Close

હુર્રિયતના નેતાઓ અબજોના આસામી કેવી રીતે બન્યા?

રેડ રોઝ | Comments Off on હુર્રિયતના નેતાઓ અબજોના આસામી કેવી રીતે બન્યા?

ભારતમાં આતંક ફેલાવવાનું કામ કરતા જૈશ-એ-મોહમ્મદ સંગઠન સામેના પ્રથમ યુદ્ધમાં ભારતનો વિજય થયો છે. સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આતંકવાદીઓનાં થાણાં નષ્ટ કરવામાં આવ્યાં છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત પાછા લાવવામાં ભારત સરકાર સફળ થઇ છે.

આ બધા જ સમયગાળા દરમિયાન પાકિસ્તાને ભારતીય પ્રજાનો આક્રોશ નિહાળ્યો છે. આતંકવાદી સરગના મૌલાના મસૂદ અઝહરને પાકિસ્તાને તેની સેનાના રક્ષણ હેઠળ છૂપાવી દીધો છે.

મસૂદ અઝહરની કિડની ફેલ થઈ ગઈ હોવાનું મનાય છે. તેણે નિયમીત ડાયાલિસીસ કરાવવું પડે છે. આ બધું હોવા છતાં પાકિસ્તાન હવે સુધરી જશે અને આતંકવાદ ખતમ થઈ જશે એવું માની લેવું ભારત માટે મુશ્કેલીઓ સર્જી શકે છે. આતંકવાદ એક વ્યક્તિ નહીં પરંતુ ધર્માંધ લોકોની ખતરનાક વિચારધારા છે. ઓસામા બીન લાદેન મરાયો તેથી આતંકવાદ ખતમ થયો નહીં. મસૂદ અઝહર પણ ઓસામા બીન લાદેનનો ચેલો જ છે. મસૂદ મરશે તો બીજો મસૂદ પેદા થશે.

ભારત માટે ચિંતાનો વિષય એ છે કે જમ્મુ અને કાશ્મીરમાં મસૂદ અઝહર અને પાકિસ્તાની એજન્ટોની બોલબાલા છે. જમ્મુ અને કાશ્મીરમાં માત્ર પાકિસ્તાની એજન્ટો જ નહીં પરંતુ અલગતાવાદી નેતાઓ પણ ભારત માટે રાષ્ટ્રદ્રોહીઓ છે. તાજેતરમાં જ ભારત સરકારે હુરિયત નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવાનું હિમ્મતભર્યું પગલું ભર્યું છે. આખા દેશે આ પગલાની સરાહના કરી છે.

અલગતાવાદી નેતાઓ સૈયદ અલી શાહ ગીલાની, મૌલવી મીરવાયઝ, ઉમર ફારૂખ, અબ્દુલગની બટ, બિલાલ લોન, યાસિન મલિક, હાશિમ કુરેશી અને શબ્બીર શાહ જેવાઓને મળતી સુરક્ષા અને સરકારી વાહનોની સુવિધા હવે ખત્મ થઈ ગઈ છે. જે લોકોની સુરક્ષા પાછી લઈ લેવામાં આવી છે, તેમાં ૨૩ ચહેરા હુર્રિયતના છે.

આ બધા જ અલગતાવાદી નેતાઓ ભારતને તોડવાનું અભિયાન ચલાવતા હતા. તેઓ પોતાને ભારતના નાગરિક પણ કહેતા નહોતા. કેટલાક તો પોતાને વિવાદાસ્પદ ક્ષેત્રના નેતા તરીકે ઓળખાવાની બદમાસી કરતા હતા. વળી કેટલાક પોતાને પાકિસ્તાની પણ કહેતા હતા. આવા અલગતાવાદી નેતાઓની સુરક્ષા વ્યવસ્થા જ સમાપ્ત કરવામાં આવે તે પર્યાપ્ત નથી. હજુ તેમની સામે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

હકીક્ત એ છે કે, હુર્રિયતના કેટલાક નેતાઓ ભારતની પ્રજાના પૈસે સુખ અને વૈભવમાં રાચતા હતા તે દરેક ભારતવાસીની છાતીમાં શૂળની જેમ ભોંકાતું હતું. આ નેતાઓને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાન તરફથી પણ હવાલા મારફતે નાણાં મળતાં હતાં.

હવાલા મારફતે પૈસા લેનાર આવા દસ શખ્સો સામે કેસ દાખલ કરી તેમની ધરપકડ પણ કરી છે. તેમાં શબ્બીર શાહનું નામ પણ સામેલ છે.

સવાલ એ છે કે હુર્રિયતના આ નેતાઓ પાસે કરોડોની સંપત્તિ આવી ક્યાંથી? આ અલગતાવાદીઓ બડી શાન અને શૌકતથી રહેતા હતા કેવી રીતે? હુર્રિયતના કેટલાક નેતાઓ પાસે અખૂટ સંપત્તિ છે. કેટલાકની પાસે સ્કૂલો અને હોસ્ટેલ્સ છે. કેટલાકની પાસે કરોડોની કિંમતના પ્લોટ્સ છે. દા.ત. યાસીન મલિક ૧૯૯૦માં રેંકડી ચલાવતો હતો. આજે શ્રીનગરના સહુથી વધુ મોંઘા બજાર લાલચોક વિસ્તારમાં તે બે તૃતિયાંશ જેટલી સંપત્તિનો માલિક છે. એની કિંમત રૂ.૧૫૦ કરોડ જેટલી આંકવામાં આવે છે. અહીની રેસીડેન્સી હોટલ પણ તેની માલિકીની છે.

શબ્બીર શાહની પહેલગામમાં હોટલ છે. એનઆઈએના ડોસિયરમાં અલગતાવાદી નેતાઓની નામી-બેનામી સંપત્તિઓનું વિસ્તૃત વિવરણ કરાયું છે. તે અનુસાર શબ્બીર શાહ પાસે કુલ ૧૯ જેટલી પ્રોપર્ટીઝ છે.

સૈયદ અલી શાહ ગિલાનીની મોટાભાગની સંપત્તિ તેના બે પુત્રોના નામે છે. તેમાં જમીનોના પ્લોટસ, સ્કૂલ અને મકાનોનો સમાવેશ થાય છે. એ સિવાય બીજા ૨૦ મોટા અલગતાવાદી નેતાઓ પાસે લગભગ ૨૦૦ જેટલી બેનામી પ્રોપર્ટીઝ છે.

ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહેલા આ તમામ અલગતાવાદી નેતાઓની સંપત્તિની તપાસ કરી બેનામી સંપત્તિ કાનૂન હેઠળ એ સંપત્તિઓ જપ્ત કરવી જોઈએ. એટલું જ નહીં પરંતુ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ પણ તેમની સામે દાખલ કરવો જોઈએ.

ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર આવા અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછળ વર્ષે દહાડે રૂ.૧૦.૮૮ કરોડનું ખર્ચ થયું હતું. એક માત્ર ઉંમર ફારૂખની સુરક્ષા પાછળ એક દાયકામાં રૂ. છ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.પ્રો.અબ્દુલ ગની બટની સુરક્ષા પાછળ એક દાયકામાં રૂ. ૨.૩૪ કરોડ, બિલાલ ગની લોનની સુરક્ષા  પાછળ રૂ. ૧.૬૫ કરોડ અને હાશિમ કુરેશીની સુરક્ષા પાછળ રૂ. ૧.૫ કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આમાંથી ૨૫ લોકોને ઝેડ પ્લસ અને લગભગ ૧૨૦૦ જેટલા નેતાઓને અલગ અલગ શ્રેણીની સુરક્ષા મળેલી હતી જે હવે સમાપ્ત કરી દેવામાં આવી છે.

આશ્ચર્યજનક વાત તો એ છે કે આ અલગતાવાદી નેતાઓ મોંઘા ઈલાજ માટે જમ્મુ અને કાશ્મીરની બહાર જાય તો તેમની હોટલમાં રહેવાનું ખર્ચ પણ સરકાર ઉઠાવતી હતી. આ નેતાઓ દિલ્હી આવે તો મોંઘી હોટલમાં ઉતરતા હતા. એક વાત તો એવી છે કે કાશ્મીરની કેટલીક હોટલોમાં તેમના રૂમ કાયમ માટે બુક રહેતા હતા.

મીરવાયઝને તો ઝેડ પ્લસ સુરક્ષા ઉપરાંત બુલેટપ્રૂફ કાર પણ આપવામાં આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે હુર્રિયતના આ નેતાઓએ કદીયે ખુલ્લા શબ્દોમાં ભારતમાં થતી આતંકવાદી ઘટનાઓની ટીકા કરી નથી. એથી ઉલટું ભારતનાં સુરક્ષા દળોને ખલનાયક કહેવાની ગુસ્તાખી કરતા રહ્યા છે.

ભારતનાં સુરક્ષા દળો આતંકવાદીઓ વિરોધી કોઈપણ કાર્યવાહી કરે તો આ અલગતાવાદી નેતાઓ તેનો વિરોધ કરતા હતા, આતંકવાદીઓના જનાજામાં ભાગ લેતા હતા અને ભારત વિરોધી નારાઓ પોકારાવતા હતા. એ લોકોએ ભારતીય જવાનો પર કરાતી પથ્થરબાજીનો કદી વિરોધ કર્યો નથી. સુરક્ષા દળો ક્યારેક પેલેટ ગન કે ટીયર ગેસનો ઉપયોગ કરતાં ત્યારે પણ આ લોકો તેનો વિરોધ કરતા હતા.

આવા અલગતાવાદી નેતાઓનું આ દેશમાં કોઈ સ્થાન હોઈ શકે નહીં. તેમની બેનામી સંપત્તિ જપ્ત કરી તેમની સામે કામ ચલાવવું જોઈએ અને જરૂર પડે તો જેલ ભેગા કરવા જોઈએ. એમની જેલ કાશ્મીરની નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરની હોવી જોઈએ.

ભારતના સુરક્ષા દળોને બદનામ કરવાનું કામ કરતા હુર્રિયતના નાગને કાયમ માટે નાથવા માટે તેમની સામે વધુ કડક પગલાં લેવાની જરૂર છે. માત્ર સુરક્ષા પાછી લેવાથી તેઓ સુધરવાના નથી.

www.devendrapatel.in

 

Be Sociable, Share!