Close

શમ્મી કપૂરની દીકરીએ કહ્યું: `ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?’

રેડ રોઝ | Comments Off on શમ્મી કપૂરની દીકરીએ કહ્યું: `ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?’
આજે `ફાધર્સ ડે’ છે.
એક ઉક્તિ છે: `કોઈ પણ માણસ બાપ બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે!’
એવી જ બીજી એક ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે એક દિવસ તેમનો દીકરો તેમની સલાહને નહીં પરંતુ તેમના દૃષ્ટાંત રૂપ જીવનને અનુસરશે.’
જ્હોન સ્કીલર કહે છે: `મા સમજાય નહીં પરંતુ હૃદય આપણને પિતા અને દીકરા બનાવે છે?’
આજે `ફાધર્સ ડે’ છે ત્યારે પિતા અને સંતાનો વચ્ચેના હૃદયગંમ અને પ્રેરક પ્રસંગો અહીં પ્રસ્તુત છે.
બર્થ-ડે ગિફટ
ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?
`તુમ સા નહીં દેખા’, `દિલ દે કે દેખો’, `તીસરી મંજિલ’ જેવી અનેક ફિલ્મોના સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા શમ્મી કપૂરની જિંદગીનો આ પ્રસંગ છે. તેમને એક પુત્રી હતી, તેનું નામ કંચન. ૮ ઑગસ્ટે તેમનો જન્મદિવસ હતો. તા.૮-૮–૮૮ના રોજ કંચનના જન્મદિવસે પિતા શમ્મી કપૂરે કહ્યું, `બેટા, આજે તારો જન્મદિવસ છે. બોલ, તને જન્મદિવસની શું ગિફ્ટ આપું?’
થોડું વિચારીને કંચન બોલી, `ડેડ, આજે તા.૮-૮-૮૮ છે. આવો આંકડો એક જ વાર આવે છે. હું માંગીશ તેવી બર્થ-ડે ગિફ્ટ મને આપશો?’
શમ્મી કપૂર બોલ્યા, `અરે બેટા, તું મારી બહુ જ વહાલી પુત્રી છે. તું એક વાર માંગી તો જો!’
પુત્રી કંચન બોલી, `ડેડ, આજે હું તમારી પાસેથી એક બર્થ-ડે ગિફ્ટ માગું છું. તમે સિગારેટ પીવાની છોડી દો. બસ, એ જ મારી શ્રેષ્ઠ બર્થ-ડે ગિફ્ટ હશે.’
શમ્મી કપૂર એક ક્ષણ માટે તો વિચારમાં પડી ગયા. તેઓ બોલ્યા, `બેટા, તનાવ દૂર કરવા હું રોજ ત્રણ પેકેટ સિગારેટ પીવું છું એ કેવી રીતે છોડી શકું?’
કંચન બોલી, `સિગારેટના કારણે તમે સતત ઉધરસ ખાતા રહો છો. તમને કફ પણ કહે છે. હવે સિગારેટ છોડી દો એ જ મારી બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ હશે.’
અને એ જ ક્ષણે શમ્મી કપૂર બોલ્યા, `ઓ.કે. બેટા, આજ પછી હું કદી સિગારેટ નહીં પીવું. આર યુ હેપી?’
`યસ ડેડ.’ વહાલસોયી પુત્રી પિતાને વળગી પડી.
એ દિવસ પછી શમ્મી કપૂરે કદીયે સિગારેટ પીધી નહીં. આનાથી વધુ શ્રેષ્ઠ બર્થ-ડે ગિફ્ટ બીજી શું હોઈ શકે?
 અબ્રાહમ લિંકન
હવે `ફાધર્સ ડે’ નિમિત્તે એક બીજો પ્રસંગ વાંચો.
અબ્રાહમ લિંકન અનેક વખત હારી ગયા બાદ ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. એમના સમયમાં અમેરિકાના ધનવાન અને કુલીન અમેરિકનો ગુલામો રાખી તેમની પાસે વેઠ કરાવતા હતા અને બીજાઓને પોતાના કરતાં નીચા સમજતા હતા. અમેરિકાના કહેવાતા કુલીન અને ધનવાન સેનેટર્સને અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ બન્યા એ ગમ્યું નહોતું. એ કારણથી જે દિવસે અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ તરીકે સેનેટમાં શપથ લેવાના હતા તે વખતે તેઓ શપથ લે તે પહેલાં એક કુલીન સેનેટર ઊભા થયા અને બોલ્યા: `મિ.લિંકન, તમે એ વાત ન ભૂલશો કે એક સમયે તમારા પિતા મારા પિતાનાં જૂતાં રિપૅર કરવા આવતા હતા. તમારા પિતા જૂતાં રિપૅર કરનાર કારીગર હતા.’
એક સેનેટરનું આ વિધાન સાંભળી આખી સેનેટ સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે એક રીતે નવા પ્રેસિડેન્ટનું આ એક પ્રકારનું અપમાન હતું. બધાંની નજર હવે નવનિયુક્ત પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પર હતી.
અબ્રાહમ લિંકને જરા પણ ઉશ્કેરાયા કે ગુસ્સે થવાના બદલે એ સેનેટરને શાંતિપૂર્વક જવાબ આપ્યો: `મિ. સેનેટર સર, આજે હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લેવા જઈ રહ્યો છું તે જ વખતે આપે મારા પિતાની યાદ અપાવી દીધી તેથી રૂડું બીજું શું હોઈ શકે? આજે આ શપથવિધિ વખતે મારા પિતાની યાદ અપાવવા બદલ હું આપનો આભાર માનું છું.’
બધા સેનેટર્સ શાંતિથી સાંભળી રહ્યા હતા. અબ્રાહમ લિંકને આગળ બોલતાં કહ્યું: `મિસ્ટર સેનેટર સર, એક વાત કહું આપને? હા, મારા પિતા જૂતાં રિપૅર કરવાના જેટલા શ્રેષ્ઠ કારીગર હતા એટલો શ્રેષ્ઠ પ્રેસિડેન્ટ કદાચ હું ન પણ બની શકું અને મારા પિતાએ આપના પિતાનાં જૂતાં રિપૅર કરતી વખતે કોઈ ભૂલ કરી હોય તો એમની વતી હું આપની માફી માગું છું.’
અબ્રાહમ લિંકનના આ સ્વસ્થતાપૂર્વક ઉચ્ચારાયેલાં વિધાન સાંભળી આખી સેનેટે તેમને તાળીઓથી વધાવી લીધા અને અબ્રાહમ લિંકનના પિતાનો ઉલ્લેખ કરીને નિવેદન કરનાર સેનેટર નીચું જોઈ ગયા.
આવો છે પિતાનો મહિમા અને આવો હતો પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનનો તેમના પિતા માટેનો આદર. તેમના પિતા જૂતાં રિપૅર કરનાર એક કારીગર હતા જેનો તેમને કોઈ વસવસો નહોતો.
કહેવાય છે કે માતાની લાગણીઓ પ્રત્યક્ષ જોઈ શકાય છે. બાળક રડે છે ત્યારે માતા તેને ઊંચકી લે છે. તેને સ્તનપાન કરાવે છે. નવરાવે છે. ધોવરાવે છે. વસ્ત્રો પહેરાવે છે. તૈયાર કરીને સ્કૂલમાં મોકલે છે. પિતા સામાન્ય રીતે આવું કરતા નથી પરંતુ પિતાની લાગણીઓની અભિવ્યક્તિ અલગ પ્રકારની હોય છે. માતા બાળકને શારીરિક રીતે કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન આપે છે પરંતુ પિતા સંતાનની કારકિર્દીની ચિંતા કરે છે. બાળકને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવાની ચિંતા કરે છે. દુ:ખ વેઠીને પણ તેને સારામાં સારી સ્કૂલમાં દાખલ કરાવવા પ્રયાસ કરે છે. બાળક સ્કૂલમાંથી ઘેર આવે છે ત્યારે તેણે ગૃહકાર્ય કર્યું કે નહીં તે જુએ છે. બાળકની પરીક્ષાનું પરિણામ આવે છે તો માર્કશીટ જોવાનું કામ પહેલાં પિતા કરે છે. ઓછા માર્ક્સ આવ્યા હોય તો પૂછપરછ કરે છે. બાળક તોફાન કરે તો તેને શિક્ષા પણ કરે છે. બાળકને શ્રેષ્ઠ કારકિર્દી તરફ લઈ જવા પિતા જે ત્યાગ અને બલિદાન આપે છે તેનો મહિમા બહુ ઓછો થયો છે. સામાન્ય રીતે પિતાની લાગણીઓ શબ્દોમાં બહુ ઓછી અવતરે છે એનો અર્થ એ નથી કે પિતા પોતાના સંતાનને ચાહતા નથી.
`મહાભારત’માં આ બાબતમાં પ્રમાણ મોજૂદ છે. ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકના જ દિવસે કૈકેયીએ દશરથ રાજા પાસે પાછલું વચન યાદ કરાવી ભગવાન શ્રી રામને વનમાં મોકલવા કહ્યું અને એ વચન પાળવા ભગવાન શ્રી રામને વનમાં જવું પડ્યું તે પછી પુત્રપ્રેમના વિરહમાં પિતા રાજા દશરથે પ્રાણ ત્યજી દીધા હતા. આનાથી વધુ એક પિતાના પુત્રપ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું હોઈ શકે?
માતા સ્ત્રી છે અને પિતા પુરુષ છે. મા બાળકને ઉછેરવાની કોશિશ કરે છે. પિતા પુત્રને પોતાના જેવો જ શ્રેષ્ઠ અને તેમનાથી વધુ શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરે છે. માતાની લાગણીઓ શબ્દોમાં અવતરે છે. પિતાની લાગણીઓ પુત્રને શ્રેષ્ઠ બનાવવાના પુરુષાર્થમાં પ્રકાશિત થાય છે.- `લવ યોર મોમ એન્ડ લવ યોર ડેડ ટુ.’
માનો પ્રેમ દેખી શકાય તેવો હોય છે. જ્યારે પિતાનો પ્રેમ અદૃશ્ય હોય છે.
એક દીકરીએ એના પિતા માટે કહેલું આ વિધાન પિતા માટેનાં શ્રેષ્ઠ સુવાક્યો પૈકીનું એક છે: `Some People don’t belive in heros but they haven’t met my day.’
આમ તો કોઈ પણ વ્યક્તિ પિતા બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે. પોતાનાં બાળકોને ચાહવાં એ દરેક વ્યક્તિના નિસ્વાર્થ સુખનો ખાસ પ્રદેશ છે પરંતુ પિતૃત્વનું પદ પામવું એ એક અદભુત સફર છે. જે તમને અનન્ય પ્રેમના અધિકારી બનાવી દે છે.
આજે `ફાધર્સ ડે’ની સહુની શુભકામના

Be Sociable, Share!