કેટલાક સમય પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક બ્રાઝિલિયન નાગરિક અન્ટોનિયો પાસેથી રૂ.૩૩ કરોડનું ત્રણ કિલો બ્લેક કોકેન ઝડપાયું હતું.
આ શખ્સ સાઉપાઉલો એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. તેની પાસેથી ઝડપાયેલા કોકેનમાં અન્ય રસાયણો પણ મિશ્રિત કરાયાં હતાં.
દર થોડા થોડા દિવસોના અંતરે ગુજરાત-કચ્છના દરિયાકિનારેથી અન્ય દેશોમાંથી આવતી હોડીઓમાંથી કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડાય છે. કેટલાક દિવસો પૂર્વે વેરાવળ પાસેના દરિયાકિનારેથી રૂ.૩૫૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તેના થોડા જ દિવસો બાદ ફરી એક વાર પોરબંદર પાસેના અરબી સમુદ્રમાંથી ભારતીય જળસીમામાંથી આશરે રૂ.૨૫૦૦ કરોડનું ૩૨૭૨ કિલો ડ્રગ્સ પકડી પાડવાની પ્રશંસનીય કામગીરી ગુજરાત એટીએસ, ભારતીય નૌકાદળ અને એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ બજાવી છે. ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ બોટ પર છેલ્લા કેટલાક વખતથી આ ત્રણ એજન્સીઓની વૉચ હતી અને કરોડોનું ડ્રગ્સ પકડી પાડવામાં આ ત્રણેય એજન્સીઓને સફળતા મળી છે. શંકાસ્પદ પાંચ વિદેશી નાગરિકોને પકડી લેવામાં આવ્યા છે અને તેમની ઘનિષ્ઠ પૂછપરછ થઈ રહી છે.
કહેવાય છે કે આ બોટ પાકિસ્તાનના કરાંચીના હાજી સલીમ નામના શખ્સની છે અને તે દાઉદ ઈબ્રાહીમની નજીક રહી ચૂકેલો માણસ છે. જે શખ્સો પકડાયા છે તે પાંચેય જણ પાકિસ્તાનના નાગરિક હોવાનું બહાર આવ્યું છે. તેમનાં નામ ઉસ્માન ડાકુ, ગુલામ હુસેન, ગુલામ સાબા, રાશિદ અને મોહમ્મદ ચારી ચાઈ છે. કહેવાય છે કે આ ડ્રગ્સ તામિલનાડુ લઈ જઈ ત્યાંથી શ્રીલંકા કે કોઈ અન્ય દેશમાં પહોંચાડવાનું હતું. જે ડ્રગ્સ પકડાયું છે તેનાં કેટલાંક પેકેટ્સ પર પાકિસ્તાનનો માર્કો લગાડવામાં આવ્યો હોવાનું જણાયું છે. પોરબંદર નજીકના દરિયામાંથી જે હેરોઈન પકડાયું છે તેનાં પેકેટ્સ પર `રસ અવદ ગુડ્સ કંપની, પ્રોડક્ટ ઓફ પાકિસ્તાન’ લખાણ મળી આવ્યું છે. દેખીતી રીતે જ ડ્રગ્સના આ ધંધામાં પાકિસ્તાનના ડ્રગ્સના ડ્રગ માફિયા હાજી સલીમની સીધી સંડોવણી છે. એક જમાનામાં જે ધંધો ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ કરતો હતો તે દાઉદ હવે વૃદ્ધ થઈ ગયો છે પરંતુ પાકિસ્તાનમાં હવે નવા ડ્રગ્સ માફિયા પેદા થયા છે.
પોરબંદર પાસેના દરિયામાંથી પકડવામાં આવેલા ડ્રગ્સમાં ૩૦૮૯ કિલો ચરસ, ૧૫૮ કિલો મેફેન્ટાઈન અને ૨૫ કિલો મોર્ફિન છે. આ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે નહીં પરંતુ ભારતીય રૂટ દ્વારા અન્ય દેશોમાં મોકલવા માટેનું હોવાનું જણાયું છે. ગુજરાત એટીએસ સહિત ભારતીય નેવી અને એનસીબીએ બજાવેલી કામગીરીને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે બિરદાવતાં કહ્યું છે કે પીએમ મોદીના ડ્રગ્સમુક્ત ભારતના વિઝનને પૂર્ણ કરવા ભારતીય એજન્સીઓ સક્રિય છે.
હવે સવાલ એ છે કે આ ડ્રગ્સનો મૂળ સ્ત્રોત ક્યાં છે? કહેવાય છે કે નાઈજીરિયા ઉપરાંત હવે ડ્રગ્સ ઉત્પાદન અને સપ્લાય કરવામાં અફઘાનિસ્તાન વધુ સક્રિય છે. અફઘાનિસ્તાન તો પોતે જ વર્ષેદહાડે અબજોનું અફીણ પેદા કરે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર છે. અફઘાનિસ્તાનમાં કોઈ મોટા ઉદ્યોગો નથી. અફીણ સિવાય બીજી કોઈ મોટી ખેતીની આવક નથી તેથી અફઘાનિસ્તાન માટે અફીણ, મોર્ફિન, ચરસ અને મેફેન્ટાઇન ઉત્પન્ન કરવું અને અન્ય દેશોમાં વેચવું તે તેના માટે એક પ્રકારનો ગેરકાયદે ગૃહઉદ્યોગ બની ગયો છે. અફઘાનિસ્તાનમાંથી આ ડ્રગ્સ ઈરાનના ચાબહાર બંદર દ્વારા ભારતીય જળસીમાના રૂટથી શ્રીલંકા, પાકિસ્તાન કે મ્યાંમાર જેવા દેશોમાં ઘુસાડવામાં આવે છે. ડ્રગ્સ અફઘાનિસ્તાનમાં પેદા થાય છે પરંતુ તેના ગેરકાયદે વેપલામાં પાકિસ્તાનના નવા ડ્રગ્સ માફિયા જ સીધી રીતે સંકળાયેલા હોવાનું જણાય છે. ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાનો ટ્રાન્ઝીટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરે છે.
૨૦૧૭ની સાલમાં પણ કોસ્ટગાર્ડની ટીમે પોરબંદર નજીકના દરિયામાંથી ૧૫૦૦ કિલો ડ્રગ્સ પકડી પાડ્યું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી રૂ. ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.
કહેવાય છે કે કોઈ પણ દેશને ખતમ કરવો હોય તો તેની પર હુમલો કરવાના બદલે તેની નવી પેઢીને જ નશાયુક્ત ડ્રગ્સના રવાડે ચડાવી દો.
બહુ ઓછા લોકો જાણે છે કે, અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે આવેલી ૪૨મી સ્ટ્રીટ એક જમાનામાં નોટોરિયસ સ્ટ્રીટ ગણાતી હતી. આજથી ૫૦ વર્ષ પૂર્વે ફોર્ટી સેકંડ સ્ટ્રીટમાં કોઈ સભ્ય નાગરિક કે મહિલા હરીફરી શકતાં નહોતાં. અહીં દર દસ માણસે એક જણ પીધેલો કે ડ્રગ્સનું સેવન કરેલો ભટકાતો. લોકો લૂંટાઈ જતા. મર્ડર થઈ જતાં, પરંતુ વર્ષો પહેલાં જુલિયાના નામના એક મેયરે ડ્રગ્સ માફિયાઓ સામે કમર કસી અને ડ્રગ્સ માફિયાઓને પકડી પકડીને જેલમાં પૂરી દીધા. એ ૪૨મી સ્ટ્રીટ પર અમેરિકાની મોટી મોટી કંપનીઓએ પોતાની કોર્પોરેટ ઓફિસો ખોલી અને ન્યૂયોર્કની ૪૨મી સ્ટ્રીટનું સ્વરૂપ જ બદલાઈ ગયું. હવે ન્યૂયોર્કની ૪૨મી સ્ટ્રીટ નાગરિકો માટે સેફ ગણાય છે. જોકે અમેરિકા ડ્રગ્સ ફ્રી થઈ ગયું છે તેમ નથી. વિશ્વના તમામ દેશોમાં ડ્રગ્સનો વેપાર અને વપરાશ વત્તેઓછે અંશે યથાવત્ છે. ધી થિંક ટેન્ક ગ્લોબલ ફાઈનાન્સિયલ ઈન્ટિગ્રીટીના રિપોર્ટ અનુસાર ૨૦૧૪માં ગ્લોબલ ગેરકાયદે નાર્કોટિક્સ ડ્રગ્સનો બિઝનેસ ૪૨૬ બિલિયન ડૉલરથી ૬૫૨ બિલિયન ડૉલર વચ્ચેનો હતો. એટલે કે અંદાજે પ્રતિબંધિત ડ્રગ્સનો ગેરકાયદે ધંધો ૫૦૦ અબજ ડૉલરનો છે.
ભારતની નવી પેઢી ડ્રગ્સના નશાનો શિકાર ન બને તે માટે ચિંતા કરવાની જરૂર છે. દેશમાં પણ નવી પેઢી ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે હજી પણ સાવધાની રાખવી પડશે. પંજાબ સહુથી વધુ ડ્રગ્સની સમસ્યા ધરાવે છે. પંજાબમાં યુવાનો ડ્રગ્સના નશાનો ભોગ બનવાના કિસ્સા વધતા હોઈ પંજાબમાં કોઈ પણ ચૂંટણી આવે ત્યારે ડ્રગ્સ એક મોટો ચૂંટણીમુદ્દો બની રહે છે. ડ્રગ્સની બાબતે `ઊડતા પંજાબ’ નામની એક ફિલ્મ પણ બની ચૂકી છે. યુવાવર્ગમાં વધતી જતી ડ્રગ્સની પ્રવૃત્તિ એ ગંભીર ચિંતાનો વિષય છે. પંજાબમાં અગાઉની સરકાર કાર્યવાહી તો કરી રહી હતી, પરંતુ નાની માછલીઓ ફસાય છે અને મોટા મગરમચ્છો છટકી જતા હોય છે. પંજાબમાં મોટા પ્રમાણે `ચિટ્ટા’ નું વેચાણ થાય છે. આનો સ્ત્રોત ક્યાં છે તે કોઈ પકડી શકતું નથી.
હવે ડ્રગ્સનો નશો દિલ્હી સુધી આવી ગયો છે. દિલ્હી પણ `ઊડતા પંજાબ’ બની રહ્યું છે. દિલ્હીના એનસીઆર તરીકે ઓળખાતા વિસ્તારમાં એક પછી એક રેવ પાર્ટીઓ પોલીસની ઝપેટમાં આવતી જાય છે. એ વાત હવે સ્પષ્ટ છે કે દિલ્હીનો યુવાવર્ગ પણ ડ્રગ્સના નશાનો બંધાણી બનતો જાય છે. કેટલાક સમય પહેલાં ઉત્તર પ્રદેશના નોઈડા વિસ્તારના એક ફાર્મહાઉસમાં ચાલતી રેવ પાર્ટી પર દરોડો પાડવામાં આવતાં ૧૯૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ૩૨ તો યુવતીઓ હતી. તે પછી દિલ્હીના છત્તરપુર વિસ્તારના એક કંપાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો. એ રેવ પાર્ટીમાં ડ્રગ્સનો નશો કરી રહેલાં ૧૦૦૦ યુવક-યુવતીઓની ધરપકડ કરવામાં આવી. એમાંથી શરાબ પણ પકડાયો. આ ઘટનાઓ જોતાં લાગે છે કે દેશમાં પણ નશીલી ડ્રગ્સનો ધંધો કરનારા એજન્ટો સક્રિય થયા છે.
દેશની જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તે અગાઉનાં વર્ષોમાં ચૂંટણીપ્રચાર દરમિયાન રૂ.૧૧૫૨ કરોડનું નશીલું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.
આ એક ચિંતાનો વિષય છે.