ભારતની સ્વતંત્રતાનાં ૭૨ વર્ષ બાદ એ વખતે થયેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ. જમ્મુ અને કાશ્મીર ભારતનો જ એક ભાગ હોવા છતાં જમ્મુ અને કાશ્મીરને ભારતનું બંધારણ સંપૂર્ણપણે લાગુ પડતું નહોતું. જમ્મુ અને કાશ્મીરમાં ભારતના ત્રિરંગા ઉપરાંત તેનો પોતાનો ધ્વજ હતો. કાશ્મીરીઓ પાસે બેવડું નાગરિકત્વ હતું. જમ્મુ-કાશ્મીરમાં આર્થિક કટોકટી (કલમ ૩૬૦) લાગુ કરી શકાતી નહોતી. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ કે શીખ જેવી લઘુમતીને અનામતનો લાભ મળતો નહોતો. અન્ય રાજ્યના ભારતીયો કાશ્મીરમાં જમીન ખરીદી શકતા નહોતા. જમ્મુ અને કાશ્મીરમાં આરટીઆઈનો લાભ મળતો નહોતો. પંચાયતો પાસે કોઈ અધિકાર નહોતા. રાઈટ ટુ એજ્યુકેશનના કાયદા લાગુ પડતા નહોતા.
પછીનો આ સૌથી મોટો અભૂતપૂર્વ અને અપ્રતીમ નિર્ણય છે જે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ભારતના લોકતંત્રના ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાન રાજનીતિના ‘કીંગ ઓફ કીંગ્સ’ તરીકે ઊભરી આવ્યા છે. કાશ્મીર અંગે એકએક નવો ઇતિહાસ રચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવનારી પેઢીઓ હજારો વર્ષ સુધી યાદ કરશે.
ભારત હવે કાશ્મીર સહિત એક રાષ્ટ્ર, એક શ્વાસ અને એક પ્રાણ છે. કાશ્મીરીઓને મળતા વિશેષાધિકારના ખાત્માથી દેશનો દરેક નાગરિક ખુશ છે, કાશ્મીરી પંડિતો ખુશ છે, લદાખના લોકો ખુશ છે. દેશનો તમામ સમુદાય ખુશ છે.
હા, આ નિર્ણયથી કાશ્મીરીઓના કહેવાતા હિતેચ્છુઓ ગણાતા કેટલાક કાશ્મીરી નેતાઓની રાજકીય દુકાનો બંધ થઈ જવાની છે. ફારૂખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ હવે બીજી જ કોઈ પ્રવૃત્તિ માટેનો વિકલ્પ વિચારવો પડશે. કાશ્મીરમાં રહેતા અલગતાવાદી, આતંકવાદીઓ અને હુર્રિયતના નેતાઓના ધંધા પણ બંધ થઈ જવાના છે. હજારો વર્ષ પૂર્વે કાશ્મીર એ ભારતનું સ્વર્ગ હતું. પ્રકૃતિએ કાશ્મીરને અપ્રતીમ સૌંદર્ય બક્ષેલું છે પરંતુ આતંકવાદ અને અલગતાવાદી પાકિસ્તાન તરફી તત્ત્વોએ એ સ્વર્ગને નરક બનાવી દીધું હતું. કાશ્મીરને નર્ક બનાવી દેનાર તત્ત્વોની સાથેસાથે પાકિસ્તાનના પેટમાં પણ હવે તેલ રેડાયું છે. પાકિસ્તાન આવાં અલગતાવાદી તત્ત્વોને જ પોષતું હતું. પાકપ્રેરિત આતંકવાદીઓને ભૂમિગત સહાય આવાં તત્ત્વો જ આપતાં હતાં. એ બધાંનો હવે અંત આવી જશે.
એ વાત સાચી છે કે કાશ્મીરનાં હિતોની વાત કરી સત્તાની મધલાળ ચાટતા કાશ્મીરના સ્થાનિક ત્રણેક રાજકીય પરિવારોએ જ અત્યાર સુધી કાશ્મીરને લૂંટયું હતું. એ બધાએ હવે નવી દુકાનો ખોલવી પડશે અથવા તો પાકિસ્તાન ભેગા થઈ જવું પડશે.
કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરીઓને મળતા વિશેષાધિકારો નાબૂદ કરાયા તે પહેલાં કાશ્મીર વિશેની કેટલીક કડવી વાસ્તવિક્તાઓ જાણી લેવાની જરૂર છે. છેલ્લાં ૨૯ વર્ષમાં કાશ્મીરમાં આતંકવાદના કારણે ૪૫૧૮૭ જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે. આતંકવાદના કારણે રોજ અહીં ચાર વ્યક્તિઓનાં મોત નીપજે છે. કાશ્મીરમાં જે લોકોનાં મોત નીપજ્યાં તેમાં ૨૫૮૫૦ આતંકવાદીઓ, ૫૨૯૬ સલામતીકર્મીઓ અને ૧૪૦૪૧ જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે. કલમ ૩૭૦ વર્ષો પહેલાં નાબૂદ કરાઈ હોત તો આ મોત નિવારી શકાયાં હોત.
ખેર!
પરંતુ કાશ્મીરીઓને વિશેષ અધિકારો આપતા એ કેન્સરની સર્જરી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ કરી નાંખી છે. આમ તો કડક અને કઠોર નિર્ણયો લેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણીતા છે પરંતુ લોકસભામાં એકવાર પ્રચંડ બહુમતી આવ્યા બાદ ચૂંટણી વખતે પ્રજાને આપેલું વચન તેમણે પાળી બતાવ્યું છે. આમ તો આ વાતની શરૂઆત તીન તલાકની નાબૂદીનો કાયદો કરીને જ તેમણે કરી દીધી હતી. ત્યારપછી આ મોટો નિર્ણય લેવાયો. અલબત્ત, તેમ કરતાં પહેલાં તેમણે અને તેમની ટીમ કે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો પણ સમાવેશ થાય છે, તેમણે હોમવર્ક અને સૂક્ષ્મ વ્યૂહરચના કરવામાં પૂરતો સમય લીધો હતો. કેટલાક સમય પહેલાં જ હુર્રિયતના નેતાઓને મળતી સુરક્ષા સવલતો ખેંચી લઈને અને તેમના ધંધાનાં સ્થળોએ આવકવેરા ખાતાના દરોડા પાડીને આ કામગીરીનો આરંભ કરી દીધો હતો. તે પછી તીન તલાક અંગેનો કાયદો લાવ્યા. કલમ ૩૭૦ નાબૂદ કર્યાં પહેલાં શ્રીનગરની હોટલોમાંથી સહેલાણીઓને બહાર કાઢી તેમને સહીસલામત ઘેર જવા સલાહ આપી. હજારો સૈનિકો કાશ્મીરમાં તહેનાત કરાયા. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી. મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને તેમના જ ઘરમાં હાઉસ એરેસ્ટ કરાયાં અને એમ જેમ્સ બોન્ડની અદાથી ‘મિશન કાશ્મીર’ પાર પાડવામાં આવ્યું. આ એક થ્રિલર જેવી કહાણી છે. બની શકે કે આર્િટકલ ૩૭૦ અને ૩૫-એના ખાત્મા પર એક જબરદસ્ત થ્રિલર પોલિટિકલ ફિલ્મ પણ બનાવાય.
કાશ્મીરને સંપૂર્ણ ભારતીય બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કદમથી તેઓ રાષ્ટ્રના શ્રેષ્ઠ સ્ટેટસમેન સાબિત થયા છે અને ગૃહમંત્રી અમિત શાહ શ્રેષ્ઠ પાર્લામેન્ટેરિયન સાબિત થયા છે. આજે લોકસભાની ફરી ચૂંટણી થાય તો મોદી-અમિત શાહના નેતૃત્વવાળી ભાજપા સામે કોઈપણ પક્ષના ઉમેદવારે ટકવું પણ મુશ્કેલ થઈ જાય. સોશિયલ એન્જિનિયરીંગની પણ કદાચ જરૂર નહીં રહે. પીએમ મોદીના નામે કોઈપણ વ્યક્તિ જીતી શકે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.
અને હવે પીએમ મોદી અને અમિત શાહે એક મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે ત્યારે દેશના કરોડો લોકોની અપેક્ષા છે કે ભારતમાં કોમન સિવિલ કોડ અર્થાત્ સમાન નાગરિક ધારો પણ લાવવામાં આવે. એટલું જ નહીં પરંતુ કાશ્મીર તો હવે ભારતીય બંધારણનો સંપૂર્ણ હિસ્સો બની ગયું પરંતુ પાકિસ્તાને કબજે કરેલું કાશ્મીર પણ પાછું હાંસલ કરવાનું બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આ કામ કરી શકે તેમ છે. તેઓ ઇચ્છાશક્તિ પણ ધરાવે છે અને પાકિસ્તાન પાસેથી તેના હસ્તક જે કાશ્મીર છે તેને પાછું મેળવી લેવાની તાકાત પણ ભારતીય સૈન્ય પાસે છે.
બસ જરૂર છે એક ઓર્ડરની.
તે પછી સૂક્ષ્મ વ્યૂહરચનાની.
એ પછી એના અમલની. આ પણ શક્ય છે, કારણ કે દેશ પાસે સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ છે
હવે નિર્ણય કરો, હુકમ કરો અને પીઓકે પર ત્રાટકો.
ઈમરાનખાન, યુદ્ધના મેદાન અને ક્રિકેટના મેદાન વચ્ચે મોટો ફરક છે..!
જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો અને સ્થાનિક પ્રજાના વિશેષાધિકારોને ખત્મ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કઠોર કદમ બાદ પાકિસ્તાનના વડાપ્રધાને બળાપો કાઢી ભારતમાં ફરી પુલવામા જેવી ઘટનાઓના પુનરાવર્તનની અને ભારત સાથે યુદ્ધની ધમકી આપી છે.
આ ધમકી આપનાર ઈમરાનખાન એ વાત ભૂલી જાય છે કે યુદ્ધ એ એક પ્લેબોયની જેમ એકથી વધુ સ્ત્રીઓ સાથે પ્રણયફાગ ખેલવાના ખેલ નથી. કંગાળ અને ભીખારી થઈ ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન પાછલાં યુદ્ધોનો ઇતિહાસ તપાસી લે. ભારત સાથેનાં તમામ યુદ્ધ પાકિસ્તાન હાર્યું છે. ૧૯૭૧માં તો ભારત સાથેનું યુદ્ધ હાર્યા બાદ એ વખતના પૂર્વ પાકિસ્તાન અને હાલના બાંગ્લાદેશમાં તેના ૯૦ હજાર સૈનિકોએ તેમના સૈન્ય વડા જનરલ નિયાઝીના નેતૃત્વ હેઠળ ભારતીય લશ્કરી વડાના શરણે આવવું પડયું હતું. અને ભારતે ઉદારતા દાખવી એ ૯૦ હજાર પાકિસ્તાની સૈનિકોને પાછળથી મુક્ત પણ કરી દીધા હતા. એ યુદ્ધમાં પાકિસ્તાનની સેંકડો ચોરસ કિલોમીટર જમીન સિમલા કરાર હેઠળ ભારતે પાકિસ્તાનને પાછી પણ આપી દીધી હતી.
મિસ્ટર ઈમરાનખાન, એ વાત સમજી લે કે યુદ્ધના મેદાન અને ક્રિકેટ મેદાનની વચ્ચે બહુ મોટો ફરક છે.
ભારત સાથેનો વેપાર બંધ, એરસ્પેસ બંધ…
ઈમરાનખાને હવે માનસિક સમતુલા ગુમાવી દીધી છે
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરાતાં હચમચી ગયેલા પાકિસ્તાને ભારતના પાકિસ્તાન ખાતેના હાઈકમિશનરને પાકિસ્તાનમાંથી હાંકી કાઢયા છે અને ભારતમાંથી પોતાના હાઈકમિશનરને પાછા બોલાવી લીધા છે. ભારત સાથેનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે. ભારતનાં ઉતારુ વિમાનો માટે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કર્યું છે. લાગે છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને માનસિક સમતુલા ગુમાવી છે. જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન હિસ્સો છે. તે અંગે ભારતે શું કરવું તે ભારતની આંતરિક બાબત છે, પાકિસ્તાનની નહીં. બોખલાઈ ગયેલા ઈમરાનખાન તેમના જ પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાનની અને તેમના સિંધ પ્રાંતની સમસ્યાની ચિંતા કરે, પાકિસ્તાનની કંગાલિયતની ચિંતા કરે.
ઈમરાનખાન અમેરિકા ગયા ત્યારે એરપોર્ટ પર નાનો અધિકારી પણ તેમના સત્કાર માટે આવ્યો નહીં. આ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય વેલ્યૂ છે.
વેપારધંધા બંધ કરવાની જાહેરાત કરનાર પાકિસ્તાનને જવાબ આપવો હોય તો એક જ શ્રેષ્ઠ રસ્તો છે – ભારતમાંથી વહીને પાકિસ્તાનમાં જતી નદીઓનાં જળ ભારત રોકી લે.