Close

સૌંદર્યની દેવીઓ: `બ્યુટી વિથ બ્રેન’

રેડ રોઝ | Comments Off on સૌંદર્યની દેવીઓ: `બ્યુટી વિથ બ્રેન’
હજારો વર્ષો પુરાણી ગ્રીક દંતકથાઓમાં કેટલીક `ગોડેસ ઓફ બ્યુટી’ અર્થાત્ સુંદરતાની દેવીઓનો ઉલ્લેખ છે અને તે દરેકની આગવી કથા છે. તેમાં સહુ પ્રથમ એફ્રોદિતીનો ગોડેસ ઓફ બ્યુટી તરીકે ઉલ્લેખ છે. ગ્રીક દંતકથા પ્રમાણે એફ્રોદિતીને પ્રણય, સૌંદર્ય, આનંદ અને કામક્રીડાની દેવી ગણવામાં આવે છે. તે યુરેનસ અર્થાત્ જ્યુસ નામના દેવની પુત્રી હતી. ગ્રીક દંતકથા પ્રમાણે જ્યુસના પુત્ર ક્રોનલે તેના પિતાનું અંગ કાપીને સમુદ્રમાં ફેંકી દીધું હતું. તે પછી દરિયામાં જબરદસ્ત ઉભરો આવ્યો અને સમુદ્રના ફીણમાંથી એફ્રોદિતી પ્રગટ થઈ હતી. મહાકવિ હોમરના કહેવા પ્રમાણે તે જ્યુસ અને ડિઓનની પુત્રી હતી. `AFROS’નો અર્થ સમુદ્રનું ફીણ થાય છે તેથી તે એફ્રોદિતી તરીકે ઓળખાઈ. એફ્રોદિતી અત્યંત સુંદર હોઈ તેના પિતાને એવી દહેશત હતી કે તેની સાથે લગ્ન કરવા ગ્રીક દેવતાઓ અંદરોઅંદર યુદ્ધ કરશે અને શાંતિનો ભંગ થશે. આ કારણથી તેના પિતા-દેવતા જ્યુસે એફ્રોદિતીને હેફેકટસ નામના બેડોળ અને અપંગ દેવતા સાથે પરણાવી દીધી. એફ્રોદિતીના પતિએ એફ્રોદિતીને સાચવી રાખવા તેને સુવર્ણ અને ઉત્કૃષ્ટ ઝવેરાતથી મઢી દીધી પરંતુ એ કારણે તેનું સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું. બીજા અનેક દેવતાઓ અને માનવો તેના પ્રેમમાં પડી ગયા. દંતકથા પ્રમાણે એફ્રોદિતીને બચપણ હતું જ નહીં. તે જન્મી ત્યારથી જ પુખ્ત અને યુવાન હતી. કહેવાય છે કે તે અત્યંત ગુસ્સાવાળી અને પતિને વફાદાર ન રહેવાવાળી દેવી હતી. તેને ખૂંખાર અને યુદ્ધનો દેવતા ગણાતો `એરેસ’ વધુ ગમતો હતો. એફ્રોદિતીને અંગ્રેજીમાં `Goddes of Desire પણ કહે છે. કથા લાંબી છે. ગ્રીક દેવી એફ્રોદિતીએ પ્રાચીન સમયમાં જે ઝરણામાં સ્નાન કર્યું હતું તે `બોએતિયા’ ખાતે હોવાનું મનાય છે. ગ્રીસમાં આજે પણ એથેન્સ અને કોરિન્થ ખાતે દેવી એફ્રોદિતીની યાદમાં `એફ્રોદિશિયા’ નામનો મહોત્સવ પણ ઊજવવામાં આવે છે. ગ્રીસમાં દેવી એફ્રોદિતીનું એક મંદિર પણ હતું જે ઈ.સ.પૂર્વે ૧૪૬ની સાલમાં રોમનોએ ધ્વસ્ત કરી દીધું હતું. એ સમયગાળામાં દેવી એફ્રોદિતીને માનવાવાળો એક વર્ગ પણ હતો. `ટ્રોજન વૉર’ તરીકે જાણીતા ટ્રોય સાથેના યુદ્ધ માટે પણ તે જવાબદાર હોવાનું ગ્રીક લોકો માને છે.
આ સિવાય ગ્રીક દંતકથાઓમાં સુંદરતા-સૌંદર્યની દેવીઓ તરીકે (૧) હેરા (૨) હેસ્ટીઆ (૩) હેબી (૪) ઈનાના (૫) હેડોન (૬) લાડા (૭) હેથોર (૮) વોલંપસ અને (૯) દેવી વિનસનો પણ સમાવેશ થાય છે. તે દરેક સુંદરતાની દેવીઓની એક આગવી કથા છે.
ક્લિયોપેટ્રા
વિશ્વમાં એવી કેટલીય સૌંદર્ય સમ્રાજ્ઞીઓ હતી જેમણે પોતાના સૌંદર્યનો ઉપયોગ જે તે રાજ્યની `સમ્રાજ્ઞી’ બનવા માટે પણ કર્યો હતો. જેમાં સહુ પ્રથમ નામ મિસરની રાજકુમારી ક્લિયોપેટ્રાનું નામ આવે છે. ક્લિયોપેટ્રા અત્યંત સુંદર હતી. પિતાના મૃત્યુ બાદ મીસર પર આક્રમણ કરવા આવેલા રોમના શાસક જુલિયસ સિઝરના પ્રેમમાં પડી ગઈ હતી. જુલિયસ સિઝર ક્લિયોપેટ્રા કરતાં બમણી ઉંમરના હતા પરંતુ મિસર ઉપરાંત રોમન શાસકનાં મહારાણી બનવા તેણે જુલિયસ સિઝર સાથે લગ્ન કરી લીધું હતું. અલબત્ત, એ પછીની ઘટનાઓ ટ્રેજિક હતી પરંતુ ક્લિયોપેટ્રાને તેમના મિસરની લાઇબ્રેરી પ્રિય હતી. જુલિયસ સિઝરના સૈનિકોએ મીસર (આજનું ઈજિપ્ત) લાઇબ્રેરી સળગાવી દીધી ત્યારે કિલિયોપેટ્રાએ તેની સ્પષ્ટ નારાજગી જુલિયસ સિઝર સમક્ષ પ્રગટ કરી હતી. ટૂંકમાં, ક્લિયોપેટ્રાને જ્ઞાનના ખજાના જેવી લાઇબ્રેરી પ્રત્યે લગાવ હતો. ક્લિયોપેટ્રા પણ બુદ્ધિજીવી જ હોવાં જોઈએ.
દીપિકા પદુકોણ
આ પશ્ચાદ્ ભૂમિકા એટલા માટે આપવી પડી કે થોડા સમય પહેલાં ભારતીય અભિનેત્રી દીપિકા પદુકોણને `TIime’ મેગેઝિને વિશ્વની ૧૦૦ જેટલી પ્રભાવશાળી મહિલાઓમાં અને તે પછી ૨૦૨૨માં TIME ૧૦૦ IMPACT AWARD એનાયત કર્યો હતો. તે પછી તેમને વિશ્વની `મોસ્ટ બ્યુટીફૂલ વુમન’ તરીકેનો એવોર્ડ પણ મળ્યો. અલબત્ત, એ જરૂરી નથી કે બધી જ સુંદર સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય અને બધી જ બુદ્ધિશાળી મહિલાઓ અત્યંત સુંદર પણ હોય. પરંતુ હા, અનુપમ સૌંદર્ય ધરાવતી સ્ત્રી જ્યારે અત્યંત બુદ્ધિશાળી પણ હોય છે ત્યારે સોનામાં સુગંધ ભળી જાય છે. અલબત્ત, દીપિકા પદુકોણે `પઠાણ’ ફિલ્મમાં જે ભગવા રંગની બિકિની પહેરી તેના કારણે વિવાદ થયો હતો.
મધુબાલા
ભારતીય ફિલ્મજગતે દીપિકા પદુકોણની પહેલાં પણ શ્રેષ્ઠ સૌંદર્ય અને અભિનયમાં શ્રેષ્ઠ કૌશલ ધરાવતી કેટલીયે અભિનેત્રીઓ આપેલી છે. એ યાદીમાં મધુબાલાનું નામ મોખરે છે. કહેવાય છે કે સૌંદર્યના પેરામીટર્સમાં મધુબાલાની ગણતરી વિશ્વમાં શ્રેષ્ઠ સૌંદર્ય ધરાવતી અભિનેત્રીઓમાં સહુથી વધુ ફીટ બેસે છે. મધુબાલા જ્યારે સ્ક્રીન પર આવે ત્યારે તેમના ચહેરાથી આખો સ્ક્રીન ભરાઈ જતો. સૌંદર્યના પેરામીટર્સમાં મધુબાલાની બરાબરી કોઈ કરી શકે તેમ નથી. કમનસીબે મધુબાલાનું હૃદયમાં છીદ્રની બીમારીના કારણે યુવાન વયે જ અવસાન થયું. એ જ રીતે વિશ્વની એક જમાનાની સહુથી સુંદર ગણાતી ફિલ્મ અભિનેત્રી મેરેલિન મનરોનું રહસ્યમય મૃત્યુ નીપજતાં તેમનું જીવન પણ અલ્પ આયુનું જ રહ્યું.
ભારતની સન્નારીઓ
ભારતીય મહિલાઓ પૈકી કેટલીક નારીઓ ફક્ત તેમના સૌંદર્ય માટે જ નહીં પરંતુ તેમની બુદ્ધિમત્તા સાથેના સૌંદર્ય અર્થાત્ `બ્યુટી વિથ બ્રેન અને સમાજસેવા માટે પણ જાણીતી છે. કેટલીક ભારતીય મહિલાઓ સુંદર પણ છે અને પોતાના કાર્યક્ષેત્રમાં કરેલાં કાર્યો માટે પણ એક ચોક્કસ મુકામ હાંસલ કરી ચૂકી છે. આવી તો અનેક મહિલાઓ છે પરંતુ અહીં થોડાંક ઉદાહરણો પ્રસ્તુત છે.’
નીતા અંબાણી
એક કૉલેજ વિદ્યાર્થિનીથી માંડીને દેશની ધનવાન વ્યક્તિનાં પત્ની તરીકે જાણીતાં નીતા અંબાણી ઉદ્યોગપતિ અને જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીનાં ધર્મપત્ની છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સંસ્થાપક છે અને પરોપકારનાં કાર્ય કરી રહ્યાં છે. તેઓ લક્ઝુરિયસ લાઈફ જીવતાં હોવા છતાં સમાજસેવામાં વ્યસ્ત રહે છે, નીતા અંબાણીનાં વસ્ત્રો અને ઘરેણાં શ્રેષ્ઠ બ્રાન્ડ દ્વારા તેમના માટે ખાસ બનાવવામાં આવે છે.
ઐશ્વર્યા રાય
એક જમાનાનાં વિશ્વસુંદરી અને અભિનેત્રી ઐશ્વર્યા રાયને વિશ્વની ખૂબસૂરત નારીઓ પૈકીનાં એક ગણવામાં આવે છે. તેઓ મિસ વર્લ્ડ ૧૯૯૯ પ્રતિયોગિતાનાં વિજેતા છે. તેમને અનેક પુરસ્કાર તથા સન્માન પ્રાપ્ત થયેલાં છે. તેઓ જિનિયસ છે, હાજરજવાબી છે. તેમને મળેલાં સન્માનોમાં ફિલ્મ ફેર એવોર્ડથી માંડીને `પદ્મ શ્રી’ તથા ફ્રાંસ સરકાર દ્વારા આપવામાં આવેલા એક ખાસ એવોર્ડનો પણ સમાવેશ થાય છે. `મિસ વર્લ્ડ ૧૯૯૯’ની સ્પર્ધા વખતે તેમને પુછાયેલા પ્રશ્નોના તેમણે આપેલા ત્વરિત જવાબોથી જ્યૂરી પણ તેમની બુદ્ધિમત્તા પર વારી ગયા હતા. લંડનના મેડમ તુષાડ-મીણના મ્યુઝિયમમાં ઐશ્વર્યા રાયની મીણની પ્રતિમા મૂકવામાં આવી છે.
નતાશા પૂનાવાલા
નતાશા પૂનાવાલા કોરોનાની રસી બનાવનાર કંપનીના માલિક અદાર પૂનાવાલાનાં ધર્મપત્ની છે. ૩૭ વર્ષનાં નતાશા એક ફેશનિસ્ટ છે. લક્ઝુરિયસ લાઈફ તેમને પસંદ છે. તેમના પતિની કંપની `સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા’નાં કાર્યકારી નિર્દેશક અને પૂનાવાલા સાયન્સ પાર્કનાં પણ ડાયરેક્ટર છે. તેઓ વિલ્લુ પૂનાવાલા ફાઉન્ડેશનનાં અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ નેધરલેન્ડમાં પૂનાવાલા રેસિંગ એન્ડ બ્રીડિંગ પ્રાઈવેટ લિમિટેડનાં ડાયરેક્ટર પણ છે.
બી.ચંદ્રકલા
`લેડી દબંગ’ના નામથી જાણીતાં બી.ચંદ્રકલા સ્વરૂપવાન હોવા ઉપરાંત ૨૦૦૮ની બેચનાં IAS અધિકારી પણ છે. તેમની છબી એક પ્રામાણિક ઈમાનદાર મહિલા અધિકારી તરીકેની છે. તેમની લોકપ્રિયતાનું પ્રમાણ એ છે કે સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા તેમના રાજ્યના તે વખતના મુખ્યમંત્રી કરતાં પણ વધુ રહી છે.
સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા એક ભારતીય વ્યાવસાયિક ટેનિસ ખેલાડી છે. તેમણે ધ ગાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. તેઓ દેશનાં સર્વશ્રેષ્ઠ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી તરીકે જાણીતાં છે. તેમને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા `પદ્મ ભૂષણ’ સન્માન ઉપરાંત રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ અર્જુન એવોર્ડ તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર પણ એનાયત થયેલો છે. સુંદરતાનું પ્રતીક ગણાતાં સાનિયા મિર્ઝા તેમના ડ્રેસના કારણે ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે શાદી કરેલી છે.
દિવ્યાકુમાર ખોસલા
દિવ્યાએ એક મૉડેલના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેઓ અભિનેત્રી બન્યાં. તેમણે ટી-સીરિઝ કંપનીના માલિક ભૂષણકુમાર સાથે લગ્ન કર્યાં છે. દિવ્યા ફિલ્મ નિર્માણ અને સંગીત નિર્માણના ક્ષેત્રમાં જાણીતાં છે. તેઓ ટી-સીરિઝ યુ-ટ્યૂબ ચેનલનાં પ્રેસિડેન્ટ પણ છે. ૩૭ વર્ષનાં દિવ્યા ફેશનના ક્ષેત્રમાં પણ હાથ અજમાવતાં રહ્યાં છે.

Be Sociable, Share!