Close

સોશિયલ મીડિયાઃ ડેન્જરસ એડિક્શન

રેડ રોઝ | Comments Off on સોશિયલ મીડિયાઃ ડેન્જરસ એડિક્શન

રાધિકા આપ્ટે એક અલગ તરાહની અભિનેત્રી છે. ‘સેક્રેડ ગેમ્સ’થી માંડી ‘ધૂલ’ જેવી વેબ સીરિયલ દ્વારા તે જાણીતી છે. ‘પેડમેન’માં પણ તેણે કરેલો રોલ બધાંને યાદ છે. રાધિકા આપ્ટેએ તાજેતરમાં જ કહ્યું કે, “સોશિયલ મીડિયા આજની જરૂરિયાત છે. કારણ કે આજે અહીં તમારી તમામ જરૂરિયાતની ચીજ મોજુદ છે. ડિજિટલ મીડિયા પર બધું જ ઉપલબ્ધ છે. તેને કાનૂનની મર્યાદામાં બાંધી શકાય નહીં.”

ટૂંકમાં રાધિકા આપ્ટેને પણ નેટફિલક્સનો નશો છે તેમ તે કબૂલે છે.

સાચી વાત એ છે કે લોકોનો શોખ બદલાઈ રહ્યો છે. ટેલિવિઝન કરતાં લોકોને ઈન્ટરનેટ પર વેબ સીરિયલ્સ જોવી વધુ ગમે છે. બાળકો, યુવક-યુવતીઓ અને મોટેરાં પણ નવરાશના સમયમાં મેદાનમાં જઈ ખેલવાં-કૂદવાં કે વ્યાયામ કરવાના બદલ ઈન્ટરનેટની દુનિયામાં ખોવાઈ જવાનું વધુ પસંદ કરે છે.

તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ મુજબ શહેરમાં રહેતાં ૫૦ ટકાથી વધુ યુવક-યુવતીઓ એક અઠવાડિયામાં કમ સે કમ ચાર કલાક તો સોશિયલ મીડિયા પર સર્ફ કરવામાં કે ચેટ કરવામાં ગુજારે છે. આ ર્સિફંગનું વાંચવા-લખવા કે ઓફિસના કામ સાથે કોઈ જ લેવા દેવા નથી.

સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાનો નશો કેવો ખતરનાક સાબિત થાય છે તે માટે ગ્વાલિયરની એક ઘટના જાણવા જેવી છે ગ્વાલિયરમાં રહેતી કરિશ્મા યાદવ નામની એક યુવતી થોડા દિવસ પહેલાં દિલ્હીમાં રહેતી તેની એક સખી નજમા સાથે વીડિયો ચેટ કરી રહી હતી. કરિશ્મા તેના ઘરમાં હતી અને નજમા દિલ્હીની મેટ્રોમાં સફર કરી રહી હતી. એ વખતે કરિશ્મા તેના પિતાની રિવોલ્વર વીડિયો કોલ દ્વારા દર્શાવી રહી હતી. કરિશ્મા બોલી હતીઃ ‘આ રિવોલ્વરની ચેમ્બરમાં બસ એક જ ગોળી છે’ એમ કહી તેણે રિવોલ્વર તેના લમણા પર મૂકી.

બીજી તરફ વીડિયો પર આ દ્રશ્ય જોઈ રહેલી નજમા બોલી ઊઠીઃ ‘અરે! આ તું શું કરી રહી છે?’ રિવોલ્વર સાથે રમત કરવી તે ખતરનાક બાબત છે.

એ પછી કરિશ્માએ રિવોલ્વર નીચે કરી દીધી. પરંતુ થોડી જ વાર બાદ એણે ફરી રિવોલ્વર તેના લમણા પર ધરી અને ફિલ્મી અંદાજમાં બોલીઃ ‘ચાલો જોઈએ કે મારા નસીબમાં મોત છે કે જિંદગી?’

આ સાંભળતી હતી ત્યાં જ નજમાનો ફોન કપાઈ ગયો.

પરંતુ એ વખતે જ કરિશ્માએ કોઈ ધૂનમાં ટ્રીગર દબાવી દીધું. અને ગોળી છૂટી ગઈ.

નજમાએ બીજીવાર તરત જ કરિશ્માને ફોન લગાવ્યો તો કરિશ્માના ફોન પર જ ગોળીનો અવાજ તેને સંભળાયો. ગોળી તેના લમણાની આરપાર નીકળી ગઈ.

આ તરફ કરિશ્માના રૂમમાંથી ગોળીનો અવાજ સાંભળી તેનો ભાઈ બારણું તોડી અંદર આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો લોહીથી લથપથ કરિશ્મા મૃત્યુ પામી ચૂકી હતી. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. કરિશ્મા યાદવ ટોપર હતી, પરંતુ વીડિયો ચેટ દરમિયાન કિસ્મતનો ખેલ અજમાવવા જતાં તેણે જાન ગુમાવ્યો.

વાત જાણે એમ હતી કે કરિશ્મા નજમા સાથેની વીડિયો ચેટ દરમિયાન ‘રશિયન રૂલેટ’ નામની ગેમ ખેલી રહી હતી. રશિયન રૂલેટ મૂળ રૂપે રશિયામાંથી શરૂ થયેલો મોતનો એક ખેલ છે. એને બીજી વિશ્વયુદ્ધ પહેલા અમેરિકા પહોંચતા પહેલાં ઓળખ મળી હતી. કિસ્મતના આ ખેલમાં રિવોલ્વરની ચેમ્બરમાં માત્ર એક જ ગોળી ભરવામાં આવે છે. પછી ચેમ્બરને ગોળ ગોળ ફેરવી દેવામાં આવે છે. તે પછી બુલેટ કયા ખાનામાં છે તેની ખબર હોતી નથી. એ પછી રિવોલ્વરને કાન પર મૂકવામાં આવે છે અને રિવોલ્વરની ટ્રીગર દબાવવામાં આવે છે. ભાગ્યના ભરોસે એ જોવામાં આવે છે કે આ ગેમ ખેલનારના કિસ્મતમાં મોત છે જિંદગી?

બોલો કેવો ખતરનાક ખેલ?

નિષ્ણાતો માને છે કે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની આભાસી દુનિયામાં જીવનારા વિશ્વભરનાં યુવક-યુવતીઓ એકલવાયાપણાનો શિકાર બને છે. અમેરિકાના ‘કોમન સેન્સ મીડિયા’ નામની એક સંસ્થાએ કરેલા સર્વેક્ષણ મુજબ ૧૩થી ૧૭ વર્ષનાં કિશોર-કિશોરીઓ પોતાનાં નજીકના દોસ્તોને-સખીઓને મળવાના બદલે સોશિયલ મીડિયા અને વીડિયો ચેટ દ્વારા એકબીજાના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે.

મોટા ભાગના ટીનએજ બાળકોને ઓનલાઈન રહેવાની લત હોવાનું જણાયું. જે કિશોર-કિશોરીઓને ઓનલાઈન રહેવાની ટેવ હતી. તેમાંથી ૮૧ ટકા બાળકોએ કહ્યું કે ઓનલાઈન આદાન-પ્રદાન જિંદગીનો એક હિસ્સો છે. ૩૨ ટકા કિશોરોએ કહ્યું કે તેઓ ફોન કે વીડિયો કોલ વગર રહી શક્તાં નથી. ૫૪ ટકા કિશોર-કિશોરીઓ બીજાઓનું ધ્યાન ખેંચવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

ભયજનક વાત એ છે કે, ૩૫ ટકા કિશોરો ફક્ત વીડિયો મારફતે મિત્રોને મળવાનું પસંદ કરે છે. ૪૦ ટકા કિશોરોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયાના કારણે તેઓ મિત્રોને મળી શક્તાં નથી. ૬૬ ટકા કિશોર-કિશોરીઓ સંવાદ માટે વીડિયો ચેટ, ટેક્સ્ટ મેસેજને જ મહત્ત્વ આપે છે. ૮૯ ટકા કિશોર-કિશોરીઓએ કહ્યું કે તેમની પાસે સ્માર્ટ ફોન છે.

એ બધા પૈકી ૬૩ ટકા સ્નેપચેટ, ૬૧ ટકા ઈન્સ્ટાગ્રામ અને ૪૩ ટકા ફેસબુક પર છે.

નિષ્ણાતો માને છે કે ઈન્ટરનેટની લત કિશોર-કિશોરીઓના મગજના વિકાસ અને વિચારવા-સમજવાની ક્ષમતા પર નકારાત્મક અસર ઊભી કરે છે. સતત ઈન્ટરનેટની આભાસી દુનિયામાં રહેવાના કારણે એ બધાં અસલી દુનિયાથી દૂર થઈ જાય છે. પરિણામે તેઓ નિરાશા, હતાશા અને એકલવાયા પણનો શિકાર બને છે.

કલાકો સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાથી અનિદ્રાની સમસ્યા ઊભી થઈ શકે છે. એ પણ જોવામાં આવ્યું છે કે ઘણાં બધાં બાળકો તેમના માતા-પિતાથી છુપાઈને ઈન્ટરનેટ પર વધુ સમય પસાર કરે છે. તેથી બાળકમાં જૂઠું બોલવાની ટેવ પણ પડે છે.

એક મોજણી મુજબ શહેરમાં રહેતાં ૫૦ ટકા શહેરી યુવક-યુવતીઓ અઠવાડિયામાં માંડ એક કલાક જ યોગ, વ્યાયામ કે ખેલકૂદ માટે ફાળવી શકે છે. સર્વેમાં એ પણ જોવા મળ્યું કે શહેરમાં રહેતાં યુવક-યુવતીઓ માત્ર ર્સિફંગ કે સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ મનોરંજન માટે પણ સહુથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

એ બધાં તેમની પસંદગીનો શો જોવા કેબલ ટીવીના બદલે હોટ સ્ટાર કે નેટ ફિલક્સ જેવી એપનો ઉપયોગ વધુ કરે છે.

નોંધપાત્ર વાત એ છે કે નવી પેઢીને કળા, સંગીત, ફોટોગ્રાફી, કુકિંગ, બાગકામ સહિત અન્ય રચનાત્મક કાર્યોમાં ઝઝો રસ નથી. હા, કેટલાક જિમમાં જવાનું બહુ પસંદ કરે છે.

આ મોજણી મુજબ મોટેરાંઓની વાત કરીએ તો ૩૪ ટકા ભારતીયો આળસુ સ્વભાવના કારણે મોટાપા, ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓનો ભોગ બને છે. ૨૭ ટકા ભારતીય પુરુષ અને ૪૩.૯ ટકા મહિલાઓ જરૂરી શારીરિક શ્રમ કરતા નથી. કારણ કે તેમના હાથમાં સતત સ્માર્ટ મોબાઈલ હોય છે અને નજર તેના સ્ક્રીન પર. શરાબ તો એક પ્રકારનો નશો છે જ, પરંતુ ઈન્ટરનેટ-સોશિયલ મીડિયાનો નશો પણ એટલો જ ખતરનાક છે

DEVENDRA PATEL

Be Sociable, Share!