Close

સંસદમાંથી રમૂજ અને વિનોદ હવે ગાયબ કેમ?

રેડ રોઝ | Comments Off on સંસદમાંથી રમૂજ અને વિનોદ હવે ગાયબ કેમ?
દેશની પાર્લામેન્ટ  રાષ્ટ્રની લોકશાહીનું પવિત્ર મંદિર છે. સંસદનું શિયાળુ સત્ર મળ્યાના પહેલા જ અઠવાડિયામાં વિપક્ષના કેટલાક સાંસદો દ્વારા ગૃહમાં ધાંધલ-ધમાલ મચાવવાના કારણે રાજ્યસભાનો બાવન ટકા જેટલો સમય વેડફાઈ ગયો. સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ગેરશિસ્તના કારણસર રાજ્યસભાના ૧૨ સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના વિરોધમાં વિપક્ષી સાંસદોએ ગૃહનો બહિષ્કાર કર્યો હતો. સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણાં પર બેસી ગયા હતા. એ જ રીતે સંસદની કાર્યવાહી વખતે ગૃહમાં ગેરહાજર રહેતા સાંસદોના સંદર્ભમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જ પક્ષના સાંસદોને ચેતવણી આપતાં કહ્યું કે, ગૃહની કામગીરી વખતે ગેરહાજર રહેવું, ચર્ચામાં ભાગ ન લેવો અને ગમે તેમ બોલવું જેવી પ્રવૃત્તિઓ સુધારી લો. તમારી આ પ્રવૃત્તિઓમાં અને તમારામાં પરિવર્તન લાવવાનું શરૂ કરો. નહીંતર તમારું જ પરિવર્તન કરી દેવાશે.
સંસદ એ લોકતંત્રનું પવિત્ર મંદિર છે, જેની ગરિમા જળવાવી જોઈએ. આમ તો અમેરિકા એ જૂનામાં જૂની લોકશાહીનો દેશ છે પરંતુ ભારત વિશ્વનો સહુથી મોટો લોકતાંત્રિક દેશ છે પરંતુ ભારતનો પૌરાણિક ઇતિહાસ જોઈએ તો ભારતમાં પણ એક સમયે લોકશાહી વિકસી હતી.
આજકાલ ભારતની સંસદમાં ક્યારેક હંગામો થાય છે કે ક્યારેક બૂમરાણ મચે છે. ક્યારેક સંસદ સભ્યો વેલ સુધી ધસી જાય છે ત્યારે તે ઘટના મીડિયાની સુર્ખીઓમાં આવી જાય છે. ભારતની સંસદમાં ચર્ચાઓ થાય છે ત્યારે ક્યારેક વિનોદ, રમૂજ અને કટાક્ષ પણ સ્થાન લે છે. કેટલાક નેતાઓનાં પ્રવચન યાદગાર હોય છે. તાજેતરમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહેલા કોંગ્રેસના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે આતંકવાદી હુમલા વખતે ગુજરાતી પ્રવાસીઓને કરેલી મદદને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ભાવુક થયા તે સંવેદનાસભર દૃશ્યો આખા દેશે નિહાળ્યાં.
ભૂતકાળમાં પણ આવાં દૃશ્યો અનેક વાર સર્જાયેલાં છે. વિનોદ અને રમૂજ પણ થયેલાં છે.
 ડૉ.લોહિયા
વર્ષો પહેલાંની વાત છે. એક વાર ડૉ.રામમનોહર લોહિયા સંસદમાં સ્ટાલિનની પુત્રી સ્વેતલાનાને ભારતમાં શરણ આપવાની માંગ કરી રહ્યા હતા. એ વખતે કોંગ્રેસનાં સાંસદ તારકેશ્વરી સિંહાએ કહ્યુંઃ ‘લોહિયાજી, આપ તો બેચલર હૈ, આપને શાદી નહીં કી, આપકો ઔરતોં કે બારે મેં ક્યા માલુમ?’
લોહિયાજી તરત જ બોલ્યાઃ ‘તારકેશ્વરી, તુમને મૌકા હી કબ દીયા?’
નહેરુ
એવો જ એક બીજો કિસ્સો જુઓ. ભારત-ચીન યુદ્ધ બાદ એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ અકસાઈ ચીન અંગે સંસદમાં કહ્યુંઃ ‘ ત્યાં તો ઘાસનું એક પત્તું પણ ઊગતું નથી.’
એ વખતના સાંસદ મહાવીર ત્યાગી કે જેમના માથા પર ટાલ હતી. તેઓ બોલ્યાઃ ‘મારા માથા પર એક પણ વાળ નથી તો એનો મતલબ એ જ કે શું હું મારું માથું કાપીને ચીનાઓને આપી દઉં?’
વાત એમ હતી કે ૧૯૬૦ના ગાળામાં ભારતના એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન સાથે દોસ્તી કરવા પ્રયાસ કર્યો હતો અને ચીનના વડા ચાઉ એન લાઈને ભારત બોલાવી ‘હિંદી ચીન ભાઈ ભાઈ’ના નારા પોકારાવડાવ્યા હતા. તેના થોડા વખત બાદ એટલે કે ૧૯૬૨માં ચીને ભારતને અંધારામાં રાખી ભારત પર આક્રમણ કરી દીધું હતું. એ વખતે ચીને કબજે કરી લીધેલી ભારતની હજારો ચોરસ માઈલ જમીન આજે પણ ચીન ભારતને પાછી આપતું નથી.
 પિલુ મોદી
એ જમાનામાં ભારતમાં સ્વતંત્ર પાર્ટી નામનો એક પક્ષ હતો અને સંસદમાં વિપક્ષની ભૂમિકા અદા કરતો હતો. સ્વતંત્ર પાર્ટીના સંસ્થાપકો પૈકીના એક એવા પિલુ મોદી વજનમાં ભારે મોટા હતા. રમૂજી સ્વભાવના હતા. એક વાર સંસદમાં સ્પીકરની તરફ પીઠ રાખીને તેઓ બોલી રહ્યા હતા તો એક સાંસદે તેમનું ધ્યાન દોરતાં કહ્યું કે, સ્પીકર તરફ જોઈને બોલવું જોઈએ.
પિલુ મોદીએ તરત જ જવાબ આપતાં કહ્યું કે, ‘મેરા ન તો કોઈ સામના હૈ ઔર ન પિછડા હૈ, મૈં તો ગોલ હૂં.’
 આચાર્ય કૃપલાણીજી
આચાર્ય કૃપલાણીજી રમૂજી સ્વભાવના હતા. એક વાર તેઓ સંસદમાં કોંગ્રેસની આલોચના કરી રહ્યા હતા. જોગાનુજોગ તેમનાં પત્ની સુચેતા કૃપલાણી કોંગ્રેસમાં હતાં. એક સાંસદે ઊભા થઈને કહ્યંુઃ ‘આપ ઐસી પાર્ટી કી આલોચના કર રહે હૈ જો પાર્ટી આપ કી પત્ની કો પ્રિય હૈ.’
કૃપલાણીજી તરત જ બોલ્યાઃ ‘અભી તક મૈં સમજતા થા કી કોંગ્રેસ કે લોગ બેવકૂફ હૈં લેકિન અબ મુઝે પતા ચલા કી વો બેવકૂફ હી નહીં ગુન્ડે ભી હૈં જો દૂસરોં કી પત્ની ભગા કર લે જાતે હૈં.’
આવા કૃપલાણીજી ઘણી વાર ગુજરાત આવતા હતા. અમદાવાદમાં ભદ્ર પાસે આવેલા જૂના કોંગ્રેસ ભવનમાં પત્રકારોને મળતા અને તેમની રમૂજથી સહુને આનંદ કરાવતા.
 પી.કે.બીજુ
તા.૨૯ એપ્રિલ, ૨૦૧૦ની લોકસભામાં સચ્ચર કમિટીની ભલામણો પર ચર્ચા થઈ રહી હતી. એ વખતે સાંસદ પી.કે.બીજુ તેમને અપાયેલા સમય કરતાં વધુ ને વધુ બોલી રહ્યા હતા.
લોકસભાના એ વખતના સ્પીકરે તેમને ચેતવણી આપતાં કહ્યુંઃ ‘અપના પૂરક પ્રશ્ન પૂછીએ.’
પી.કે.બીજુએ કહ્યુંઃ ‘મેડમ, મૈં કેરલ સે આ રહા હૂં.’
સ્પીકરે કહ્યુંઃ ‘જલદી આઈયે.’
 તાંડવ નૃત્ય
તા.૨૧ નવેમ્બર, ૨૦૦૭ના રોજ નંદીગ્રામમાં એલઈઝેડના મુદ્દે ચર્ચા થઈ રહી હતી. સંસદમાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુંઃ ‘મૈં ઈતના કહુંગા કિ યહ સદન સત્ય તક યૂં પહુંચના ચાહતા હૈં ઔર સત્ય કે શિવ કહતે હૈં શિવ તક પહુંચને કે લિયે નંદી કો પાર કરના પડતા હૈ, સોમનાથજી યહાં બૈઠે
હુએ હૈં’
એ વખતના સ્પીકર સોમનાથ ચેટરજીએ મજાક કરતાં કહ્યુંઃ ‘પર આપ લોગ ઐસા મત કિજીયે કિ હમેં તાંડવ નૃત્ય કરના પડે.’
વાજપેયીજી
– વર્ષો પહેલાંની વાત છે. એ નહેરુ યુગ હતો. એક જમાનામાં જવાહરલાલ નહેરુની લોકપ્રિયતા ટોચ પર હતી. એ વખતે અટલજી એક યુવાન સાંસદ જનસંઘની ટિકિટ પર ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. અટલજી નહેરુના ટીકાકાર પણ હતા પરંતુ એક વાર અટલજીનું પ્રવચન સાંભળી નહેરુએ તેમને પાસે બોલાવી પૂછયુંઃ ‘આપ કહાં કે રાજકુમાર હો?’
યુવા અટલજીએ કહ્યુંઃ ‘મૈં કિસી રાજા કા બેટા નહીં હૂં, મૈં એક શિક્ષક કા બેટા હૂં.’
અટલજીનું પ્રવચન સાંભળીને એ વખતના દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ અટલજી માટે કહ્યું હતુંઃ ‘યે યુવાન એક દિન દેશ કા પ્રધાનમંત્રી બનેગા.’
અને એક દિવસ નહેરુની ભવિષ્યવાણી સાચી પડી. અટલજી દેશના લોકપ્રિય વડાપ્રધાન બન્યા અને વિપક્ષો પણ તેમનો આદર કરતા હતા.
 સુરેશ પ્રભુ
કેટલાંક વર્ષો પહેલાં મહારાષ્ટ્રના નેતા સુરેશ પ્રભુ દેશના રેલવે મંત્રી હતા. સંસદમાં રેલવે બજેટ રજૂ કરી રહ્યા હતા. રેલવે નવી કઈ કઈ યોજનાઓ શરૂ કરવા માંગે છે તેનું વિગતવાર વર્ણન કર્યા બાદ સંસદમાં ઉપર જોઈને બોલ્યાઃ ‘હે પ્રભુ, યે સબ કે લિયે પૈસા કહાં સે આયેગા?’
થોડી વાર બાદ તેઓ બોલ્યાઃ ‘વહ પ્રભુને તો નહીં બતાયા લેકિન અબ યે પ્રભુ બતાયેગે કિ પૈસા કહાં સે આયેગા?’
 બ્રિટિશ પાર્લામેન્ટ
બ્રિટિશ પાર્લામેન્ટમાં એ દિવસે વિરોધ પક્ષના સભ્ય મિ.વિલિયમ્સ હિક્સ પ્રવચન કરી રહ્યા હતા. સંસદસભ્યો મંત્રમુગ્ધ થઈ તેમને સાંભળી રહ્યા હતા. તેમનું પ્રવચન સચોટ અને મુદ્દાસરનું હતું. પ્રવચન કરતી વખતે તો તેઓ તેમના પ્રવચનની અસર બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પર શું થાય છે તે પણ જોઈ રહ્યા હતા. તેમણે જોયું તો ચર્ચિલ તેમના પ્રવચન દરમિયાન તેમની સાથે અસહમત હોય તેમ નકારમાં માથું ધુણાવતા હતા.
આ દૃશ્ય જોઈને પ્રવચન કરી રહેલા હિક્સ ગુસ્સે થઈ ગયા અને ઉશ્કેરાટના આવેશમાં બોલ્યાઃ ‘હું તો ફક્ત મારું મંતવ્ય જ વ્યક્ત રહી રહ્યો છું.’
વડાપ્રધાન ચર્ચિલે ઠંડા કલેજે જવાબ આપતાં કહ્યુંઃ ‘હું તો મારું પોતાનું માથું જ ધુણાવી રહ્યો છું, બીજાનું નહીં.’
વડાપ્રધાન ચર્ચિલનો જવાબ સાંભળી બ્રિટિશ સંસદના સભ્યો ખડખડાટ હસી પડયા.
 વિન્સ્ટન ચર્ચિલ
વિન્સ્ટન ચર્ચિલ એક સમયે બ્રિટનના વડાપ્રધાન હતા. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે એડોલ્ફ હિટલર સામે બ્રિટન અને સાથી દેશોને જીત અપાવી હતી. ચર્ચિલ વ્હિસ્કી પીવાના શોખીન હતા. સવારથી જ તેઓ થોડી થોડી વ્હિસ્કી પીતા. બ્રિટિશ પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે પણ વચ્ચે વચ્ચે તેમની ઓફિસમાં કામ કરતી વખતે એકાદ પેગ મારી લેતા. એક વાર સંસદ ચાલુ હતી. તેમની ઓફિસમાં પડેલો વ્હિસ્કીનો ગ્લાસ લઈ ભૂલથી તેઓ ગૃહમાં જતા રહ્યા. તેમના હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ જોઈ વિપક્ષના એક સભ્યે ટકોર કરીઃ ‘માનનીય પીએમ સર ગૃહમાં વ્હિસ્કીનો ગ્લાસ લઈને આવ્યા છે!’
પોતાની ભૂલ સમજાતાં વિન્સ્ટન ચર્ચિલ બોલ્યા ‘ઓહ! ઈસ ધિસ વ્હિસ્કી? આઈ થોટ ઈટ ઈઝ યલો વોટર.’
એમ કહી તેમણે વ્હિસ્કીનો ગ્લાસ નીચે મૂકી દીધો.
આજકાલ બ્રિટિશ પાર્લામેન્ટ કે ભારતની સંસદમાં આવી રમૂજ અને વિનોદ ગાયબ છે.
ભારતે જે શ્રોષ્ઠ સ્પીકર્સ આપ્યા છે તેમાં એક હતા નીલમ સંજીવ રેડ્ડી. તેઓ જે રીતે ગૃહનું સંચાલન કરતા તે અવિસ્મરણીય છે. એ જ રીતે લોકસભાનાં પૂર્વ સ્પીકર મીરાં કુમાર પણ અત્યંત મીઠી વાણીમાં લોકસભાનું સંચાલન કરતાં હતાં.
અત્યારની પેઢીને તો જેમનું નામ પણ યાદ નહીં હોય તેવા એક કુશળ સ્પીકર ગુજરાત વિધાનસભામાં હતા. એ જમાનામાં ગાંધીનગરનું અસ્તિત્વ નહોતું. ગુજરાત રાજ્યનું સચિવાલય અમદાવાદમાં હતું અને ગુજરાત વિધાનસભા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે જ્યાં ઓ.પી.ડી. છે તે બિલ્ડિંગમાં બેસતી. એ વખતના સ્પીકર પાલેજવાલાને ગૃહનું સંચાલન કરતા જોવા એ એક લહાવો હતો.     DEVENDRA PATEL

Be Sociable, Share!