Close

સરદાર પાકિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ ઈચ્છતા હતા

રેડ રોઝ | Comments Off on સરદાર પાકિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ ઈચ્છતા હતા

તા.૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ છે. તા.૩૧મી ઓક્ટોબર, ૧૮૭૫ના રોજ તેમનો જન્મ તેમના મોસાળ નડિયાદ ખાતે થયો હતો. પરંતુ આ વખતે એમનો જન્મ દિવસ દેશના ઈતિહાસમાં એક નવા સીમાચિહૃન રૂપ બની જશે. આવી રહેલી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ સરદાર સરોવર બંધની સામે સાધુ બેટ ખાતે  સરદાર સાહેબની ૧૮૨ મીટર ઊંચાઈ ધરાવતી વિરાટ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વને સર્મિપત કરશે.

સરદાર વલ્લભભાઈ પટેલની આ વિરાટ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું નામ આપવામાં આવ્યું છે. જેઓ અમેરિકા ગયા છે તેમણે ન્યૂયોર્ક નજીક સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વિશાળ પ્રતિમાને નિહાળી હશે. એવી જ એક વિરાટ પ્રતિમા બ્રાઝિલના રિઓ-ડી-ર્જનેરો ખાતે જીસસ ક્રાઈસ્ટની છે. આ બંને પ્રતિમાઓ વિશ્વભરના સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. હવે રૂ. ૩૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી સરદાર પટેલની પ્રતિમા પણ વિશ્વભરના સહેલાણીઓને આકર્ષશે. ન્યૂયોર્ક ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈ ૯૩ મીટરની છે, પરંતુ સરદાર પટેલની આ પ્રતિમા તેના કરતા બમણી એટલે કે ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવે છે.

આ પ્રતિમાની નોંધપાત્ર વાત એ છે કે સરદાર સાહેબના આ સ્મારકની નીચેથી એક લિફટ દ્વારા ઉપર જઈ શકાશે અને એક ઝરૂખામાંથી ૨૦૦ મુલાકાતીઓ એક સાથે ૪૦૦ ફૂટની ઊંચાઈએથી સાતપૂડા પર્વતમાળાની તળેટીનાં હૃદયંગમ દ્રશ્યો નિહાળી શકશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૫૭૦૦ મેટ્રિક ટન હાઈગ્રેડ સ્ટ્રકચરલ સ્ટીલ, ૧૮,૫૦૦ મેટ્રિક ટન રિઈન્ફોર્સમેન્ટ સ્ટીલ, ૮ મીલીમીટર જાડાઈનું ૨૨,૫૦૦ મેટ્રિક ટન કાંસુ તથા ૭૫ હજાર ઘન મીટર કોંક્રિટ વાપરવામાં આવ્યાં છે. ૨૫૦૦ જેટલા સ્કીલ્ડ ઈજનેરો અને કામદારોના રાત-દિવસના પરિશ્રમનું આ પરિણામ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ પ્રતિમાની ડિઝાઈન રામ. વી. સુથારે તૈયાર કરી હતી. આ સ્થળે ભવિષ્યમાં એક્ઝિબીશન હોલ, મ્યુઝિયમ, ઓડિયો વિઝુયલ્સ, લાઈટસ એન્ડ સાઉન્ડ શો પણ તેનાં આકર્ષણો હશે.

આ બધું થઈ રહ્યું છે તેની બધાંને ખુશી છે, પરંતુ એક સવાલ એ પણ થાય છે કે સરદાર સાહેબના આવા ભવ્ય સ્મારકનું નિર્માણ આટલું મોડું કેમ?

આ દેશમાં જયારે પણ કંઈ બને છે ત્યારે દરેકના હોઠ પર એક જ વાત હોય છેઃ ‘આજે સરદાર સાહેબ હોત તો?’

પાકિસ્તાન છાશવારે ભારતની સરહદમાં ઘૂસી ભારતના જવાનોની હત્યા કરી નાંખે છે. થોડા-થોડા દિવસે પાક.પ્રેરિત આતંકવાદીઓ કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવે છે. ચીન અરૂણાચલથી માંડીને ડોકલામમાં પોતાનો અડ્ડો જમાવવા કોશિશ કરે છે. આ બધા કરતૂતો સામે ભારત સખ્તાઈથી કામ કેમ લેતું નથી એ પ્રશ્ન દરેકના મનમાં ઘોળાય છે. સરદાર સાહેબ શરૂઆતથી જ ચીન પર ભરોસો રાખતા નહોતા. તેમણે ભારત સરકારને ચીનથી સાવધ રહેવા ચેતવી હતી, પરંતુ એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુંએ ચીન પર વધુ પડતો ભરોસો રાખ્યો અને ૧૯૬૨માં ચીને ભારત પર હુમલો કરી સેંકડો ચોરસ માઈલ ભારતીય વિસ્તાર પર કબજો કરી દીધો.

સરદાર-સાહેબ કાશ્મીર અંગે પણ સ્પષ્ટ હતા. ભારત સરકાર અંધારામાં રહી અને પાકિસ્તાનનું સૈન્ય અડધા કાશ્મીરમાં ઘૂસી ગયું. સરદાર સાહેબે વીટો વાપરી કાશ્મીરમાં ભારતીય સૈન્ય મોકલ્યું અને અડધા કાશ્મીરને બચાવી લીધું.

આઝાદી વખતે કાશ્મીરનો પ્રશ્ન જટીલ હતો. જવાહરલાલ નહેરું કાશ્મીરી પંડિત હોઈ તેઓ કાશ્મીરનો પ્રશ્ન પોતાની પાસે રાખવા માંગતા હતા. ભારતના ભાગલા પછી પાકિસ્તાનનું લશ્કર કાશ્મીરમાં ઘૂસી ગયું ત્યારે નહેરું કોઈ લશ્કરી કાર્યવાહી કરવા માંગતા નહોતા. એ વખતે કાશ્મીરને બચાવવા કેન્દ્રનું મંત્રીમંડળ પણ અવઢવમાં હતું. લશ્કરના જનરલ બુકર પણ કહેતા હતા કે, “આપણી પાસે સંસાધનો ઓછાં છે.” એ જ વખતે એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર સરદાર વલ્લભભાઈ પટેલ કે જે દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા તેમણે ત્વરાથી ઊભા થઈ કહ્યું હતું: “તમે ચિંતા ન કરો. હવાઈ જહાજથી લશ્કર કાશ્મીર પહોંચાડવાની તૈયારી કરો. મને એક હવાઈ જહાજ આપો. મારે કાશ્મીર જવું છે.”

અને સરદાર સાહેબની વાત સાંભળી અંગ્રેજ કમાન્ડર ઈન ચીફ પણ આફરીન થઈ ગયા. લશ્કર મોકલવામાં આવ્યું અને અડધું કાશ્મીર બચી ગયું. સરદાર સાહેબે ત્વરિત નિર્ણય લીધો ના હોત તો પાકિસ્તાન બાકીનું કાશ્મીર અને શ્રીનગર પણ લઈ જાત.

સરદાર સાહેબ જેવી પ્રતિભાઓ સદીઓમાં એક જ વાર જન્મ લેતી હોય છે. ગાંધીજીએ પણ કહેવું પડયું હતું કે, ‘સરદાર મને મળ્યા ના હોત તો જે કામ થયું તે થઈ શક્યું ના હોત.’ જવાહરલાલ નહેરુંએ કહ્યું હતું: ‘સરદાર વલ્લભભાઈનું જીવન એક મહાન ગાથા છે…ઈતિહાસનાં અનેક પાસાઓમાં એની નોંધ લેવાશે.’

આજકાલ ઘણાં લોકો એમ કહે છે કે સરદાર અને નહેરુંને મતભેદ હતા. પરંતુ ભારત આઝાદ થયા બાદ જવાહરલાલ નહેરું પ્રથમ વડાપ્રધાન બન્યા અને નહેરુંનું સંપૂર્ણ માન જળવાય તેની કાળજી ખુદ સરદારસાહેબ રાખતા. એકવાર હૈદરાબાદના નિઝામ એ વખતના વડાપ્રધાન નહેરુંનું સ્વાગત કરવા વિમાની મથકે ન ગયા. આ વાતની ખબર પડતાં સરદાર સાહેબે નિઝામને કહેવડાવ્યું હતું: ‘નિઝામને કહો એના મગજમાંથી રાઈ કાઢી નાંખે!’

સ્વતંત્રતા પછી અમેરિકા ખાતેના ભારતનાં પ્રથમ એલચી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત કે જેઓ જવાહરલાલ નહેરુંનાં બહેન પણ હતાં, તેઓ સરદાર પટેલના આશીર્વાદ લેવા એમના નિવાસે ગયાં હતાં. વલ્લભભાઈ પટેલે વિજ્યાલક્ષ્મી પંડિતને સહૃદયતાથી ઉષ્માભર્યું સ્વાગત કરીને વાત્સલ્યભર શબ્દોમાં કહ્યું હતું: ‘તમે નહેરું પરિવારનાં પુત્રી છો અને ગુજરાતનાં પુત્રવધૂ પણ. તેનું મને ગૌરવ છે!’

નોંધપાત્ર વાત એ છે કે વિજ્યાલક્ષ્મી પંડિત એલચીપદનો હોદો ગ્રહણ કરવા અમેરિકા જવા ઉપડયાં ત્યારે વલ્લભભાઈ પટેલ એમને વિદાય આપવા વિમાની મથકે ઉપસ્થિત રહ્યા હતા. આમ કરતાં અગાઉ વિદેશ ખાતાના એક સરકારી અધિકારીએ વલ્લભભાઈ પટેલનું ધ્યાન દોર્યું હતું કે, “પ્રોટોકોલ પ્રમાણે વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન હોઈ હાજર ન રહી શકે!” પરંતુ વલ્લભભાઈએ સલાહની અવગણના કરીને એ અધિકારીને નજીકમાં બોલાવી ભવિષ્યમાં પોતાને આવી સલાહ ના આપવા શીખામણ આપી હતી. સરદાર નહેરું પરિવારનો પણ આવો આદર કરતા હતા.

સરદાર સાહેબે તેઓ જ્યારે દેશના નાયબ વડાપ્રધાન હતા ત્યારે પોતાના પૌત્રને સલાહ આપી હતીઃ ‘આ જગતમાં જાતજાતના અને ભાતભાતના માણસો મળશે. રોટલો ખાવા ન મળે તો મારી પાસે આવજો, પણ સરદારના નામે કમાશો નહીં. સરદારના નામનો ઉપયોગ કરશો નહીં. કોઈની લાગવગ લઈને મારી પાસે આવશો નહીં.

હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી હંમેશાં બે માઈલ દૂર રહેશો.’

લોર્ડ માઉન્ટબેટને સરદાર સાહેબ માટે કહ્યું હતું: “આ માનવી (સરદાર)નું હૃદય અત્યંત ઉર્મિશીલ અને સહાનુભૂતિ દાખવનારું છે. જો એકવાર આપણે તેમના હૃદયના ઊંડાણમાં ઊતરી ગયા પછી, તેઓ એક સાચા મિત્ર, સહૃદયી અને પ્રેમાળ લાગે છે.”

તા.૩ જુલાઈ ૧૯૪૮ના રોજ સરદાર સાહેબે કહ્યું હતું: ‘કાશ્મીર અંગે ભારતે યુનોમાં જવું જોઈતું નહોતું. છતાં ગયા પછી પણ મોકાસરનાં પગલાં ભર્યાં હોત તો આખોયે પ્રશ્ન ઘણી વધારે ઝડપથી અને આપણા દ્રષ્ટિબિંદુથી ઉકેલાઈ ગયો હોત.’

આજે સરદાર સાહેબ હોત તો વારંવાર ભારતની સરહદમાં ઘૂસી જતા ચીનની દાદાગીરીને વશ થાત? ઈરાન પાસેથી તેલ ન ખરીદવાનો ભારતને આદેશ કરનાર અમેરિકાની દાદાગીરીને તેઓ વશ થાત? દર થોડા થોડા દિવસોના અંતરે ભારતીય જવાનને શહીદ કરતા પાકિસ્તાન સાથે તેમણે કઈ ભાષામાં વાત કરી હોત? મંદિર કે મસ્જીદની રાજનીતિ કરત ખરા? પરિવારવાદ ચલાવત ખરા? રાજનીતિનો ઉપયોગ અઢળક ધન એકત્ર કરવા માટે કરતા ખરા? ધર્મ, જ્ઞાતિ કે જાતિ આધારિત રાજનીતિ અખત્યાર કરતા ખરા?

તા. ૩ જાન્યુઆરી ૧૯૪૭ના રોજ સરદાર સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: ‘કાશ્મીરની બાબતમાં આજે જે જાતની લડાઈ ચાલી રહી છે તેના કરતાં ખુલ્લુ યુદ્ધ કરવું ઠીક થઈ પડશે.’

ટૂંકમાં સરદાર સાહેબ પાકિસ્તાન સાથે ખુલ્લા યુદ્ધનાં હિમાયતી હતા.

આવા સ્પષ્ટ વિચારો સરદાર સાહેબના હતા. તા.૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ સવારે ૯-૩૭ વાગે સરદાર સાહેબે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર પણ મુંબઈના સોનાપુર ખાતેના એક સામાન્ય સ્મશાનમાં કરવામાં આવ્યા. સરદાર સાહેબના નામની કોઈ સમાધી નથી કે કોઈ ઘાટ પણ નથી ત્યારે સરદાર સરોવર બંધ પાસે બનેલી સરદાર સાહેબની આ ભવ્ય અને વિરાટ પ્રતિમા આજની અને આવનારી પેઢીઓ માટે સરદાર સાહેબનું સાચું સ્મરણ અને શ્રદ્ધાંજલિનું સ્થાનક બની રહેશે. આ ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રમોદી સાચા અભિનંદનના અધિકારી છે.

અલબત્ત, સરદાર સાહેબની સાદગી, ત્યાગ અને દીર્ઘદ્રષ્ટિ અપનાવીએ તે જ સરદારને સાચી શ્રદ્ધાંજલિ હશે.

અત્રે આનંદ સાથે એ નોંધવું જરૂરી છે કે કેન્દ્રના પૂર્વ કેબિનેટ મંત્રી દિનશા પટેલની અધ્યક્ષતા હેઠળની સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી દ્વારા સંચાલિત શાહીબાગ, અમદાવાદ ખાતે આવેલું “સરદાર વલ્લભભાઈ નેશનલ મેમોરિયલ” આજે પણ શાળાનાં બાળકો અને નવી પેઢીને પ્રેરણા આપે તેવું શ્રેષ્ઠ સંગ્રહાલય છે. તેની મુલાકાત જરૂર લેજો.

www.devendrapatel.in

Be Sociable, Share!