતી. આ વિશ્વનું સૌથી પુરાણું મ્યુઝિયમ છે. તેમાં કલા અને આર્કિયોલોજીના અલભ્ય નમૂના સચવાયા છે. તેમાં માઈકલ એન્જેલો, લિયોનાર્દો દ વિન્સી, ટર્નર અને પિકાસોનાં અસલી ચિત્રો સચવાયેલાં છે. `ધી યુનિવર્સિટી મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી’માં કરોડો વર્ષ પૂર્વેનાં ડાયનોસોર રેક્સ જેવાં પ્રાણીઓનાં હાડપિંજર પણ સચવાયેલાં છે.’
ધી ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ કે જે વિશ્વનું બીજા નંબરનું સહુથી જૂનું પ્રેસ છે તે આજે પણ દર વર્ષે ૬૦૦૦ નવાં પુસ્તકો છાપે છે. આખા વિશ્વમાં જાણીતી ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનેરી પણ અહીં જ છપાય છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની સ્થાપનાની ચોક્કસ તારીખ ઉપલબ્ધ નથી, પરંતુ ઈ.સ. ૧૦૯૬ પહેલાં તે શરૂ થઈ હોવાનું મનાય છે. ઇતિહાસ એવો છે કે ઈ.સ. ૧૧૬૭માં યુનિવર્સિટી ઓફ પેરિસમાં કેટલાક ઈંગ્લિશ વિદ્યાર્થીઓ પાછા ફર્યા તે પછી આ યુનિવર્સિટીનો ઝડપથી વિકાસ થયો. આ યુનિવર્સિટીનાં પહેલા વિદેશી સ્કોલર એમ્મા ફ્રીસલેન્ડ હતાં.
કહેવાય છે કે જાણીતા ઇતિહાસકાર જેરાલ્ડ ઓફ વેલ્સે ૧૧૮૮માં અહીં લેક્ચર્સ આપ્યાં હતાં. ઈ.સ. ૧૨૦૧ની સાલથી આ યુનિવર્સિટીના વડાને `ચાન્સેલર’ કહેવાયા. ઈ.સ. ૧૨૪૮ની સાલમાં ઈંગ્લેન્ડના કિંગ હેન્રી ત્રીજાએ આ યુનિવર્સિટીને `રૉયલ ચાર્ટર’ મંજૂર કર્યું.
અલબત્ત, ઈ.સ. ૧૨૦૯માં વિદ્યાર્થીઓ અને ઓક્સફર્ડ ટાઉનના લોકો વચ્ચે વિવાદ થતાં કેટલાક શિક્ષણકારો જતા રહ્યા અને તેમણે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની સ્થાપના કરી.
છેવટે ૧૫મી સદીમાં રેનેસાં પીરિયડ આવ્યો અને તેની અસર ઓક્સફર્ડ યુનિવર્સિટી પર પડી. તે પછી ગ્રીક ભાષાના અભ્યાસો પણ શરૂ થયા. ૧૬૪૨થી ૧૬૪૯ દરમિયાન ઓક્સફર્ડ યુનિવર્સિટી રોયલીસ્ટ પાર્ટીનું કેન્દ્ર હતી. એ સમયગાળો એટલે કે ૧૬૪૨થી ૧૬૪૯ વચ્ચેનો સમયગાળો ઈંગ્લિશ સિવિલ વૉરનો હતો પરંતુ ૧૮મી સદી બાદ આ યુનિવર્સિટીએ ઈંગ્લેન્ડની રાજનીતિમાં રસ લેવાનું ઓછું કરી નાંખ્યું.
૧૯મી સદીમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં નવા સુધારા આવ્યા. તે પછી આ યુનિવર્સિટીએ ક્લાસિક્લ લેંગ્વેજીસ અને વિજ્ઞાનના વિષયો પર ફોકસ કર્યું. ૧૯૧૪ના સમયગાળામાં આ યુનિવર્સિટીમાં ૩૦૦૦ અંડરગ્રેજ્યુએટ અને ૧૦૦ જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ભણતા હતા. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને ફેલો આર્મીમાં જોડાયા. આ યુદ્ધગાળા દરમિયાન યુનિવર્સિટીમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૪ ટકાનો ઘટાડો થયો હતો.
તે પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સતત સુધારા દાખલ કરવામાં આવતા રહ્યા. સંશોધનો કરનારા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ આપવાની શરૂઆત ૨૦મી સદીમાં થઈ. ૧૯૨૧માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પહેલી જ વાર મેથેમેટિક્સમાં `ડી ફિલ’ની ડીગ્રી એનાયત કરી. આ યુનિવર્સિટીમાં ભણેલા કેટલાયે વિદ્યાર્થીઓએ રાજનીતિ, વિજ્ઞાન, મેડિસિન અને સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રતિભાઓ બ્રિટનને અને વિશ્વને આપી.
નોંધપાત્ર વાત એ છે કે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ પાસે ૭૦ એકરના તો પાર્ક છે. તેનાં પોતાનાં બોટનિકલ ગાર્ડન્સ છે. તેમાં ૮૦૦૦ જેટલી વિવિધ વનસ્પતિ ઉપલબ્ધ છે.
આજે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ એક વટવૃક્ષ છે.