Close

શી જિનપિંગઃ હસતા ચહેરાની ભીતર એક દગાબાજ દુશ્મન

રેડ રોઝ | Comments Off on શી જિનપિંગઃ હસતા ચહેરાની ભીતર એક દગાબાજ દુશ્મન

ચીન એક સામ્યવાદી દેશ છે. ચીનમાં વન પાર્ટી રૂલ છે. ૧૪૦ કરોડની વસતી ધરાવતા ચીનમાં એક જ પાર્ટીનું એકહથ્થુ શાસન છે. ચીનના લોકોને એ સમજાવવામાં આવે છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ભગવાન કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વિશ્વની બીજી મોટામાં મોટી પોલિટિકલ પાર્ટી છે.

ધી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની સ્થાપના આમ તો છેક ૧૯૨૧માં ચેન દુશિયાન્ડ લી દામીઓ દ્વારા કરવામાં આવી હતી. પાર્ટી ધીમેધીમે વિકસવા માંડી. તા.૨૧ જુલાઈ, ૧૯૨૧ના રોજ સ્થપાયેલી આ પાર્ટી ૧૯૪૯માં તો શક્તિશાળી બની ગઈ. આ પાર્ટીનું હેડક્વાર્ટર બિજિંગમાં ઝોંગાનહાઈ શીયેના ડિસ્ટ્રીક્ટ ખાતે છે. તેની એક યુવા પાંખ પણ છે. પાર્ટીની એક રિસર્ચ ઓફિસ પણ છે. એક લેબર પાંખ પણ છે. ૨૦૧૯ સુધીમાં ચીનની આ પાર્ટીની સભ્ય સંખ્યા ૯૦,૫૯૪,૦૦૦ હતી. આ પાર્ટીની વિચારધારા માર્ક્સવાદ અને લેનિનવાદ પર આધારિત છે. તેનો આગવો સમાજવાદ છે અને આગવો ચાઈનીઝ રાષ્ટ્રવાદ છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું સૂત્ર છે. Serve the people.’ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ચીનના લશ્કર પિપલ્સ લિબરેશન આર્મી પર નિયંત્રણ ધરાવે છે.

ચીનની આ પાર્ટીનું હાઈકમાન્ડ ‘નેશનલ કોંગ્રેસ’ છે. તેનું અધિવેશન દર પાંચ વર્ષે મળે છે પરંતુ અધિવેશન સિવાયના સમયમાં પાર્ટીનું હાઈકમાન્ડ એક સેન્ટ્રલ કમિટી છે. અલબત્ત, આ સેન્ટ્રલ કમિટી પણ વર્ષમાં એક જ વખત મળે છે ત્યારે મોટાભાગની સત્તાઓ ‘પોલિટ બ્યૂરો’ હસ્તક હોય છે જેમાં પક્ષના ટોચના નેતાઓ જ સામેલ હોય છે.

નોંધપાત્ર વાત એ છે કે પાર્ટીના વડાનો હોદ્દો પ્રમુખ તરીકે નહીં પરંતુ જનરલ સેક્રેટરી તરીકે ઓળખાય છે અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી શી જિનપિંગ છે. હાલના શી જિનપિંગની ચૂંટણી કે વરણી તા.૧૫ નવેમ્બર, ૨૦૧૪ના રોજ થઈ હતી.

૨૦૧૯માં ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીના શાસનનાં ૭૦ વર્ષ પૂરાં થયાં. ચીનની આજની કમ્યુનિસ્ટ પાર્ટીની સત્તાનો આરંભ તા.૧ ઓક્ટોબર, ૧૯૪૯ના રોજ થયો હતો. એ વખતે માઓત્સે તુંગે ચીનને ‘પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના’ની ઘોષણા કરી હતી. એટલે કે આજે જે ચીન દેખાય છે તે વ્યવસ્થા ૭૦ વર્ષ જૂની છે. ચીનને આર્થિક રીતે મજબૂત કરવાની શરૂઆત માઓએ એક પંચવર્ષીય યોજનાથી શરૂ કરી હતી જેને ‘ગ્રેટ લીપ ફોરવર્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. ચીન સમાજવાદના આંચળા હેઠળ સામૂહિક ખેતીમાં માને છે પરંતુ રોજગાર પેદા કરવા ચીને એ વખતે કેટલાક ઉદ્યોગો શરૂ કર્યા હતા. એ વખતે ફાયદો થવાના બદલે નુકસાન થતાં એ બંધ કરવા પડયા હતા. ચીનમાં ભીષણ દુકાળ પડતાં લાખો લોકોનાં મોત નીપજ્યાં હતાં. આરોપ એવો છે કે ચીનમાં લાખો લોકોનાં મોતના ઢગલા વખતે પણ માઓએ ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ લાવવાની કોશિશ કરી હતી.

રસપ્રદ વાત એ છે કે ચીનની નેશનલ કોંગ્રેસ નક્કી કરે છે કે તેમની કમ્યુનિસ્ટ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે? ચીનની આ નેશનલ કોંગ્રેસમાં પાર્ટીના ૨૩૦૦ પ્રતિનિધિ હોય છે. ચીનની નેશનલ કોંગ્રેસની બેઠક બંધ દરવાજે મળે છે. તે એક સેન્ટ્રલ કમિટી રચે છે જેમાં ૨૦૦ સભ્યો હોય છે. આ જ કમિટી પોલિટ બ્યૂરોનું ચયન કરે છે. પોલિટ બ્યૂરો સ્ટેન્ડિંગ કમિટી છે જે વાસ્તવિક રૂપમાં પાર્ટીનું હાઈકમાન્ડ હોય છે. પોલિટ બ્યૂરોમાં ૨૪ સભ્યો હોય છે. આ બધું નક્કી કરવા માટે મતદાન કરવામાં આવે છે પરંતુ આ મતદાન માત્ર કહેવા ખાતર જ હોય છે તેને પસંદ કરવા અને પક્ષના મહામંત્રી-જનરલ સેક્રેટરી કોને બનાવવા તે પહેલેથી જ નક્કી હોય છે. જે નેતા પક્ષનો જનરલ સેક્રેટરી બને છે તે જ ચીનનો પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપ્રમુખ બને છે.

૨૦૧૪માં શી જિનપિંગ સત્તામાં આવ્યા તે પછી તેમણે પોતાની તાકાતમાં અસાધારણ બઢોતરી કરી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ તેમને કેટલાંયે ટાઈટલોથી નવાજ્યા છે. તેમાંનું એક ટાઈટલ છેઃ ‘કોર લીડર ઓફ ચાઈના.’ આવું ટાઈટલ હાંસલ કરીને શી જિનપિંગ પોતાની જાતને માઓત્સે તુંગ જેવા નેતાઓની હરોળમાં આવી જવા પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટી હાઈકમાન્ડમાં શી જિનપિંગના સહયોગીઓની સંખ્યા વધારી છે

૨૦૧૪માં શી જિનપિંગ પહેલી જ વાર સત્તામાં આવ્યા ત્યારે તેમણે પાર્ટીમાં અને સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું હોવાનું કહેવાય છે. કહેવાય છે કે શી જિનપિંગે ૧૦ લાખથી વધુ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ દાખલ કરાવ્યા હતા. હકીકત એ હતી કે ભ્રષ્ટાચારના આરોપ મૂકી શી જિનપિંગ પક્ષમાં અને સરકારમાં તેમના વિરોધીઓની સાફસૂફીનું અભિયાન જ હાથ ધર્યું હતું. શી જિનપિંગ એક ચાલાક નેતા છે. બહારથી સદા હસતા રહેતા આ નેતાના દિમાગની ભીતર એક જબરજસ્ત શેતાન વસે છે. એ કોઈની સામે હસે છે તો એણે એમ ન માનવું કે તે તમારો મિત્ર બની ગયો છે. આખી દુનિયાના ૨૦૦થી વધુ દેશોમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર ચીનના આ પ્રમુખના ચહેરા પર આજે પણ કોઈ પસ્તાવો કે અપરાધભાવના દેખાતી નથી. એમના ચહેરા પર હિટલર જેવો કોઈ ક્રોધ દેખાતો નથી પરંતુ ઠંડું કલેજું ધરાવતો આ નેતા ભીતરથી મોટામાં મોટા સોફિસ્ટિકેટેડ વિલન છે. આ નેતા ભાષાથી કે બોલીને પોતાની ભીતરની લાગણીઓ પ્રગટ કરતા નથી. એમને જે કરવું હોય તે ઠંડા કલજે અને હસતા ચહેરે જ કરે છે.

શી જિનપિંગની પૃાદ્ભૂમિકા જાણવા જેવી છે. શી જિનપિંગનો જન્મ તા.૧૫ જૂન, ૧૯૫૩ના રોજ બૈજિંગમાં થયો હતો. ઝોંગ્સીકન નામના એક કમ્યુનિસ્ટ ક્રાંતિકારીના તેઓ પુત્ર છે. તેમના પિતા પક્ષમાં ઊંચો હોદો ધરાવતા હતા. તેમના પિતા ચીનના ઉપપ્રમુખ અને પક્ષના મહામંત્રી પણ હતા. તે અગાઉ એટલે કે ૧૯૬૬-૭૬ દરમિયાન તેમના પિતા પક્ષના અને સરકારના પણ ટીકાકાર હોઈ પક્ષની નજરમાં આવી ગયા હતા. તેમના પિતાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એ વખતે શી જિનપિંગની વય પંદર વર્ષની હતી. તેમને સામ્યવાદી વિચારસરણીમાં પલોટવા અંતરિયાળ એવા ગામડામાં સખત મજદૂરી કરવા ધકેલી દેવામાં આવ્યા હતા. તેમને ગુફામાં રાખવામાં આવ્યા હતા. શી જિનપિંગ વયસ્ક થતા તેઓ પૂરા સામ્યવાદી બની ગયા અને કમ્યુનિસ્ટ પાર્ટીને સમર્પિત થઈ ગયા હોવાનું જાહેર કર્યું હતું. શી જિંનપિંગે કેમિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો છે.

સંપૂર્ણ રીતે સામ્યવાદી બની ગયેલા શી જિંનપિંગે ચીનના કોસલ પ્રાંતમાંથી રાજનીતિ શરૂ કરી હતી. ૧૯૯૯થી ૨૦૦૭થી તેઓ ફુજીઆનના ગવર્નર રહ્યા. પછી તેઓ પક્ષના મંત્રી બન્યા, પછી પક્ષના પોલિટ બ્યુરોમાં અને છેવટે પક્ષની ટોચની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન પામ્યા. આગળ વધતાં એક દિવસ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા અને તે પછી ચીનના પ્રેસિડેન્ટ બન્યા.

નોંધપાત્ર વાત એ છે કે ૧૯૬૦માં તેઓ બિજિંગની ૧૦૧ મિડસ સ્કૂલમાં ભણતા હતા ત્યારે લીઉ હે સાથે મિત્રતા કેળવી જે આગળ જતાં ચીનનો નાયબ રાષ્ટ્રપ્રમુખ બન્યો. શી જિનપિંગની વય ૧૦ વર્ષની હતી ત્યારે પક્ષે તેમના પિતાને સજા રૂપે એક ફેક્ટરીમાં મજદૂરી કરવા મોકલી દીધા હતા. એમનાં માતાને દેશના દુશ્મન તરીકે ગણવાયેલા તેમના પિતાને જાહેરમાં નકારી દેવા અને શીના પિતાને દેશના દુશ્મન તરીકે લોકો આગળ જાહેરમાં પરેડ કરવા ફરજ પાડવામાં આવી હતી.

એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે કે શી જિનપિંગે કમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારા અપનાવી તે બાદ તેઓ પક્ષની યુવા પાંખમાં જોડાવા ઈચ્છતા હતા પરંતુ સાત વખત તેમના પ્રવેશને ઈન્કાર્યા બાદ જ તેમને પ્રવેશ મળ્યો હતો અને તે પણ એક મિત્રની મદદથી ૧૯૭૨માં તેઓ ફરી પિતાને મળ્યા અને તે પણ ચીનની સરકારની પરવાનગી બાદ. ૧૯૭૩માં તેમણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવા અરજી કરી હતી અને ૧૯૭૪માં ૧૦મી વાર પ્રયાસ કર્યા બાદ શી જિનપિંગને પક્ષમાં પ્રવેશ અપાવ્યો હતો હવે એ જ શી જિનપિંગ આજે ચીનના પ્રેસિડેન્ટ અને કટ્ટર સામ્યવાદી છે. શી જિનપિંગે પહેલાં ૧૯૭૯માં કે. લિંગલિંગ નામની મહિલા સાથે લગ્ન કર્યાં હતા. ૧૯૮૨માં તેમણે છૂટાછેડા લઈ લીધા. ૧૯૮૭માં તેમણે ફરી પેંગ લિયુઆન સાથે લગ્ન કર્યાં છે.

આવા શી જિનપિંગ હવે ચીનને વિસ્તારવાદી દેશ બનાવી રહ્યા છે. તેઓ ચીનના ભૂતપૂર્વ નેતા માઓત્સે તુંગની હરોળમાં બેસવા ચીનની વિર્દ્યાિથનીઓ પાસે તેમની પ્રશંસા કરતાં ગીતો ગવરાવી રહ્યા છે.

ચાઈના સીમા પર તેમનું આધિપત્ય જમાવવા માંગે છે. હોંગકોંગની પ્રજાને કચડી નાંખવા માંગે છે. તાઈવાનને પરેશાન કરવા માંગે છે. નેપાળને અને પાકિસ્તાનને પોતાનાં ખંડિયાં રાષ્ટ્રો બનાવી ચૂક્યું છે. ચીનમાં રહેતા મુસલમાન નાગરિકોને લગભગ નજરકેદ જેવી સ્થિતિમાં રાખ્યા છે. અકસાઈ ચીનમાં પગદંડો જમાવ્યા બાદ લદ્દાખ સરહદે દુષ્ટ હરકતો કરે છે. પાકિસ્તાનને ગ્વાદર બંદર બાંધી આપી પાકિસ્તાનને પોતાનું ગુલામ બનાવી દીધું છે. હવે તેનો ડોળો નેપાળ પર છે. બાંગ્લાદેશને પણ આર્થિક ફાયદાની લાલચો આપી રહ્યું છે. તેનું કશું જ ચાલતું ન હોય તો તે ભારત સામે છે. શી જિનપિંગ અને તેમના ચીનને ભારતનો, ભારતની હાલની નેતાગીરીનો અને ભારતના શક્તિશાળી લોકતંત્રનો જ ડર છે. ભારતમાં વેપાર પણ કરવો છે અને ભારતને તનાવ હેઠળ પણ રાખવું છે, જે શક્ય નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઝાટકે ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂકીને શી જિનપિંગને સણસણતો તમાચો ફટકાર્યો છે. કોરોનાની મહામારી ફેલાવવા માટે આખી દુનિયા ચીનને જવાબદાર સમજે છે. ચીન સામે આખા વિશ્વમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુરોપ, જાપાન વગેરેના સમૂહમાં ભારત ન જોડાય તે માટે શી જિનપિંગ ભારતને સાઇકોલોજિકલ દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે, જેમાં તે નિષ્ફળ જવાના છે.

યાદ રહે કે શી જિનપિંગના હળવા સ્મિતભર્યા ચહેરાની ભીતર એક છૂપો ખલનાયક છુપાયેલો છે  ——-  devendra patel.

Be Sociable, Share!