Close

સરદારે કહ્યું: ‘તમે પાકિસ્તાન જતા નથી

રેડ રોઝ | Comments Off on સરદારે કહ્યું: ‘તમે પાકિસ્તાન જતા નથી

ફારૂખ અબ્દુલા આજે કેટલાક વિવાદીત બયાનો માટે ચર્ચામાં છે ત્યારે તેમના પિતા શેખ અબ્દુલા સાથે સંકળાયેલી એક ઐતિહાસિક ઘટના જાણવા જેવી છે.

 ૧૯૪૭માં બ્રિટિશરોએ વિદાય પહેલાં ભારતના ભાગલા પાડયા. કાશ્મીરનો પ્રશ્ન વિવાદીત હતો. પાકિસ્તાન કાશ્મીર પર દાવો કરી રહ્યું હતું.

પાકિસ્તાનના સર્જક મોહમંદ અલી ઝીણાએ સૈન્ય દ્વારા કાશ્મીર પર આક્રમણ કરી દીધું હતું. એ વખતે કાશ્મીરના મહારાજા તરીકે રાજા હરિસિંહ હતા અને તેમની સરકારના પ્રધાનમંત્રી તરીકે મેહરચંદ મહાજન હતા.

હવે એક નાટયાત્મક ઘટના જુઓ.

તા.૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નિવાસસ્થાને જમ્મુ અને કાશ્મીરના ભાવિ અંગે નિર્ણય લેવા મહત્ત્વની મિટિંગ ચાલુ હતી. મિટિંગમાં દેશના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હાજર હતા.

જમ્મુ અને કાશ્મીરના પ્રધાનમંત્રી મેહરચંદ મહાજન જુસ્સાભેર કહી રહ્યા હતાઃ ‘મને લશ્કર આપો. તમારે શેખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ પાર્ટીને જે સત્તાઓ આપવી હોય તે આપો પરંતુ લશ્કર તો આજે જ હવાઈમાર્ગે શ્રીનગર પહોંચવું જોઈએ. તમે જો એમ નહીં કરો તો હું પાકિસ્તાન જઈ મોહમ્મદ અલી ઝીણાને મળીશ અને ગમે તે સંધિ કરીશ. ગમે તે ભોગે શ્રીનગર બચાવી લેવું જોઈએ’

ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ આ રજૂઆત સાંભળી રહ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના પ્રધાનમંત્રીની આ ધમકીથી નહેરુ ગુસ્સે ભરાયા અને મહાજનને કહી દીધું: ‘ગો અવે?’

મેહરચંદ મહાજન તરત જ ઊભા થયા અને રૂમ છોડવાની તૈયારી કરતા હતા ત્યાં જ સમયની નજાકત પારખી જઈને સરદાર પટેલે મહાજનને અટકાવ્યા. તેમણે ધીમેથી મહાજનના કાનમાં કહ્યું: ‘ચોક્કસ….તમે પાકિસ્તાન જતા નથી.’

છેલ્લાં કેટલાંક વખતથી જમ્મુ અને કાશ્મીરના પ્રધાનમંત્રી લાહોર-પાકિસ્તાન જઈ પાકિસ્તાન સાથે ભળી જવાની કોશિશ કરવાના છે તે વાતો ઘુમરાતી હતી. આજની મહાજનની ધમકી એ વાતનો નિર્દેશ કરતી હતી.

બરાબર એ જ વખતે એટલે કે મહાજન રૂમ છોડી જાય તે પહેલાં કોઈ માણસ એક નાનકડી ચિઠ્ઠી વડાપ્રધાન નહેરુના હાથમાં મૂકીને જતો રહ્યો.

વાત એમ હતી કે, આ ચર્ચા ચાલતી હતી તે જ વખતે વડાપ્રધાનના નિવાસસ્થાનમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતા શેખ અબ્દુલ્લા પણ મહેમાન તરીકે રોકાયેલા હતા. તેઓ બીજા પણ નજીકના રૂમમાં જ બેઠાં બેઠાં મહાજન અને નહેરુ વચ્ચેની ટપાટપી સાંભળી રહ્યા હતા. તેમને ગંભીરતાનો ખ્યાલ આવી જતાં તાબડતોબ એક ચિઠ્ઠી લખી વડાપ્રધાન નહેરુને મોકલી આપી. તેમાં લખ્યું હતું: ‘મહાજન જે વિચારે છે તેની સાથે હું સંમત છું’

અને નહેરુ તરત બોલ્યાઃ ‘મહાજન જે વિચારે છે તે જ મત શેખ અબ્દુલ્લાનો છે.’

અને તે જ ક્ષણે વડાપ્રધાન જવાહરલાલનો અભિગમ બદલાઈ ગયો.

આઝાદી પછી જમ્મુ અને કાશ્મીરમાં જે પ્રજાકીય સરકાર બને તેના વડા તરીકે શેખ અબ્દુલ્લા આવવા માંગતા હતા અને તેઓ મોહમ્મદ અલી ઝીણાના વિરોધી હતા એટલું જ નહીં, પરંતુ જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવે તે વાતના પણ વિરોધી હતા.

આ ઘટના એ વખતના જમ્મુ અને કાશ્મીરના પ્રધાનમંત્રી મેહરચંદ મહાજન દ્વારા જ લખાયેલા પુસ્તક ‘લુકિંગ બેક’માં આલેખવામાં આવી છે. આ પુસ્તક પહેલાં ૧૯૬૩માં અને તે પછી ૧૯૯૫માં ફરી પ્રકાશિત થયું હતું. હવે ફરી એકવાર મહાજન દ્વારા જ અગાઉ લખાયેલાં પણ ઘરમાં જ સચવાયેલા કેટલાંક નવા પ્રકરણો સાથે પ્રકાશિત થઈ રહ્યું છે.

મેહરચંદ મહાજન મૂળ તો પંજાબના જાણીતા ધારાશાસ્ત્રી હતા. તે પછી ૧૯૪૭માં પંજાબ હાઈકોર્ટના જજ બન્યા. ઓક્ટોબર ૧૯૪૭ના ગાળા દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંત્રી તરીકે નીમાયા. તે પછી તેમના સ્થાને શેખ અબ્દુલ્લા આવ્યા ત્યાર પછી મેહરચંદ મહાજન સુપ્રીમ કોર્ટના જજ બન્યા અને ૧૯૫૪માં નિવૃત્ત થયા.

કાશ્મીરના મહારાજા હરિસિંહના પુત્ર ડો.કરણસિંહ કહે છેઃ ‘જમ્મુ અને કાશ્મીરના ભાવિ અંગેનીએ સૂચક મિટિંગના એકમાત્ર સાક્ષી મહાજન હતા.’

તા.૨૬ ઓક્ટોબર ૧૯૪૭ની એ હાઈવોલ્ટેજ ડ્રામાથી ભરેલી મિટિંગ દરમિયાન પાકિસ્તાનમાંથી ઘણા સશસ્ત્ર લોકો શ્રીનગરનો કબજો લેવા શ્રીનગરની સરકાર સુધી આવી ગયા હતા. એ વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહ કાશ્મીરને એશિયાનું સ્વિત્ઝર્લેન્ડ બનાવવા માટે કાશ્મીરને સ્વતંત્ર રાખવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કરી દેતાં મહારાજાએ ભારત સાથે ભળી જઈ ભારતીય સૈન્યની મદદથી કાશ્મીરને પાકિસ્તાનના કબજામાં જતું બચાવી લેવા નિર્ણય કર્યો હતો. મહારાજાએ પહેલાં આ સંદર્ભમાં જ તેમના નાયબ પ્રધાનમંત્રી રામલાલબત્રાને તેમના વતી ભાઈ સરકાર સાથે વાટાઘાટો કરવા દિલ્હી મોકલ્યા હતા અને ભારત સાથે ભળી જવાની દરખાસ્ત પણ મોકલી શ્રીનગરને બચાવી લેવા આર્મીની માંગણી કરી હતી, પરંતુ શ્રીનગરમાં ભારતીય લશ્કરને ઉતારવાની તેમની માંગણી અંગે સંતોષજનક જવાબ મળ્યો નહોતો.

એ પછી મોહંમદ અલી ઝીણાએ શ્રીનગરમાં ઈદ મનાવવાની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં ઝીણાએ તેમના પાકિસ્તાની લશ્કરના બીટીશ કમાન્ડર ઈન ચીફને બે બ્રીગ્રેડ દ્વારા તા. ૨૭ ઓક્ટોબરના રોજ કાશ્મીર પર ચઢાઈ કરવા હુકમ કર્યો હતો. તેમાંની એક એટલે કે સિયાલકોટ બ્રીગેડ જમ્મુ લેવાનું હતું અને રાવલપિંડી બ્રીગેડ શ્રીનગર કબજે કરવાનું હતું પરંતુ બ્રિટિશ કમાન્ડરે યુ.કે.ના જ એક ભાગ (ભારત) દ્વારા બીજા ભાગ (પાકિસ્તાન) પર આક્રમણ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.   આ કારણે તા.૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ની મિટિંગ થઈ.

મહારાજા હરિસિંહે કરેલી વિનંતી પ્રમાણે ભારત સરકારે શ્રીનગરમાં લશ્કર ઉતારવાની વાત માન્ય રખાતાં કાશ્મીરે હવે ભારત સાથે ભળી જવાનો નિર્ણય કર્યો છે તે વાતની જાણ થતાં માણસે અગાઉ આવેલા લશ્કરી હુકમો તેમણે જ રદ કર્યા હતા.

૨૬મી ઓક્ટોબરની એ મહત્ત્વપૂર્ણ બેઠક બાદ બીજા જ દિવસે સવારે ભારતીય વાયુદળનાં વિમાનો શ્રીનગરમાં ઉતર્યા. શ્રીનગરમાં ભારતીય લશ્કરને ઉતારવામાં આવ્યું. આખા કાશ્મીરને પાકિસ્તાનના કબજા હેઠળ જતું બચાવી લેવાયું અને અપાયેલા વચન પ્રમાણે જમ્મુ અને કાશ્મીરના વડા તરીકે સત્તાનાં સૂત્રો શેખ અબ્દુલ્લાને સુપ્રત કરાયાં. મહારાજાએ પણ ભારત સરકારને આપેલું વચન નિભાવ્યું અને શેખ અબ્દુલ્લાએ નહેરુની ઈચ્છા પ્રમાણે જમ્મુ અને કાશ્મીરના વહીવટી વડા તરીકે શપથ લીધા. કેટલાંક મહિનાઓ પછી તેમણે તેજ રાજ્યના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા.

આવી છે ફારૂખ અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લા અને કાશ્મીરને બચાવી લેવામાં સરદાર સાહેબના રોલની કહાણી

Be Sociable, Share!