Close

વિષકન્યાઓ ફરી પુનર્જીવીત થઈ

રેડ રોઝ | Comments Off on વિષકન્યાઓ ફરી પુનર્જીવીત થઈ

જાસૂસી વિશ્વની અત્યંત પ્રાચીન બાબત છે. રાજા-મહારાજાઓના જમાનામાં વિરોધીઓની હિલચાલ જાણવા ગુપ્તચરોનો ઉપયોગ થતો હતો. પૌરાણિક સાહિત્યમાં દુશ્મનને ફસાવીને તેનો નાશ કરવા વિષકન્યાઓનો ઉપયોગ થતો હતો. એક નાનકડી બાળકીને બચપણથી જ થોડી થોડી માત્રામાં ઝેર પીવડાવવામાં આવતું. તે વયસ્ક બને ત્યાં સુધીમાં ગમે તેવું ઝેર પચાવી શકવા સક્ષમ બની જતી. તે પછી તે શત્રુને પોતાની મોહજાળમાં ફસાવી શયનખંડ સુધી ખેંચી લાવતી અને તેને હોઠ પર એક માત્ર ચુંબન કરી મોતને ઘાટ ઉતારી દેતી કારણ કે તેના હોઠના રસાળ સ્વાદમાં પણ નર્યું ઝેર જ રહેતું.

હવે આવી વિષકન્યાઓ તો નથી, પરંતુ ખૂબસૂરત લલનાઓનો ઉપયોગ પણ જાસૂસી માટે થવા લાગ્યો છે જેને “હની ટ્રેપ” કહેવામાં આવે છે. જાસૂસીની આ નવી શૈલી છે. જેમ્સ બોન્ડની ફિલ્મોમાં તો આવી કેટલીયે રૂપલલનાઓને પ્રેક્ષકોએ નિહાળી છે. જાસૂસીથી ના તો અમેરિકા બચી શક્યું છે કે ના તો રશિયા. સુરક્ષાના મુદ્ે દરેક દેશ બીજા દેશની જાસૂસી કરે છે. હવે નવી ટેકનિક્સનો ઉપયોગ થાય છે. વિશ્વભરમાં ખુફિયા એજન્ટોની જાળ બીછાવેલી છે.

સવાલ એ છે કે જ્યારે કોઈ બહારના પોતાના દેશ માટે જાસૂસી કરે છે તો તેને તે દેશ માટેનો રાષ્ટ્રવાદ માનવામાં આવે છે, પરંતુ કોઈ દેશનો માણસ પોતાના જ દેશની વિરુદ્ધ થતી જાસૂસીમાં જાણી જોઈને મદદ કરે તો તે ગદર છે. બીજા દેશનાં જાસૂસો કે રાષ્ટ્રવિરોધી તત્ત્વોને જે લોકો મદદ કરે છે તેને સ્લીપર સૈલ પણ કહે છે. દેશમાં આવું થતું હોય તો તે ચિંતાની વાત છે. હવે મૂળ વાત પર આવીએ ભારતીય લશ્કર આપણી સરહદોનું રક્ષક છે. કુદરતી આફતોથી માંડીને સામાજિક તનાવ કે આતંકવાદીઓના હુમલા વખતે તે નાગરિકોની રક્ષા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમગ્ર દેશને ભારતીય લશ્કર માટે આદર છે. પરંતુ ક્યારેક ભારતનાં સશસ્ત્ર દળોની ભીતર જાસૂસી કે ભ્રષ્ટાચારની ખબરો આવે છે ત્યારે તે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાની બાબતમાં ચિંતા પેદા કરે છે.

એક તરફ દેશનું લશ્કર દેશ અને નાગરિકોનું રક્ષણ કરે છે ત્યારે બીજી બાજુ ભારતીય લશ્કરમાં ઘૂસી ગયેલા કેટલાંક મુઠીભર લોકો થોડા પૈસાની લાલચમાં ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી દુશ્મનોને આપી દેતા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. દુર્ભાગ્ય એ વાતનું છે કે લશ્કરમાં ઉચ્ચ હોદઓ પર બેઠેલા કેટલાક અધિકારીઓ પણ એમાં સામેલ હોવાનું જણાયું છે. તાજેતરમાં જ ભારતીય વાયુસેનામાં હેડક્વાર્ટરમાં બેઠેલા કેપ્ટનની રેંકના એક અધિકારીને જાસૂસીના આરોપસર પર પકડવામાં આવ્યા છે. કાઉન્ટર ઈન્ટેલિજિન્સ સર્વેલન્સ દરમિયાન એરફોર્સની સેન્ટ્રલ સિક્યોરિટી અને ઈન્વેસ્ટિગેશન ટીમે આ અધિકારીને પકડયો ત્યારે તે ગ્રૂપ કેપ્ટન ગેરકાનૂની ઈલેકટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યો હતો.

આમ તો આ પણ હનીટ્રેપનો મામલો લાગે છે. કહેવાય છે કે આ લશ્કરી અધિકારી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એક મહિલાને સંવેદનશીલ માહિતી આપી રહ્યો હતો. જોકે એ હજુ સ્પષ્ટ થયું નથી કે જે સ્ત્રીને તે અધિકારી માહિતી આપી રહ્યો હતો, તે વાસ્તવમાં માત્ર મહિલા જ છે કે પછી કોઈ વિદેશી એજન્સીની એપીન્ટ!

આ અગાઉ પણ આવા મામલા જોવામાં આવ્યા છે. જેમાં ફેસબુક પર મહિલા બનીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટ ભારતના લશ્કર અંગેની માહિતી એકત્ર કરતી હતી. એટલે કે ફેસબુક પર સ્વરૂપવાન સ્ત્રીની તસવીર હોય, પરંતુ એ ફેસબુક એકાઉન્ટ પાકિસ્તાનના ગુપ્તચર ખાતાનો કોઈ એજન્ટ ચલાવતો હોય. આવા એજન્ટો મીઠીમીઠી વાતો કરીને સંવેદનશીલ માહિતી આંચકી લેવા કોશિશ કરતા હોય છે. ઉપરોક્ત કેસમાં આ દ્રષ્ટિકોણથી પણ તપાસ થઈ રહી છે.

ઓગષ્ટ ૨૦૧૪માં ભારતીય સેનાના એક અધિકારીને ફેસબુકના માધ્યમથી એક પાકિસ્તાની મહિલાએ ફસાવ્યો હતો અને એ મહિલાએ સંવેદનશીલ જાણકારી મેળવવા કોશિશ કરી હતી. આ સંદર્ભમાં જે તે અધિકારીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

એ જ રીતે શસ્ત્રોના દલાલ અભિષેક વર્મા પર કેટલાક નિવૃત્ત અને કેટલાક કાર્યરત અધિકારીઓ તથા રક્ષા મંત્રાલયના કેટલાક કર્મચારીઓ સાથે મળીને વાયુસેનાની ખરીદી યોજના સાથે સંકળાયેલી સંવેદનશીલ અને ગુપ્ત ફાઈલોની ચોરીનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં નૌસેના કમાન્ડર અને એક વાયુસેનાનો વીંગ કમાન્ડર હતો.

પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસમાં કાર્યરત માધવી ગુપ્તા નામની ભારતીય ડિપ્લોમેટને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા માટે ગિરફતાર કરવામાં આવી હતી. કહેવાય છે કે માધવી ગુપ્તાએ ત્રણ વર્ષ સુધી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે જાસૂસી કરી હતી. નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનની એલચી કચેરી તો જાસૂસી માટે કુખ્યાત છે. અનેકવાર પાકિસ્તાનના દિલ્હી ખાતેના દૂતાવાસના અધિકારીઓ જાસૂસી કરતાં પકડાયેલા છે. જેમને નિયમ મુજબ પાછા મોકલી દેવામાં આવે છે.

પઠાણકોટ એરબેઝ પર હુમલા પછી એક એવા સમાચાર પણ આવ્યા હતા કે તેમાં ભારતીય વાયુસેનાના એક અધિકારીની હિસ્સેદારી હતી. તે પછી આર્મીબેઝથી કેટલાક કર્મચારીઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. કેટલાકની ધરપકડ પણ થઈ. કેટલીક વખત રાષ્ટ્રવિરોધી આવી પ્રવૃત્તિઓમાં કેટલાક નાગરિકો પણ સામેલ હોવાનું જણાયું છે.

આ દેશ માટે ખતરનાક અને ચિંતાની બાબત છે.

કેટલાક મુઠીભર લોકોને ભારતના લશ્કરી જવાનોની વીરતા અને શહીદોની કોઈ જ કદર નથી.

ભારતમાં રહી ભારત વિરોધી જાસૂસી કરનારાઓને ફાંસીએ લટકાવી દેવા જોઈએ.

Be Sociable, Share!