Close

‘અભિનય સમ્રાટ’: લોકો તેમનાં ઓવારણાં લેતાં

ચીની કમ | Comments Off on ‘અભિનય સમ્રાટ’: લોકો તેમનાં ઓવારણાં લેતાં

તા.૪ જાન્યુઆરી ગુજરાતના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની પુણ્યતિથિ ગઈ. તેઓ માત્ર અભિનેતા જ નહોતા પરંતુ જીવનના ઉત્તરાર્ધના જાહેર જીવનમાં આવ્યા. ચૂંટણી લડયા. મંત્રી પણ બન્યા અને પોતાના મત વિસ્તારમાં નમૂનેદાર કામ પણ કર્યું. તેઓ નિયમિત સાબરકાંઠામાં પોતાના મતવિસ્તારમાં જતા. લોકોના પ્રશ્નો સાંભળતા. તેની નોંધ રાખતા અને સચિવાલયમાં આવી એમના વાજબી પ્રશ્નોના ઉકેલની એકનોંધ પણ રાખતા. ઉપેન્દ્ર ત્રિવેદી માત્ર નેતા કે અભિનેતા જ નહોતા. તેઓ ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસુ પણ હતા. અનેક લોકકથાઓ તેમને મોંઢે હતી. તેઓ એેક વિદ્વાન વક્તા પણ હતા. જાહેરજીવનમાં ઝંપલાવ્યું અને ચૂંટણી પ્રવચનો કરવા જાય તો તેમની સભામાં સ્વયં ૫૦ હજારની જનમેદની ઊભરાઈ જતી અને તે પણ ૧૯૮૦ના ગાળામાં એટલે કે આજથી ૪૦ વર્ષ પૂર્વે ગાંધીનગરમાં એમના બંગલે ક્યારેક કાઠિયાવાડના ડ્રેસમાં બેઠા હોય તે રીતે શોખથી માત્ર ક્યારેક હૂકો ગગડાવતા જોવા મળતા.અમદાવાદના જયશંકર સુંદરી હોલમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર હતા. એક્ટર દિલીપકુમાર પણ હતા. ગુજરાતી ઉદ્ઘોષકે કહ્યું કે, ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતના દિલીપકુમાર છે. એ સાંભળી દિલીપકુમાર પણ આૃર્યથી તેમને જોઈ રહ્યા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી સ્ટેજ કે સ્ક્રીનની બહાર પણ ડાયરાના માનવી હતા. તેમની સાથે વાતો કરવી કે વાતો સાંભળવી તે એક લહાવો હતો. તેઓ માત્ર ગુજરાતી સાહિત્યની જ નહીં પરંતુ ‘વોશિંગ્ટન પોસ્ટ’ નામના અંગ્રેજી અખબારના તંત્રી કેથરીન ગ્રેહામની વાત પણ કરતા : હિંમતનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન પત્રકારો માટે તેમણે કેથરીન ગ્રેહામનું વિધાન ટાંકીને એક સરસ વાત કરી હતી : ‘અમે (પત્રકારો) અહીં નથી તો લોકપ્રિયતા માટે કે નથી તો સન્માન પામવા માટે. અમે અહીં એટલા માટે છીએ કે લોકો અમારામાં વિશ્વાસ મૂકે’

ઉપેન્દ્ર ત્રિવેદીએ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા હતા. તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.  ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ૧૯૩૬માં થયેલો. તેમનું કુટુંબ ઈડર નજીકના કુકડિયા ગામનું વતની હતું. તેમના માતા-પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા.

મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં કરી અને સતત ૪૦ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા. શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો, મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં આવી ભૂમિકાઓ ભજવેલી.

તેમને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવીન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ (૧૯૭૧)માં મળી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેનો અભિનય જોઈને રવીન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફ્ળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું.

તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું. તેમનું માનવીની ભવાઈ (૧૯૯૩), ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારિત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા વિક્રમ સંવત ૧૯૫૬ (ઇ.સ. ૧૯૦૦)ના ભીષણ દુષ્કાળ અને ભૂખમરા સામે લડતા માનવીઓની વ્યથા વર્ણવે છે. તેમણે મનુભાઈ પંચોળીની ‘ઝેર તો પીધાં જાણી જાણી’ નામક નવલકથા પર આધારિત એ જ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું.

તેમણે ગુજરાતી નાટક ‘અભિનય સમ્રાટ’માં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી. આ ઉપરાંત ‘પારિજાત’,’આતમને ઓઝલમાં રાખ મા’ જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે ફ્રેન્ચ ફ્લ્મિ ‘ફેની’ પરથી રેતીનાં રતન નામક એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટયસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા.

ઉપેન્દ્ર ત્રિવેદી ૧૯૮૦માં ગુજરાત વિધાનસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને, રાજકારણમાં જોડાયા. તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦થી ૧૯ જુલાઈ, ૨૦૦૨ સુધી ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો. તેઓએ ‘ગુજરાતી ફ્લ્મિ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી.

તેમની જાણીતી ફિલ્મોમાં (૧) જેસલ તોરલ (૨) મહાસતી સાવિત્રી (૩) માબાપને ભૂલશો નહીં (૪) પાતળી પરમાર (૫) માણેકથંભ (૬) સદેવંત સાવળીગા, (૭) રાજા ગોપીચંદ્ર (૮) ભાદર તારા વહેતા પાણી (૯) હલામણ જેઠવો (૧૦) સોનકંસારી (૧૧) હોથલ પદમણી (૧૨) માલવપતિ મુંજ અને (૧૩) વીર માંગડાવાળો છે.

ઉપેન્દ્ર ત્રિવેદીની સાથે નજીક રહી તેમના પડછાયાની જેમ તેમના મિત્ર અને સાથી રહેલા પ્રફુલ ઉપાધ્યાય શું કહે છે તે વાંચો : ‘ઉપેન્દ્ર ત્રિવેદી : મેઘવ્યક્તિત્વના સ્વામી આદર્શ સફળ, સરળ જીવન ઘેઘુરો અવાજ વિદ્વતા પૂર્ણ શ્રેષ્ઠ વક્તા ઉપેન્દ્ર ત્રિવેદી નામ કાને પડતાં જ બહુમુખી વ્યક્તિ ઊભરી આવે. કોઈ જેસલ જાડેજામાં જુએ કોઈ માંગડાવાળામાં કોઈ ભતૃહરિમાં કોઈ પોતાના તારણહારમાં કોઈ નેતૃત્વવા સફળ પ્રતિનિધિ તરીકે યાદ રાખે કોઈ સાહિત્યકાર તરીકે કો કવિ તરીકે એમ એક અનેક કાર્યો, કાર્યોક્ષેત્રમાં પોતાની અમીર છાપ છોડી દરેકના દિલમાં અદકેરું સ્થાન ઊભું કરનાર ઉપેન્દ્ર ત્રિવેદી એક પ્રેરણાદાયી, આદર્શ જીવન જીવ્યા.

રોમેરોમમાં પ્રમાણિક્તા, પોતાના ભાગે આવેલા કે સ્વીકારેલા કામને પૂરી લગનથી એમાં ઓતપ્રોત થઈ એને પૂર્ણ ન થાય ત્યાં સુધી શાંતિ ના અનુભવે. સમયના પાબંધ નહીં, સમય પહેલાં જ પહોંચી જવાનું. આપણા માટે કોઈને રાહ જોવી પડે એ ના ચાલે, મોડા થઈ રાહ જોવડાવવાથી આદત અને પોતે ઘણા વ્યસ્ત છે એવું બતાવી ખોટી મોટાઈ બતાવી એમને જરાય ગમતી નહીં. જેમને સમય આપ્યો છે જેના માટે સમય ફાળવ્યો છે એ કામ ભલે એ નાનું હોય કે મોટું એનો જરાય વિચાર કર્યા વગર સરળતાથી કાર્ય કે કાર્યક્રમને કોઈને અંગત મળવાનું હોય સમય પહેલાં અને પૂરેપૂરો સમય વ્યતિત કરી એ સરળતાના દર્શન કરાવતા. ક્યાંક ધાર્યા પ્રમાણે પરિણામ ન પણ મળ્યાનો એને ધીરજથી વળગી રહ્યા. ક્યાંક નિષ્ફળતા પણ મળી ત્યારે અતિખિન્ન પણ થયા પણ ખિન્નતાના પ્રસંગો ઓછા અને પરોપકાર માટેના ધરેલા ભેખમાં પણ એ સુપર નહીં મેઘાસ્ટાર પુરવાર થયા. અજાતશત્રુ એવા ઉપેન્દ્રભાઈનું જીવન એકદમ સરળ અને નિરાભિમાની, તીવ્ર યાદશક્તિ જેને એક વખત મળ્યા હોય એને વર્ષો પછી મળે ત્યારે નામ સાથે અને ક્યારે મળ્યા હતા એનું એમને યાદ હોય. ભ્રષ્ટાચારનો તો વિચાર ના જ કરી શકાય. કોઈની પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા વગર ગાંઠના પૈસે, પોતાના પ્રભાવનો લોકોપયોગી કાર્યો માટે નિસ્પૃરભાવે ઉપયોગ કરી નાનામાં નાના કામ માટે દરેક અધિકારી કે અમલદારને સરળતાપૂર્વક આદર અને વિવેક સાથે વિનવી અનેક મુશ્કેલ કે અટકેલા કાર્યો સહજતાથી કરાવવાની કોઠાસૂઝ એમનું સૌથી મોટું અને અગત્યનું પાસું હતું.

આ કામ એમણે ફિલ્મમાં બખૂબી નિભાવ્યું. એમના શબ્દોમાં કહીએ તો ઘણીવાર જ્યાં સુધી એ ઐતિહાસિક પાત્રને અનુરૂપ પોતે ના થાય ત્યાં સુધી દિવસરાત એમાં પરોવાઈ પોતાની જાતને ભૂલી જતા, બારીકી સાથે એને ન્યાય મળે ત્યાં સુધી જંપતા નહીં અને એટલે જ એમણે ભજવેલા ઐતિહાસિક પાત્રોવાળી ફિલ્મો ગુજરાતી ફિલ્મનો સુવર્ણ સમય બન્યાં.

ગુજરાતી ચલચિત્રો, નાટયક્ષેત્રે અનેક ઐતિહાસિક પાત્રોને ઉપેન્દ્રભાઈએ એમની ગરીમાને અનુરૂપ જીવંત કર્યાં. ગુજરાતી સિનેમાનો એ સુવર્ણ કાળ બન્યો. ઉપેન્દ્રભાઈના જીવનનો અતિ વ્યસ્ત અને સફળતાનાં શિખરો પર પહોંચાડનાર તબક્કો લોકહૃદયમાં સોંસરવો ઊમટી ગયો. જ્યાં જાય ત્યાં લોકો ઓવારણાં લેતા અને એ એમના જીવનના અંતિમ સમય સુધી બરકરાર રહ્યો. આવું બનવાના કારણો અનેક રહ્યાં પરંતુ સૌથી મહત્ત્વનું કારણ એમનું નિરાભિમાની પણું.

સિનેમા, નાટકોમાં ઐતિહાસિક પાત્રોને આત્મસાત કરી બખૂબી ભજવવાની સાથે લોકજીવન, રીતરિવાજો, રહેણીકરણી, વિવિધ બોલીઓ, પહેરવેશ, લોક સાહિત્ય, લોકગીતો, કવિઓ અને કાવ્યો, એમ દરેક ક્ષેત્રે ઊંડાણપૂર્વક ખેડાણ કર્યું. અને એનો સમયોચિત જાહેરજીવનમાં છેવટ સુધી મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને જ્ઞાનપિપાસુ સાહિત્ય રસિકોને પોતાની પાસેના જ્ઞાનથી તરબતર કર્યા. જ્યાં બોલાવ્યા ત્યાં ગયા ત્યારે તેમના જાદુઈ અવાજ અને જ્ઞાનના અદ્ભુત સમન્વયથી દરેકને મંત્રમુગ્ધ કર્યા અને આ બધા સેશન, જ્ઞાનસત્રો, સંબોધતા સભાઓ ચિરસ્મરણીય અને ઉત્તમ દરજ્જાનાં બની રહ્યાં. એમની રહેલી પરખ શક્તિ, સેન્સ ઓફ હ્યુમર ગજબની હતી. સભા અને સામેવાળા શ્રોતાઓ પ્રમાણે એમના અખૂટ જ્ઞાનના પિટારામાંથી જ્ઞાન રસની હેલી વરસાવતા, ખોટી ખુશામત, ખોટા આડંબરો એમને પસંદ ન હતા એ ખરા અર્થમાં ભાગ્યના ભેરુ હતા. મિત્રોના જિગરજાન યાર હતા એ અજાતશત્રુ હતા. એમની લોકપ્રિયતાને એમણે કદાપિ પોતાના ઉપર સવાર થવા દીધી ન હતી. સરળ વ્યક્તિત્વ એમને લોકહૃદયમાં સદાય જીવંત રાખી ગયું છે. એના અનેક ઉદાહરણો અને એમની રાજકીય જીવન બાદના જીવનસાથી તરીકે હું એનો સાક્ષી રહ્યો છું ‘: પ્રફુલ ઉપાધ્યાયની કેફિયત અહીં પૂરી થાય છે.

તા. ૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ મુંબઈમાં તેમના નિવાસસ્થાને તેમનું અવસાન થયું. તેઓ ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત હતા.

Be Sociable, Share!