Close

રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતની આ છે અસલી કહાણી

રેડ રોઝ | Comments Off on રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતની આ છે અસલી કહાણી

ભારત એ તહેવારોનો દેશ છે. મહાકવિ કાલીદાસે ભારતના લોકોને ઉત્સવપ્રિય કહ્યા છે. ભારતમાં જેટલા ઉત્સવો છે એટલા ઉત્સવો, તહેવારો અન્ય કોઈ દેશમાં નથી. પછી તે નવરાત્રિ હોય કે દિવાળી, હોળી હોય કે ધુળેટી, મકરસંક્રાંતિ હોય કે શિવરાત્રી, શીતળા સાતમ હોય કે જન્માષ્ટમી. આ બધા જ તહેવારો ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલા છે પરંતુ એ બધાની સાથે આ દેશમાં બે રાષ્ટ્રીય તહેવારો પણ એટલા જ મહત્ત્વના છે. એક છે તા.૧૫મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિન અને બીજો છે તા.૨૬ જાન્યુઆરીનો ભારતનો પ્રજાસત્તાક દિન. આ બંને ભારત વર્ષનાં રાષ્ટ્રીય પર્વો છે.

આજે ભારત એ આઝાદ દેશ છે. વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી દરમિયાન દેશની આઝાદી માટે દેશના અનેક સપૂતોએ લોહી અને બલિદાન આપેલાં છે. દેશની સ્વતંત્રતા માટે જેમણે એક યા બીજા પ્રકારનું યોગદાન આપેલું છે તેમનું પણ સ્મરણ કરવું જોઈએ. એમનાં બલિદાનોને યાદ કરી લેવાં જોઈએ. તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવી દરેક નાગરિકની ફરજ છે.

આજે એવા જ બે નાયકોને યાદ કરી લઈએ. તેમાંના એક છે ઉત્તર ભારતના શ્યામલાલ ગુપ્ત અને બીજા છે દક્ષિણ ભારતના કે.પી.વૈંકેયા. દેશની નવી પેઢી તો ભાગ્યે જ આ વ્યક્તિઓ વિશે જાણે છે.

અને આ એ જ પી.કે. વૈંકેયા છે જેમણે ભારતના તિરંગાની ડિઝાઈન તૈયાર કરી હતી જે આજે આપણો રાષ્ટ્રધ્વજ છે.

પહેલાં શ્યામલાલ ગુપ્તની વાત. શ્યામલાલ ગુપ્તનો જન્મ ૧૮૯૩માં ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના નારવાલ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વેશ્વર ગુપ્ત હતું અને માતાનું નામ કૌશલ્યા ગુપ્ત હતું. પોતાનું શિક્ષણ પૂરું કર્યા બાદ તેઓ દેશભક્તિ તરફ દોરવાયા હતા. તેમની અભિરુચિ સાહિત્ય તરફ પણ હતી. આ બંને ભાવના સંતુષ્ટ કરવા માટે તેમણે ‘સચિવ’નામનું એક માસિક શરૂ કર્યું હતું. આ સામયિકના માધ્યમથી તેઓ ગણેશ શંકર વિદ્યાર્થીના સંપર્કમાં આવ્યા. તેમના આગ્રહથી દેશની આઝાદી માટે લડી રહેલી કોંગ્રેસ પાર્ટીમાં તેઓ સામેલ થઈ ગયા. એમ કરતાં કરતાં એક દિવસ ૧૯૨૦ની સાલમાં તેઓ ફતેહપુર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બની ગયા અને મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલતા સ્વતંત્રતા માટેના આંદોલનમાં પણ જોડાઈ ગયા.

આ સમયગાળા દરમિયાન કોંગ્રેસે તિરંગા ઝંડાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે અનુમોદિત કરી દીધો હતો પરંતુ હવે એક રાષ્ટ્રીય ગીતની જરૂર હતી.

દેશને એક એવા રાષ્ટ્રીય ગીતની જરૂર હતી જે ગાતાં ગાતાં ભારતના લાખો લોકોનાં દિલમાં રાષ્ટ્રભાવના પેદા થાય. ગણેશ શંકર વિદ્યાર્થી શ્યામલાલ ગુપ્તની સાહિત્યિક ક્ષમતાથી અવગત હતા. તેઓ શ્યામલાલની દેશભક્તિને પણ બરાબર જાણતા હતા. તેમણે દેશમાં રાષ્ટ્રભાવના પ્રેરે તેવું એક ગીત લખવાનું કામ શ્યામલાલને સોંપ્યું અને શ્યામલાલે માત્ર એક જ રાતમાં ‘ઝંડા ઊંચા રહે હમારા’ ગીત લખી લીધું. આ છે ભારતના એક શ્રેષ્ઠ રાષ્ટ્રભાવનાથી ભરપૂર ગીતના જન્મનો ઇતિહાસ.

ગણેશ શંકર વિદ્યાર્થીએ શ્યામલાલને પૂછયું કે, આ ગીત લખતી વખતે તમને કેવી અનુભૂતિ થઈ હતી?

તો એ પ્રશ્નના જવાબમાં શ્યામલાલે કહ્યું કે હું જ્યારે આ ગીત લખતો હતો ત્યારે મારી કલ્પનામાં ભારત માતા જ મારી સામે બેઠાં હોય તેમ મને લાગ્યું હતું. બસ, ભારતમાતાની કાલ્પનિક પ્રતિમાએ જ મને આ ગીત લખવાની પ્રેરણા આપી હતી.

આ ગીતને વાંચી ગણેશ શંકર વિદ્યાર્થી ખૂબ રાજી થયા. તેમણે એ ગીત એ વખતના ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પુરુષોત્તમદાસ ટંડનને આપ્યું: તેમણે પણ આ ગીત ગાયું. તે પછી ૧૯૩૮માં હરિપુરામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યારે આ ગીત સમૂહગાન તરીકે ગવાયું. આ જ અધિવેશન દરમિયાન સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

આ ‘ઝંડા ઊંચા રહેગા હમારા’ ગીતનો ઇતિહાસ છે. તે પછી તો દેશ આઝાદ થયો અને ૧૯૬૭માં એ વખતના ભારતનાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લા ખાતે આયોજિત સમારોહમાં શ્યામલાલ ગુપ્તને તામ્રપત્ર એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. ૧૯૬૭ પહેલાં ભારતના મોટાભાગના લોકો આ ગીતના રચયિતા વિશે બહુ જાણતા નહોતા. અને ૧૯૬૭ પછી પણ શ્યામલાલ ગુપ્તને યાદ કરવાની પરવા ભાગ્યે જ કોઈએ કરી છે.

હવે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની વાત.

ભારતનો તિરંગો ભારતનો રાષ્ટ્રધ્વજ છે. આપણી સ્વતંત્રતા, દેશભક્તિનું ગૌરવ છે, પરંતુ આપણે એ વ્યક્તિથી અજાણ છીએ કે જેમણે દેશના તિરંગાની સંરચના કરી. ચાલો, તેમને પણ યાદ કરી લઈએ.

ભારતના રાષ્ટ્રધ્વજના રચયિતા કે.પી. વૈંકેયા આંધ્રપ્રદેશના માસુલીપટ્ટનમના હતા. ઈ.સ. ૧૯૧૮માં તેમણે ભારત માટેના રાષ્ટ્રધ્વજની કલ્પના કરી હતી અને સતત ત્રણ વર્ષ સુધી તેની પર માનસિક કવાયત કર્યા બાદ તેમણે રાષ્ટ્રધ્વજની ડિઝાઈન તૈયાર કરી. ૧૯૨૧માં તેમણે મહાત્મા ગાંધીને રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઈન દર્શાવી. ગાંધીજીએ એ ડિઝાઈનનો તત્કાળ સ્વીકાર ન કર્યો. ગાંધીજી રાષ્ટ્રધ્વજની એક એવી ડિઝાઈન અને રંગનો સમાવેશ ચાહતા હતા કે જે એકતા, અહિંસા અને સામાજિક સદ્ભાવનું પ્રતિનિધિત્વ કરે. લાલા હંસરાજ કે જેઓ ઉત્તર ભારતના મહાન ક્રાંતિકારી અને ડીએવી કોલેજ, લાહોરના પૂર્વ આચાર્ય હતા તેમણે એવું સૂચન કર્યું કે રાષ્ટ્રધ્વજમાં એક પ્રતીકના રૂપમાં ચરખો હોવો જોઈએ.

એ પછી પી.વૈંકેયા રાષ્ટ્રીય ધ્વજ માટે એક નવી ડિઝાઈન લઈને આવ્યા જેમાં લાલ, લીલો અને સફેદ રંગ ધરાવતી ત્રણ પટ્ટીઓ હતી અને વચ્ચે ચરખો મૂકી દેવાયો જે ત્રણેયને કવર કરતો હતો. મહાત્મા ગાંધીએ તેને અનુમોદિત કરી દીધો. પણ રંગ યોજનાનો ક્રમ બદલવામાં આવ્યો. સહુથી ઉપર સફેદ રંગ વચ્ચે લીલો અને નીચે લાલ રંગ રાખવામાં આવ્યો. તેમના કહેવા અનુસાર સફેદ રંગ બધા ધર્મોના અલ્પસંખ્યકોની શાંતિ અને સરળતાનું પ્રતિનિધિત્વ કરે છે. લીલો રંગ મુસલમાનોનું અને લાલ રંગ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે ૧૯૨૯માં અમદાવાદમાં ફરી ફેરફાર કરવામાં આવ્યો. સહુથી ઉપર જે લાલ રંગની પટ્ટી હતી તેને કેસરી રંગમાં બદલવામાં આવી. વચ્ચે સફેદ રંગ અને નીચે લીલો રંગ રાખવામાં આવ્યો. ચરખાને યથાવત્ રાખવામાં આવ્યો પરંતુ તેને સફેદ પટ્ટી પર રાખવામાં આવ્યો. ગાંધીજીએ કહ્યું કે તિરંગો બધા ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે અને બધા ધર્મોની સમભાવનાનું પ્રતીક છે.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે તિરંગામાં ફરી ફેરફાર કરવામાં આવ્યો. તેમાં ચરખાની જગ્યાએ અશોકચક્રને મૂકવામાં આવ્યું. સમ્રાટ અશોક શાંતિદૂત અર્થાત્ શાંતિનું પ્રતીક ગણવામાં આવ્યા હોઈ તિરંગામાં અશોકચક્રને સ્થાન મળ્યું. સમ્રાટ અશોક એક એવા રાજા હતા

જેમણે સત્તાનો ત્યાગ કરી ભિક્ષુક બનવાનું પસંદ કર્યું હતું.

આમ, ત્રિરંગાના રંગ બધા જ સમુદાય અને ક્ષેત્રોને પરિભાષિત કરે છે. કેસરી આધ્યાત્મિક છે, લીલો ઉર્વરતા અને સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ભારતનો ત્રિરંગો ભારતની આઝાદીની લડાઈમાં એક જાજવલ્યમાન તારાની જેમ ચમકતો રહ્યો. ત્રિરંગાને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે દિલ્હીના લાલ કિલ્લા પરથી લહેરાવવામાં આવે છે. કાશ્મીરના કેટલાક અલગતાવાદી નેતાઓની તિરંગાવિરોધી માનસિકતા દુઃખદ છે. શાયદ તેઓ તિરંગાની ભીતરની ભાઈચારાની ભાવનાને કે ઇતિહાસને જાણતાં જ નથી. તિરંગો ભારતનું ગૌરવ છે. આપણા સહુનો રાષ્ટ્રધ્વજ છે.

તિરંગાને સલામ.

Be Sociable, Share!