પરિતૃપ્તિ [ટૂંકી વાર્તા ]Devendra Patel
Close

પરિતૃપ્તિ [ટૂંકી વાર્તા ]

અન્ય લેખો, રેડ રોઝ | Comments Off on પરિતૃપ્તિ [ટૂંકી વાર્તા ]

જૂનાપુરાણા ખંડિયેર જેવા મંદિરના અવશેષ આથમતા સૂર્યને એકધારી રીતે વર્ષોથી જોતાં આવ્યાં હતાં.

 આંબલીઓનાં ઊંચાં ઝાડોથી ઢંકાયેલા અને ગામથી દોઢ-બે ફલાંગ દૂર આવેલા આ ખંડિયેરના રૂપરંગ નોખા હતા. આમ તો ગામનો ખરાબો અને ગૌચર હોઈ દિવસે ગામના કોઈ રડયાખડયા ગોવાળિયા ત્યાં બપોરની નિંદર ખેંચી કાઢતા. જૂની મજબૂત અને વર્ષોના તાપ, તડકો અને વરસાદથી ઘેરી બનેલી પથ્થરોની દીવાલ અને છતો હજુ સાબૂત હતી. આજુબાજુની કેટલીક તૂટેલી દીવાલોએ મંદિરની પૌરાણિક ભવ્યતાનો ઈશારો કરી જતા હતા. અલબત્ત, એની ઉપર પણ ઊગી ગયેલું જંગલી ઘાસ સુકાઈ ગયું હોવા છતાં હવામાં ફરફરી રહ્યું હતું.

અને વર્ષો બાદ આ ખંડિયેર આજે હસી રહ્યાં હતાં.

પેલી સામેની ઘેરી દીવાલ પર કોતરેલી પૂતળીઓ જાણે કે નાચી રહી છે…એમના પગે બાંધેલાં ઝાંઝર ઝમકી રહ્યાં છે અને આ બાજુ જૂના ગોખલાની ઉપર ઉપસાવેલું મૃદંગ આપોઆપ બજવા માંડયું. તબલાં અને કરતાલનો ધ્વનિ પણ ઉમેરાયો…માથા ઉપરના ઘુમ્મટમાં શોભતો ચંદરવો ચક્કર ચક્કર ફરવા લાગ્યો. વ્યાપી રહેલા અંધકારને દૂર કરવા માટે આપોઆપ મશાલો પ્રગટી રહી. માતાના ખંડમાંથી પૂજાપાઠના સ્વરો સંભળાવા લાગ્યા…દૂર પેલા પથ્થર પર પડેલું ખાલી નગારું ધ્રૂજી રહ્યું….અને એથીયે વિશેષ ચારે-કોર સેંકડો લોકોથી ઉભરાયેલા મેળાનો અવાજ લહેરાતા સાગરના ધ્વનિની યાદ આપી રહ્યો….

મંદિરનો પથ્થર પથ્થર આજે ખુશ હતો.

વર્ષો બાદ એક વ્યક્તિએ આ મંદિરના તૂટેલાં-ફૂટેલાં પગથિયાં પર પગ મૂક્યો હતો. એના એક હાથમાં હેન્ડ બેગ અને બીજા હાથમાં ટોર્ચ હતી. ખભે કેમેરા લટક્તો હતો. એ પણ દૂરના એક ગામડાનો પણ શહેરમાં ભણેલોગણેલો અને પુરાતત્ત્વ ખાતામાં સરકારી નોકરીએ હમણાં જ ચડેલો એક તરવરિયો યુવાન હતો.

સમીર જેમ જેમ ખંડિયેરની ભીતર જતો ગયો તેમ તેમ તે કોઈ ચિત્રવિચિત્ર ભાવ અનુભવતો ગયો.

હજુ પૂરું અંધારું થયું નહોતું. સંતાઈ રહેલી સંધ્યાના આછા ઉજાસમાં પણ એ દીવાલો પરની પૂતળીઓને જોઈ વધુ આકર્ષાયો.

તેણે પોતાનો હાથ એ પથ્થરની પૂતળીઓના પગે અડકાડયો…પણ ઓહ! આ શું? તેનો હાથ કોઈ પથ્થરને અડવાને બદલે કોઈ સ્ત્રીના હૂંફાળા રેશમી પગને અડક્યો હોય તેવો ભાસ થયો.આૃર્યસહિત તેણે પોતાના હાથ ફરીથી ત્યાં જ અડકાડયા પણ એ જ અનુભવ. તે પોતાના હાથ પૂતળીના પગની ઉપર પ્રસારી રહ્યો…અને જાણે કે કોઈ વસ્ત્ર અડક્યું હોય એમ એના હાથ અટકી ગયા. અને વસ્ત્ર પણ કેવું? લીલા રંગના રેશમી ઘાઘરામાં ભરત ભરેલાં ચમકદાર પુષ્પો…કેડમાં લટક્તો ચાંદીનો કંદોરો…અધખૂલી ગોરી કમર તો જાણે કે પારદર્શક હતી. ડૂંટી તો રત્નજડિત જણાતી હતી.

સમીરે સહેજ નજર ઉપર કરી.

‘વાહ’ તેનાથી બોલાઈ જવાયું.

ઘડુલા શા માંસલ વૃક્ષઃસ્થળ પર ઢંકાયેલી ગુલાબી ચોળી એનું રૂપ ઢાંકવા માટે નાકામયાબ હતી…ગળાની ગોરી ત્વચા પર પેલો કાળો તલ જુદો જ તરી આવતો હતો.અને સમીર જાણે કે ગમ ખાઈ ગયો. કદી ન કલ્પેલું એ સ્વરૂપ, એ સૌંદર્ય જોઈ તે ચક્તિ થઈ ગયો, એ નક્શીદાર મોં પરના પ્રત્યેક અંગનો ઉઠાવ આગવો હતો. અપ્સરાને પણ શરમાવે એવું એનું તેજ હતું.

એ આંખો સમીર સામે મંડાઈ. અને સમીરને તો થયું કે તે આખો જ એ નયનોના ઊંડાણમાં ઊતરી પડયો. એને આંખો સિવાય બીજું કંઈ દેખાતું નથી.પણ એટલામાં તો પેલા નાના-નાના અધરો ખૂલ્યા. એમાંથી હળવે હળવે રેલાતા સ્મિતમાં સમીર નહાઈ રહ્યો.માથે ઓઢેલી ચુંદડીની પારદર્શક્તા એના માથામાં રહેલા સિંદૂરને વારેવારે છતું કરતી હતી.ન સમજી શકાય તેવા છતાં આત્મીય ભાવ સાથે સમીર એકીટશે એની તરફ જોઈ રહ્યો.અંધારામાં પણ આટલું તેજ વેરતી એ પરી ક્યાંથી ઊતરી આવી એનું બુદ્ધિગમ્ય પાસું તપાસવાનું તેને સૂઝયું નહીં. હાથમાંથી ટોર્ચ ક્યારે પડી ગઈ તેની સમીરને ખબર નહોતી.

“સમીર!”

મધુર સ્વરે પોતાનું નામ પોકારાતાં સમીર હસી પડયો. અને એ ઉચ્ચારણના જવાબમાં તેણે અદબથી મસ્તક નમાવ્યું.

“સમીર! મને ઓળખે છે?”

“ના.” સમીરે ખૂબ જ સ્વાભાવિક ભાવે પ્રત્યુત્તર આપ્યો.

“ઓહ ગાંડા.” તું બધું જ ભૂલી ગયો…અરે હા, પણ તને ક્યાંથી યાદ હોય…તું તો એ વખતે કશું સમજતો પણ નહોતો.”

“શું સમજતો નહોતો?”

“તું સાવ બાળક હતો….સમીર…સાંભળ. અહીંથી થોડેક દૂર કનકપુરના રાજાનું રાજ્ય હતું…આ વાત સૈકાઓ પૂર્વેની છે.”

વાતનો આરંભ થતાં સમીર નાના બાળકની જેમ સામે બેસી ગયો.

“મહારાજા ઘણા ઉદાર દિલ અને બહાદુર હતા. દુઃખ એમને માત્ર સંતાનનું હતું. માતાજીની એમણે બાધા રાખી અને રાત-દિવસ આ જ મંદિરે પૂજાપાઠ કરવા આવતા…છેક મોટી ઉંમરે બાધા ફળી અને એમને ઘેર દીકરો અવતર્યો. દીકરો મોટો થયો…ખૂબ જ લાડ અને દોલત વચ્ચે તે ઊછરતો હતો. એમ કરતાં કરતાં એ જુવાન પણ થઈ ગયો. ઠેરઠેરથી માગાં આવ્યાં…પણ રાજકુમાર ઈન્કાર કરતો જ રહ્યો.

આખરે એક દિવસે ખબર પડી કે, રાજકુમાર કોઈ ગણિકાની સાથે ગાઢ સંબંધમાં છે. મહારાજાએ તપાસ કરાવડાવી. વાત સાચી નીકળી. મહારાજા ખૂબ જ ગુસ્સે થયા. રાજકુમારની ચારે બાજુ સખત પહેરો મૂકી દીધો અને અન્યત્ર એમના લગ્નનો બંદોબસ્ત ગોઠવી દીધો. બળજબરીથી એમને પરણાવી દેવડાવવામાં આવ્યા.

પણ પેલી ગણિકાએ એનો વ્યવસાય હવે બંધ કરી દીધો હતો. તેણે જાહેરમાં નીકળવાનું પણ સદંતર બંધ કર્યું. કેમ કે એને ખબર પડી ગઈ કે તે સગર્ભા હતી. એના ઉદરમાં રાજકુમારનો અંશ હતો. એના આખરી દિવસોમાં અણીના વખતે તે અહીં દોડી આવી. આ જ મંદિરમાં ગણિકાને દીકરો અવતર્યો. તે બેભાન બની. ફરી તે જાગી ત્યારે દીકરો સલામત હતો. આખરે તો માએ દીધેલ દીકરો હતો ને! પણ મહારાજાના માણસોને ખબર પડતાં તેઓ અહીં દોડી આવ્યા. એ દીકરાને ઉઠાવી ગયા. ગણિકાને ખતમ કરી નાંખી. પણ તે મરી નહોતી. તે આજે પણ જીવે છે. એના દીકરાની રાહ જોતી ઊભી છે. સમીરની રાહ જોતી ઊભી છે.”

સમીર સ્તબ્ધ થઈ ગયો. પૂતળાની જેમ તે જમીન સાથે સજ્જડ ચોંટી ગયો હોય એવો ભાવ અનુભવી રહ્યો.

તેના હોઠ સહેજ ફફડયા.

“આવ સમીર! આવ બેટા.”

“મા.” સમીરથી બોલી જવાયું.

“બેટા” ગણિકા પોકારી રહીઃ “તેં ખૂબ રાહ જાવડાવી.”

અને સમીર ક્ષણે ક્ષણે નાનો થતો હોય એવો અદ્ભુત ભાવ અનુભવી રહ્યો. તેને થયું કે, તે તદ્ન બાળક બની રહ્યો છે. તેની બુદ્ધિ અને લાગણીઓની પુખ્તાનાં પડળ ઊથલવા માંડયાં. તે નાનકડા બાળકની જેમ જયાં બેઠો હતો ત્યાં જ આળોટી રહ્યો. તેના હાથનો અંગૂઠો મોંમાં હતો.

તે ઊંચકાયો અને કોઈ હૂંફાળી ગોદમાં લેટી રહ્યો. ચોળીના બંધ ખૂલે એ પહેલાં તો દૂધની ધારાથી ચોળી ભીની ભીની થઈ ગઈ…એને એ મુગ્ધા નાનકડા સમીરને માથા પર હાથ ફેરવતી સ્તનપાન કરાવી રહી…આજે તેના મોં પર પરિતૃપ્તિની રેખાઓ હતી…અને સમીર એ ખોળામાં જ ઊંઘી ગયો.

સવારે એને કોઈ ઢંઢોળીને ઉઠાડી રહ્યું તે જાગ્યો. જોયું તો ગોવાળિયા જેવા બે-ચાર આદમી તેની બાજુમાં ઊભા હતા. તે બેઠો થયો. તેની હેંડબેગ, કેમેરો અને ટોર્ચ દૂર પડયાં હતાં…અવળા ફરીને નજર ફેંકી…પેલી પૂતળી દીવાલમાંથી તૂટીને નીચે પડી હતી.

એ પૂતળીને ખૂબ જ વહાલથી ઉઠાવીને હેન્ડબેગમાં મૂકી, અને ગોવાળો સાથે કોઈ જ વાતચીત કર્યા વિના તે ચાલતો થયો.

DEVENDRA PATEL

www.devendrapatel.in

Be Sociable, Share!