Close

આપ સબ યહ દેખને આયે હૈ, હારા હુઆ અટલ કૈસા લગતા હૈ ?

ચીની કમ | Comments Off on આપ સબ યહ દેખને આયે હૈ, હારા હુઆ અટલ કૈસા લગતા હૈ ?

અટલજી વિદાયને એક વર્ષ થયું.  તેમના જીવનની કેટલીક  લાગણીભીની અને હળવી વાતો અહીં પ્રસ્તુત છે.

ભારતના લોકપ્રિય  વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી આજે હયાત હોત તો દેશભરમાં ખીલી ઉઠેલા કમલને જોઇ અત્યંત ખુશ હોત.

અટલજી એક  અદ્ભુત વ્યક્તિ હતા. તેમની પાસે સુમધુર વાણી હતી, કવિ  પણ હતા અને પ્રખર વકતા પણ હતા. સંસદમાં વિપક્ષમાં રહ્યા અને સત્તાધારી પક્ષના નેતા તરીકે પણ રહ્યા. વિપક્ષના નેતા તરીકે તેમના વાકબાણ તીખા છતાં ગૌરવપૂર્ણ રહેતા. અટલજીને વડા પ્રધાન બનાવાયા  ત્યારે તેમને માત્ર ‘મહોરું’ કહેનારા આજે ગુમ છે જ્યારે દેશના તમામ લોકો અટલજીને આજે યાદ કરે છે.

મુંબઇની સભામાં

વર્ષો પહેલાંની એક વાત છે.

મુંબઇના શિવાજી પાર્કમાં ભાજપની એક જાહેરસભાનું આયોજન થયું હતું. ૧૯૮૪ની સામાન્ય ચૂંટણીઓ બાદ આ મેદાનમાં વાજપેયીજીને સાંભળવા ભારે જનમેદની ઉમટી હતી.

અટલજી જેવા બોલવા ઊભા થયા ત્યાં જ આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠયું. તાળીઓની ગુંજ ઓછી થતાં અટલજીએ શરૂ કર્યું : ‘મુઝે પતા હૈ આપ સબ યહ દેખને આયે હૈ કી હારા હુઆ અટલ કૈસા લગતા હૈ?’

અને સભામાં એક મિનિટ માટે સન્નાટો ફેલાઇ ગયો.

વાત એમ હતી કે એ વખતના વડા પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ દેશમાં જે સામાન્ય ચૂંટણીઓ થઇ તેમાં ભાજપાને બે જ સીટ મળી હતી અને પાર્ટી બહુ ખરાબ રીતે હારી ગઇ હતી. એ ચૂંટણીમાં કોંગ્રેસે ૪૨૬ જેટલી બેઠકો કબજે કરી લીધી હતી. તે પછીની આ પ્રથમ જાહેરસભા હતી.  પક્ષ હારી ગયો હતો પરંતુ અટલજીની લોકપ્રિયતા અકબંધ હતી.

હારની જવાબદારી સ્વીકારી

આ ચૂંટણી  પછી પક્ષમાં હાર્ડલાઇનર અને હિંદુત્વના રસ્તે જવા પર જોર વધવા માંડયું હતું. સંઘની ઇચ્છાથી એલ.કે. અડવાણીની ભૂમિકા અને હિસ્સેદારી વધી હતી. એ વખતે અટલજી સહેજ હાંસિયામાં ધકેલાવા માંડયા હતા.

પરંતુ એ ચૂંટણી બાદ દિલ્હી ફિરોજશાહ કોટલા મેદાનમાં ભાજપાની મળેલી એક બેઠકમાં ફરી અટલજીએ કહ્યું: ‘હમ મરને કે બાદ ભી ઝિંદા હોના જાનતે હૈ.’ માર્ચ ૧૯૮૫માં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક કોલકત્તામાં મળી હતી. એ બેઠકમાં ભાજપના પ્રમુખ તરીકે અટલજીએ ચૂંટણીમાં હારની જવાબદારી પોતાના માથે લીધી હતી અને કહ્યું હતું : ‘ચુનાવમેં હારકી જિમ્મેદારી મૈં લેતા હું ઔર મૈં કુછ ભી સજા ભુગતને કો તૈયાર હું.’

પરંતુ અટલજીના પ્રસ્તાવને પક્ષની કારોબારીએ ફગાવી દીધો હતો.

તે પછી મે ૧૯૮૬માં એલ. કે. અડવાણીને ભાજપાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

‘બીજેપી- કલ આજ ઔર કલ’ પુસ્તક લેખક ત્રિવેદીએ લખ્યું છે કે નેતૃત્વમાં બદલાવ ભલે દિલ્હીમાં ખાસ રીતે લાવવામાં આવ્યા પરંતુ એ પરિવર્તનનો આદેશ નાગપુરમાં આવેલા સંઘના મુખ્ય હેડક્વાર્ટર પરથી આવ્યો હતો.

અટલજીની રમૂજ

પરંતુ અટલજી એ અટલજી હતા. એમની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો નહોતો.

અટલજી માત્ર પ્રખર વક્તા જ નહોતા કેટલીકવાર પોતાની જાત પર પણ રમૂજ કરી લેતા હતા. અટલજી અપરિણીત હતા. એક વાર દિલ્હીમાં એક મહિલા પત્રકારે અટલજીન ે પૂછયું : ‘અટલજી ! આપને શાદી ક્યોં નહીં કી ?’

અટલજીએ જવાબ આપ્યો : ‘અચ્છી પત્ની કી તલાશ મેં.’

‘વહ મિલી કયા ?’

‘હા મિલી.’

‘તો ઉસસે શાદી ક્યોં નહીં કી ?’

અટલજીએ કહ્યું: ‘ઉસેભી અચ્છે પતિ કી તલાશ થી.’

કયાં કરું ?

અટલજી વડા પ્રધાન રહ્યા કે ના રહ્યા પરંતુ તેમના વ્યક્તિત્વમાં કોઇ ફરક પડયો નહોતો. દિલ્હીમાં બહુમતી પ્રાપ્ત કરવામાં તેમની સરકારે રાજીનામું  આપી દેવું પડયું. તે પછી તેઓ એક રાજ્યની સ્કૂલમાં ગયા. સ્કૂલના બાળકો તેમને જોઇને ખુશ થઇ ગયા. અટલજી સ્કૂલમાં કાંઇક દાન આપવા માગતા હતા. પણ તેમની પાસે ખિસ્સામાં ઝાઝા પૈસા નહોતા. તેમણે સ્કૂલ માટે થોડાક જ રૂપિયા આપીને  બાળકોને સંબોધતાં બોલ્યા હતા : ‘કયા કરું? તુમ્હારે મામા કી નોકરી ચલી ગઇ હૈ?’

અટલજી વિપક્ષમાં હતા ત્યારે એક વાર ગુજરાતના  ચૂંટણી પ્રવાસે આવ્યા હતા. તેઓ કારમાં બેસીને કપડવંજ વિસ્તારમાં ચૂંટણી પ્રવાસે ગયા હતા. તેઓ પક્ષના એક એવા સામાન્ય કાર્યકરના ઘેર રોકાયા હતા કે જેના ઘરમાં  સોફા પણ ફાટેલા હતા. કારણ કે પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હતી અને એક સામાન્ય કપ રકાબીમાં જ તેમણે ચા પીધી હતી. ઘરમાં તમામ સભ્યોને તેઓ નામથી જાણતા હતા. ટૂંકમાં  અટલજી પક્ષના નાનામાં નાના અને વફાદાર કાર્યકરો સાથે કાયમી સંબંધ નિભાવતા હતા.

આવા નિર્મળ, નિખાલસ અને ઉત્કૃષ્ટ હતા અટલજી.

DEVENDRA PATEL

Be Sociable, Share!