Close

૪૦૦ વિમાનોએ ઈરાક પર ૧૦,૦૦૦ બોમ્બ વરસાવ્યા

રેડ રોઝ | Comments Off on ૪૦૦ વિમાનોએ ઈરાક પર ૧૦,૦૦૦ બોમ્બ વરસાવ્યા

૧ ૯૯૧માં અખાતના દેશો પૈકીના એક એવા ઈરાક સાથે ખેલાયેલા પ્રથમ ગલ્ફવોરની આ કહાણી છે.

અમેરિકાના પ્રેસીડેન્ટ બુશે ઈરાકને કુવૈત ખાલી કરવા આપેલા અલ્ટીમેટમની ડેડલાઈન તા.૧૭-૧-૧૯૯૧ના રોજ પૂરી થઈ. યુદ્ધ થાય તો ઈરાક કોઈપણ કારણ વગર ઈઝરાયેલ પર હૂમલો કરશે એવી કરાયેલી જાહેરાતથી ઈઝરાયેલમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં હતાં. ઈરાકના સંભવિત રાસાયણિક અને જંતુ યુદ્ધથી બચવા જેરૂસલેમના લોકોએ તેમના ઘરનાં બારીબારણાં બંધ કરી દીધાં. બારીબારણાંની તીરાડોને સેલો ટેપથી સીલ કરી દીધી.

આ તરફ અમેરિકાએ હાઈ ફિક્વન્સી જામીંગ ડીવાઈસથી ઈરાકનો કેટલોક સંદેશા વ્યવહાર જામ કરી દીધો. કુવૈત અને સાઉદી અરેબિયાની કેટલીક સરહદો પર બેઉ સૈન્યો વચ્ચે હવે માંડ ૧૭ કિલોમીટરનું અંતર રહ્યું. પ્રેસીડેન્ટ સદામ હુસેને તેમના લશ્કરી દળોની વચ્ચે જઈ તેમના સૈનિકોનો જુસ્સો વધાર્યો. ઈરાક પાસે ૪૦૦થી ૫૦૦ મિસાઈલો હોવાની ધારણા હતી અને તે બધી સાઉદી અરેબિયા તરફ તકાયેલી હતી. બીજી બાજુ અમેરિકાએ શરૂઆતમાં એફ-૧૭ સ્ટીલ્થ, એફ-૧૫ અને એફ-૧૬ વિમાનો ઈરાક પર પ્રહાર કરવા સજ્જ રાખ્યાં. અમેરિકા અને સાથીદળોએ ઈરાક પર રોજ બે હજાર જેટલા હવાઈ હૂમલા કરવાનો નિર્ણય કર્યો. દરિયામાં યુદ્ધ જાહાજો પર ઈરાક પર પ્રહાર કરવા ટોમહોક ક્રુઝ મિસાઈલો તૈયાર રાખી. એની સાથે હજારો અમેરિકનો અને બ્રિટીશ નાગરિકોએ તેમનાં દેશોનાં શહેરોમાં ‘ઓઈલ માટે લોહી ના વહેવડાવો’ એવા મતલબનાં સૂત્રો સાથે દેખાવો કર્યા.

છેવટે અખાતમાં આગ લાગી જ ગઈ. ડેડલાઈન પૂરી થઈ. ઈરાકે કુવૈત ખાલી ના કર્યું. તા.૧૭મી જાન્યુઆરી, ૧૯૯૧ની મધરાતે ઈરાકીઓ જ્યારે મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે પરોઢિયે ૩-૪૦ વાગે અમેરિકા અને તેના સાથીદળોનાં ૪૦૦ જેટલાં યુદ્ધ વિમાનોએ ઈરાક પર ચઢાઈ કરી. યુદ્ધ વિમાનોના ઘુરકાટથી બગદાદ ધ્રુજી ઉઠયું. પહેલા દિવસની રાતના હવાઈ હૂમલામાં અમેરિકા, બ્રિટન, કુવૈત અને સાઉદી અરેબિયાનાં યુદ્ધ વિમાનોએ ભાગ લીધો.

રાતના આ સામૂહિક હવાઈ હૂમલામાં ઈરાકનાં એર બેઝ, રેડિયો મથક, ટીવી સ્ટેશનો અને ૬૭ જેટલી ઓઈલ રિફાઈનરીઓને લક્ષ્ય બનાવામાં આવ્યાં. પ્રથમ હવાઈ હૂમલામાં જ બગદાદમાં વીજળી ડૂલ થઈ ગઈ. ઈરાકનો સંદેશા વ્યવહાર જામ થઈ ગયો. અમેરિકાએ તેના નૌકા યુદ્ધ જહાજ પરથી ઈરાક પર એક ક્રૂઝ મિસાઈલ પણ છોડી.

પેન્ટેગોનના લશ્કરી અધિકારીઓએ બીજા દિવસે સવારે વિગતો મેળવી. અમેરિકા અને તેનાં સાથી દળોનાં યુદ્ધ વિમાનોએ વારંવાર હૂમલા કરી ઈરાકનાં ૬૭ જેટલાં સ્થળો પર ૧૦ હજાર બોમ્બ વરસાવ્યા હતા. જે દારૂગોળાનું વજન ૧૮ ટન જેટલું થતું હતું.

યુદ્ધના ભયથી બગદાદના કેટલાક લોકો તો શહેર ખાલી કરી બીજે ચાલ્યા ગયા હતા. બાકીના લોકો હાથમાં સુટકેસો લઈ શહેર છોડતા જણાયા. યુદ્ધનું કવરેજ કરવા ગયેલા વિશ્વભરના પત્રકારો બગદાદની અલ મન્સુર હોટલમાં રોકાયા હતા.

પ્રેસીડેન્ટ સદામ હુસેન જીવે છે તેવી જાહેરાત કરવામાં આવી. હવાઈ હૂમલા છતાં બગદાદનું રેડિયો મથક હજુ ચાલુ હતું. લંડન ખાતેના ઈરાકના એલચી પ્રેસ બ્રીફીંગ વખતે લગભગ રડવા જેવા થઈ ગયા.

જો કે ઈરાકના પ્રેસીડેન્ટ સદામ હુસેને જાહેરાત કરી હવે હું આશ્ચર્યજનક શસ્ત્રો વાપરીશ. તેમનો ઈશારો જંતુ યુદ્ધ અને કેમીકલ વેપન્સ તરફનો હતો.

અમેરિકાને હજુ દહેશત હતી કે ઈરાક પાસે શાયદ અણુબોમ્બ છે. વાત એમ હતી કે ૧૯૭૭ની સાલથી ઈરાકે ફ્રાન્સની બનાવટનું એક ન્યુક્લિયર રિએક્ટર નાંખવાની શરૂઆત કરી હતી. આ પ્રોજેકટ સંશોધન માટેનો હોવાનું ઈરાકે જણાવ્યું હતું. આ સ્થળ બગદાદથી ૧૭ કિલોમીટર દૂર દક્ષિણ-પિૃમમાં અલ-તુવાઈયા ખાતે હતું. પાછળથી ખબર પડી કે ઈરાક આ સ્થળે પ્લુટોનિયમની મદદથી અણુબોમ્બ બનાવવા માંગતું હતું. ૧૯૮૨માં ઈરાકે ઈટાલી સ્થિત એક દાણચોરને ૬૦ મિલિયન ડોલર ચૂક્વીને પ્લુટોનિયમ અને એનરિચ્ડ યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો હતો. પણ બન્યું એવું કે કહેવાતા ન્યુક્લિયર સ્મગલરે ઈરાક પાસેથી પૈસા લઈ લીધા પણ બદલામાં ઈરાકને કાંઈ જ ના આપ્યું.

તે પછી ઈરાકે ન્યુક્લિયર કલબમાં જોડાઈને યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો. આ મટીરિયલ તેણે બ્રાઝીલ, ચીન અને નાઇજીરિયા પાસેથી મેળવ્યું હોવાનું કહેવાતું હતું. બીજી કેટલીક ટેકનોલોજી તેણે બ્રિટનની એક ખાનગી પેઢી પાસેથી ખરીદી. કેટલાક ઈલેક્ટ્રોનિક કેપેસીટર્સ કે જે ઈરાક લઈ જવાના હતાં તે લંડનના હિથરો એરપોર્ટ પરથી પકડાઈ ગયા જેનો ઉપયોગ ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે કરવાનો હતો.

જો કે અમેરિકા હજુ ઈરાકના અણુબોમ્બ શોધી રહ્યું હોવા છતાં હજુ તેને ઈરાક પાસેથી છૂપાં ન્યુક્લિયર શસ્ત્રો મળ્યાં નહોતાં.

આ તરફ અમેરિકા અને તેનાં સાથી દળોનાં યુદ્ધ વિમાનો ૧૮ ટન દારૂગોળો બગદાદ પર ઝીંકી ચૂક્યા હતાં. ઈતિહાસનું આ મોટામાં મોટું હવાઈ આક્રમણ હતું. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વનાં આટલા બધા દેશોના સાથી દળો પહેલી જ વાર આટલી મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં.

આટલા મોટા હવાઈ હૂમલાથી બગદાદ ટાવરિંગ ઈન્ફર્નો બની ગયું. વિજાણુ સંચાલીત પિન-પોઈન્ટ બોમ્બિંગથી ઈરાકના ડિફેન્સ કોમ્યુનિકેશન સેન્ટરને ઉડાવી દેવાયું. સંદેશાવ્યવહાર સિસ્ટમ ઠપ થતાં ઈરાકનાં રડાર મથકો અને ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ પણ ઠપ થઈ ગયાં.

બગદાદમાં ઠેરઠેર માનવ-લાશો પડી હતી.

ઈરાક માટે બીજી રાત પણ ભયાવહ રહી. વિમાનોના અવાજથી બાળકો ડરી ગયાં. સાયરનોની ચીસોથી બગદાદના લોકો ધ્રુજી ઊઠયા. સંખ્યાબંધ લોકો ઈરાક છોડી નજીકના દેશ જોર્ડન જતા રહ્યા અને ઈરાકના પ્રેસિડેન્ટ સદામ હુસેન પોતાની જાતને બચાવવા ગુપ્ત બંકરમાં ચાલ્યા ગયા.

વિશ્વનું આ પ્રથમ હાઈટેક વોર હતું. અને એ જ રીતે વિશ્વનું આ પ્રથમ ટેલીવિઝન પર નિહાળાયેલું યુદ્ધ હતું. અમેરિકાની વિખ્યાત ટીવી કંપનીઓ જેવી કે એબીસી, એનબીસી, સીએનએન અને બ્રિટનની બીબીસી જેવી ન્યઝચેનલોએ તેમના પત્રકારો અને કેમેરામેનોને સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, ઈઝરાયેલ, જોર્ડન વગેરે દેશોમાં મોકલી આપી હવાઈ યુદ્ધનાં જીવંત દૃશ્યો ઉપગ્રહો મારફતો મોકલી આપ્યાં. પ્રેસિડેન્ટ બુશ પણ યુદ્ધનાં જીવંત દૃશ્યો જોઈ વિચારમાં પડી ગયા. અમદાવાદમાં પણ સી બેન્ડ ડિસ્ક એન્ટેના ધરાવતા ટીવી શોખીનોએ અમેરિકાની ચોવીસે કલાક ચાલતી ટીવી ચેનલો પરનાં યુદ્ધનાં જીવંત દૃશ્યો તેમના ડ્રોંઈગરૂમમાં બેઠાં બેઠાં પહેલી જ વાર નિહાળ્યાં.

(ક્રમશઃ)

Be Sociable, Share!