Close

સદામે પોતાના જ ફૌજીઓને ગોળી મારી દીધી

રેડ રોઝ | Comments Off on સદામે પોતાના જ ફૌજીઓને ગોળી મારી દીધી

કુવૈત ખાલી કરવાનો ઈન્કાર કરી દેનાર ઈરાક પર અમેરિકા અને તેનાં સાથી દળોનાં યુદ્ધ વિમાનોએ ખતરનાક હુમલો કર્યો. ઇરાકની રાજધાની બગદાદ પર હજારો બોમ્બ વરસાવ્યા, ૧૮ ટન દારૂગોળો ઠાલવી દીધો. સદામ હુસેન બંકરમાં ચાલ્યા ગયા .

અલબત્ત, અમેરિકા અને સાથીદળોના હવાઈ હૂમલાનો જવાબ આપવા ઈરાકે ઈઝરાયેલ પર સ્કડ મિસાઈલ છોડી. સ્કડ મિસાઈલ મૂળ રશિયન બનાવટની હતી. તે પછી જર્મન ટેકનોલોજીની મદદથી તેને વિકસાવવામાં આવી હતી. ઈરાકે આવી જ બીજી એક મિસાઈલ સાઉદી અરેબિયા પર ફેંકી પરંતુ અમેરિકાએ ગોઠવેલી મિસાઈલ વિરોધી પેટ્રીઅટ મિસાઈલે તેને આકાશમાં જ તોડી નાંખી. સ્કડ મિસાઈલની રેંજ ૪૦૦ કિલોમીટરની હતી. તેમાં સામાન્ય દારૂગોળાથી માંડીને જંતુ ફેલાવે તેવો વાયરસ કે રાસાયણિક બોમ્બ પણ જોડી શકાય તેમ હતું.

અમેરિકા અને સાથી દળોએ કરેલા હવાઈ હૂમલાથી ઈરાકની ૬૦૦ ટેંકોનો ખાત્મો બોલાવી દેવાયો. ઈરાકે ઈઝરાયેલ પર સ્કડ મિસાઈલ છોડી તેની પાછળ ગણતરી એવી હતી કે ઈઝરાયેલ વળતો હૂમલો કરે તો ઈઝરાયેલનાં કટ્ટર વિરોધી મુસ્લીમ રાષ્ટ્રોનો ઈરાકને ટેકો મળી રહે પરંતુ અમેરિકાની સલાહથી ઈઝરાયેલે ઈરાક પર વળતો હૂમલો ના કર્યો.

અલબત્ત, એવું તો થયું કે ઈરાકના ઈઝરાયેલ પરના હૂમલાથી જોર્ડનના લોકો ઈરાકના ટેકામાં રસ્તાઓ પર આવી ગયા.

ઈરાક પાસે હજુ છૂપાં રોકેટ લોન્ચર્સ હતાં. એ શોધવા અમેરિકાએ જાસૂસી ઉપગ્રહો કામે લગાડયા. યુદ્ધનું કવરેજ કરવા ગયેલા વિદેશી પત્રકારોને હવે હોટલ છોડવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ કારણકે પાણીની તંગી પેદા થઈ. ઈરાક પરના સતત હૂમલાના કારણે વિશ્વભરની મસ્જીદોમાં ઈરાકના લોકોની સલામતી માટે બંદગીઓ થવા લાગી. પ્રેસીડેન્ટ બુશને વ્હાઈટ હાઉસના શયતાન જાહેર કરવામાં આવ્યા. બીજી બાજુ અમેરિકાએ ઈરાક પર રોજના બે હજાર હવાઈ હૂમલા ચાલુ રાખ્યા. તેના વિરોધમાં લંડનના એક મુસ્લીમ સંગઠને બ્રિટીશ સરકારને આવેદનપત્ર આપીને કહ્યું કે ઈરાકમાં અમારા ભાઈ-બહેનોની હત્યા બંધ કરો.

એ કશાયની પરવા કર્યા વિના અમેરિકાએ ઈરાક પર ક્રૂઝ મિસાઈલો છોડી. ક્રૂઝ મિસાઈલની ખૂબી એ છે કે તે બીજી મિસાઈલોની સરખામણીમાં ચાલાક અને છેતરામણી હોય છે. તે જમીનની નજીક જ જમીનને સુંઘતી ઉડતી હોય છે તે પર્વત કે ખીણ આવે તો આપોઆપ લપાતી છૂપાતી જ ઉપર કે નીચે જતી રહે છે. તેથી દુશ્મનના રડારમાં આવતી નથી.

બગદાદની અલ રશીદ હોટલમાં બેઠેલા સીએનએનના પત્રકાર પીટર આર્નેટ તો હોટલની બારીની નજીકથી જ પસાર થયેલી ક્રૂઝ મિસાઈલને જોઈ દંગ રહી ગયા.

બીજા દિવસે ઈરાકે સીએનએનના પત્રકાર પીટર આર્નેટ સિવાયના બીજા તમામ પત્રકારોને ઈરાકમાંથી કાઢી મૂક્યા. તેમની પર અતિશયોક્તિભર્યા અહેવાલો રજૂ કરવાનો આક્ષેપ હતો.

તા.૨૨-૧-૧૯૯૧ના રોજ યુદ્ધ પાંચ દિવસનું થયું. ઈરાક હજુ સ્કડ મિસાઈલો છોડી રહ્યું હતું. સ્કડ મિસાઈલો છોડવાનું છૂપું સ્થળ શોધી કાઢવાનું કામ અમેરિકાએ આવાક્સ વિમાનોને સોંપ્યું. સ્કડ મિસાઈલ જયારે છોડવામાં આવે છે ત્યારે તેમાંથી કેટલાક ઈલેક્ટ્રિક સિગ્નલો નીકળે છે. તે સિગ્નલો પકડી શકવાની ક્ષમતા આવાક્સ વિમાનોમાં હતી.

દરમિયાન બગદાદનું બંધ પડેલું ટીવી સ્ટેશન ચાલુ થયું. બગદાદની અલ રશીદ હોટલમાં જનરેટરની મદદથી વિજળી ચાલુ કરવામાં આવી.

આ યુદ્ધ જીતવા માટે અમેરિકા અને સાથીદળો જે હૂમલા કરતાં હતા તેનું રોજનું ખર્ચ ૫૦ કરોડ ડોલર સુધી પહોંચ્યું. અમેરિકા દ્વારા છોડવામાં આવતી ક્રૂઝ મિસાઈલની એ વખતની કિંમત ૧૫ લાખ ડોલર હતી. પહેલા જ દિવસે આવી ૧૦૦ મિસાઈલ છોડવામાં આવી હતી. ઈરાકની સ્કડ મિસાઈલને આકાશમાં જ આંતરી તેને નષ્ટ કરવા માટે અમેરિકા દ્વારા વપરાતી પેટ્રીઅટ મિસાઈલની એ વખતની કિંમત ૧૧ લાખ ડોલરની હતી.

આ યુદ્ધ શરૂ થયા બાદ ખુદ અમેરિકાના જ નાગરિકોનો એક સમૂહ યુદ્ધની ખિલાફ હતો. અમેરિકાના જ સુપ્રસિદ્ધ અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’એ તા.૧૫ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ લખ્યું કે ‘અમેરિકી કોંગ્રેસના જે સભ્યો આ યુદ્ધની તરફેણ કરે છે તેમને આ દેશનાં બાળકો અને ઈતિહાસ કદી માફ નહીં કરે.’

યુદ્ધ છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું ત્યાં સુધીમાં અમેરિકા અને તેનાં સાથી દેશોના દળોએ ૮૧૦૦થી વધુ યુદ્ધ વિમાનો ઉડાડયાં. ઈરાકનાં ૧૭ વિમાનો તોડી પાડયાં. સાતમા દિવસે અમેરિકાના સંરક્ષણ વિભાગનાં યુદ્ધ વિમાનોએ ૧૦ હજાર ઉડ્ડયનો કર્યા હોવાની જાહેરાત કરી.

પરાજય થાય તો તેલના કુવાઓનો લાભ અમેરિકા લઈ ના શકે તે હેતુથી ઈરાકનાં દળોએ કુવૈતના તેલના કુવાઓને આગ લગાડી દીધી. જાણે કે કુવૈત કાળા ધૂમાડાઓ હેઠળ ઢંકાઈ ગયું.

તા.૨૬-૧-૧૯૯૧ સુધીમાં અમેરિકા અને તેનાં સાથી દેશોનાં દળોએ એક લાખથી વધુ બોમ્બ ઈરાક પર ઝીંકી દઈ ઈરાકને તબાહ કરી દીધું. ગલ્ફના દેશમાંથી નીકળતા ઝેરી વાયુઓના કારણે અવકાશમાં દુનિયાને કિરણોત્સર્ગથી બચાવતા ઓઝોનના લેયરને ભારે નુકસાન પહોંચ્યું.

જર્મનીના પાટનગર બોન ખાતે અઢી લાખ લોકોએ એકત્ર થઈ અમેરિકા દ્વારા ખેલાતા આ યુદ્ધનો વિરોધ કર્યો. પરંતુ અમેરિકાને તેની પરવા નહોતી. તે હજુ સદામ હુસેનનાં કહેવાતાં છૂપાં અણુશસ્ત્રોની શોધમાં હતું. બીજી બાજુ ઈરાકે કુવૈતના તેલના કુવાઓને આગ લગાડયા બાદ રોજનું એક લાખ બેરલ ખનીજ તેલ દરિયામાં વહાવી દેવાનું શરૂ કર્યું જેથી દરિયાઈ જળચર જીવ સૃષ્ટિ માટે ખતરો પેદા થયો.

આ યુદ્ધની ભયાનક્તા જોઈ ઈરાકીઓ તેમનો દેશ છોડી નજીકના પડોશી દેશ જોર્ડનમાં આશરો લેવા માંડયા. બીજી બાજુ ઈરાકી પાર્લામેન્ટની બેઠક ગુપ્ત બંકરમાં મળી. તેમાં અમેરિકા પર ત્રાટકી શકે તેવા વિમાન પાયલોટોની આત્મઘાતી ટૂકડી તૈયાર કરવા નિર્ણય લેવાયો.

આ યુદ્ધ દરમિયાન રશિયા ખાનગીમાં ઈરાકને મદદ કરે છે તેવો આક્ષેપ થયો. બીબીસીએ એવો આક્ષેપ કર્યો કે હજુ ૧૦૦ રશિયન નિષ્ણાતો ઈરાકમાં છે. રશિયાએ આ આક્ષેપ નકારી કાઢતાં કહ્યું કે અમારા ૪૧ માણસોનો જ સ્ટાફ ઈરાકમાં અમારી એલચી કચેરીમાં છે.

નોંધપાત્ર વાત એ હતી કે અમેરિકાના હવાઈ હૂમલાઓ સામે બગદાદને પૂરતું સંરક્ષણ આપવામાં નિષ્ફળ નીવડયાના આરોપસર સદામ હુસેને તેના વાયુ દળ એર ડિફેન્સ મોરચાના કેટલાક વરિષ્ઠ એરફોર્સ કમાન્ડોને ગોળીઓ મારી દીધી. આ માહિતી રશિયાએ જ અમેરિકાને આપી.

ઈરાકમાંથી હવે તમામ વિદેશી પત્રકારોને કાઢી મૂકવામાં આવ્યા હતા પરંતુ એકમાત્ર સીએનએનના પત્રકાર પીટર આર્નેટને જ ઈરાકમાં રહેવાની છૂટ આપવામાં આવી હતી. બગદાદની અલ રશીદ હોટલમાં રહેતા પીટર આર્નેટને કહેવામાં આવ્યું કે તમારે આજે એક ખાસ વ્યક્તિને મળવાનું છે. પીટર તૈયાર થઈ ગયા. પીટરને બગદાદથી દૂર એક ખાનગી સ્થળે લઈ જવાયા. એમણે આૃર્ય સાથે જોયું તો તેઓ હવે ઈરાકના પ્રેસીડેન્ટ સદામ હુસેનની સામે ઊભા હતા. સદામ હુસેને લીલા રંગનો સુટ અને ટાઈ પહેરેલાં હતાં. ઈન્ટરવ્યુ દરમિયાન ઈરાકી ટીવીના કેમેરામેન હાજર હતા પરંતુ પીટર આર્નેટે માત્ર ટેપ રેકોર્ડર જ વાપરવાનું હતું.

પીટરે પૂછયું: ‘તમે દરિયામાં તેલ શા માટે ઢોળી દો છો?’

સદામ હુસેન કહ્યું: ‘અમેરિકા દરિયામાં રહેલાં મારાં ઓઈલ ટેંકરો પર બોમ્બમારો કરે છે ત્યારે તેલ દરિયામાં ઢોળાતું નથી?’

પીટરે પૂછયું: ‘તમે રાસાયણિક કે જંતુ શાસ્ત્રો વાપરશો?’

સદામ હુસેને કહ્યું: ‘તેનો આધાર અમેરિકા અને તેનાં સાથી દેશોના દળો કેવાં શસ્ત્રો અમારી સામે વાપરે છે તેની પર છે?’

પૂરા દોઢ કલાક ઈન્ટરવ્યૂ ચાલ્યો. તે પછી પીટરનો અહેવાલ સેન્સર થયો જે તેમણે સીએનએન હેડક્વાટર્સને મોકલી આપ્યો. પીટરે અંતમાં એટલું જ કહ્યું કે સદામ હુસેનની કેટલીક વાતો ધ્રુજી જવાય તેવી છે!’

(ક્રમશઃ)

www.devendrapatel.in

 

Be Sociable, Share!