Close

વર્ષો પહેલાં ચીન બે વખત ‘અફીણ યુદ્ધ’ હારી ચૂક્યું છે

રેડ રોઝ | Comments Off on વર્ષો પહેલાં ચીન બે વખત ‘અફીણ યુદ્ધ’ હારી ચૂક્યું છે

ચીન માત્ર કોરોના વાઇરસ પેદા કરવા માટે જ જવાબદાર છે તેવું નથી. ચીનનો અફીણના ધંધા સાથેનો સંબંધ સેંકડો વર્ષ પુરાણો છે.

ચીનનો અફીણ સાથેનો ઇતિહાસ છેક ૭મી સદીથી શરૂ થાય છે. શરૂઆતમાં તો ચીનના અફીણનો ઉપયોગ ઔષધીય પ્રયોજનો માટે કરાતો હતો પરંતુ ૧૭મી સદીમાં દક્ષિણ પૂર્વ એશિયામાં ધૂમ્રપાન માટે વપરાતી તમાકુમાં અફીણ મિલાવવાની પ્રથા શરૂ થઈ તે પછી અફીણની માંગ વધી ગઈ. ચીન ખુદ જુદા જુદા દેશોમાંથી અફીણની આયાત કરતું હતું. ઈ.સ. ૧૭૨૯ની સાલમાં ચીનમાં અફીણની આયાત ૨૦૦ ચેસ્ટસ હતી. તે ટૂંક સમયમાં વધીને ૪૫૦૦ ચેસ્ટસ થઈ ગઈ. ૧૭૬૦ના દશકમાં અફીણના વેપારમાં તેજી આવી. એ આંકડો છેક ૪૦,૦૦૦ ચેસ્ટસ સુધી પહોંચી ગયો.
ચીન પોતે પણ અફીણ પેદા કરતું હતું. ૧૯મી સદીમાં પરિસ્થિતિ એ આવી કે ચીન જેટલા અફીણની આયાત કરતું હતું તે કરતાં તે પોતાના દેશમાં જ વધુ ઉત્પાદન કરવા લાગ્યું.

ઇતિહાસ કહે છે કે સહુથી પહેલાં ચીનમાં ઈ.સ. ૬૧૮-૯૦૭ દરમિયાન ચીનના તાન્ગના શાસન દરમિયાન અફીણ ચીનમાં આવ્યું. આરબો ચીન સાથે અફીણનો વેપાર કરતા હતા. તે પછી ચીનમાં ઈ.સ. ૯૬૦-૧૨૭૯ દરમિયાન કીંગ ડાયનેસ્ટીનું રાજ આવ્યું. એ વખતે અફીણનો ઉપયોગ દવા તરીકે થવા લાગ્યો.

ચીનમાં શરૂઆતમાં અફીણનો ઉપયોગ કામોત્તેજક પદાર્થના રૂપમાં થતો હતો. આ વાત પંદરમી સદીના કેટલાક ચીની ગ્રંથોમાં નોંધવામાં આવેલી છે. એમાં લખવામાં આવ્યું છે કે અફીણનો ઉપયોગ મર્દાનગીના ઈલાજ માટે થતો હતો. એ જ રીતે વારંવાર થતા ડાયેરિયાને મટાડવા માટે પણ અફીણનો ઔષધ તરીકે ઉપયોગ થતો હતો. અફીણ શરીરની ઊર્જાને નુકસાન પહોંચાડે છે તેવું પણ તેમાં લખવામાં આવ્યું હતું. અફીણની કિંમત સોના બરાબર હતી.

૧૬મી સદીમાં પોર્ટુગલે પણ ચીન સાથે અફીણના ધંધામાં ઝંપલાવ્યું. તે પછી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની મેદાનમાં આવી. ઈસ્ટ ઈન્ડિયા કંપની ૨૮ મિલિયન પાઉન્ડના દેવામાં ડૂબી ગઈ. એ વખતે બ્રિટનમાં ચાઈનીઝ ચાની ભારે માંગ હતી. છેવટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અફીણનું લીલામ શરૂ કર્યું. આ લીલામ બ્રિટિશ ઈન્ડિયાના સમયગાળામાં કોલકત્તા ખાતે થતું હતું. કોલકાત્તાથી જ અફીણ બ્રિટિશ જહાજોમાં સંતાડીને ચીન લઈ જવાતું હતું. આ એક પ્રકારની બ્રિટિશ સરકારની દાણચોરી જ હતી. એ વખતના બ્રિટિશ ઈન્ડિયાના બંગાળ અને મદ્રાસ પ્રાંતમાંથી આ અફીણ કોલકાત્તા થઈ ચીન પહોંચાડાતું હતું. સમય જતાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વચ્ચેના દલાલોને હટાવી બંગાળના ખેડૂતો પાસેથી સીધું અફીણ ખરીદવા માંડયું. અને એ વખતે બ્રિટિશરોએ ૧૫,૦૦૦ કિલોગ્રામથી વધારીને ૧૭૭૩ સુધીમાં ૭૬,૦૦૦ કિલોગ્રામ અફીણ ચીનને મોકલ્યું.

એ વખતે ૧૭૯૯માં ચીનમાં કીંગ ડાયનેસ્ટીના જિઆકીંગ નામના સમ્રાટે આ પ્રકારની ડ્રગ્સ આયાત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. કારણ એ સમ્રાટે કરેલા હુકમમાં જણાવ્યું હતું કે, ‘ અફીણ નુકસાનકારક છે, અફીણ ઝેર છે જે આપણા સારા રીતિ-રિવાજોને કમજોર કરે છે. તેનો ઉપયોગ હવે ગેરકાનૂની છે. જે લોકો ચીનમાં અફીણ લાવવાનો ધંધો કરે છે તે લોકો કાનૂનની મજાક કરે છે. હવે જે કોઈ આ કાનૂનનું ઉલ્લંઘન કરશે તેને પકડીને દંડિત કરવામાં આવશે.’

પરંતુ આ હુકમની બહુ અસર થઈ નહીં. ચીનની ઉત્તરમાં બિજિંગમાં જ અફીણની દાણચોરી શાસકો દ્વારા રોકી શકાઈ નહીં. એક છેદવાળી ચીનની સીમામાંથી અફીણ ચીનમાં આવતું રહ્યું. ૧૮૨૦ના દસકમાં ચીન પ્રતિવર્ષ ૯૦૦ મિલિયન ટન બંગાળી અફીણની આયાત કરતું રહ્યું. ચીનમાં અફીણની દાણચોરી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ભારતમાં પટણા અને બનારસ ખાતે આવેલી બે ફેક્ટરીમાં કરવામાં આવતી હતી.

કહેવાય છે કે ૧૮૩૮ની સાલ સુધીમાં ચીનમાં ચારથી ૧૪ મિલિયન ચીનાઓ અફીણના બંધાણી થઈ ચૂક્યા હતા. ફરી એકવાર તે વખતના ચીની સમ્રાટે તે રોકવા કેટલાંક પગલાં લીધાં. ચીનના સમ્રાટે એક ખાસ ઈમ્પિરિયલ કમાન્ડર લીનને મોકલી જમા કરાયેલો ૧૦૦૦ ટન અફીણનો જથ્થો નષ્ટ કરી દીધો અને એટલું જ નહીં પરંતુ અફીણના ચીની દલાલોની ધરપકડ કરી. લીને અફીણનો વેપાર બંધ કરાવી દીધો.

હવે બન્યું એવું કે સ્પેશિયલ ઈમ્પિરિયલ કમિશનર લીન દ્વારા અફીણનો જે જથ્થો નષ્ટ કરવામાં આવ્યો બ્રિટિશ વેપારીઓએ તેમની ઘરેલુ સરકાર પાસે વળતર માગ્યું. બ્રિટિશ સત્તાવાળાઓ માનતા હતા કે આ બધા માટે ચીનાઓ જ જવાબદાર છે અને એ માટે બ્રિટિશ શાસકોએ ભારતથી કેટલાંક સશસ્ત્ર દળો ચીનની સરહદે મોકલી ભારે નુકસાન પહોંચાડયું. યુદ્ધ થયું અને કેટલાંક સેટલમેન્ટ પણ થયાં. આ પહેલું અફીણ યુદ્ધ હતું. ૧૮૪૨માં નાનકીંગ સંધિ થઈ. ફરી ચીન સાથે અફીણનો વેપાર શરૂ થયો.  બીજી બાજુ તાઈપેઈના શાસકે અફીણનો વિરોધ કર્યો

એ પછી ફરી બીજું ઓપિયમ-અફીણ વોર પણ થયું. નાનકીંગ સંધિ બાદ ૧૮૫૪ સુધીમાં બ્રિટનની ચીનથી થતી આયાત તેની નિકાસ કરતાં આઠ ગણી વધી ગઈ. બ્રિટિશરો હવે ભારત ઉપરાંત હોંગકોંગ અને સિંગાપોરનો પણ ચીનમાં નિકાસ કરવા એક બારા તરીકે ઉપયોગ કરવા લાગ્યા હતા. હોંગકોંગ અને સિંગાપોર પણ બ્રિટિશ કોલોની જ હતાં. બ્રિટનની કથળતી અર્થવ્યવસ્થાને સરખી કરવા બ્રિટન અફીણની નિકાસ કરવા માગતું હતું. ૧૯મી સદીમાં વધુ ને વધુ ચીનાઓ બ્રિટિશ અફીણના બંધાણી થતા રહ્યા. બીજી બાજુ ચીની શાસકો અફીણના ઉપયોગ સામે સખત થતા કેટલાક અફીણ માટે વલખાં મારી મોતને ભેટયા.

એ જ રીતે ચીનમાં કીંગનું શાસન હતું. ચીનના કેટલાક પોર્ટ્સ પર બ્રિટિશ વેપારીઓ સાથે ચીનના શાસકોના અધિકારીઓને અથડામણમાં ઊતરવું પડયું. ચીનના શાસકો હવે વધુ બ્રિટિશ રાજદૂતોને સ્વીકારવા તૈયાર નહોતા. બીજી બાજુ બ્રિટિશ સરકાર ચીનમાં અફીણ ઘુસાડી તેનું અર્થતંત્ર સરભર કરવા માંગતી હતી. ચીની શાસકોએ પોર્ટ્સ પર બ્રિટિશરો દ્વારા આયાત કરાયેલો કેટલોક માલ જપ્ત કર્યો અને ફરી બીજું અફીણ યુદ્ધ થયું. તે ‘એરો વોર’ તરીકે અને બીજું એંગ્લો ચાઈનીઝ વોર તરીકે પણ ઓળખાય છે. આ યુદ્ધ ઈ.સ. ૧૮૫૬ની સાલમાં થયું. લાંબા સંઘર્ષ બાદ છેક ૧૮૬૦માં સંધિ થઈ જે ‘ટ્રીટ્રી ઓફ ટીનસ્ટીન’ તરીકે ઓળખાઈ. અલબત્ત, આ સંધિથી અફીણના ધંધાને કાયદેસરનું સ્વરૂપ તો ન મળ્યું પરંતુ બ્રિટન અને ચીન વચ્ચે અફીણના વેપાર માટે પાંચ નવા પોર્ટ્સ-બારાં ખૂલ્યાં અને ચીનમાં અફીણ પ્રવેશવા માંડયું.

ટૂંકમાં, ચીન સાથેનાં બે અફીણ યુદ્ધનો સમય તે નવા ચીનની રચના વચ્ચેનો સમયગાળો હતો. પહેલું અફીણ યુદ્ધ ૧૮૩૯થી ૧૯૪૨ વચ્ચે ચીન અને ગ્રેટ બ્રિટન વચ્ચે ખેલાયું અને બીજું અફીણ યુદ્ધ ૧૮૫૬થી ૧૮૬૦ની વચ્ચે ખેલાયું. આ બંને યુદ્ધમાં ચીન હાર્યું અને નબળું પડયું. ચીન માટે આ કડવી ગોળી હતી. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે એ વખતના બ્રિટને ચીનાઓને અફીણિયા બનાવી દીધા હતા.

આજે ચીનની યુનિવર્સિટીઓમાં ચાઈનીઝ વિદ્યાર્થીઓને આ બે યુદ્ધના પદાર્થપાઠ શીખવતાં કહેવામાં આવે છે કે ચીને આયાત કરતાં નિકાસ વધારીને વિશ્વ પર પોતાની તાકાતનો પ્રભાવ દેખાડવો જોઈએ. ચીનના વિદ્યાર્થીઓને એ પણ શીખવવામાં આવે છે કે અર્થતંત્રની બાબતમાં ચીનને પછાત કે નબળા રહેવું પોસાય તેમ નથી, કારણ કે ભૂતકાળમાં ચીનમાં થતી અફીણની આયાત અને બે અફીણ યુદ્ધોથી જ ચીન નબળું પડયું હતું.

એનાં વર્ષો પછી ચીનમાં કમ્યુનિસ્ટ શાસકો આવ્યા. અફીણનાં યુદ્ધોમાં ચીને ખાધેલી હાર બાદ ચીન વિશ્વભરમાં તેનાં જંગી કારખાનાં દ્વારા સસ્તો માલ નિકાસ કરી રહ્યું છે. ઈટાલીમાં ચીનની માલિકીની ૩૦૦ કંપનીઓ છે. ભારતમાં ચીન પ્રતિવર્ષ રૂ.પાંચ લાખ કરોડના માલની નિકાસ કરે છે જ્યારે તેની સામે ભારત રૂ.૧.૩૨ કરોડના માલની ચીનમાં નિકાસ કરે છે.

ઇતિહાસ એવો છે કે ૧૯૦૭માં બ્રિટિશ સરકારે કેટલીક આયાતો બંધ કરી દીધી. ચીનમાં રાજકીય અસ્થિરતા બાદ સામ્યવાદી પક્ષ ઉભરવા લાગ્યો હતો. હોંગકોંગમાં બ્રિટિશ શાસન હતું. એ બધાની આવકનો મુખ્ય સ્ત્રોત અફીણ પરનો ટેક્સ હતો. અલબત્ત, ૧૯૪૯ પછી પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાએ અફીણ પર કેટલાંક નિયંત્રણો મૂક્યાં.

ક્યારેક યુદ્ધો પણ કાંઈક શીખવી જતાં હોય છે.

‘કોરોના’ દ્વારા બાયોલોજિક વોર ઉપરાંત ચીન વિશ્વ સાથે સાઇકોલોજિકલ વોર, એક્સ્પોર્ટ વોર, પ્રોપેગેન્ડા વોર, સાયબર વોર અને ઈકોનોમિક વોર ખેલી રહ્યું. ભારત સરકારે ચીનની તમામ એપ્સ પર પ્રતિબંધ લગાવી ચીનને જબરદસ્ત તમાચો માર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન સામેની આ લડત ચીનન દાંત ખાટા કરી શકે છે. અમેરિકા અને યુરોપના દેશો પણ ભારતને અનુસરશે તો ચીન તબાહ થઈ જશે. ચીનના માલનો બહિષ્કાર એ જ ચીન સામે લડવાની શ્રેષ્ઠ લડત છે.

: દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!