Close

સ્ટીફને ભૂલો કરી અને સ્વિકારી પણ

રેડ રોઝ | Comments Off on સ્ટીફને ભૂલો કરી અને સ્વિકારી પણ

સાંપ્રત સમયના મહાન ભૌતિક, વિજ્ઞાાની સ્ટીફન હોકિંગ આ ગ્રહ પરથી વિદાય થઈ ગયા.

બ્રહ્માંડ અને ખગોળીય દુનિયાનાં રહસ્યોને સામાન્ય લોકો સુધી પહોંચાડતા મહાન વૈજ્ઞાાનિક સ્ટીફન હોકિંગનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણા સ્ત્રોત છે. ઓક્સફોર્ડમાં જન્મેલા સ્ટીફન હોકિંગના પિતા રિસર્ચ બાયોલોજિસ્ટ હતા અને માતા અર્થશાસ્ત્રીના વિદ્યાર્થિની હતાં. બીજા વિશ્વયુદ્ધના કારણે તેમને પોતાની માતા સાથે લંડન જવું પડયું. લંડનમાં તેઓ ઉછર્યા.

બચપણથી જ તેમને ભૌતિકશાસ્ત્ર અને અંતરિક્ષ વિજ્ઞાાનમાં રુચિ હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટી ફિઝિકસના વિષય સાથે સ્નાતકની ડિગ્રી પ્રથમ નંબરે રહી હાંસલ કરી એ પછી કોસ્મોલોજી ભણવા તેઓ કેમ્બ્રિજ પહોંચ્યા. આ દરમિયાન તેઓ તેમની પહેલી પત્ની જેઈન વાઈલ્ડને મળ્યા.

એકવાર તેઓ કોલેજના પગથિયાં ચડતાં પડી ગયાં. તબીબી તપાસમાં માલુમ પડયું કે તેમને માંસપેશિયો અને મસ્તિષ્ક સાથે જોડાયેલી એએલએસ એટલે કે એમાયોટ્રોફિક લેટર સ્કહરોસિસ નામની બીમારી છે. હોકિંગનું સ્વાસ્થ્ય ખરાબ રહેવા લાગ્યું અને થોડા જ વખતમાં તેમને આખા શરીરે લક્વો થઈ ગયો. વ્હીલ ચેર તેમની જિંદગીનો એક હિસ્સો બની ગઈ.

સ્ટીફન હોંકિગે પોતાની શારીરિક અક્ષમતાને જ પ્રેરણા બનાવી લીધી. પોતાના મૃત્યુના થોડા દિવસો પૂર્વે જ એક વૈજ્ઞાાનિક સંમેલનમાં તેમણે કહ્યું હતું: ‘આ બીમારીની પહેલાં હું જિંદગીથી કંટાળી ગયો હતો. બીમારી બાદ જ મને રોજ એક નવા પડકારનો સામનો કરવાનો મોકો મળતો રહ્યો.’

ડોક્ટરોએ તો કહ્યું હતું કે, ‘હવે સ્ટીફન માંડ બે કે ત્રણ વર્ષ જીવશે’

પરંતુ સ્ટીફને મોતને પણ પડકાર ફેંકયો. ૭૬ વર્ષ સુધી જીવ્યાં. ૧૯૭૯માં તેઓ કેમ્બ્રિજમાં ગણિતશાસ્ત્રના પ્રોફેસર બન્યા જે જગ્યા પર ક્યારેક આઈઝેક ન્યૂટન પણ રહી ચૂક્યા હતા.

તેઓ કહેતા હતાઃ ‘મને મોતથી ડર લાગતો નથી બલ્કે એથી તો જીવનનો વધુ આનંદ લેવાની પ્રેરણા મળે છે. આપણું મગજ એક કમ્પ્યૂટર જેવું છે જેના ભાગો બગડી જશે તો તે કામ કરવાનું બંધ કરી દેશે. ખરાબ થઈ ચૂકેલા કમ્યૂટરો માટે સ્વર્ગ કે તે પછીનું જીવન નથી.’

પ્રોફેસર સ્ટીફન હોકિંગે એમ કહીને સનસનાટી ફેલાવી દીધી હતી કે ૨૦૦ વર્ષની અંદર ધરતીનો વિનાશ થઈ જશે. વધતી જતી વસ્તી, ઘટતા સંશાધન અને પરમાણુ હથિયારોનો ખતરો ધરતી પર મંડરાયેલો છે. અગર માનવીએ આ જોખમથી બચવું છે તો તેણે અંતરિક્ષમાં બીજે ક્યાંક ઘર બનાવવું પડશે.

સ્ટીફન હોકિંગને માત્ર એક જ ત્રાજવામાં તોલવાથી તેમને સમજી નહીં શકાય. તેમની ભૂમિકાને ત્રણ અલગ અલગ રીતે જોવી પડશે. એક તો તેઓ વૈજ્ઞાાનિક હતા. પ્રથમ નંબરના કોસ્મોલોજિસ્ટ. વિજ્ઞાાન તેમનો ધંધો નહોતો, પરંતુ બધી જ રીતે વિજ્ઞાાનને જ હરેકપળ તેઓ જીવતા હતા. સ્ટીફન હોકિંગ માત્ર પૃથ્વીના જન્મ અને તેની પહેલાંની અવધારણાઓને જ દર્શાવે છે તેવું નથી. તેઓ આપણા અંધવિશ્વાસોનું અને આપણી ભ્રાંતિઓનું પણ ખંડન કરે છે. સ્ટીફન હોકિંગે વૈજ્ઞાાનિક સોચને જનમાનસનો હિસ્સો બનાવવાનું કામ કર્યું.

એવું નથી કે સ્ટીફન હોકિંગના વિજ્ઞાાની તરીકેના રૂપમાં માત્ર સફળતાઓ જ રહેલી છે. બીજા અન્ય વૈજ્ઞાાનિકોની જેમ તેમણે ભૂલો પણ કરી અને એક સારા માનવી તરીકે તેમણે તે ભૂલોનો પ્રમાણિક્તાથી સ્વિકાર પણ કર્યો. તેમણે કહ્યું હતું કે બ્લેક હોલ માહિતીને નષ્ટ કરી દે છે, તે ખોટું સાબિત થયું. તેમણે કહ્યું કે, છ હજાર પ્રકાશ વર્ષ દૂરથી હંમેશાં એક્સ-રે છોડવાવાળો સાઈનસ-એકસ-૧ કોઈ બ્લેક હોલ નથી. પરંતુ પાછળથી ખબર પડી કે તે બ્લેક હોલ જ છે.

એથીયે મોટી ભૂલ હિગ્સ બોસોનની બાબતમાં થઈ. ૧૯૬૪માં તેમના અને આ કણ-પાર્ટિકલની અવધારણા પેશ કરાવવા સુપ્રસિદ્ધ વૈજ્ઞાાનિક પીટર હિગ્સની વચ્ચે ઘણા વાદવિવાદ થયા. સ્ટીફન હોકિંગનું કહેવું હતું કે આ કણને આપણે કદી હાંસલ કરી શકીશું નહીં. પરંતુ પીટર બીગ્સે કહ્યું કે, ‘સ્ટીફન હોકિંગને એક સેલિબ્રિટીનો દરજ્જો હાંસલ છે અને આ વિષય પરની ચર્ચામાં તેનો દૂરુપયોગ કરી રહ્યા છે. તેનો દૂરુપયોગ તેઓ ના કરે’ પીટર બીગ્સના આ વિધાન બાદ ચર્ચા વિવાદ ખતમ થઈ ગયા, પરંતુ સ્વિડનમાં બનેલા લોર્જ હેડ્રોન કોલાઈડરે ૨૦૧૨માં આ કણને શોધી કાઢયો અને સ્ટીફન હોકિંગે પોતાની ગલતીનો સ્વિકાર કરી લીધો. એટલું જ નહીં પરંતુ તેમણે કહ્યું કે, ‘પીટર હિગ્સને આ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈએ’. અને તેના બીજા જ વર્ષે પીટર હિગ્સને નોબેલ પ્રાઈઝ મળ્યો ! એમના સેલિબ્રિટી સ્ટેટસ પર ટીકા કરીને પીટર હિગ્સે ભલે પોતાની કુંઠા જગજાહેર કરી દીધી, પરંતુ માફી માંગીને સ્ટીફને પોતાની મહાનતા સ્થાપિત કરી દીધી.

સ્ટીફન હોકિંગને મળેલો સેલિબ્રિટીનો દરજ્જો તેમના જીવનનો બીજો હિસ્સો છે ઈતિહાસમાં લોકપ્રિય રાજનેતાઓ હોય છે લોકપ્રિય અભિનેતાઓ હોય છે, પરંતુ લોકપ્રિય વૈજ્ઞાાનિકો બહુ ઓછા છે. સ્ટીફન હોકિંગ લોકપ્રિય વૈજ્ઞાાનિક હતા.

જે રીતે આઈજેક ન્યૂટન, આર્િકમીડીઝ, થોમસ એડિશન કે આલ્બર્ટ આઈનસ્ટાઈન લોકપ્રિય વૈજ્ઞાાનિકો હતા.

સ્ટીફન હોકિંગના જીવનનો ત્રીજો મહત્ત્વપૂર્ણ ભાગ છે અનેક મુશ્કેલીઓ છતાં તેમની સફળતાની કહાની. માત્ર ૨૧ વર્ષની થયે મોટાર ન્યૂરોન ડિસીઝનો ભોગ બન્યા બાદ પણ અર્થપૂર્ણ જીવન જીવ્યા. પોતે પણ મેળવ્યું અને જગતને પણ ઘણું જ્ઞાાન આપ્યું.

એક વૈજ્ઞાાનિક તરીકે સ્ટીફન હોકિંગે એકવાર એવું વિધાન કર્યું. કે આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો. તેમણે ક્હ્યું હતું કે, ‘સૃષ્ટિની રચના ઈશ્વરે કરી નથી, પરંતુ તેની રચના ભૌતિકી અને પ્રકૃતિના મૂળભૂત નિયમોને કારણે થઈ છે.’

સ્ટીફન હોકિંગે સમગ્ર વિશ્વને ચેતવણી આપતાં કહ્યું છે કે આર્િટફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ વિકસિત કરવાની માનવીની વિચારધારા માનવ જાત માટે ખતરનાક પરિણામો લાવી શકે છે.

બ્રહ્માંડનાં રહસ્યોમાં ડૂબકી મારનાર એક મહાન વૈજ્ઞાાનિક હવે બ્રહ્મલીન છે. સૃષ્ટિની ઉત્પત્તિ અંગેની તેમની વાત સાંભળીએ છીએ ત્યારે ઋગ્વેદનું એ સૂત્ર પણ આપણા કાનોમાં ગુંજે છેઃ ‘સૃષ્ટિના આરંભમાં ન તો અસત્ હતું, ના સત હતું. અંતરિક્ષ અને આકાશ પણ નહોતું. તો કોણ કોનો આશ્રય બન્યું?    Devendra Patel

Be Sociable, Share!