Close

વિજય માલ્યા માટે બેરેક નં. ૧૨ તૈયાર છે

રેડ રોઝ | Comments Off on વિજય માલ્યા માટે બેરેક નં. ૧૨ તૈયાર છે

લિંકર કિંગ વિજય માલ્યાને ભારત લાવવામાં આવે તો તેને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નં. ૧૨માં રાખવામાં આવશે.

લંડનના મેજિસ્ટ્રેટ સમક્ષ આર્થર રોડ જેલની બેરેક નં. ૧૨નો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. એ કોટડી મોટી છે. તેની છત ઊંચી છે. જાળીવાળી બારીઓ છે, જેમાંથી અંદર પ્રકાશ આવી શકે. વીજળી પુરવઠો ચાલુ રહે તો ઉપર પંખો પણ છે. અલબત્ત આ સેલમાં વિજય માલ્યાને એક જાડું ગાદલું આપવામાં આવશે. તેની પર એક ચાદર, એક ઓશિકું અને ઓઢવા માટે બ્લેન્કેટ આપવામાં આવશે. રોજનું ત્રણ લિટર પીવાનું પાણી આપવામાં આવશે. સાથે એક બાથરૂમ પણ છે. તેમાં શોવર અને વોશબેસિન છે. તેમાં વિજય માલ્યા રોજ સ્નાન કરી શકશે. કોર્ટ પરવાનગી આપશે તો તેઓ ઘરેથી જમવાનું મંગાવી શકશે. વિજય માલ્યાને જે સલામતી આપવામાં આવશે તેમાં જેલના એક અધિકારી અને ચોવીસ કલાક માટે સિક્યોરિટી ગાર્ડ હશે. બેરેક નંબર ૧૨ બીજા કેદીઓની કોટડીઓ કરતાં અલગ છે.

લંડનની વેસ્ટ મિનિસ્ટર કોર્ટનાં ન્યાયાધીશ એના અર્બુથનોટે જેલનો વીડિયો જોયા પછી કરેલું આ વર્ણન છે. આ મહિલા ન્યાયાધીશે વિજય માલ્યાના સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખી ઘરનું જ ખાવાની છૂટ આપવા ભલામણ કરી છે. જેથી કોર્ટના ટ્રાયલનો સામનો કરવા તે સ્વસ્થ રહી શકે.

આર્થર રોડ જેલમાં આ વિભાગ બે માળની ઈમારતમાં આવેલો છે. હાઈ સિક્યોરિટી જેલની આ જ ઈમારતમાં ૨૬/૧૧ના મુંબઈના બોમ્બ ધડાકા માટે જવાબદાર ત્રાસવાદી અજમલ કસાબને રાખવામાં આવ્યો હતો.

બહુ ચર્ચિત ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સના કહેવાતાં કૌભાંડના વચેટીયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં કેન્દ્ર સરકારની સફળતા બાદ ભાગેડૂ શરાબ કિંગ વિજય માલ્યાનું ભારતને પ્રત્યાર્પણ કરવા માટે લંડનની કોર્ટે આપેલી અનુમતી પણ કેન્દ્ર સરકારની એક બીજી મોટી સફળતા છે, પરંતુ હજી વિજય માલ્યા પાસે લંડનની કોર્ટની આ પરવાનગી સામે બ્રિટનની ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે ૧૪ સપ્તાહનો સમય છે. એ શક્ય છે કે વિજય માલ્યા કાનૂની દાવપેચનો સહારો લઈ પોતાના ભારત પ્રત્યાર્પણમાં વિલંબ કરાવી શકે છે, પરંતુ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે તો વિજય ઔમાલ્યા સામેના ભારતના આરોપોને યોગ્ય ઠરાવ્યા છે.

વિજય માલ્યાને ભારત લાવવામાં સફળતા મળશે તો દેખીતી રીતે જ વિવિધ વિવાદોના કારણે ધુંધળી બનેલી સીબીઆઈની છબી સ્વચ્છ કરવામાં મદદ મળશે.

આ બાબતનું શ્રેય સીબીઆઈને જરૂર આપી શકાય. કારણ કે સીબીઆઈએ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ કેસનો મુકદ્દમો યોગ્ય રીતે લડયો છે.

ક્રિશ્ચિયન મિશેલના ભારત પ્રત્યાર્પણમાં સફળતા બાદ વિજય માલ્યા ગભરાયા છે. લંડનની કોર્ટના ફેંસલા બાદ વિજય માલ્યાએ બેન્કોમાંથી લીધેલી મૂળ રકમ પરત કરવાની વાત કરી છે. મિશેલને ભારત લાવવામાં સફળતા બાદ બીજા ભાગેડૂઓની પણ ચિંતા વધી ગઈ છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સીને પણ હવે લાગી રહ્યું છે કે એક દિવસ તો તેમણે ભારત પાછા આવવું જ પડશે.

નોંધપાત્ર વાત તો એ છે કે વિજય માલ્યા બે વાર રાજ્યસભાના સભ્ય રહ્યા આટલી મોટી પ્રતિષ્ઠિવાળી જગ્યા પર રહ્યા હોવા છતાં તેઓ ભારતમાંથી ભાગી ગયા અને તે પણ દેશની ૧૭ બેન્કો પાસેથી રૂ.૯૦૦૦ કરોડનું કર્જ લઈને.

વિજય માલ્યા કર્ણાટકના જાણીતા બિઝનેસમેન વિઠ્ઠલ માલ્યાના પુત્ર છે. તેમણે બહુ નાની ઉંમરમાં કારોબાર સંભાળ્યો. કિંગફિશર નામની જાણીતી બ્રાન્ડના બિયરના તેઓ ઉત્પાદક છે. નાની વયમાં તેમણે મોટો ધંધો સંભાળ્યો ત્યારે તેમની સફળતાની કહાણીઓ અખબારો અને સામયિકોમાં પ્રગટ થતી રહી. તેમની હાઈ પ્રોફાઈલ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલની વાતો પણ છપાતી રહી. તેમનાં કેલેન્ડર્સ અને કેલેન્ડર્સમાં દેખાતી યુવતીઓની વાતો પણ ચર્ચામાં રહી. દુનિયાભરમાં તેમના આલીશાન બંગલા, પાર્ટીઓ, સુંદરીઓ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ નામની આઈપીએલ ક્રિકેટ ટીમ, પ્રાઈવેટ જેટ, પ્રાઈવેટ યાટ, મોંઘી કલાકૃતિઓ પણ ચર્ચામાં રહ્યાં.

વિજય માલ્યા એકવાર અમદાવાદની એક શૈક્ષણિક સંસ્થામાં પ્રવચન કરવા આવ્યા ત્યારે તેમની આજુબાજુ એક્ઝિક્યુટીવ સૂટમાં ચાલતી બે સ્વરૂપવાન યુવતીઓ જોઈ લોકો દંગ રહી ગયા હતા. મજાની વાત એ છે કે આ જ શૈક્ષણિક સંસ્થામાં દીક્ષાન્ત પ્રવચન માટે લાલુપ્રસાદ યાદવને બોલાવવામાં આવ્યા હતા અને હવે તે જેલમાં છે. એવું જ વિજય માલ્યાનું પણ છે. તેઓ પણ અમદાવાદની એક શૈક્ષણિક સંસ્થામાં પ્રવચન કરવા માટે આવ્યા હતા. અને હવે તેમના માટે મુંબઈની આર્થર રોડ જેલમાં એક બેરેક તૈયાર કરવામાં આવી છે.

વિજય માલ્યા કોલકાતાની લા માર્ટિનિયર કોલેજ તથા સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોલકાતામાં ભણેલા છે. તેમની પાસે કોમર્સની ડિગ્રી છે.

૧૯૮૩માં તેમની ઉંમર માત્ર ૨૮ વર્ષની જ હતી. ત્યારે તેમના પિતાનું અવસાન થઈ જતાં તેમણે પિતાનો ધંધો સંભાળી લીધો હતો. તેઓ શરાબ બનાવતી ‘યુનાઈટેડ બ્રેવરીઝ ગ્રૂપ’ના ચેરમેન બની ગયા હતા. ત્યારથી આજ સુધીમાં આ ગ્રૂપ ૬૦થી વધુ કંપનીઓ ધરાવતું એક મલ્ટિનેશનલ ઓર્ગેનિઝેશન બની ગયું. તેમનો કારોબાર ૧૫ ટકાથી વધીને ૬૪ ટકા જેટલો થઈ ગયો. તે પછી વિજય માલ્યા બીજી કંપનીઓ પણ ખરીદતા ગયા. એક જમાનામાં વિજય માલ્યાની યુનાઈટેડ સ્પિરિટ્સ નામની કંપની વિશ્વની બીજા નંબરની શરાબ નિર્માતા કંપની બની ગઈ, પરંતુ પાછળથી તેમણે એ કંપની વેચી દીધી. જો કે તેમાં તેમનો એક નાનો ભાગ જરૂર છે, પરંતુ યુનાઈટેડ  બ્રેવરીઝ કંપની પર તેમનું જ નિયંત્રણ છે. આ ગ્રૂપના ચેરમેન તેઓ આજે પણ છે.

વિજય માલ્યાએ શરાબ બનાવતાં બનાવતાં કિંગફિશર નામની એરલાઈન શરૂ કરી તે પછી જ તેમની મુશ્કેલીઓ વધી. આ કંપની નિષ્ફળ નીવડી. શરૂઆતમાં તો તેઓ આ એરલાઈન બંધ કરી દેવા માંગતા હતા, પરંતુ ૨૦૧૦માં એરલાઈનને નવું સ્વરૂપ આપવાની ઘેલછામાં તેમણે બેન્કો પાસેથી મોટી મોટી રકમની લોન લેવાનું શરૂ કર્યું. આ જ વાત તેમના માટે મુસીબત બની રહી. કિંગફિશર એરલાઈન ૨૦૧૨માં બંધ થઈ ગઈ. તેઓ કર્મચારીઓને વેતન ચૂકવી શક્યા નહીં.

એક સમયે વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન ભારતની બીજા નંબરની એરલાઈન હતી. દેશની બહાર પણ તેનાં વિમાનો ઊડતાં હતાં. પરંતુ ૨૦૧૩ સુધીમાં તેનું નુકસાન રૂ.૧૬,૩૦૩ કરોડ સુધી પહોંચી ગયું. આ કંપનીનું ફ્લાઈંગ લાયસન્સ પણ રદ થઈ ગયું.

હવે તેઓ દેવાદાર છે.

મોડી રાત સુધી પાર્ટીઓ કરવા માટે, ખૂબસૂરત મોડેલસનાં કિંગ ફિશર કેલેન્ડર માટે અને રંગીન જિંદગી માટે જાણીતા વિજય માલ્યાના સ્વાગત માટે હવે બેરેકનં.૧૨, આર્થર રોડ જેલ તૈયાર છે. આમ છતાં વિજય માલ્યા ભારત આવવામાં વિલંબ કરવા લંડનની ઉપલી કોર્ટમાં કાનૂની દાવપેચ ખેલી શકે છે. જો કે એક દિવસ તેમણે મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨માં આવવું તો પડશે જ એવું જણાઈ રહ્યું છે.

  • devendrpatel.in

Be Sociable, Share!