Close

આપણી ભાષા કથીર હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઇએ

ચીની કમ | Comments Off on આપણી ભાષા કથીર હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઇએ

ગુજરાતની પ્રજાને આજથી ૧૦૦ વર્ષ પૂર્વેના રાજકીય ઇતિહાસની બહુ ઓછી ખબર છે. ઐતિહાસિક રીતે ૧૯૧૭નું ગયું વર્ષ ઘણું મહત્ત્વનું હતું. ખેડા સત્યાગ્રહ, અમદાવાદનો મિલ મજૂર સભાગૃહ, ચંપારણ સત્યાગ્રહ, રેંટિયાની શોધ વગેરે ઘટનાને એક સૈકો થયો.

એ બધામાં એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી : ૧૯૧૭માં મળેલી ગુજરાતની પહેલી રાજકીય પરિષદ. પહેલી ગુજરાતની રાજકીય પરિષદ તા. ૩, ૪, ૫ નવેમ્બર, ૧૯૧૭ના દિવસોમાં પંચમહાલના ગોધરા ખાતે મળી હતી. આ પરિષદનું કાર્યક્ષેત્ર ગુજરાત પૂરતું સીમિત હોવા છતાં તેમાં લોકમાન્ય ટિળક, વરાડના રાજા ખાપરડે તથા મોહંમદ અલી ઝીણાએ પણ હાજરી આપી હતી.

લઘુતાગ્રંથિ છોડો

તા. ૩ નવેમ્બર, ૧૯૧૭ના રોજ બપોરે બે વાગે ૫૦૦ મહિલાઓ અને ૧૦,૦૦૦ની જનમેદની સાથે યોજાયેલી એ પરિષદનું પ્રમુખ સ્થાન દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા ગાંધીજીએ સંભાળ્યું. તેઓ શરૂઆતમાં જ બોલ્યા હતા : ”મને આ ઉચ્ચ પદ (પ્રમુખ સ્થાન) આપ્યું તે માટે આપ સૌનો હું આભાર માનું છું. અહીંના રાજકારણમાં હું અઢી વર્ષનો બાળક છું. (ગાંધીજી તા. ૯ જાન્યુઆરી, ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા). દક્ષિણ આફ્રિકાના મારા અનુભવ પર હું અહીં વ્યાપાર કરી શકતો નથી. એક સૂત્ર છે કે, જે વખત અને વચન નહીં સાચવે તેને સ્વતંત્રતા નહીં મળે. આપણે બે વાગે કાર્ય શરૂ કરવાના હતા તેના બદલે આપણે તો પોણો કલાક મોડું શરૂ કર્યું છે તેથી આપણને જ્યારે પણ સ્વરાજ્ય મળવાનું હશે તે કરતાં પોણો કલાક મોડું મળશે.”

આ રાજકીય પરિષદની નોંધપાત્ર વાત એ હતી કે પહેલી રાજકીય પરિષદમાં ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારીના શિરસ્તાનો છેદ ઉડાડી દીધો. ઇ.સ. ૧૯૧૭ સુધી ભારતમાં કોંગ્રેસ કે અન્ય સભાઓની શરૂઆત ‘Long live the Emperor’ કહી એક ઠરાવ કરી બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે વફાદારી દર્શાવવાની પ્રણાલિકા હતી. શિરસ્તો ગાંધીજીએ ગોધરામાં તોડયો. ગાંધીજીએ કહ્યું : ”કશા કારણ વગર આવો ઠરાવ પસાર કરી આપણે આપણી લઘુતા દેખાડીએ છીએ. અંગ્રેજો એમની પરિષદોના પ્રારંભમાં આવો ઠરાવ કરતા નથી.”

આ પછી બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે વફાદારી દર્શાવતા ઠરાવની બીજી રાજકીય પરિષદો અને કોંગ્રેસના અધિવેશનોમાં બાદબાકી થઇ ગઇ.

અસ્પૃશ્યતા એક કલંક

પરિષદમાં ગાંધીજીનું ભાષણ સૈકાઓથી સમાજના અત્યાચારોનો ભોગ બનેલા અંત્યજો માટે નોંધપાત્ર હતું. તેમણે કહ્યું કે, ”અંત્યજોનો એક જુદો વર્ગ હોય તે હિંદને માટે કલંક છે, નાત-જાત એ બંધારણ છે, પાપ નથી, પરંતુ અસ્પૃશ્યતા એ તો પાપ છે, સખત ગુનો છે અને હિંદુસ્તાન જો આ નાગનો સમયસર નાશ નહીં કરે તો એ એને ભરખી જશે. અંત્યજોને હિંદુ ધર્મથી અળગા હરગીઝ ન માનવા જોઇએ. તેમની સાથે હિંદુ સમાજના પ્રતિષ્ઠિત માણસોની જેમ વર્તવું જોઇએ.”

સ્વદેશી ભાષાના સંદર્ભે ગાંધીજીએ કહ્યું હતું કે, ”બહારની-પરદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગની થઇ શકતી નથી. આપણી ભાષા કથીર હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઇએ ? આ પરિષદમાં ગાંધીજીએ બીજા વક્તાઓને પણ આગ્રહપૂર્વક ગુજરાતીમાં ભાષણ કરાવડાવ્યું હતું.

જોકે ગાંધીજીની આ સફળતામાં જ મોહંમદ અલી ઝીણા અને ગાંધીજી વચ્ચે વૈચારિક વૈમનસ્યતાનું બીજ વવાયું હોવાનું રાજમોહન ગાંધી માને છે.

ભાષણો અંગે ગાંધીજી

ગાંધીજીએ આ પરિષદમાં એક મહત્ત્વપૂર્ણ વાત કહી : ”સ્વરાજ્ય વિના હિંદુસ્તાનમાં શાંતિ સંભવ નથી, પરંતુ જો આપણે સ્વરાજ્ય માટેની ચળવળ માત્ર સભાઓ ભરીને જ કરીએ તો પ્રજાને હાનિ થવાનો સંભવ છે. મેળાવડા અને ભાષણો યોગ્ય સ્થળે અને યોગ્ય વખતે જ શોભી શકે છે પણ માત્ર મેળાવડા કે ભાષણોથી પ્રજા ઘડાતી નથી.”

રેંટિયો મળ્યો

ગાંધીજીનું રચનાત્મક શાસ્ત્ર ‘રેંટિયો’ની શોધ પણ ગોધરા પરિષદની ફળશ્રુતિનો એક ભાગ હતી. ગાંધીજીએ કહ્યું હતું : ”આ બહેન (ગંગાબહેન)નો વિશેષ પરિચય મને ગોધરાની પરિષદમાં થયો. મારું દુઃખ મેં તેમની પાસે મૂક્યું ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમજ રેંટિયાની પાછળ ભમવાનું પ્રણ (પ્રતિજ્ઞા।) લઇ તેમણે મારો ભાર હળવો કર્યો. ગુજરાતમાં સારી પેઠે ભમ્યા પછી ગાયકવાડના વિજાપુરમાંથી ગંગાબહેનને રેંટિયો મળ્યો.”

આમ રેંટિયાની શોધ પાછળ પણ ગોધરાની પરિષદ નિમિત્ત બની.

શતાબ્દી સ્મરણ

‘શતાબ્દી સ્મરણ : પહેલી ગુજરાત રાજકીય પરિષદ- ગોધરા, ૧૯૧૭’ શીર્ષક હેઠળનું એક સુંદર પુસ્તક લખનાર લેખક સંપાદક ડો. અરુણ વાઘેલા અને સહ સંપાદકો પ્રો. વિનોદ ગાંધી તથા ડો. ગૌતમ ચૌહાણે ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદ અંગે સુંદર સંશોધન કર્યું છે. તેમાં તેમણે કરેલા સંશોધનાત્મક અભ્યાસની ફળશ્રુતિમાં જણાવવામાં આવ્યું છે કે, ”ગાંધીજીની માફક ગાંધીજીની જેમ સરદાર પટેલ અને બીજા કાર્યકર્તાઓ પણ આ રાજકીય પરિષદના પ્રભાવથી પેદા થયા. સરદાર પટેલને ગુજરાતવ્યાપી નેતા તરીકે ઉપસાવવામાં ગોધરા પરિષદ મદદરૂપ નીવડી. આ પરિષદ પછી રચાયેલા કાર્યકારી મંડળના સરદાર પટેલ મંત્રી બન્યા. તેથી વેઠપ્રથા વિરુદ્ધના ઠરાવનો અમલ કરાવવા માટે પણ તેમની જવાબદારી વધી. ગાંધીજીના અંગત મંત્રી મહાદેવ દેસાઇ આ રાજકીય પરિષદ પછી તરત જ જોડાયા. ઇંદુલાલ યાજ્ઞિાક, શંકરલાલ બેન્કર પણ અહીંથી જ પ્રેરણા પામ્યા. ટૂંકમાં ગોધરાની પરિષદ નેતાઓ અને કાર્યકર્તાઓ તૈયાર કરનારી પ્રયોગશાળા પુરવાર થઇ. રાજકીય પરિષદના છેલ્લા દિવસે દલિતોના વિસ્તારમાં મળેલા મેળાવડાને અંત્યજ પરિષદનું નામ મળ્યું. ગોધરામાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણના ઇતિહાસમાં ક્રાંતિકારી કામ કર્યું.

પરિષદનું મહત્ત્વ

ગોધરા પરિષદના મહત્ત્વને સમજાવતા ઇંદુલાલ યાજ્ઞિાકે કહ્યું હતું : ”ગુજરાતની રાજકીય તવારીખમાં ગોધરાની રાજકીય પરિષદ સીમાચિહ્નરૂપ બની હતી. જાગૃત થયેલી પ્રજાએ અને એના નવા નાયકોએ ગોધરામાં મળીને ગાંધીજીએ કુમકુમ તિલક કરી ગુજરાતની આગેવાની અર્પણ કરી. ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહ કરીને, આફ્રિકાની ગિરમીટીઓ પ્રથા રદ કરાવીને અને વિરમગામની જકાત બંધ કરાવીને ચમત્કાર કર્યો. આવા ત્રિવિધ વિજયથી તેમણે સિદ્ધ કરેલા કર્મયોગનો મંત્ર તેમણે ગોધરામાં સાદી બોલીમાં ફરી ફરીને આપ્યો.”

ગુજરાતના નવેસરના ઘડતરનું બીજ જ્યાં રોપાયું તેવી ગોધરાની પહેલી રાજકીય પરિષદ ગુજરાતના રાજકીય ઇતિહાસનું એક સોનેરી-ઊજળું પ્રકરણ છે. ગુજરાતની નવી પેઢીને આ પહેલી ઐતિહાસિક રાજકીય પરિષદ-૧૯૧૭થી વાકેફ કરવી જોઇએ.

‘શતાબ્દી સ્મરણ’ પુસ્તકના લેખક-સંપાદક ડો. અરુણ વાઘેલા, સહસંપાદકો પ્રો. વિનોદ ગાંધી અને ગૌતમ ચૌહાણે આ સંશોધનો ગ્રંથસ્થ કરીને સરાહનીય કાર્ય કર્યું છે

દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!