Close

વિશ્વ સુંદરીઓના દેશમાં આર્થિક સંકટ કેમ?

રેડ રોઝ | Comments Off on વિશ્વ સુંદરીઓના દેશમાં આર્થિક સંકટ કેમ?

વેનેેઝુએલા.

આમ તો તે એક નાનકડો દેશ છે. દક્ષિણ અમેરિકાના ઉત્તર કિનારા પર આવેલો આ દેશ અનેક નાના ટાપુઓનો બનેલો છે. કેરેબિયન સમુદ્ર સાથે સંકળાયેલા આ દેશનું પાટનગર કારાકાસ છે. તે લગભગ ૩૫૩.૮૪૧ ચોરસ કિલોમીટરમાં વસેલો દેશ છે. કોઈ જમાનામાં તે સ્પેનની કોલોની હતો.

વેનેેઝુએલા વિશ્વ સુંદરીઓના દેશ તરીકે પણ જાણીતો છે. વિશ્વ સુંદરીઓની સ્પર્ધામાં વેનેેઝુએલાની યુવતીઓ અનેક વખત વિશ્વવિજેતા બની છે. અત્યાર સુધીમાં વેનેેઝુએલાની સાત જેટલી યુવતીઓ “મિસ યુનિવર્સ” બની છે. છ જેટલી યુવતીઓ “મિસ વર્લ્ડ”નો ખિતાબ જીતી છે બીજી સાત જેટલી યુવતીઓ “મિસ ઈન્ટરનેશનલ”નું ટાઈટલ જીતી છે. બીજી બે યુવતીઓ “મિસ અર્થ” નો તાજ જીતી છે. એટલે કે વેનેેઝુએલાની કુલ ૨૨ જેટલી સુંદરીઓ વિશ્વમાં સૌદર્ય સામ્રજ્ઞાીનું ટાઈટલ જીતી ચૂકી છે. આટલાં ટાઈટલ બીજો કોઈ દેશ જીત્યો નથી. આજે પણ આ દેશની અધિકૃત ભાષા સ્પેનીશ છે. તે સિવાયની બીજી ૨૬ ભાષાઓને માન્યતા મળેલી છે. અહીં ૭૧ ટકા કેથલિક અને ૧૭ ટકા લોકો પ્રોટેસ્ટન્ટ છે. તા.૫ જુલાઈ ૧૮૧૧માં વેનેેઝુએલાને સ્પેનથી આઝાદી મળી. તા.૧૩ જુલાઈ ૧૮૩૦માં ગ્રાનકો કોલંબિયાથી આઝાદી મળી. તા.૧૫ નવેમ્બર ૧૯૪૫માં તેને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રવેશ મળ્યો. તેની વસ્તી ૩૧,૫૬૮,૧૭૯ જેટલી છે. તેનું નાણું બોલિવર તરીકે ઓળખાય છે.

૨૦ મી સદીના આરંભમાં અહીં તેલના ભંડારો મળી આવ્યા. એમ મનાય છે કે વિશ્વના સહુથી મોટા તેલ ભંડારો વેનેેઝુએલામાં છે. આમ છતાં વેનેેઝુએલા આજે ભયાનક આર્થિક સંકટમાં આવી ગયો છે. લોકો પાસે દવા, અનાજ ખરીદવાના પૈસા નથી.

હવે આ જ દેશ હવે એક જબરદસ્ત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ વેનેેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરો એક સમારંભમાં બેઠેલા હતા અને અચાનક તેમની પર ડ્રોનથી હુમલો થયો. તેમની હત્યાના આદેશથી આ હુમલો થયો હતો, પરંતુ તેઓ બચી ગયા. આ હુમલા માટે જવાબદાર મનાતા છ આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે. કેટલાક વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઘટનાના કારણે આખી દુનિયાનું ધ્યાન વેનેેઝુએલા તરફ કેન્દ્રિત થયું છે.

વેનેેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ આ ઘટના માટે તેના પાડોશી દેશ કોલંબિયા અને અમેરિકાના અજ્ઞાાત ફાઈનાન્સરોને જવાબદાર ગણાવ્યા છે. જ્યારે અમેરિકાએ વેનેેઝુએલાના પ્રેસિડેન્ટ પર થયેલા ડ્રોન હુમલામાં તેનો સીધો કે આડકતરો હાથ હોવાનો સાફ ઈન્કાર કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને આ સ્પષ્ટતા કરી છે.

વેનેેઝુએલાના પ્રમુખ પર હુમલાખોરોએ ડીજે આઈ એમ ૬૦૦ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. દરેક ડ્રોન એક કીલો સી-૪ પ્રકારના વિસ્ફોટકથી ભરેલું હતું.

આરોપ અને પ્રત્યારોપની વચ્ચે વેનેેઝુએલા એક નિષ્ફળ રાષ્ટ્ર તરીકે ઉપસી રહ્યું છે. સૌંદર્ય સામ્રાજ્ઞાીઓથી ભરેલો આ દેશ કરન્સી સંકટમાંથી ગુજરી રહ્યો છે. એક થેલો ભરીને કરન્સી નોટો લઈને જાવ અને થેલીમાં શાકભાજી લઈને આવો તેવી મુદ્રાસ્થિતિ છે. અહીં દર ૧૮ દિવસે મોંઘવારી બે ગણી થઈ જાય છે. આમ જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષથી વેનેેઝુએલા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

જો ઈતિહાસ તરફ નજર નાંખીએ તો આવી જ હાલત પહેલા વિશ્વયુદ્ધ બાદ જર્મની અને પાછલા દશકની શરૂઆતમાં જિમ્બાબ્વેની થઈ હતી. વેનેેઝુએલાની આર્થિક હાલત બગડી ચૂકી છે. તેની અર્થવ્યવસ્થા ૫૦ ટકા સંકોચાઈ ગઈ છે. છેલ્લાં ૬૦ વર્ષમાં આ વિશ્વની સૌથી મોટી આર્થિક સંકટોની છેલ્લી કડી છે. વેનેેઝુએલા કે જે ખુદ ક્રૂડનું ઉત્પાદન કરતો દશ છે તે દેશમાં આમ કેમ થયું તે જાણવા જેવું છે. અમેરિકા અને યુરોપના કેટલાક દેશોએ વેનેેઝુએલાની તેલની નિકાસ પર આર્થિક પ્રતિબંધ લગાવ્યો છે તે એક મુખ્ય કારણ છે. અમેરિકાની દાદાગીરીના કારણે વેનેેઝુએલા પાસેથી તેલ ખરીદતાં વિશ્વના ઘણાં બધાં દેશો ડરે છે.

વેનેેઝુએલાના તેલની નિકાસ સાવ ઘટી ગઈ છે. પરિણામે વેનેેઝુએલાની મુદ્રાસ્થિતિ તળીયે છે. લોકો પાસે ખાવાના અને દવાઓ લાવવાના પૈસા નથી. લોકો વીજળી અને પાણીથી માંડીને પરિવહનના સંકટ સામે સંઘર્ષ કરી રહ્યા છે. દુકાનોમાં બાર્ટર સિસ્ટમ શરૂ થઈ છે. વાળ કપાવવા હોય તો પૈસાના બદલે ઈંડા કે કેળાં આપવામાં આવે છે.

આ કારણથી વેનેેઝુએલામાં બેરોજગારી વધી છે. એની સાથે સાથે અપરાધ પણ વધ્યા છે. દેશ આર્થિક સંકટમાં આવી ગયો હોઈ તે દેશના લોકો નજીકના પાડોશી દેશોમાં પલાયન થઈ રહ્યા છે. લોકો સરહદો ઓળંગીને બ્રાઝિલ અને કોલંબિયા જેવાં દેશોમાં પ્રવેશી રહ્યા છે.

વેનેેઝુએલા તુર્કીની મદદથી આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

વેનેેઝુએલા સેન્ટ્રલ બેન્ક પ્રતિબંધોના કારણે સ્વિત્ઝર્લેન્ડના બદલે હવે તુર્કીને પોતાનું સોનું નિકાસ કરી રહ્યું છે. તેણે ૨૦૧૮માં અત્યાર સુધીમાં ૭૭૯ મિલિયન ગોલ્ડની નિકાસ તુર્કીમાં કરી છે. સવાલ એ છે કે આ પરિસ્થિતિ માટે વેનેેઝુએલાના પ્રેસિડેન્ટની ગલત નીતિઓ જવાબદાર છે કે પછી અમેરિકાનાં હસ્તક્ષેપ?

મોટા ભાગના વિદ્વાનો માને છે કે આ આર્થિક સંકટ માટે વેનેેઝુએલાના પ્રેસિડેન્ટની ખોટી નીતિઓ જ જવાબદાર છે અર્થશાસ્ત્રીઓ માને છે કે લેટિન અમેરિકન દેશોનાં તેલની કિંમતો ઘટવાના કારણે સહુથી વધુ નુકસાન વેનેજુએલાને થયું છે. વેનેેઝુએલાના પ્રમુખે આ સંકટ ટાળવા જે પગલાં લીધાં તે બધાં જ ઘાતક સાબિત થયાં. તેમણે વેનેેઝુએલાની કરન્સી બોલિવારનું અવમૂલ્યન કરી દીધું. તેલની કિંમતો ઘટવાથી રાષ્ટ્રની જે આવક ઘટી તે સરકારે નોટો છાપીને પૂરી કરી. આ એક પરંપરાગત ભૂલ ગણાય છે. કરન્સી નોટો વધુ છાપવાથી લોકોની માંગ વધી ગઈ. માંગની આપૂર્તિ ના થવાથી લાંબી લાંબી કતારો લાગી ગઈ બીજી બાજુ વેનેેઝુએલાની કરન્સીની કિંમત ઘટી ગઈ. એક તબક્કે નોટબંધી પણ કરવામાં આવી. નોટો અને સિક્કા પણ બદલવામાં આવ્યા.

એ જાણવું જરૂરી છે કે અમેરિકા લાંબા સમયથી વેનેેઝુએલાને પોતાના નિયંત્રણમાં લાવવા કોશિશ કરી રહ્યું છે. એનું એક કારણ વેનેેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરો ઝાઝી બુદ્ધિ કે સમજ ધરાવતા નથી. તેઓ કોઈપણ સમયે કોઈપણ પગલું ભરી શકે છે. આ કારણથી અમેરિકાએ વેનેેઝુએલાના પ્રેસિડેન્ટને સરમુખત્યાર કહી તેની પર આર્થિક પ્રતિબંધો મૂકેલા છે. બીજા કેટલાયે લેટિન અમેરિકી દેશો લાંબા સમયથી અમેરિકા વિરોધી રહ્યા છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ લાંબા સમયથી વેનેેઝુએલાને નિયંત્રણમાં રાખવા ખાનગીમાં કોશિશ કરી રહ્યું હોવાનું મનાય છે. એટલા જ માટે એમ કહેવાય છે કે વેનેેઝુએલામાં આવું અસંતુલન પેદા કરવા માટે અમેરિકાનો જ ગર્ભીત હાથ છે. જેથી વેનેેઝુએલાના હાલના પ્રેસિડેન્ટ માદુરોને હટાવીને પોતાની કઠપૂતળી જેવી કોઈ વ્યક્તિને વેનેેઝુએલાના પ્રમુખની ખુરશીમાં બેસાડી શકાય.

જોઈએ હવે શું થાય છે?

– www.devendrapatel.in

Be Sociable, Share!