Close

રાજનીતિમાં અભિનેતાઓ અને અભિનેતાઓની રાજનીતિ

રેડ રોઝ | Comments Off on રાજનીતિમાં અભિનેતાઓ અને અભિનેતાઓની રાજનીતિ

સંસદની વાત કરવામાં આવે તો અભિનયથી રાજનીતિની સફર સહુથી પહેલાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરે તય કરી. ૧૯૫૨માં પૃથ્વીરાજ કપૂરને રાજ્ય સભાના સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા. સમુંદરી (હાલ પાકિસ્તાનમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂર રાજનીતિથી અસ્પૃશ્ય નહોતા. આઝાદીની પહેલાં તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર એક દમદાર નાટક બનાવ્યું હતું. એ નાટકનું નામ હતું- ‘દીવાર’, જે સહુથી પહેલી વાર કોંગ્રેસની કારોબારીના સભ્યો સમક્ષ ભજવવામાં આવ્યું હતું. આ નાટક નિહાળ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ વિચલિત થઈ ગયા હતા અને તેઓ બોલ્યા હતાઃ ‘પૃથ્વીરાજ કપૂરના આ નાટકે એ કરી બતાવ્યું જે વર્ષો બાદ પણ કોંગ્રેસ કરી ના શકી.’ સરદાર પટેલ અડધો કલાક સુધી આ નાટક વિષે બોલતા રહ્યા.

પૃથ્વી રાજકપૂરનો જવાહરલાલ નેહરુ સાથે પણ ઘનિષ્ટ સંબંધ હતો. એકવાર નેહરુએ પૃથ્વીરાજ કપૂરને કહ્યું હતું: ‘જબ તુમ મેરે સાથ ચલતે હો તો મેરી હિંમત બઢ જાતી હૈ.’

એ દિવસોમાં ફિલ્મ જગતમાંથી સંસદમાં આવવા બદલ પૃથ્વીરાજ કપૂરની ટીકા પણ થઈ હતી, પરંતુ પૃથ્વીરાજ કપૂર સંસદમાં જુસ્સાથી બોલતા હતા અને દિલ્હીના પ્રિન્સેસ પાર્કમાં રહેતા લોકોને આસાનીથી મળતા હતા. અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે પૃથ્વીરાજ કપૂરે થિયેટર કલાકારોને રેલ્વેની યાત્રામાં ૭૫ ટકા છૂટ આપવાની ઝુંબેશ ઉપાડી હતી અને એ જમાનામાં તેમને આ અભિયાનમાં કામયાબી પણ મળી હતી.

દિલીપકુમારઃ લીડર ન બન્યા, પણ…  

દિલીપ કુમાર હિન્દી ફિલ્મ જગતમાં ટ્રેજેડી કિંગ તરીકે અત્યંત જાણીતા છે. તેમનો અભિનય બીજા અનેક અભિનેતાઓ માટે સ્વંય એક પાઠશાળા રહ્યો. કપૂર પરિવાર સાથે બેહદ નજીક રહેલા અભિનય સમ્રાટ દિલીપ કુમાર આમ તો કોઈ રાજકીય પાર્ટીનો હિસ્સો બન્યા નહોતા, છતાં તેઓ જવાહરલાલ નેહરુથી પ્રભાવિત હતા. ૧૯૬૨માં નેહરુના કહેવાથી તેમણે નોર્થ બોમ્બેથી કૃષ્ણ મેનન માટે અને આચાર્ય જે. બી. કૃપલાણી વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કર્યો હતો. એ વખતે તેમણે એ વખતના યુવાન નેતાઓ શરદ પવાર સહિત બીજા કેટલાક કોંગ્રેસી નેતાઓ માટે પણ પ્રચાર કર્યો હતો. દિલીપકુમાર પોતે કોઈ ચૂંટણી ના લડયા. પરંતુ ‘લીડર’ નામની હિન્દી ફિલ્મમાં લાજવાબ અભિનય કર્યો હતો.

યુસુફ-દિલીપઃ નામના ફેરફારનો રાજકીય પ્રભાવ

દિલીપકુમારના જીવનનો એક પ્રસંગ જાણીતો છે. ૧૯૯૧ની સાલની આ વાત છે. અભિનેતા દિલીપકુમારને નૈનિતાલની સીટ પર એન. ડી. તિવારી માટે રેલી કરવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે બહેડીમાં એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. એ વખતે બહેડી નૈનિતાલની બેઠકનો એક હિસ્સો હતું. અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હતી. કહેવાય છે કે દિલીપકુમારે બહેડીના મુસ્લિમ મતદારોને એન. ડી. તિવારીને જીતાડવા અપીલ કરી હતી. સભામાં આવેલા લોકોને પહેલી જ વાર ખબર પડી કે દિલીપ કુમારનું અસલી નામ યુસુફ ખાન છે. નોંધપાત્ર વાત એ છે કે મુસ્લિમ મતદારોને નામ બદલવાની વાત પસંદ ના આવી અને એ વાત એન. ડી. તિવારીની વિરુદ્ધ ગઈ. પરિણામ એ આવ્યું કે લોકપ્રિય એક્ટર દિલીપકુમારની જનસભા પછી પણ એન. ડી. તિવારી ૪૦૦૦ મતોથી ચૂંટણી હારી ગયા.

નરગિસ-સુનિલ-પ્રિયાઃ સિયાસતનો સિલસિલો  

હિન્દી સિનેજગતમાંથી દેશનાં પહેલાં મહિલા સંસદ બનવાનું શ્રેય નરગિસને ફાળે જાય છે. એક સમયે નરગિસે હિન્દી ફિલ્મ જગત છોડીને સમાજ સેવાનું કામ શરૂ કર્યું ત્યારે ઈન્દિરા ગાંધીએ નરગિસને રાજ્યસભામાં મોકલ્યાં હતાં. ૧૯૮૧માં નરગિસનું અવસાન થયું. તે પછી તેમના પતિ અને અભિનેતા સુનિલ દત્ત કોંગ્રેસની ટિકિટ પર સંસદમાં ચૂટાયા હતા. તેઓ એક ઉમદા વ્યક્તિ હતા. જીવનભર કોંગ્રેસની સાથે રહ્યા. હવે તેમના પછી નરગિસ અને સુનિલ દત્તનાં પુત્રી પ્રિયા દત્ત રાજનીતિમાં છે.

બચ્ચન અને પોલિટિક્સઃ કભી ભૂલા, કભી યાદ કિયા  

મહાનાયક અમિતાભ બચ્ચન આમ તો પરદાના કલાકાર છે. પરંતુ થોડાક સમય માટે તેઓ પણ રાજનીતિમાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનના માતા તેજી બચ્ચન અને પિતા હશવંશરાય બચ્ચનને જવાહરલાલ નેહરુ સાથે પારિવારિક સંબંધ હતો. એ કારણે ઈન્દિરા ગાંધીના પુત્રો રાજીવ ગાંધી અને સંજય ગાંધી પણ બચપણના મિત્રો હતા. રાષ્ટ્રપતિ ભવનમાં કેટલીક શ્રેષ્ઠ વિદેશી ફિલ્મોનું સ્ક્રીનીંગ થાય ત્યારે અમિતાભ બચ્ચન યુવાન રાજીવ ગાંધી સાથે રાષ્ટ્રપતિ ભવનના પ્રાઈવેટ થિયેટરમાં ફિલ્મો જોવા આવતા. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તે પછી તેમણે અલ્હાબાદમાંથી અમિતાભ બચ્ચનને હેમવતીનંદન બહુગુણા સામે ટિકિટ આપી અને અમિતાભ બચ્ચન ચૂંટણી જીતી સંસદમાં પ્રવેશ્યા હતા.

કેટલાક સમય બાદ અમિતાભ બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે સંબંધો બગડયા અને બચ્ચન પરિવાર ગાંધી પરિવાર સાથેનો સંબંધ તોડીને અમરસિંહના કહેવાથી મુલાયમ સિંહની સાથે આવી ગયો. અમિતાભ તો સક્રિય રાજનીતિમાં નથી પરંતુ તેમનાં પત્ની જયા બચ્ચન રાજનીતિમાં સક્રિય છે. નોંધપાત્ર વાત એ છે કે અમિતાભને મુલાયમ સિંહની પાર્ટીમાં લઈ જનાર અમરસિંહ અને બચ્ચન પરિવાર વચ્ચે હવે સંબંધો નથી.

દેવ આનંદઃ કટોકટીનો વિરોધ કર્યો  

દેવ આનંદ પણ રાજનીતિથી અસ્પૃશ્ય રહી શક્યા નહોતા. ૧૯૭૫માં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. કટોકટી લાદવાનો વિરોધ કરનારા ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીના કલાકારોમાં દેવ આનંદ અને કિશોર કુમાર મુખ્ય હતા. તેમણે જનતા પાર્ટીનું સમર્થન કર્યું હતું.

પરંતુ બે જ વર્ષમાં દેવ આનંદ અને તેમના સાથીઓનો રાજનૈતિક પાર્ટીઓથી મોહભંગ થઈ ગયો હતો. ૧૯૭૫માં દેવઆનંદે સંજીવ કુમાર, શત્રુધ્ન સિંહા, ધર્મેન્દ્ર અને હેમા માલિનીને લઈને ‘નેશનલ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (એનપીઆઈ) બનાવી હતી. તેના પ્રમુખ ખુદ દેવ આનંદ હતા. પક્ષની પહેલી રેલી મુંબઈના શિવાજી પાર્કમાં થઈ હતી. આ રેલીને દેવ આનંદ, સંજીવ કુમાર, એફ. સી. મહેરા અને જી. પી. સીપ્પીએ સંબોધન કર્યું હતું. ૧૯૮૦ની ચૂંટણીઓમાં આ પક્ષે કોઈ જાણીતો ચહેરો ચૂંટણીના મેદાનમાં ના ઉતાર્યો. કલાકારો પક્ષથી અલગ થઈ ગયા અને દેવઆનંદે જ પાર્ટીનું વિસર્જન કરી નાખ્યું.

અન્ય કલાકારોઃ વણઝાર ચાલતી રહી છે…  

હિન્દી ફિલ્મ જગતના અન્ય કલાકારો જે રાજનીતિમાં આવ્યા તેમાં બલરાજ સહાની એક મુખ્ય છે. તેઓ એક શ્રેષ્ઠ કલાકાર તો હતા જ, પરંતુ સાથે સાથે ગરીબોના હમદર્દ પણ હતા. દિલ અને દિમાગથી તેઓ સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા.

ક્યારેક એક્ટર ધર્મેન્દ્ર પણ ચૂંટાઈને સંસદમાં ગયા. હવે તેમના પત્ની હેમામાલિની અને ધર્મેન્દ્રનાં આગલા પત્નીથી થયેલા પુત્ર સની દેઓલ પણ રાજનીતિમાં છે.

હવે શત્રુધ્ન સિંહા રાજનીતિમાં છે. પહેલા ભાજપામાં હતા હવે કોંગ્રેસમાં છે.

ગોવિંદા પણ ક્યારેક સંસદમાં હતા. દક્ષિણના રાજ્યમાંથી જે કલાકારો રાજનીતિમાં આવ્યા તેમાં એમ. જી. રામચંદ્ર, જયલલીતા અને એન. ટી. રામારાવનો સમાવેશ થાય છે.

 

Be Sociable, Share!