Close

હવે આવી રહ્યો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો

રેડ રોઝ | Comments Off on હવે આવી રહ્યો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે આજથી ૪૦ વર્ષ પૂર્વે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના એક વૈજ્ઞાનિક પ્રો.હિમાંશુ મઝુમવારે પ્રથમ રોબોટ બનાવ્યો હતો પરંતુ તે સમયમાં રોબોટ્સને પ્રોત્સાહન ન આપવાની સરકારની નીતિના કારણે એ સંશોધન આગળ વધ્યું નહોતું!

બુદ્ધિ, મન અને આત્મા એ વિષય પર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વિસ્તૃત ચર્ચા થઈ છે. બુદ્ધિના કારણે જ માનવી અન્ય પ્રાણીઓથી જુદો પડે છે. બુદ્ધિ એ ઈશ્વરની માનવજાતને શ્રેષ્ઠ ભેટ છે પરંતુ માનવીએ તેનો વિકાસ અને વિનાશ એમ બેય બાબતો માટે ઉપયોગ કર્યો છે.
પરંતુ માનવીએ હવે એક કદમ આગળ જઈને માનવ બુદ્ધિની સ્પર્ધા કરે તેવી કૃત્રિમ બુદ્ધિનો આવિષ્કાર કર્યો છે જેને અંગ્રેજીમાં ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ’ કહે છે. ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ’ વિષય પર સુપરહિટ ફિલ્મો પણ બની છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ પણ વિજ્ઞાનની બીજા શોધોની જેમ માનવજાત માટે આશીર્વાદ અને વિનાશનું કારણ પણ બની શકે છે.

ઘણાં વર્ષો પહેલાં એક કાલ્પનિક કથા આધારિત ફિલ્મમાં એક વિજ્ઞાનીએ ‘ફેંકેન્સ્ટાઈન’ નામના કૃત્રિમ માનવીનું સર્જન કર્યું હતું, જેનું કામ હતું બીજા લોકોની હત્યા કરવી. એ ફેંકેન્સ્ટાઈન સહુથી પહેલાં તેના સર્જક વિજ્ઞાનીની જ હત્યા કરી નાંખે છે.

૨૦૧૫માં જાપાનમાં ‘પેપર’ નામનો રોબોટ પહેલી વાર વેચવામાં આવ્યો. તેના ૧૦૦ યુનિટ ફટાફટ વેચાઈ ગયા. આ રોબોટ તમને જોતા જ તમારો મૂડ પારખી જાય છે અને તમારી ઉદાસીનતાને ખુશીમાં બદલવા કોશિશ પણ કરે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શરૂઆત આમ તો ૫૦ના દાયકાથી શરૂ થઈ હતી. જ્યારે પહેલી જ વાર કમ્પ્યૂટર સિસ્ટમ એટલે કે રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળી સિસ્ટમ દ્વારા ૧૯૯૭માં શતરંજના મહાન ખેલાડી ગેરી કાસ્પારોવને હરાવવામાં આવ્યો હતો. એ વખતથી જ આ વિષય પર વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ. તે પછીનાં ૨૦ વર્ષ બાદ આજની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ સ્માર્ટ અને વધુ સમજદાર થઈ ચૂકી છે. વિમાનમાં ઓટો પાઇલટ સિસ્ટમ છે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. વિમાનના ઉતરાણ વખતે પણ ઘણુબધું કમ્પ્યુટર પર નિર્ભર છે. આમ છતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હજુ સંપૂર્ણ નથી. કટોકટીના સમયમાં તે નિષ્ફળ પણ નીવડે છે. આમ છતાં ૧૦૦ વર્ષ બાદની દુનિયા એકદમ અલગ હશે. તમારી ચારે તરફ રોબોટ જ રોબોટ હશે. આજે પણ તમારા સ્માર્ટ ફોન પર ગૂગલને તમે કાંઈ પૂછો તો તેનો જવાબ તે બોલીને આપે છે. આવનારા સમયમાં દરેક વ્યક્તિના ઘરમાં રોબોટ હશે. તે તમારા ઘરની સાફસૂફી નહીં પરંતુ તમને સલાહ આપવાનું કામ પણ કરશે. ખોટાં પગલાં લેતાં રોકશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે અનેક આશાઓ પણ જન્માવી છે અને અનેક આશંકાઓ પણ. કોઈ વાર તમારા ઘરમાં કોઈ વિરોધી ખોટો રોબોટ પ્લાન્ટ કરે કે જેને તમે તમારો મિત્ર માનતા હોય તે તમારી જાસૂસી પણ કરી શકે છે. તમારા હલનચલનની અને અંગત માહિતી તમારા દુશ્મનને પહોંચાડી શકે છે.

એક વાર ફેસબુકે તેની કહેવાતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ બંધ કરવી પડી હતી, કારણ કે વાત તેના હાથમાં રહી નહોતી. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઉપકરણે પોતાની જ એક ભાષા વિકસાવી લીધી હતી. જેમાં કોઈ માનવીય સહયોગ જ નહોતો.

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક, બિલ ગેટ્સ તથા એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોજિનયાકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સહુથી મોટી ચિંતા બેરોજગારી અંગેની હશે. માનવીનું સ્થાન રોબોટ્સ લેશે તો અબજો લોકો નોકરી ગુમાવશે. દા.ત. ડ્રાઈવર વગરની ટેક્સીઓ બજારમાં આવી જાય તો વિશ્વમાં કેટલા ટેક્સી ડ્રાઈવરો રોજી ગુમાવે? મોટરકારોના ઉત્પાદન પ્લાન્ટ્સમાં પણ હવે માણસો ઓછા અને રોબોટિક હેન્ડ્સ વધુ કામ કરે છે. એક સમય એવો આવશે કે વિશ્વનાં સચિવાલયોમાંથી ૯૦ ટકા લોકો રોબોટ્સના કારણે નોકરી ગુમાવશે. અલબત્ત, ફાયદો એ હશે કે રોબોટ્સ લાંચ નહીં લે સિવાય કે કોઈ લાંચ પણ લે તેવો રોબોટ બનાવે.

ડે મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં રોબોટની નૈતિકતા પર કામ કરતા ડો.કેથલિન રિચર્ડસનનું કહેવું છે કે પાર્ટનરની કમી દૂર કરવાવાળા રોબોટનો ઉપયોગ થાય કે ન થાય તે અલગ મુદ્દો છે પરંતુ બાળકો જેવા ચહેરાવાળા રોબોટનો ઉપયોગ ગલત છે. ભવિષ્યમાં રોબોટનો ઉપયોગ વધશે તો સામાજિક વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે.

હા, કેટલાક સમયથી મોટરકારોના ઉત્પાદનનાં કારખાનાં તથા સ્ટીલનાં કારખાનામાં રોબોટનો ઉપયોગ વધ્યો છે. સરહદો પર તથા બર્ફીલા દુર્ગમ પહાડો પર દુશ્મન પર નજર રાખવા રોબોટ્સનો ઉપયોગ શરૂ થયો છે. હવે તો રોબોટ આર્મી પણ બનાવવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આતંકવાદી વિરુદ્ધ પણ કેટલાંક ઓપરેશન્સ અને ર્સિજકલ સ્ટ્રાઈક્સ માટે પણ રોબોટ્સનો ઉપયોગ થશે.

આવનારાં પ૦ વર્ષ બાદ માનવી જેવા જ હાવભાવ ધરાવતી સુંદર રોબોટિક સ્ત્રી કે રૂપાળો રોબોટિક યુવાન પણ ઉપલબ્ધ હશે. જે જીવતા પુરુષનો કે સ્ત્રીનો લાઈફ પાર્ટનર બની એકબીજા સાથે સહશયન કરશે. પુરુષો સ્ત્રીઓના દગાથી કે સ્ત્રીઓ પુરુષોના દગાથી બચી શકશે. રોબોટિક યુવતી તેના પ્રિયતમને ચુંબન કરશે, વહાલ કરશે, પાશમાં લેશે અને તેના પાર્ટનરને દુઃખી જોઈ આંસુ પણ સારશે. આવનારા દાયકાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતાં સ્ત્રી કે પુરુષ રોબોટ્સ લાગણીઓ પણ ધરાવતા હશે.

આ કલ્પનાની ર્પૂિત એ વાત પરથી થાય છે કે કેટલાક સમય પહેલાં અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં ડયૂટી પર હાજર એક રોબોકોમ (યાંત્રિક પોલીસ)એ પાણીમાં ભૂસકો મારી આત્મહત્યા કરી લીધી હતી, કારણ કે તેની બધી જ સિસ્ટમ ખરાબ થઈ ચૂકી હતી. પરાકાષ્ઠા તો એ વાતની હતી કે આ યંત્રમાનવ-રોબોકોપના મોતથી દુઃખી પોલીસ સ્ટાફે તેમની ઓફિસમાં એક શ્રદ્ધાંજલિ સભા રાખી હતી.

: દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!