Close

રશિયામાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ જ નેતાઓનાં રહસ્યમય મોત કેમ?

રેડ રોઝ | Comments Off on રશિયામાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ જ નેતાઓનાં રહસ્યમય મોત કેમ?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના કટ્ટર વિરોધી અને વિપક્ષના નેતા નવેલનીનું રશિયાની જેલમાં જ મૃત્યુ નિપજ્યું છે. તેઓ લાંબા સમયથી જેલમાં હતા. રશિયાની યમાલા-નેનેટ્સ જેલના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેમની તબિયત સારી નહોતી. જુલાઈ, ૨૦૧૯માં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ પુટિન સામે મોટા વિરોધની અને પ્રદર્શનની જાહેરાત કરી હતી. તેઓ લાંબા સમયથી પુટિનના આલોચક રહ્યા હતા. ૨૦૧૮માં તેમણે પુટિન સામે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે શક્ય બન્યું નહોતું. ૨૦૨૦માં તેમને સાઈબેરિયામાં ઝેર આપીને મારી નાંખવાના પ્રયાસોના સમાચાર આવ્યા હતા, પરંતુ રશિયન સરકારે તે આરોપો ફગાવી દીધા હતા. તે પછી તેમને જેલમાંથી ગાયબ કરી દેવાયા હતા. એ અગાઉ ૨૦૧૭માં પણ તેમના ઉપર જીવલેણ હુમલો થયો હતો અને તેમની આંખમાં ઈજા થઈ હતી. નવેલની એ પુટિનની પાર્ટીને ઠગ અને ચોરોની પાર્ટી કહી હતી. પુટિન પર ભ્રષ્ટાચારનો પણ આરોપ મૂક્યો હતો. કહેવાય છે કે ૨૦૨૦માં રશિયાના ગુપ્તચર એજન્ટોએ સાઈબેરિયામાં નવેલનીને ઝેર આપવાનો પ્રયાસ કર્યો પછી તેમને સારવાર માટે જર્મની લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને ચેતવણી આપવામાં આવી હતી કે જર્મનીથી રશિયા પાછા ફરવું તેમના માટે સલામત નથી, પરંતુ નવેલનીએ કોઈનુંય માન્યું નહીં અને તેઓ બોલ્યા હતા કે રશિયાથી સ્થળાંતર કરવાનું હું પસંદ કરીશ નહીં.
તેઓ જર્મનીથી પાછા ફર્યા અને રશિયાની જેલમાં જ રહેવાનું પસંદ કર્યું, પરંતુ હવે તેઓ આ દુનિયામાં નથી. રશિયાની પુટિન સરકારના ગુપ્તચર એજન્ટોએ તેમને ઝેર આપી દીધું હોવાની વિશ્વને આશંકા છે. રશિયાના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દિમિત્રી મુરારોવે કહ્યું છે કે `નવેલનીની હત્યા કરી દેવામાં આવી છે.’
કહેવાય છે કે યૂક્રેન પરના આક્રમણ બાદ પુટિન સામે રશિયામાં જ જબરદસ્ત વિરોધનો વંટોળ છે.
પુટિનની નીતિઓનો અને યૂક્રેન પરના આક્રમણનો વિરોધ કરનાર રશિયાના નેતાઓને પુટિનનું તંત્ર જ એક પછી એક એમ મોતને ઘાટ ઉતારી રહ્યું છે. કહેવાય છે કે વ્લાદિમીર પુટિનને પોતાની જ હત્યા થઈ જવાનો ડર સતાવી રહ્યો છે. આ ડરના કારણે જ પુટિન પોતાના શંકાસ્પદ સાથીઓ અને વિરોધીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આ અગાઉ તેમણે પોતાના જ સાથીઓ કે વિરોધીઓને કેવી રીતે મોત બક્ષ્યું તેની સિલસિલાબંધ વિગતો આ પ્રમાણે છે.
રશિયાના સત્તામંડળમાં રહેલા જ કેટલાક લોકો પુટિન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક સમય પહેલાં પ્રેસિડેન્ટ પુટિનના એક નજીકના માણસનું મોત નીપજ્યું હતું. તેઓ રશિયાના લશ્કરમાં મોટા પદ પર હતા. રશિયાના પ્રેસિડેન્ટ પુટિનને સત્તાના શિખર પર પહોંચાડવામાં જેમનો મોટો ફાળો હતો તેવા ૭૨ વર્ષની વયના વિક્ટર ચેરકેસોવનું મોત નીપજ્યું હતું. તેમણે કેટલાક સમય પહેલાં પ્રેસિડેન્ટ પુટિન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્ટર ચેરકેસોવે પુટિનની પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. તેઓ ૧૯૯૨થી ૧૯૯૮ સુધી રશિયાના સેંટ પીટર્સબર્ગ અને લેનિનગ્રાડ ક્ષેત્રમાં મુખ્ય સુરક્ષા અધિકારી હતા. એ દરમિયાન તેઓ પુટિનની નજીક આવ્યા હતા. તેઓનું રહસ્યમય મોત નીપજ્યું છે. આખરે વિક્ટર ચેરકેસોવનું મોત કેવી રીતે નીપજ્યું તેનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. કહેવાય છે કે વિક્ટર ચેરકેસોવે ૨૦૦૭માં એક લેખ લખ્યો હતો. જેના કારણે વિવાદ પેદા થયો હતો. વિક્ટર ચેરકેસોવે તેમના આર્ટિકલમાં રશિયન લશ્કરમાં ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો. વિક્ટર ચેરકેસોવના આ લેખથી પુટિન નારાજ થયા હતા. પુટિને કહ્યું હતું કે આવી માહિતી જાહેર કરવી જોઈએ નહીં. તે પછી ૨૦૦૮માં વિક્ટર ચેરકેસોવને તેમના પદ પરથી હટાવી દેવાયા હતા અને તેમને ફેડરલ એજન્સી ફોર મિલિટરી સપ્લાઈઝના વડા બનાવવામાં આવ્યા હતા. ૨૦૦૬માં પણ વિક્ટર ચેરકેસોવના નેતૃત્વવાળી એજન્સીએ ફર્નિચરની ખરીદીમાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. આ ભ્રષ્ટાચારમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા. વિશ્વની ગુપ્તચર એજન્સીઓ માને છે કે હવે રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધ બાદ રશિયામાં જ કેટલાયે હાઈપ્રોફાઈલ લોકોની હત્યા થઈ ચૂકી છે તેમાં વિક્ટર ચેરકેસોવ પણ એક છે.
વાત એમ છે કે મોસ્કો એવિએશન ઈન્સ્ટિટ્યૂટના વડા એનાતોલી ગેરાશ્ચેન્કોનું પણ સીડીઓ ચડતી વખતે અચાનક મોત નીપજ્યું હતું. આ મોત પણ એક રહસ્ય છે. તેઓ પણ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિનના કરીબી હતા. પ્રાપ્ત આંકડાઓ અનુસાર છેલ્લા એક વર્ષમાં એક ડઝનથી વધુ વરિષ્ઠ રશિયન અધિકારીઓનાં મોત નીપજ્યાં છે જેમાં પુટિનની નજીકના જ ગણાતા રવિલમગોનવ. યૂરી વોરોનોવ, એલેક્ઝાન્ડર સુખોઈટન, સર્ગેઈ પ્રોટોસેન્યા. વ્લાદિસ્લાવ અવાયવ અને મિખાઈલ વારફોર્ડ જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બધાનાં મોતનાં કારણો જાણવા મળ્યાં નથી. યૂરી વોરોમોવનું શબ સ્વિમિંગ પુલમાંથી મળ્યું હતું. જેમણે રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધની આલોચના કરી રહી હતી. કહેવાય છે કે યૂક્રેન સાથેના રશિયાના યુદ્ધનો વિરોધ કરનારાઓની હત્યા વ્લાદિમીર પુટિન જ કરાવી નાંખે છે.
સાચી વાત છે કે રશિયાના વડા વ્લાદિમીર પુટિનને હવે પોતાના રાજકીય વિરોધીઓ દ્વારા પોતાની જ હત્યાનો ડર છે. યૂક્રેના સાથેના યુદ્ધ બાદ ઘરઆંગણે પ્રચંડ વિરોધની જે પરિસ્થિતિ પેદા થઈ છે તેના કારણે તેઓ હવે અસલામતી અનુભવી રહ્યા છે. રશિયાની કૂટનીતિના જાણકાર મારકોવ કહે છે કે, `એવી આશંકા છે કે અમેરિકા, બ્રિટન અને યૂક્રેનના સ્પેશિયલ ફોર્સીસ વ્લાદિમીર પુટિનની હત્યાની સાજીશ રચી શકે છે અને આ કારણથી જ તેમણે જી-૨૦ સમિટમાં ભાગ લેવા જવાનું ટાળ્યું હતું. જી-૨૦ સંમેલન કે જે બાલીમાં યોજાયું તેમાં ભાગ લેવાનું પુટિને ટાળ્યું હતું. યૂક્રેનના ખેરસોન વિસ્તારમાંથી રશિયન દળોએ પીછેહઠ કરવી પડી હતી. પુટિનને પોતાની હત્યાનો ડર સતાવી રહ્યો છે તે વાત `ધી સન’ નામના અખબારમાં પણ પ્રગટ થયેલી છે. રશિયન વ્યૂહરચનાના નિષ્ણાત મારકોવનું કહેવું છે કે જી-૨૦ની પરિષદમાં અપમાનિત થવાનો ડર પણ પુટિનને સતાવી રહ્યો હતો.’
મારકોવ ખુદ રશિયન સત્તાના સમર્થક છે અને તેમણે જ આ લખ્યું છે. તેમણે એમ પણ લખ્યું છે કે જો રશિયાને જીત હાંસલ થાય છે તો ફરી એક વાર અર્થવ્યવસ્થાને મિલિટરીમાં પરિવર્તિત કરવી પડશે. આ નિર્ણય લેવામાં છ મહિના મોડું થઈ ગયું છે. હવે આપણે કડક નિર્ણયો લેવા પડશે. યૂક્રેનના ખેરસોન વિસ્તારમાંથી રશિયન દળોની વાપસીને એક પ્રકારની હાર જ સમજવી પડશે. આ કારણથી જ રશિયાની ભીતર આંતરકલહ પેદા થયો છે. મારકોવે લખ્યું છે કે, હવે આપણે આપણી ફેક્ટરીઓમાં ડ્રોન્સ કોમ્યુનિકેશન્સ અને મિસાઈલોનું વધુ ઉત્પાદન કરવું પડશે.
નોંધપાત્ર વાત એ છે કે ખેરસોનમાંથી રશિયન દળોની વાપસી પુટિનના અભિયાનને એક મોટો ઝટકો છે. યૂક્રેનની નીપર નદી પાસેના કાળા સમુદ્ર પર આવેલા ખેરસોન બંદર પર ખેરસોન એક મોટું શહેર છે. ખેરસોન પર ગયા સપ્ટેમ્બર માસમાં રશિયાએ કબજો કરી લીધો હતો. ખેરસોન ઓબ્લાસ્ટરની રાજધાની પણ છે. અહીંથી રશિયન દળોની વાપસી સમજવી એ એક અઘરો દાખલો છે. બીજા શબ્દોમાં કહી શકાય કે રશિયા એક રીતે સંરક્ષણાત્મક પગલાં લઈ રહ્યું છે.
યૂક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ ઘણા સૈનિકો અને શસ્ત્ર-સરંજામ ગુમાવ્યાં છે, પરંતુ યૂક્રેન સાથેના યુદ્ધમાં રશિયા પરાજિત થઈને વિશ્વ સમક્ષ અપમાનિત થવા માંગતું નથી તે પણ એક હકીકત છે. રશિયા હવે બીજી કોઈ રીતે યુદ્ધ કરવા માંગે છે. દા.ત. રશિયા યૂક્રેન પર ડ્રોન્સથી હુમલા કરી શકે છે જેથી તેને ઓછામાં ઓછા સૈનિકો ગુમાવવા પડે.
એ વાત પણ જાણી લેવી જોઈએ કે વ્લાદિમીર પુટિને ૨૦૦ જેટલા અમેરિકન નાગરિકોના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેનનાં બહેન અને ભાઈઓનો પણ સમાવેશ થાય છે. કહેવાય છે કે પુટિનનો આ નિર્ણય અમેરિકા દ્વારા રશિયા પર મુકાયેલા પ્રતિબંધોનો આ બદલો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન હવે બીજા કોનો વારો કાઢે છે, તે જોવાનું રહ્યું. પુટિનનાં આ કારનામાં સામે સંયુક્ત રાષ્ટ્રસંઘથી માંડીને આખું વિશ્વ લાચાર છે.

Be Sociable, Share!