રાજનીતિ આમ તો શુષ્ક વિષય છે પરંતુ રાજનીતિમાં જ્યારે રમૂજ પ્રવેશે છે ત્યારે રાજનીતિ મજેદાર બની જાય છે. તાજેતરમાં જ વેરાવળની જાહેરસભામાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં માયાભાઈ આહીરના એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ અાહીરનાં ધર્મપત્નીને મંચ પર ન જોતાં ભાજપાના શક્તિશાળી પ્રમુખ સી.આર.પાટીલે રમૂજ કરતાં કહ્યું કે, `લાગે છે કે તેઓ પત્નીથી ડરી રહ્યા છે. મુખ્યમંત્રીને પણ મેં તેમનાં પત્નીથી ડરતા જોયા છે. હું પણ મારી પત્નીથી ડરું છું.’
આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હસી પડ્યા હતા. સહુને ખબર છે કે ગુજરાત વિધાનસભામાં ભાજપાને ટોચના સ્થાને લઈ જવા અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ તોડીને નાંખનાર આ બંને નેતાઓનું દાંપત્યજીવન સુમધુર છે. એમાંયે સી.આર.પાટીલ તો તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે અને તે જ તેમનો યુનિક સેલિંગ પોઈન્ટ એટલે કે સફળતાના યુએસપી છે.
હું પણ વાણિયો છું
બહુ ઓછા લોકોને ખબર છે કે ગાંધીજી સ્વયં રમૂજી હતા.
ગાંધીજી તેમના સમયમાં એટલે કે આઝાદીના સંગ્રામ વખતે અગ્રગણ્ય ઉદ્યોગપતિ બિરલાજી સાથે સારા સંબંધો ધરાવતા હતા. ગાંધીજી મુંબઈ કે દિલ્હીમાં હોય ત્યારે બિરલા ભવનમાં જ ઊતરતા. બિરલાજી સાથેના સંબંધના કારણે કેટલાક લોકો તેમની આલોચના કરતા. તો વળી કોઈ કહેતું કે, `બાપુ , બિરલાજી તો ઉદ્યોગપતિ છે. એ તમને જે રીતે સાચવે છે એની પાછળ તેમનો કોઈ હેતુ હોવો જોઈએ.’
ગાંધીજી એવા ટીકાકારોને હળવીફૂલ મજાકમાં જવાબ આપતાં: `જો ભાઈ, બિરલાજી ઉદ્યોગપતિ છે તો હું પણ પાકો વાણિયો છું એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી.’
કાન લાંબા કેમ?
ગાંધીજીને મળવા ફ્રાંસના એક કાર્ટૂનિસ્ટ ભારત આવ્યા હતા. કાર્ટૂનિસ્ટ દિલ્હીમાં ગાંધીજીને મળ્યા. તે પછી તેમણે એક ઠઠ્ઠાચિત્ર દોર્યું અને એ ચિત્ર તેમણે એક પ્રોફેસરને આપ્યું. એ ઠઠ્ઠાચિત્ર પ્રોફેસરે ગાંધીજીને ભેટ આપ્યું. ગાંધીજી ખુશ થયા. તે પછી તે કાર્ટૂન ચિત્ર ધારીધારીને જોયા બાદ ગાંધીજીએ પ્રોફેસરને કહ્યું: `ચિત્ર તો સારું છે પણ આ ચિત્રમાં મારા કાન આટલા લાંબા કેમ છે?’
પ્રોફેસરે હસીને જવાબ આપ્યો: `બાપુ, આપના કાન જેવા છે તેવા જ કાર્ટૂનિસ્ટે દોર્યા છે.’
ગાંધીજીએ હસીને કહ્યું: `તમારી વાત સાચી હશે. મેં તો મારો ચહેરો કદીયે અરીસામાં જોયો જ નથી, એટલે મને ખબર જ નથી કે મારા કાન કેવા છે?’
બાપુની આ રમૂજ સાંભળી હાજર બધા જ મુક્તપણે હસી પડ્યા.
મારા પર નૃત્ય ન કરતા
ઈંગ્લેન્ડમાં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જવા નીકળેલા ગાંધીજી ગોરા મુસાફરો સાથે સ્ટીમરમાં મુસાફરી કરી રહ્યા હતા. એક ગોરા મુસાફરે ગાંધીજીને પાસે આવીને પૂછ્યું:`મિસ્ટર ગાંધી, અમે અહીં તમારી આસપાસ નૃત્ય કરી શકીએ? તમને વાંધો તો નથી ને?’
ગાંધીજીએ પેલા ગોરા મુસાફરને કહ્યું: `મારી આસપાસ તો શું પણ મારા એકદમ નજીક પણ નૃત્ય કરી શકો છો. હા, પણ મારા ઉપર નૃત્ય ન કરતા.’
ગાંધીજીના આવા રમૂજી જવાબથી ગોરા મુસાફરો ખુશ થયા અને આખા પ્રવાસ દરમિયાન એ બધા ગાંધીજીની આસપાસ વીંટળાયેલા જ રહ્યા.
તમે આટલાં ઓછાં વસ્ત્રો કેમ પહેર્યાં?
ગાંધીજી જિંદગીભર બે જ વસ્ત્રો પહેરતા. ભારતને સ્વતંત્રતા અપાવવાના મુદ્દે એ વખતના ઈંગ્લેન્ડ રાજાએ ગાંધીજીને ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન આવવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. એ વખતે લંડનમાં સખત ઠંડી હતી. છતાં ગાંધીજીએ તેમનાં બે જ વસ્ત્રોમાં ઈંગ્લેન્ડના રાજાને મળવાનો આગ્રહ રાખ્યો. ઈંગ્લેન્ડના રાજાને મળવા જતી વખતે જે તે વ્યક્તિએ કોટ-પેન્ટ અને ટાઈ જેવાં વસ્ત્રો પહેરવાં તેવો પ્રોટોકોલ એટલે કે રાજકીય રીતભાત – આચારસંહિતા ફરજિયાત હતાં. રાજાના પેલેસના પ્રોટોકોલ અધિકારીઓએ ગાંધીજીને કહ્યું: `મિસ્ટર ગાંધી, તમારા અહીંના પ્રોટોકોલ પ્રમાણે વસ્ત્રો પહેરીને અમારા કિંગને મળવું પડશે.’
ગાંધીજીએ ગોરા અધિકારીઓને કહ્યું: `મારા દેશના ગરીબ લોકો અર્ધનગ્ન ફરતા હોય તો હું તમારા રાજાની શાન પ્રમાણે કોટ-પેન્ટ પહેરીને નહીં આવું. તમારા રાજાએ મને મારાં બે વસ્ત્રોમાં જ મુલાકાત આપવી હોય તો આપે.’
ઈંગ્લેન્ડના રાજાના પેલેસના અધિકારીઓએ ગાંધીજીના આગ્રહને માન્ય રાખવો પડ્યો. સખત ઠંડી હોવા છતાં ગાંધીજી એક ધોતી અને શરીર પર સીવ્યા વગરનું એક વસ્ત્ર ઓઢીને જ ઈંગ્લેન્ડના રાજાને મળ્યા તેની સામે ઈંગ્લેન્ડના રાજા પાંચમા જ્યોર્જે એક રાજવીને શોભે તેવાં અને રાજાશાહીને અનુરૂપ અનેક વસ્ત્રો પહેર્યાં હતાં.
ઈંગ્લેન્ડમાં રાજા સાથેની મુલાકાતની બાદ ગાંધીજી બહાર આવ્યા ત્યારે ત્યાં હાજર બ્રિટિશ પત્રકારોએ ગાંધીજીને પૂછ્યું: `મિસ્ટર ગાંધી, તમે આટલાં ઓછાં વસ્ત્રોમાં ઈંગ્લેન્ડના રાજાને કેમ મળ્યા?’
ગાંધીજીએ રમૂજ કરતાં કહ્યું: `તમારા રાજાએ અમને બંનેને થાય એટલાં વસ્ત્રો પહેર્યાં હતાં. અને બ્રિટિશ પત્રકારો પણ હસી પડ્યા.’
સંસદમાં રમૂજ
એક જમાનો હતો જ્યારે ભારતની સંસદમાં પણ હંગામાના બદલે હસી-મજાકનાં દૃશ્યો અને સંવાદ જોવા મળતાં હતાં.
વર્ષો પહેલાં એક વખત ડૉ. રામ મનોહર લોહિયાએ સંસદમાં રશિયાના સ્ટાલિનની પુત્રી સ્વેતલાનાને ભારતમાં શરણ આપવાની માંગણી કરી હતી. એ વખતે કોંગ્રેસના મહિલા સાંસદ અને પોતાના ગ્લેમરસ ચહેરાના કારણે જાણીતાં તારકેશ્વરી સિંહાએ ડૉ.લોહિયાને કહ્યુ: `લોહિયાજી, આપ તો બેચલર હૈ, આપને તો શાદી નહીં કી, આપ કો ઔરતો કે બારે મેં ક્યા માલુમ?’
તારકેશ્વરી સિંહાની આ ટિપ્પણીનો જવાબ આપતાં લોહિયાજીએ તત્ક્ષણ જવાબ આપ્યો: `તારકેશ્વરી, તુમને મૌકા હી કબ દિયા?’
અને બધા હસી પડ્યા.
મેરા સિર ભી કાટ કર દે દેંગે?
ભારત-ચીન યુદ્ધ બાદ ચીને પડાવી લીધેલી ભારતની ભૂમિ અંગે એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને વિપક્ષે આકરા પ્રશ્નો પૂછ્યા હતા. પંડિત નહેરુએ ચીને પડાવી લીધેલી ભારતની અકસાઈ ચીન ભૂમિ અંગે જવાબ આપતાં કહ્યું હતું કે: `ચીનને જો પ્રદેશ લિયા હૈ વહાં ઘાસ કી એક પત્તી ભી નહીં ઉગતી’
સાંસદ મહાવીર ત્યાગી કે જેઓના માથા પર ટાલ હતી તેમણે સંસદમાં કહ્યું: `મેરે સિર પર એક ભી બાલ નહીં હૈ, તો ઈસકા મતલબ ક્યા યે કિ આપ મેરા સર કાટ કર ચીનીઓ કો દે દેંગે?’
કેવો સુંદર રમૂજી કટાક્ષ!
મૈં તો ગોલ હૂં
એક જમાનામાં સ્વતંત્ર પાર્ટીના સંસ્થાપકો પૈકીના એક પીલુ મોદી ખૂબ જાડા હતા, તેઓ સાંસદ પણ હતા. એક વાર તેઓ સંસદમાં સ્પીકર તરફ પીઠ રાખીને બોલી રહ્યા હતા ત્યારે એક સાંસદે પીલુ મોદીને કહ્યું કે તમારે સ્પીકરની સામે જોઈને બોલવું જોઈએ.
પીલુ મોદીએ એ ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું: `મેરા ન તો કોઈ સામના હૈ ઔર ન પિછડા હૈ, મૈં તો ગોલ હૂં.’
અને બધા હસી પડ્યા.
અટલજીની રમૂજ
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ રમૂજી હતા. એ વાત સુવિદિત છે કે અટલજી અપરિણીત હતા. એક વાર દિલ્હીનાં એક મહિલા પત્રકાર અટલજીનો ઈન્ટરવ્યૂ લેવા ગયાં. મહિલા પત્રકારે બધા જ પ્રશ્નો પૂછી લીધા બાદ છેલ્લે એક પ્રશ્ન કર્યો: `અટલજી, આપને શાદી ક્યોં નહીં કી?’
અટલજી બોલ્યા: `અચ્છી પત્ની કી તલાશ મેં’
`તો મિલી ક્યા?’
અટલજી બોલ્યા: `હા…મિલી ભી.’
`તો ઉસસે આપને શાદી ક્યોં નહીં કી?’
અટલજી બોલ્યા: `ઉસે ભી અચ્છે પતિ કી તલાશથી!’
અને મહિલા પત્રકાર હસી પડ્યાં.
શુષ્ક રાજનીતિમાં આવી હળવી રમૂજ ક્યારેક રંગત લાવે છે અને રાજનીતિને મધુર ઝણકારથી ઝંકૃત કરે છે. સી.આર.પાટીલજી, કેરી ઓન સચ ઈનોસન્ટ હ્યુમર. તમારો રમૂજી અંદાજ સહુને પસંદ છે.