Close

આકાશમાંથી ધીમું મોત શહેરો પર વરસી રહ્યું છે

ચીની કમ | Comments Off on આકાશમાંથી ધીમું મોત શહેરો પર વરસી રહ્યું છે

પહેલાં દેશનું પાટનગર દિલ્હી ગાઢ પ્રદૂષણની ચાદર હેઠળ ઢંકાઈ ગયું. દેશમાં દિલ્હી સહિત વિવિધ શહેરો પર ફેલાયેલા પ્રદૂષણના કારણે વિશ્વભરમાં ભારતની ઈમેજ ખરડાઈ છે. તાજેતરમાં જ નાસાની અર્થ ઓબ્ઝરવેટરીએ લીધેલી તસવીરમાં ઉત્તર ભારત પર પ્રદૂષણયુક્ત સ્મોગની સફેદ ચાદર છવાયેલી જણાઈ છે. તેની અસર દિલ્હીમાં રહેતા વિવિધ દેશોના રાજદૂતો પર પણ પડી છે. કોસ્ટારિકાના ભારત ખાતેના રાજદૂત મારિયેલા ક્રુઝ શ્વાસની તકલીફથી બચવા દિલ્હી પરના પ્રદૂષણથી બચવા દિલ્હી છોડી બેંગ્લુરુ જતા રહ્યા છે. થાઈ દૂતાવાસે બેંગકોકને વિનંતી કરતા નવી દિલ્હીને ‘મુશ્કેલીવાળી પોસ્ટ’ ગણવા જણાવ્યું છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેડિયાના અંદાજ મુજબ એકમાત્ર દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણથી પ્રતિ વર્ષ ૨૫થી ૩૦ હજાર લોકો વિવિધ બીમારીઓના ભોગ બની મૃત્યુ પામે છે. પોલ્યુશન એક સાઈલન્ટ કિલર છે.
દિલ્હી પછી એક દિવસ અમદાવાદ શહેરના લોકો સવારે ઊઠયા ત્યારે એમણે ધૂંધળું વાતાવરણ જોઈ મૂંઝવણ અનુભવી : ”આ શિયાળાનું ધૂમ્મસ છે કે વાદળ ?” લોકોની આંખો બળવા લાગી. વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. વાહનચાલકોને બધું ઝાંખું ઝાંખું દેખાવા માંડયું અને મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું કે અમદાવાદ શહેરમાં પ્રદૂષણની માત્રા ભયજનક સ્થિતિએ છે.
સ્મોગ સિટી ?
આવું કેમ ? દેશનાં અનેક શહેરો સાથે અમદાવાદના લોકો પણ તેમનું શહેર સ્માર્ટ બને તેનો ઈંતેજાર કરી રહ્યા હતા ત્યારે આ શહેર સ્માર્ટ સિટી બનવાના બદલે ‘સ્મોગ સિટી’- ધૂમાડિયું શહેર કેમ બની ગયું ?
અહમદશાહ બાદશાહે શહેર વસાવતા પહેલાં સાબરમતીના કિનારે ડેરો નાખ્યો હતો. એક સસલાને કૂતરાની પાછળ પડેલું જોઈ અહીં શહેર વસાવવાનો-વસવાનો વિચાર આવ્યો હતો. શાયદ સાબરમતીની આસપાસના પ્રાકૃતિક વાતાવરણનો જ એ કરિશ્મો હતો કે જ્યાં કૂતરાં પણ સસલાંથી ડરતાં હતાં. આજે આ શહેરની નદીના કિનારેથી સસલાં ગુમ છે અને શહેરમાં કૂતરાંનો ત્રાસ છે. દર વર્ષે શહેરમાં હજારો લોકોને કૂતરાં કરડી જાય છે. કૂતરાંના ત્રાસના નિવારણ માટેના વપરાતા પૈસા કોણ ખાઈ જાય છે તેની ખબર નથી.
પીરાણાનો ટેકરો
શહેરના તબીબો એ વાત સારી રીતે જાણે છે કે, આ શહેર વસવાટને લાયક નથી. સૌથી પહેલાં પ્રદૂષણની વાત. સુએઝ ફાર્મ અને પીરાણાનો ટેકરો સૌથી વધુ કચરાના પર્વતો ધરાવે છે. તેમાં શહેરભરની ગંદકી, કચરો, મરેલાં પ્રાણીઓનાં શબોનો સમાવેશ થાય છે. તેને જ્યારે કોઈ સળગાવે છે ત્યારે તેમાંથી નીકળતો ધૂમાડો નારોલ, ઓઢવ, લાંભાથી માંડી પાલડી-જુહાપુરામાં રહેતા લાખો લોકોને દુર્ગંધ અને નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર કરી દે છે. હવે એ ધૂમાડો આખા શહેરને બાનમાં લે છે. આકાશમાંથી ધીમું ઝેર વહે છે. બીજા શબ્દોમાં એમ જ કહોને કે અમદાવાદ પર આકાશમાંથી મોત વરસે છે. લોકોનાં ફેફસામાં એકઠું થતું એ ધીમું ઝેર નાગરિકોને બીમાર, અશક્ત અને ઝડપથી મોત તરફ ઢસડી જાય છે. નાના કુમળા બાળકોનાં ફેફસાં આ પ્રદૂષણ સહન કરવા તૈયાર હોતાં નથી. રોડ અકસ્માતોથી થતાં મોત કરતાં પણ પ્રદૂષિત હવાથી થતાં મોતનો આંકડો મોટો છે.
શાસકો જવાબદાર
આ માનવ સર્જિત હોનારત છે. આ માટે શહેરનું મ્યુનિસિપલ કોર્પોરેશન, તેના અધિકારીઓ અને તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદાર છે. કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેટરોને મ્યુનિસિપલ ઓફિસોમાં આર્િથક ફાયદો થાય તેવી ફાઈલોના નિકાલમાં જ રસ હોય છે. તેઓ ભાગ્યે જ પ્રજાની વચ્ચે જાય છે. આ બધાને એરકંડિશન્ડ ચેમ્બર્સમાંથી બહાર કાઢવા જોઈએ. એમ નહીં થાય ત્યાં સુધી તેમની આંખ નહીં ઊઘડે.
ધૂળેટાબાદ તરીકે ઓળખાતું
અમદાવાદ શહેરની મ્યુનિસિપાલિટીના પહેલા પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એ વખતે અમદાવાદ શહેર ધૂળેટાબાદ તરીકે ઓળખાતું હતું. શહેરના રસ્તા ધૂળિયા હતા. પોળોમાં કૂવા હતા. પોળોમાં લાંબા સાપ નીકળતા. સાપ પકડવા ચીપિયા રાખવા પડતા. આ પરિસ્થિતિ જોઈ સરદાર સાહેબ શહેરમાં ઘણો બધો બદલાવ લાવ્યા. ઊંદરોના ત્રાસથી શહેરમાં પ્લેગ ફેલાયો હતો. હજારો લોકો મોતને ભેટી રહ્યા હતા. પોતાના ચોકઠામાં જ મરેલા લોકોના અગ્નિ સંસ્કાર કરવા પડતા હતા. એ વખતે ઘણાંએ સરદાર સાહેબને પ્લેગથી બચવા અમદાવાદ છોડી દેવા સલાહ આપી, પરંતુ સરદાર સાહેબે શહેર છોડયું નહીં. તેમણે ઊંદરોને મારવાની જંતુનાશક દવાઓની વ્યવસ્થા કરી. રખડતાં કૂતરાં પકડીને તેમને મારી નાખવાની યોજના બનાવી. ઘણા જીવદયાવાળાઓએ વિરોધ કર્યો એટલે સરદાર સાહેબે કહ્યું : ”કૂતરાં વહાલાં લાગતાં હોય તો તમારા ઘરમાં રાખો.”
સરદાર સાહેબનું પ્રદાન
સરદાર સાહેબે અમદાવાદ શહેરની શિકલ બદલી નાખી. શહેરમાં પહેલી ગટર અને પાણીના નળ તેઓ લાવ્યા. શહેર સ્વચ્છ બનાવ્યું. મિલ મજૂરોની મહિલાઓને ખાટલાની આડશમાં ખુલ્લામાં નહાતી જોઈને તેમણે શહેરમાં પ્રથમ જાહેર બાથરૂમ અને ટોઈલેટ્સ બનાવડાવ્યા. લોકોના આનંદ-પ્રમોદ માટે કાંકરિયા તળાવ વિકસાવ્યું. શહેરમાં પહેલાં એકમાત્ર ગાંધી રોડ હતો. તેની પરનો ટ્રાફિક હળવો કરવા રિલીફ રોડ બનાવડાવ્યો. પોળોમાંથી ધનવાનોને તેમની બગીઓ બહાર મૂકવા ફરજ પાડી. અમદાવાદ શહેરમાં પહેલું રેડિયો સ્ટેશન લાવ્યા. વા. સા. હોસ્પિટલ લાવ્યા.
આજનું અમદાવાદ
અને હવે ? એક જમાનામાં શહેરનાં બાળકો મફતમાં કાંકરિયાનો નજારો જોઈ શકતાં. હવે કાંકરિયા કિનારે જવાના પૈસા આપવા પડે છે. તમામ સડકો પર ટ્રાફિક જામ છે. હજારો લોકો જાહેરમાં શૌચ કરે છે. લાખો વાહનો ઝેરી ધૂમાડા ઓકે છે. સુએઝ ફાર્મ પાસેનો પીરાણાનો ટેકરો અમદાવાદ શહેરની બદસૂરતીનો મોટામાં મોટો નમૂનો છે. સાબરમતીમાં ઝેરી રસાયણોવાળું પાણી ઠાલવવામાં આવે છે. અંગ્રેજોના જમાનામાં ધૂળેટાબાદ તરીકે ઓળખાતું આ શહેર હવે ‘અરાજકતાબાદ’ છે. જાપાનના વડા પ્રધાનને માત્ર રિવરફ્રન્ટ બતાવવાના બદલે પીરાણાનો ટેકરો પણ બતાવવો જોઈએ. સાબરમતીના કોતરોમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પણ બતાવવી જોઈએ. વૈષ્ણોદેવી સર્કલ કે નારોલ સર્કલ પાસે સાંજે થતો ટ્રાફિક જામ બતાવવો જોઈએ. શહેરના ૬૦ લાખ માણસો નોકરી-ધંધેથી છૂટયા પછી સાંજે સમયસર ઘરે પહોંચી શકતા નથી પાંચ કિલોમીટરનું અંતર કાપતાં પોણો કલાક લાગે છે. કરોડોના બળતણનો ધૂમાડો થાય છે અને શિયાળામાં શહેરના શ્વાસ કાળી મેસ ચાદર હેઠળ રુંધાય છે. સરદાર સાહેબે આ શહેરને આબાદ કર્યું. આજના શાસકોએ શહેરને બરબાદ કર્યું.
માત્ર વોટબેન્ક ખાતર રાજકારણીઓને શહેરનું નામ બદલવામાં રસ છે, શહેરની શિકલ બદલવામાં નહીં

Be Sociable, Share!